મુમ્બાદેવી મંદિરમાં દર્શન કરવા છેક મરીન લાઇન્સ સ્ટેશન સુધી લાઇન લાગી હતી અને ભાવિકોનો ચારથી પાંચ કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ નંબર આવતો હતો
વર્ષના પહેલા દિવસે મુમ્બાદેવીનાં દર્શન કરવા ભક્તોએ લાંબી લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવું પડ્યું હતું.
નવા વર્ષની શરૂઆત ભગવાનનાં દર્શન કરીને કરવાની માન્યતા ઘણા લોકોની હોય છે. એ માન્યતાને અનુસરી અનેક મુંબઈગરા સિદ્ધિવિનાયક, મહાલક્ષ્મી, મુમ્બાદેવી, બાબુલનાથ જેવાં દેવસ્થાનોએ જતા હોય છે. ગઈ કાલે મુંબઈનાં કુળદેવી મુમ્બાદેવી માતાનાં દર્શન માટે મોટી સંખ્યામાં મુંબઈગરાઓ ઊમટી પડ્યા હતા. મંદિરથી લઈને ઝવેરીબજાર, દવાબજાર અને છેક મરીન લાઇન્સ સુધી લાંબી (અંદાજે બે કિલોમીટર) લાઇન લાગી હતી અને ચારથી પાંચ કલાક પછી માતાજીનાં દર્શન થતાં હતાં.
ભક્તોનો અસ્ખલિત પ્રવાહ દર્શન માટે વહી રહ્યો હતો એમ જણાવતાં મંદિરના ટ્રસ્ટી હેમંત જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવા વર્ષના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઊમટી પડ્યા હતા. સામાન્ય દિવસોમાં મંદિરની સિક્યૉરિટી માટે ૨૫ જેટલા સિક્યૉરિટી ગાર્ડ તહેનાત કરવામાં આવે છે, જ્યારે ગઈ કાલે ૬૦થી ૬૫ સિક્યૉરિટી ગાર્ડ હતા. એ સિવાય પોલીસે પણ એના બંદોબસ્તમાં વધારો કર્યો હતો. વૈષ્ણવ ચૅરિટેબલ ટ્રસ્ટના ૧૦૦થી ૧૨૫ વૉલન્ટિયર્સ અને મુમ્બાદેવી ભક્ત મંડળના વૉલન્ટિયર્સે પણ સેવા પૂરી પાડી હતી. સિનિયર સિટિઝનો, ગર્ભવતી મહિલાઓ તથા નાનાં બાળકો સાથેની મહિલાઓને દર્શનમાં પ્રાયોરિટી આપવામાં આવતી હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ ભક્તો આવ્યા હતા અને એમાં પણ યુવાનોની સંખ્યા વધારે હતી.’