મંદિરમાં દર્શન કરવા ગયેલાં ૮૧ વર્ષનાં ઉષા ખેરાણીનું અકસ્માતમાં મૃત્યુ
					 
					
ઉષા ખેરાણીનું
મુલુંડ-વેસ્ટના એન. એસ. રોડ પર પ્રકાશકુંજ બિલ્ડિંગમાં રહેતાં ૮૧ વર્ષનાં ઉષા જમનાદાસ ખેરાણીને મંગળવારે સવારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ (BEST)ની બસે અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે મુલુંડ પોલીસે BESTની બસના ડ્રાઇવર અનિકેત આંબ્રે સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
કચ્છી લોહાણા જ્ઞાતિનાં ઉષાબહેનને મંગળવારે સવારે પાંચ રસ્તા પર પૂરપાટ આવતી બસે અડફેટે લીધાં હોવાની દુર્ઘટના ક્લોઝડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં કેદ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પાંચ રસ્તા નજીક દોઢ મહિનામાં બીજા ગુજરાતીએ BEST બસની અડફેટે આવતાં જીવ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
મમ્મી ૮૧ વર્ષનાં હતાં પણ એકદમ ફિટ ઍન્ડ ફાઇન હતાં અને તેમની હાલમાં એક પણ દવા ચાલુ નહોતી એમ જણાવતાં ઉષાબહેનના પુત્ર ધીરેન ખેરાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી વર્ષોથી મુલુંડ પાંચ રસ્તા પર આવેલા બિલેશ્વર મંદિરમાં સવારે દર્શન કરવા જતાં હતાં. મંગળવારે સવારે પણ દસ વાગ્યાની આસપાસ તેઓ દર્શન કરવા માટે ઘરેથી ચાલતાં નીકળ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો. તેમને અગ્રવાલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હોવાની જાણકારી મળતાં તાત્કાલિક હું હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. ત્યાં ડૉક્ટરે મમ્મીને મૃત જાહેર કરી દીધાં હતાં. મમ્મી રસ્તો ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો અને ત્યાં ભેગા થયેલા લોકોએ તેમને હૉસ્પિટલમાં પહોંચાડ્યાં હતાં.’
ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવાની દીકરાની માગણી
ધીરેન ખેરાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૪ સપ્ટેમ્બરે સર્વોદયનગરમાં રહેતાં ૬૬ વર્ષનાં અમિતા દોશીને પાંચ રસ્તા પર BESTની બસે અડફેટે લેતાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને માંડ હજી દોઢ મહિનો થયો છે ત્યારે હવે મારી મમ્મીએ જીવ ગુમાવ્યો છે. BESTની બસના ડ્રાઇવરો દ્વારા થતા અકસ્માત અટકાવવા તેમની સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. BESTની બસના ડ્રાઇવરો બેફામ બસ દોડાવતા હોય છે જેને કારણે અકસ્માત થાય છે.’ મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બસના ડ્રાઇવરની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે બસને પણ જપ્ત કરવામાં આવી છે જેની RTO દ્વારા ટેસ્ટ કરવામાં આવશે. અકસ્માત કઈ રીતે થયો એની માહિતી ભેગી કરવા માટે નજીકના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ પણ ભેગાં કરવામાં આવ્યાં છે.’
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	