ઍરલાઇનની બેદરકારીને લીધે મુંબઈના બે ગુજરાતી પરિવાર ૭ કલાકને બદલે ૪૮ કલાકે જમ્મુથી મુંબઈ પહોંચ્યા : માનસિક યાતના અને વધારાના આર્થિક ખર્ચ માટે વળતરની માગણી, પણ ઍરલાઇન તરફથી કોઈ જવાબ નહીં
જમ્મુ ઍરપોર્ટ પર ઍરલાઇનના સ્ટાફ સાથે ઊભેલા મુંબઈના બે ગુજરાતી પરિવારો.
ઘાટકોપર અને નવી મુંબઈથી વૈષ્ણોદેવી દર્શન કરવા ગયેલા બે ગુજરાતી પરિવારોની ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ વારંવાર ડિલે થઈ હતી. આ કારણે તેમણે માનસિક ત્રાસ અને આર્થિક ભાર સહન કરવો પડ્યો હતો એટલું જ નહીં, ફ્લાઇટ રદ થતાં તેમણે જમ્મુથી દિલ્હી સુધી ૧૨ કલાકનો બસ-પ્રવાસ કરવો પડ્યો હતો જેને કારણે આ બન્ને પરિવારોને જમ્મુથી વાયા દિલ્હી મુંબઈ પહોંચતાં ૭ કલાકને બદલે ૪૮ કલાક લાગ્યા હતા. આ બન્ને પરિવારોએ આ બાબતની ઍર ઇન્ડિયા એક્સપ્રેસના કસ્ટમર કૅર અને સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરીને તેમણે ભોગવેલી માનસિક અને આર્થિક યાતના સામે વળતરની માગણી કરી છે. જોકે ઍરલાઇન તરફથી તેમની ફરિયાદ સામે જવાબ ન મળવાથી આ પરિવારોમાં ઍરલાઇન પ્રત્યે નારાજગી અને રોષ પ્રવર્તી રહ્યો છે.
આ બન્ને પરિવારો મુંબઈથી બાવીસ ઑક્ટોબરે ઇન્ડિગો ઍરલાઇનમાં મુંબઈથી વૈષ્ણોદેવી જવા નીકળ્યા હતા. તેમની ફ્લાઇટ મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી જમ્મુ સુધીની હતી. આ ફ્લાઇટમાં તેઓ સુખરૂપ વૈષ્ણોદેવી પહોંચી ગયા હતા અને માતાજીનાં દર્શન કર્યાં હતાં. જોકે વૈષ્ણોદેવીથી પાછા ફરતાં તેમની મુસીબતોની શરૂઆત થઈ હતી. તેમણે પાછા ફરવાની ફ્લાઇટની ટિકિટ પહેલી ઑગસ્ટે જમ્મુથી વાયા દિલ્હી મુંબઈની ઍર ઇન્ડિયા એક્સપ્રેસની બુક કરી હતી.
ADVERTISEMENT
૧૨ કલાક બસમાં હાલાકી
ધીરેન શાહે આ સંદર્ભની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍર ઇન્ડિયા એક્સપ્રેસ તરફથી પહેલાં તો અમને ૭ સપ્ટેમ્બરે ફ્લાઇટના સમયના ફેરફારના મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. આ ઍરલાઇન્સે ૨૫ ઑક્ટોબર સુધીમાં બેથી ત્રણ વાર ફ્લાઇટના સમયમાં ફેરફાર કર્યો હતો. છેવટે ચોથી વાર અમને ૨૫ ઑક્ટોબરે બપોરના ૩.૩૫ વાગ્યાની જમ્મુથી દિલ્હીની અને રાતના એક વાગ્યાની દિલ્હીથી મુંબઈની ટિકિટ ફાળવવામાં આવી હતી. એ મુજબ અમે ત્રણ સિનિયર સિટિઝન સહિત આઠ જણ ઍરલાઇનના નિયમો પ્રમાણે જમ્મુ ઍરપોર્ટ પર ૨૫ ઑક્ટોબરે સવારના ૧૧ વાગ્યે પહોંચી ગયા હતા. અમારો સામાન ઍરલાઇનના કાઉન્ટર પર સોંપી, એની સાથે સિક્યૉરિટી ચેક પૂરું કરીને અમે ઍરપોર્ટ પર ફ્લાઇટમાં બેસવાની રાહ જોતા બેઠા હતા ત્યારે ફ્લાઇટ નીકળવાના થોડા સમય પહેલાં અચાનક ટેક્નિકલ કારણ દર્શાવીને છેલ્લી ઘડીએ ફ્લાઇટ કૅન્સલ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે અમને કહ્યું કે ફ્લાઇટ કૅન્સલ થઈ હોવાથી તમે રીફન્ડ મેળવી શકો છો, પણ અન્ય કોઈ ફ્લાઇટની વ્યવસ્થા તેમના તરફથી કરવામાં આવી નહોતી એ અમારા માટે પહેલો ઝટકો હતો. છેલ્લી ઘડીએ હવે જમ્મુથી મુંબઈ જવાની બીજી ફ્લાઇટની ટિકિટ કેવી રીતે મેળવી શકાય એ અમારા માટે પ્રશ્ન હતો. અમારે દિલ્હીથી દિલ્હી ફ્લાઇટ પણ પકડવાની હતી. જો અમે જમ્મુથી દિલ્હી સમયસર ન પહોંચી શકીએ તો અમારી ૨૬ ઑક્ટોબર રાતની એક વાગ્યાની દિલ્હીથી મુંબઈની ફ્લાઇટ પણ ચૂકી જવાય. આમ અમે કટોકટીમાં આવી ગયા હતા.’
