આયુર્વેદમાં આ સંયોજનને ઓજસ વધારનારું કહ્યું છે. શારીરિક સ્વસ્થતા અને માનસિક વિચારોની શુદ્ધતા માટે આ ખૂબ જ અકસીર કૉમ્બિનેશન છે.
ખજૂર અને ઘી ખાવાથી થતાં ફાયદા.
આયુર્વેદમાં આ સંયોજનને ઓજસ વધારનારું કહ્યું છે. શારીરિક સ્વસ્થતા અને માનસિક વિચારોની શુદ્ધતા માટે આ ખૂબ જ અકસીર કૉમ્બિનેશન છે. શિયાળો જ એવી સીઝન છે જેમાં આ સંયોજન શરીર પચાવી શકે છે ત્યારે જાણીએ એના ફાયદા શું છે અને કઈ રીતે તેમ જ કેટલી માત્રામાં એ ખાઈ શકાય
શિયાળામાં સેહત બનાવી લેવી જોઈએ, કેમ કે આ જ સીઝન છે જેમાં શરીરની પાચનની ક્ષમતા પીક પર હોય છે. શરીરને ખડતલ બનાવતી ચીજોની યાદીમાં ટ્રૉપિકલ ફ્રૂટ ખજૂરનું પણ આગવું સ્થાન છે. એમાંય જ્યારથી શુગર-ફ્રી ચીજોનો જમાનો આવ્યો છે ત્યારથી ખજૂર અને ખારેકના ગળપણને નૅચરલ સ્વીટનર તરીકેનો દરજ્જો પણ મળી ગયો છે. આ શિયાળામાં કડકડતી ઠંડીમાં શરીરને અંદર-બહારથી રોગપ્રતિકારક બનાવવું હોય તો હેલ્ધી જીવનશૈલીની સાથે ખજૂરનો ડાયટમાં સમાવેશ અચૂક કરવો જોઈએ.
ADVERTISEMENT
પોષક તત્ત્વોનું પાવરહાઉસ
મધમીઠી ખજૂરમાં ગળપણ જેટલું ઠાંસીને ભરેલું છે એટલાં જ ભારોભાર પોષક તત્ત્વો પણ છે. ન્યુટ્રિશનની દૃષ્ટિએ પાવરફુલ ખનિજદ્રવ્યો અને વિટામિન્સનો ખજાનો એમાં ભરપૂર છે. એ વિશે કાંદિવલીનાં ન્યુટ્રિશનિસ્ટ જિનલ સાવલા કહે છે, ‘એમાં પોટૅશિયમ, મૅગ્નેશિયમ, મૅન્ગેનીઝ, આયર્ન, કૉપર જેવાં મિનરલ્સ વિપુલ માત્રામાં છે. પોટૅશિયમ અને મૅગ્નેશિયમને કારણે એ હાર્ટ માટે હેલ્ધી છે. આયર્ન અને કૉપર જેવાં મિનરલ્સથી ત્વચા અને વાળની હેલ્થ સુધરે છે. લોહીમાં હીમોગ્લોબિનની કમી હોય ત્યારે આયર્નની ગરજ સારે છે ખજૂર. એમાં સેલેનિયમ નામનું જે ખનિજ છે એ તો શરીરને હૅપી હૉર્મોન જેવી અસર કરે છે. ઉદાસી રહેતી હોય કે ઍન્ગ્ઝાયટી હોય ત્યારે ખજૂર ખાવાથી તમને ફીલગુડ થાય છે એનું કારણ એમાં રહેલું સેલેનિયમ છે. એમાં વિટામિન B-કૉમ્પ્લેક્સ અને વિટામિન Aનું પ્રમાણ પણ સારું છે. આ બધાં પોષક તત્ત્વોના સરવાળાને કારણે ખજૂર ઓવરઑલ ઇમ્યુનિટી બૂસ્ટર બને છે. અને હા, જેટલી શુગર છે એટલું જ એમાં ફાઇબર પણ છે એને કારણે કબજિયાતના દરદીઓ હોય તો તેમને પણ ફાયદો થાય છે.’
