આજે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ
નવી મુંબઈમાં ગઈ કાલે શફાલી વર્માએ જોરદાર બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. તસવીર : અતુલ કાંબળે
બન્ને દેશ વચ્ચેના છેલ્લા ૧૧ મુકાબલામાંથી માત્ર એક જ વાર હાર્યા છે કાંગારૂઓ
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં આજે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની બીજી સેમી ફાઇનલ રમાશે. બપોરે ૩ વાગ્યાથી શરૂ થનારા ભારત અને સૌથી વધુ ૭ વાર ચૅમ્પિયન બનનાર ઑસ્ટ્રેલિયાની ટીમ વચ્ચેના આ મહામુકાબલા માટે ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. આ ટુર્નામેન્ટમાં બન્ને ટીમનો પર્ફોર્મન્સ જોતાં ઑસ્ટ્રેલિયા આજે ૧૦મી વાર ફાઇનલમાં પ્રવેશવા માટે ફેવરિટ ગણાય છે, પણ વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં બન્ને દેશ વચ્ચે છેલ્લે ૨૦૧૭માં થયેલી ટક્કરમાં ભારતનો વિજય થયો હતો.
ADVERTISEMENT
૨૦૧૭ની જીતમાંથી લેવી પડશે પ્રેરણા
ભારતીય ટીમે આજે ૨૦૧૭ની એ કમાલને યાદ કરવી પડશે. ૨૦૧૭ની સેમી ફાઇનલમાં ભારતે હરમનપ્રીત કૌરની ૧૧૫ બૉલમાં અણનમ ૧૭૧ રનની લાજવાબ ઇનિંગ્સના જોરે ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૨૮૧ રન બનાવ્યા હતા અને ઑસ્ટ્રેલિયા ૪૦.૧ ઓવરમાં ૨૪૫ રનમાં ઑલઆઉટ થઈ જતાં ૩૬ રનથી વિજય મેળવ્યો હતો અને ભારતે પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે બીજી વાર ફાઇનલમાં પ્રવેશવા માટે કૅપ્ટન હરમનપ્રીતે અને ટીમે એ જ પર્ફોર્મન્સને આજે દોહરાવવો પડશે.
શફાલી પર રહેશે ફોકસ
ઇનફૉર્મ ઓપનર પ્રતીકા રાવલ બંગલાદેશ સામેની છેલ્લી લીગ મૅચ દરમ્યાન ઇન્જર્ડ થતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી અને શફાલી વર્માને અણધાર્યો મોકો મળ્યો છે. હવે શફાલી આજે આ મોકાનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે એના પર સૌની નજર હશે. શફાલી ઉપરાંત કાંગારૂઓને ૧૦મી વાર ફાઇનલમાં પ્રવેશ કરતી રોકવા કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ પણ ધડાકો કરવો પડશે. જેમિમા રૉડિગ્સે પણ ફૉર્મ પાછું મેળવી લીધું હોવાથી તે પણ કાંગારૂઓને ભારે પડી શકે છે.
બન્ને ટીમની સફર પર એક નજર
લીગ રાઉન્ડમાં ૭માંથી ૬ મૅચ જીતીને ઑસ્ટ્રેલિયાએ સેમીમાં પ્રવેશ કર્યો હતો. તેમની એક મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી. જ્યારે ભારતે ૭માંથી ૩ જીત અને ૩ હાર સાથે ૭ પૉઇન્ટ લઈ ચોથો ક્રમાંક મેળવીને નૉકઆઉટ રાઉન્ડમાં એન્ટ્રી મારી હતી. ભારતની છેલ્લી મૅચ વરસાદે ધોઈ નાખી હતી.
લીગ રાઉન્ડમાં બન્ને ટીમ વચ્ચેનો જંગ પણ જોરદાર રહ્યો હતો. ભારતે હાઇએસ્ટ ૩૩૦ રન બનાવ્યા હોવા છતાં એક ઓવર બાકી રાખીને મૅચ ૩ વિકેટે જીતવામાં ઑસ્ટ્રેલિયા સફળ રહ્યું હતું.
સેમી ફાઇનલ ટક્કર, ભારત-આૅસ્ટ્રેલિયા ૧-૧
વીમેન્સ વર્લ્ડ કપની સેમી ફાઇલનમાં બે વાર ભારત અને ઑસ્ટ્રેલિયાની ટક્કર થઈ છે અને બન્ને એક-એક મૅચ જીતીને બરોબરી પર છે. ૧૯૯૭માં પ્રથમ સેમી ફાઇનલની ટક્કરમાં ઑસ્ટ્રેલિયાનો ૧૯ રનથી વિજય થયો હતો, જ્યારે ૨૦૧૭માં ભારતે બદલો લેતાં કાંગારૂઓને ૩૬ રનથી માત આપી હતી.