જમ્મુથી બધી જ ફ્લાઇટો કૅન્સલ કરવામાં આવી હતી એટલું જ નહીં, ત્યાંના સ્ટાફ તરફથી કોઈ સર્વિસ મળી નહોતી એમ જણાવતાં ધીરેન શાહે કહ્યું હતું કે ‘અનેક માથાકૂટ પછી ઍર ઇન્ડિયા એક્સપ્રેસે ૨૬ ઑક્ટોબરે એક વાગ્યાની ફ્લાઇટની ટિકિટમાં ફેરફાર કરીને અમને ૨૭ ઑક્ટોબરની રાતની એક વાગ્યાની ટિકિટ આપી હતી. એની સાથે અમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે જમ્મુથી ૨૫ ઑક્ટોબરે કોઈ જ ફ્લાઇટ ન હોવાથી અમારે અમારી રીતે દિલ્હી પહોંચી જવાનું રહેશે. ઍરલાઇન્સની આ ઉદ્ધતાઈભરી સૂચનાએ અમને બીજો ઝટકો આપ્યો હતો. અમે એક પળ માટે હતાશ થઈ ગયા હતા. હું પોતે હાર્ટ-પેશન્ટ છું. મારી સાથે સિનિયર સિટિઝનો પણ હતા. અમારે ગમે એ રીતે દિલ્હી પહોંચવાનું હતું. અમારા ગુસ્સા કે લાચારીની ઍરલાઇનના સ્ટાફ પર કોઈ જ અસર થતી નહોતી. બીજા દિવસે દિલ્હી પહોંચવા માટે અમે રાતના ૧૧ વાગ્યે જમ્મુથી બસ પકડી હતી અને ૨૬ ઑક્ટોબરે બપોરે ૧૨ વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા. ફ્લાઇટમાં અમે વહેલી સવારે ૩.૧૫ વાગ્યે દિલ્હી પહોંચ્યા હોત, પણ અમે ૧૨ કલાક બસની મુસાફરીની હાલાકી ભોગવીને દિલ્હી ૯ કલાક લેટ પહોંચ્યા હતા એટલું જ નહીં, દિલ્હીમાં પણ અમારે ૧૧ કલાક હોટેલમાં રહેવું પડ્યું હતું.’
ઍરલાઇન તરફથી કોઈ જવાબ નહીં
દિલ્હી ઍરપોર્ટ પર પહોંચીને પણ અમારી યાતનાનો અંત આવ્યો નહોતો એમ જણાવતાં ૪૬ વર્ષના ધીરેન શાહે કહ્યું હતું કે ‘અમારી ફ્લાઇટ ૨૭ ઑક્ટોબરના રાતના એક વાગ્યાની એટલે કે ૨૮ ઑક્ટોબરની હતી જે અમને સવારે ૩.૩૦ વાગ્યે મુંબઈ પહોંચાડવાની હતી. અમે ફ્લાઇટની રાહ જોતાં ઍરપોર્ટ પર બેઠા હતા. ત્યાં પણ છેલ્લી ઘડીએ ફ્લાઇટ લેટ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ડિકેટર પર ત્રણ જુદી-જુદી જગ્યાએ જુદા-જુદા સમય બતાવતા હતા. ઇન્ડિકેટર પર ૧.૨૦ વાગ્યાનો સમય બતાવતો હતો અને અનાઉસમેન્ટ ૧.૩૦ વાગ્યાનું થઈ રહ્યું હતું, જ્યારે અમને ફોન પર મેસેજમાં ફ્લાઇટનો સમય ૧.૪૫ વાગ્યાનો બતાવાઈ રહ્યો હતો. બહુ વિવાદ પછી આખરે ફ્લાઇટ દોઢ કલાક લેટ નીકળી અને અમને મુંબઈમાં સવારે ૪.૩૦ વાગ્યે પહોંચાડ્યા હતા. ઍર ઇન્ડિયાનું ખાનગીકરણ થયા પછી અમને આશા હતી કે હવે ઍરલાઇનની સર્વિસમાં સુધારો થશે, પણ અમારી આશા ઠગારી નીવડી હતી. અમે આ બાબતની સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરવા છતાં આજ સુધી અમને ઍરલાઇન તરફથી કોઈ જવાબ મળ્યો નથી. અમારી બસની મુસાફરીના કે હોટેલના ખર્ચ તેમ જ માનસિક યાતનાનું કોઈ વળતર મળ્યું નથી, જે સામાન્ય નિયમો પ્રમાણે મુસાફરોને ઍરલાઇન્સે ચૂકવવાનું હોય છે.’