ખજૂર અને ઘી
ન્યુટ્રિશનથી છલોછલ ચીજને જો યોગ્ય કૉમ્બિનેશન સાથે ખાવામાં આવે તો એના ફાયદા વધી જાય છે અને ખજૂરની સાથેનું ઉત્તમ કૉમ્બિનેશન ઘી છે એમ જણાવતાં આયુર્વેદનિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘આયુર્વેદમાં ઘી અને ખજૂરના સંયોજનને ઓજસ વધારનારી ચીજો કહી છે. એનાથી પ્રાણશક્તિ અને રોગપ્રતિકારકતા વધે છે. ખજૂર કુદરતી રીતે પિત્ત અને વાત ઘટાડે છે. ઘી ચીકણું હોવા છતાં કફ વધારતું નથી, બલ્કે એ પાચનના અગ્નિને સતેજ કરે છે. હવનમાં જો ચમચી ઘી નાખો તો અગ્નિ પ્રબળ થાય છે એમ જઠરમાં જે અગ્નિ છે એની અંદર ઘી નાખવાથી પાચકઅગ્નિ વધે છે. ખજૂરની સાથે ઘી ખાવાથી ખજૂરમાં રહેલાં તમામ પોષક તત્ત્વો શરીરમાં શોષાઈ શકે છે. ખજૂરથી શરીરમાં માંસ, મેદ અને મજ્જા ધાતુનું પોષણ થાય છે જે શરીરને મજબૂત બનાવે છે. આ જ કારણોસર ખજૂર અને ઘીનું કૉમ્બિનેશન છોટા પૅકેટ, બડા ન્યુટ્રિશન કહેવાય છે. ખૂબ ઓછી માત્રામાં એ ખાઓ તો પણ એનાથી તમારું શરીર આખો દિવસ ચાલી શકે એટલું પોષણ એમાંથી મળી રહે છે. આ જ કારણોસર ખજૂર રણપ્રદેશનું સ્ટેપલ ઇન્ગ્રિડિયન્ટ છે. આ કૉમ્બિનેશન એનર્જી બૂસ્ટર છે. સાંધા અને હાડકાંની તકલીફોમાં ઘી-ખજૂર લઈ શકાય. એનાથી સાંધામાં લુબ્રિકેશનનું કામ સરળ બને છે. અલબત્ત, એની સાથે પ્રૉપર જૉઇન્ટ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. જોકે આ પ્રયોગમાં શુદ્ધ ગાયનું ઘી વાપરવું, બીજું કોઈ જ નહીં.’
એનાથી વજન ન વધે?
ખજૂરમાં કૅલરી ઠાંસોઠાસ ભરેલી છે કેમ કે એમાં સિમ્પલ ગ્લુકોઝ છે અને બીજી તરફ ઘી એટલે કે ફૅટ. આ બન્ને ચીજો ખાવાથી વજન વધી ન જાય? હા, વજન વધવાનું જોખમ ચોક્કસ છે એમ જણાવતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘આ કૉમ્બિનેશન શરીરને બળવાન બનાવવા માટેનું છે. એટલે ઘી-ખજૂર ખાવાની સાથે એ બરાબર પચી જાય એ પણ એટલું જ જરૂરી છે. આયુર્વેદમાં કોઈ પણ ઔષધના સ્વાસ્થ્યપ્રદ લાભ ત્યારે જ મળે છે જ્યારે એની સાથે આહાર-વિહારની પરેજી બરાબર પાળવામાં આવી હોય. તમે કયા હેતુથી આ સંયોજન ખાઓ છો એ મુજબ એની માત્રાનું નિયમન કરી શકાય. સાવ જ માયકાંગલું શરીર હોય, શરીરમાં માંસ-મજ્જાનું પોષણ કરવાની જરૂર હોય તો તમે ત્રણથી ચાર ખજૂર ખાઈ શકો; જ્યારે માત્ર શરીરની જાળવણી માટે આ પ્રયોગ કરતા હો તો દિવસની બે ખજૂર પણ પૂરતી છે. અને હા, તમે દિવસ દરમ્યાન બીજું શું ખાઓ છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. ખજૂર-ઘી ખાધા પછી દિવસ દરમ્યાન તમે બેફામ ખાધા જ કરો તો શરીર વધારાની શુગરની ફૅટ જ બનાવશે. ખજૂર-ઘીથી ખડતલ બનવું હોય તો બાકીના ભોજનમાં પણ હેલ્ધી બદલાવો જરૂરી છે.’
