ડાયાબિટીઝ ફક્ત એક રોગ નથી. એની સાથે જોડાયેલાં ઘણાં કૉમ્પ્લીકેશન અને રિસ્ક છે જેમાંથી દરદીએ પસાર થવું પડે છે. એ ન થવું પડે એ માટે અમુક કાળજી અનિવાર્ય છે. ડાયાબિટીઝમાં ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે.
ડૉ. મીતા શાહ
ડાયાબિટીઝ ફક્ત એક રોગ નથી. એની સાથે જોડાયેલાં ઘણાં કૉમ્પ્લીકેશન અને રિસ્ક છે જેમાંથી દરદીએ પસાર થવું પડે છે. એ ન થવું પડે એ માટે અમુક કાળજી અનિવાર્ય છે. ડાયાબિટીઝમાં ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ખવાય અને અ ન ખવાય એવી જાણકારી લોકો પાસે હોય છે પરંતુ એના મૅનેજમેન્ટમાં ફક્ત ખાનપાનનું ધ્યાન રાખવાથી પતી જતું નથી. એ સિવાયની પણ અમુક બાબતો જરૂરી છે જેમ કે જરૂર હોય તો વજન ઉતારો. વજન વધુ હોય તો ડાયાબિટીઝ વકરે છે. જો ડાયાબિટીઝ આવ્યા પછી પણ તમે વજન ઓછું કરો છો તો એના પર ઘણી સારી અસર થાય છે.
ડાયાબિટીઝના મૅનેજમેન્ટમાં ઊંઘનું મહત્ત્વ ઘણું છે. જો તમે ઓછું ઊંઘશો કે અપૂરતી ઊંઘ લેશો તો તમને વધુ ભૂખ લાગશે અને તમે વધુ કૅલરીયુક્ત ખોરાક ખાશો. આ સિવાય પણ અપૂરતી ઊંઘને કારણે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થવાની સંભાવના છે જે તમારા ડાયાબિટીઝને કન્ટ્રોલ બહાર કરી શકે છે. આ સિવાય અપૂરતી ઊંઘથી હાર્ટ-ડિસીઝનો ખતરો પણ વધે છે જે ડાયાબિટીઝને કારણે તો વધવાનો જ છે.
ADVERTISEMENT
આ સિવાય ઍક્ટિવ બનો. દરરોજની એક કલાકની એક્સરસાઇઝ ખૂબ મહત્ત્વની છે એટલું જ નહીં, એની સાથે નાનું અંતર હોય તો ચાલી નાખવું, દાદર ચડવા કે વજન ઉપાડવું જેવી નાનીમોટી ઍક્ટિવિટી કરતા જ રહેવી જરૂરી છે. જો તમે સતત ટેબલ-ખુરશી કે સોફા પર બેસવાવાળી વ્યક્તિ હો તો તમારો ડાયાબિટીઝ વકરવાની શક્યતા ઘણી છે. એટલે ઍક્ટિવ બનવું જ રહ્યું.
તમારે સ્ટ્રેસને મૅનેજ કરવું જરૂરી છે. સ્ટ્રેસ ન લેવું એવું કહીએ તો એ પ્રૅક્ટિકલ નથી. સ્ટ્રેસ વગરનું જીવન આપણી કલ્પના બહારનું છે. એ આવવાનું ઓછું નહીં થાય પરંતુ આપણે એને લેવાનું ઓછું કરવું પડશે. ડાયાબિટીઝ જેવો રોગ જો તમને આવ્યો છે તો તમારે તમારું આખું જીવન અને જીવનશૈલી બધું બદલવું જરૂરી છે. એની શરૂઆત પ્રાણાયામ, યોગ અને ધ્યાનથી કરી શકો છો.
આ સિવાય મીઠું ઓછું કરવું. અહીં મીઠું એટલે કે સૉલ્ટ કે નમકને ઓછું કરવાની વાત છે. તમને ડાયાબિટીઝ છે એનો અર્થ એ છે કે તમને હાઇપરટેન્શન આવવાની શક્યતા ઘણી વધારે હોઈ શકે છે. આ બન્ને રોગ ભેગા ન થાય એની જવાબદારી તમારે લેવાની છે. જો બન્ને રોગ એકસાથે આવે જે મોટા ભાગના લોકોને આવે જ છે તો તમારા પર કૉમ્પ્લીકેશનનું રિસ્ક ઘણું વધી જાય છે. સ્મોકિંગ કોઈ પણ વ્યક્તિએ પકડવું જ ન જોઈએ, છોડવાની તો વાત દૂર રહી. પરંતુ જરૂરી છે કે જો તમને ડાયાબિટીઝ હોય તો-તો તમે આ આદત ન જ અપનાવો અને હોય તો તરત છોડી દો.


