Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હું, રસ્તો અને મારી કાર મન તરોતાજા, તન સદાબહાર

હું, રસ્તો અને મારી કાર મન તરોતાજા, તન સદાબહાર

Published : 14 October, 2025 07:09 AM | IST | Mumbai
Hemal Ashar

દશેરામાં જ નવી ગાડી લઈને ફરવા નીકળી પડ્યા, યંગ ડ્રાઇવર્સને તેમનું એટલું જ કહેવું છે કે શ્રેષ્ઠ ડ્રાઇવિંગ એટલે સ્પીડ નહીં પણ અવેરનેસ

ભગવતી પ્રસાદ મહાદેવિયા. તસવીર : અતુલ કાંબળે

ભગવતી પ્રસાદ મહાદેવિયા. તસવીર : અતુલ કાંબળે


સાડાસાત દાયકાથી ડ્રાઇવિંગ કરતા ૯૫ વર્ષના ભગવતી પ્રસાદ મહાદેવિયા કહે છે કે સારું ડ્રાઇવિંગ માત્ર વાહનો પૂરતી વાત નથી, સારું જીવન જીવવાની ચાવી છે

કાશ્મીરથી કન્યાકુમારીના રસ્તાઓ પોતાની કારમાં ખૂંદી વળનારા ૯૫ વર્ષના એક ભોમિયા મુંબઈના રસ્તાઓ પર આજે પણ શોખથી કાર ડ્રાઇવ કરે છે. તેમના
ડ્રાઇવિંગ-પ્રેમમાં ગુજરાતીઓની ગમ્મત અને મુંબઈના મિજાજનું એવું મજેદાર મિશ્રણ છે કે આ ઉંમરમાં જ્યારે લોકોને ચાલવા માટે સહારાની જરૂર પડે ત્યારે તેઓ જાતે કાર ચલાવીને ડ્રાઇવિંગની મજા માણે છે.



વાત થઈ રહી છે છેલ્લાં ૭૭ વર્ષથી ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા અને સાડાસાત દાયકાથી ડ્રાઇવિંગ કરતા ભગવતી પ્રસાદ મહાદેવિયાની. તેઓ ૯૫ વર્ષની ઉંમરે પણ ખૂબ જ પૅશન્સ અને પૅશનથી કાર ડ્રાઇવ કરે છે. પાવર સ્ટીઅરિંગ વગરની ઍમ્બૅસૅડર અને ફીઆટથી માંડીને ઇલેક્ટ્રિક કારના યુગના સાક્ષી રહેલા ભગવતી પ્રસાદ મહાદેવિયા માને છે કે ‘પહેલાં ડ્રાઇવિંગ પૅડલ્સ પ્રેસ કરવા પૂરતું સીમિત નહોતું, ડ્રાઇવિંગ મશીનને સમજવાની અને ચલાવવાની કળા હતી. આજના ડ્રાઇવરોએ સમજવું જોઈએ કે શ્રેષ્ઠ ડ્રાઇવિંગ એટલે સ્પીડ નહીં પણ અવેરનેસ.’


૧૯૪૮માં પહેલી વાર ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનારા મરીન ડ્રાઇવના રહેવાસી ભગવતી પ્રસાદ મહાદેવિયાની ડ્રાઇવિંગ-સ્કિલનો ખ્યાલ એ વાતથી આવે છે કે લગભગ ૮ દાયકાના ડ્રાઇવિંગના અનુભવમાં તેમના નામે કોઈ મેજર ટ્રાફિક વાયોલેશન કે ઍક્સિડન્ટનું ચલાન ફાટ્યું નથી. તેમનું ઍક્સિડન્ટ-ફ્રી ડ્રાઇવિંગ લોકો માટે દૃષ્ટાંત પૂરું પાડે એ હેતુથી ધ વેસ્ટર્ન ઇન્ડિયા ઑટોમોબાઇલ અસોસિએશન (WIAA)એ તાજેતરમાં જ તેમને અવૉર્ડથી સન્માનિત કર્યા હતા.

ત્રણ પેઢીને શીખવ્યું ડ્રાઇવિંગ


દશેરાએ જ નવી કારના ઓનર બનનારા ભગવતી પ્રસાદ મહાદેવિયાએ તેમની ત્રીજી પેઢી સુધી બધાને કાર ચલાવતાં શીખવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘આ ઉંમરે મને ડ્રાઇવિંગ કરતો જોઈને ઘણા લોકોને નવાઈ લાગે છે, પણ મને તો ડ્રાઇવિંગ કરવામાં ઉંમર ક્યારેય નડી નથી. મરીન ડ્રાઇવથી મહાલક્ષ્મી સુધી હું એકલો જ ડ્રાઇવ કરીને જાઉં છું. એ પછી મારા પરિવારમાંથી કોઈ મને ડ્રાઇવિંગ દરમ્યાન કંપની આપે છે. મેં તો મારી પત્ની સુધાને પણ ડ્રાઇવિંગ કરવા અને કાર રૅલીઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું છે.’