શુગરનો વિકલ્પ
સફેદ ખાંડ તો ઝેર સમાન છે એવી જાગૃતિ જ્યારથી આવવા લાગી છે ત્યારથી નૅચરલ શુગરની બોલબાલા વધી છે. એમાં ખજૂર અને અંજીર જેવાં ફળોનો વપરાશ વધ્યો છે. હવે લોકો સ્વીટનર તરીકે મીઠાઈઓમાં પણ ખજૂર જ વાપરે છે. ઇન ફૅક્ટ, ખજૂરને સૂકવીને બનાવેલી ખારેકનો પાઉડર પણ સ્વીટનર તરીકે વપરાય છે. એ કેટલું હેલ્ધી છે? એ વિશે જિનલ સાવલા કહે છે, ‘સફેદ ખાંડ કરતાં ખજૂરની સ્વીટનેસ ચોક્કસ બહેતર છે જ, પણ સાથે એટલું યાદ રાખવું કે એ સ્વીટનેસમાં પણ કૅલરી તો ભરેલી છે.’
પ્રી-વર્કઆઉટ એનર્જી ડ્રિન્ક : જિનલ સાવલા
જેમના શરીરમાં એનર્જી ઓછી રહેતી હોય. થોડુંક કામ કરતાં થાકી જવાતું હોય, જાણે સ્ટૅમિના જ નથી રહેતો એવું લાગતું હોય તો પાવરપૅક્ડ ખજૂરની સ્મૂધી લઈ શકાય. ભારે એક્સરસાઇઝ કે જિમમાં વર્કઆઉટ કરવા જતાં પહેલાં પણ આ એનર્જી ડ્રિન્ક લઈ શકાય.
એ માટે રાતે બે ખજૂર, ત્રણથી ચાર બદામ, એક અખરોટ, ચારથી પાંચ પિસ્તા, એક ચમચી ફ્લૅક્સ સીડ, એક ચમચી તલ, બે અંજીર, એક ચમચી કોળાનાં બીજને પાણીમાં પલાળી દેવાં. સવારે ઊઠીને આ બધી જ ચીજોને બ્લૅન્ડરમાં મિક્સ કરીને એની સ્મૂધી બનાવી લેવી. એક ગ્લાસ આ સ્મૂધીથી ભરપૂર એનર્જી પણ મળશે અને એમાં વપરાયેલાં ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સમાં રહેલાં સૂક્ષ્મ પોષક તત્ત્વો હૉર્મોનલ બૅલૅન્સથી લઈને એનર્જી બૂસ્ટરનું કામ કરશે.
આ રીતે ખજૂર-ઘી તૈયાર કરો
એક કપ ગાયના ઘીમાં ચપટીક એલચી અને તજનો પાઉડર નાખવો. અડધી ચમચી સૂંઠનો પાઉડર ઉમેરવો. જો તમે વજન વધારવા માટે આ પ્રયોગ કરતા હો તો અડધી ચમચી અશ્વગંધા પણ ઉમેરી શકાય.
આ ઘીને સહેજ ગરમ કરીને પિગાળી દો. એમાં ઠળિયા કાઢેલી બાર-પંદર ખજૂરને બોળી દો. રોજ સવારે આવી એકથી બે ખજૂર ખાશો તો લોઢા જેવી રોગપ્રતિકારક શક્તિ થશે.