સૌથી ચૅલેન્જિંગ રહ્યું ડીસાનું ડ્રાઇવિંગ

દેશભરમાં ડ્રાઇવ કરનારા ભગવતી પ્રસાદ મહાદેવિયાને અમદાવાદથી ડીસા સુધીનું ડ્રાઇવિંગ સૌથી ચૅલેન્જિંગ લાગ્યું હતું. આ અનુભવ શૅર કરતાં તેમણે કહ્યું હતું કે ‘અમદાવાદથી બનાસકાંઠાના ડીસા સુધી પહોંચવા માટે બે નદી પાર કરીને જવું પડતું હતું. એ સમયે નદીઓ પર બ્રિજ નહોતા એટલે કારને નદીની રેતી અને પાણીમાંથી ડ્રાઇવ કરીને લઈ જવાનો યાદગાર અનુભવ રહ્યો હતો.’

કાર જ નહીં જીપ, વૅન અને ટ્રૅક્ટર સુધ્ધાં ચલાવનારા ભગવતી પ્રસાદે અમેરિકા અને યુરોપમાં પણ રોડ-ટ્રિપ્સ કરી છે.

ત્યારે રસ્તાઓ સાંકડા, પણ માણસોનાં મન મોકળાં હતાં

મોરિસ કાર પર હું ડ્રાઇવિંગ કરતાં શીખ્યો અને પહેલા જ દિવસથી મને ડ્રાઇવિંગ માટે પ્રેમ થઈ ગયો એવી યાદો વાગોળતાં એ સમયના ડ્રાઇવિંગ અને અત્યારના ડ્રાઇવિંગને સરખાવતાં ભગવતી પ્રસાદ કહે છે, ‘એ સમયે રસ્તા સાંકડા હતા, પણ લોકોનાં મન મોકળાં હતાં. લોકોમાં ધીરજ હતી. અત્યારે ડ્રાઇવરને એટલી કમ્ફર્ટ આપવામાં આવે છે કે તેમનામાં હવે ધીરજ ખૂટી ગઈ છે. બધાને જાણે સમયથી આગળ નીકળી જવું છે.’

સુખરૂપ ડ્રાઇવિંગના ૭૭ વર્ષના અનુભવના નિચોડરૂપે ભગવતી પ્રસાદ મહાદેવિયા આજના ડ્રાઇવિંગ-શોખીનોને સંદેશ આપે છે કે ‘રોડનું સન્માન કરો, તમારા વાહનનું સન્માન જાળવો. ડ્રાઇવિંગને હળવાશથી ન લો, કારણ કે ટેક્નૉલૉજી તમને મદદ કરી શકશે, પણ સારી આદતો અને ટ્રેઇનિંગથી જ તમે જુદા તરી આવશો.’

બૉક્સઃ

કાર-ડ્રાઇવિંગ પરથી લાઇફ-લર્નિંગ

પપ્પાએ આપેલી એક વાત જીવનમંત્ર તરીકે યાદ રાખનાર ભગવતી પ્રસાદના પુત્ર દ્રુપદે કહ્યું હતું કે ‘કારનાં આગળનાં બે ટાયર પૂર્ણતા અને જવાબદારી સૂચવે છે, જેના વગર તમે દિશા ભટકી જશો અને કારને સ્થિર નહીં રાખી શકો. આ વાતને ધ્યાનમાં રાખીશ તો જીવનના અઘરા નિર્ણયો લેવામાં, સરળ બનવામાં અને જીવનની દિશા નક્કી કરવામાં આ મૂલ્યો કામ લાગશે. પાછળનાં ટાયર સહિષ્ણુતા અને શ્રેષ્ઠતા સૂચવે છે.’

કારનાં ૪ ટાયર જીવનના ૪ મહત્ત્વના આદર્શો સમાન છે; આ આદર્શો કાર-ડ્રાઇવિંગ માટે જ નહીં, જીવનની ગાડી હંકારવાની પણ બ્લુપ્રિન્ટ છે એવું દ્રુપદે જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2025 07:09 AM IST | Mumbai | Hemal Ashar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK