મીઠાઈ વગર તો કોઈ પણ તહેવાર તહેવાર કહેવાય જ નહીં પણ એનું અતિસેવન શરીરના બ્લડ શુગર લેવલને વધારીને ઘણી સમસ્યાઓને નોતરે છે ત્યારે દિવાળીમાં મીઠાઈને ડિચ કરવામાં ભલાઈ છે કે પછી એનું મર્યાદિત સેવન જ સૉલ્યુશન છે એ નિષ્ણાત પાસેથી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
આગામી દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઘરોની સાફસફાઈ, નવી ખરીદી અને, સૌથી અગત્યનું, મોંમાં પાણી લાવી દે એવી મીઠાઈઓની ભરમાર! દિવાળી દરમિયાન બરફી, પેંડા, ચૉકલેટ જેવી મીઠાઈનું સેવન એટલું વધી જાય છે કે આપણે અજાણતાં જ એક મીઠી મુસીબતને આમંત્રણ આપી દઈએ છીએ. બજારની ચકચકતી દુકાનોમાં મળતી મીઠાઈઓ ઘણી વાર ઍક્સેસ શુગર, નકલી માવો, કેમિકલ્સ અને કૃત્રિમ રંગોનો ખજાનો હોય છે. આ બધું જાણતા હોવા છતાં મીઠાઈપ્રેમીઓ ‘વર્ષમાં એક વાર તો ખાવું છે’ એવું વલણ રાખીને બે હાથે માણે છે. પરિણામ? તહેવાર પૂરો થતાં જ શુગર લેવલમાં વધારો, પેટની સમસ્યાઓ, થાક અને લાંબા ગાળે ડાયાબિટીઝ કે વજન વધવાની ચિંતા. તો શું મીઠાઈને સંપૂર્ણપણે ડિચ કરી દેવી જોઈએ? એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ.
મીઠા ઝેરથી બચો
ADVERTISEMENT
દિવાળીના દિવસો નજીક આવે એટલે એમ થાય કે મીઠાઈની સીઝન આવી, પણ આ મીઠાઈની સીઝન સાથે અનેક સમસ્યાઓ લઈને પણ આવે છે એવું માનતા ડોમ્બિવલીમાં રહેતાં કૉર્પોરેટ ક્લિનિકલ ડાયટિશ્યન અશ્વિની શાહ કહે છે, ‘‘મારે દિવાળીમાં મીઠાઈ ખાવી છે પણ વજન વધી જવાનો ડર છે,’ અને ‘મીઠાઈ ખાઈ લીધી, હવે મારું શુગર લેવલ વધી ગયું છે, શું કરું?’ આ બે પ્રશ્નો બહુ કૉમન થઈ ગયા છે. ઘણા લોકો સાકર ખાવાનું જ બંધ કરી નાખે છે, પણ આ કોઈ સોલ્યુશન નથી. હું સ્પષ્ટ કહું છું કે તમારે સ્વીટ ડિચ કરવાની જરૂર નથી. દિવાળી આનંદનો તહેવાર છે અને પરંપરાગત મીઠાઈઓ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. પ્રૉબ્લેમ ટ્રેડિશનલ ફૂડ-ઈટિંગમાં નથી. પ્રૉબ્લેમ તમે કેવી રીતે અને કેટલું ખાઓ છો એમાં હોય છે. તમારા મન પર કાબૂ રાખો અને માઇન્ડફુલ ઈટિંગ અપનાવો. માઇન્ડફુલ ઈટિંગનો અર્થ છે ખાધા પહેલાં, દરમ્યાન અને પછી દિમાગ અને શરીર બન્ને પર ધ્યાન આપવું. તમે શું અને કેટલું ખાધું એ જ મહત્ત્વપૂર્ણ છે. તમારે તમારા આહાર પર કડક પ્રતિબંધ મૂકવાની જરૂર નથી પણ હેલ્ધી રહેવા કેટલાક નિયમો પાળવા પડશે. એક નાની સાઇઝનો પીસ, એક મુઠ્ઠીથી ઉપર નહીં. એટલે જો ઘૂઘરા કે સક્કરપારા જેવી મીઠાઈ ખાઓ તો એક મુઠ્ઠીમાં સમાય એટલું જ ખાવું. આ ક્વૉન્ટિટી મંત્રને જાળવી રાખો. મીઠાઈ ખાવા માટે મિડ મૉર્નિંગ અને આફ્ટરનૂન ટાઇમ બેસ્ટ છે. આ ટાઇમે ચયાપચયની ક્રિયા સારી હોય છે તેથી શુગર લેવલ સ્પાઇક થવાનો પ્રૉબ્લેમ નહીં આવે. દિવાળીના દિવસોમાં મહેમાનના ઘરે જાઓ તો મીઠાઈ ખાવાના જ છો, તો વાંધો નહીં પણ ડિનર લાઇટ કરી નાખો. આનાથી વેઇટ મૅનેજ થશે. PCOS અને થાઇરૉઇડ પેશન્ટ્સ બધું ખાઈ શકે છે. મીઠાઈ જોઈને મન લલચાઈ જાય અને વધુ ખવાઈ જાય તો સમસ્યા આવવાની જ છે પણ આપણી હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખીને શું ખાવું અને કેટલું ખાવું એની ખબર હોવી જરૂરી છે.’
હેલ્ધી આૅલ્ટરનેટિવ ચૂઝ કરો
તમારી પારંપરિક મીઠાઈઓમાં થોડા ફેરફારો કરીને સ્વાસ્થ્યવર્ધક બનાવી શકાય છે એમ જણાવતાં અશ્વિની કહે છે, ‘લાડુ બનાવતી વખતે સાકરને બદલે ઑર્ગેનિક ગોળ યુઝ કરો. આ નૅચરલ સ્વીટનેસ આપશે. ઘઉંના લોટને બદલે નાચણી એટલે કે રાગીના લોટ કે રાજગરાના લોટના લાડુ હેલ્ધી ગણાય છે. નાચણી આયર્નનો સારો સ્રોત છે અને રાજગરો કૅલ્શિયમથી ભરપૂર હોય છે. એને ડ્રાયફ્રૂટ સાથે મિક્સ કરીને લાડુ બનાવવામાં આવે તો સ્વીટનેસ નૅચરલી આવશે અને શુગર લેવલ પણ નિયંત્રણમાં રહેશે. ઘરે મહેમાનને આઇસક્રીમ, ચૉકલેટ કે મીઠાઈ આપવાને બદલે નાની માત્રામાં મિક્લશેક આપો. ખજૂર, રાજગરો અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને મીઠાઈ બનાવી શકાય છે. ઘરે બનાવવાથી માત્રા પણ કન્ટ્રોલમાં રહે છે. એક મુઠ્ઠી કરતાં વધારે ન ખાવું. મીઠાઈ ખાવા પહેલાં ફાઇબર અને પ્રોટીન લેવું જરૂરી છે. ઉદાહરણ તરીકે તમને ખબર છે કે આ સમયે મહેમાનના ઘરે જવાનું છે તો એ પહેલાં એક ચમચી જેટલું ઇસબગુલ પી લો અથવા સૅલડ ખાઈ લો જેથી શુગર સ્પાઇક ન થાય. ઘૂઘરા આમ તો હેલ્ધી કહેવાય પણ એના સ્ટફિંગમાં સાકરને બદલે ગોળ અને ડ્રાયફ્રૂટ નાખી શકાય અને ડીપ ફ્રાય કરવાને બદલે ઍર ફ્રાયરમાં એને તૈયાર કરી શકાય. એ ફક્ત ટેસ્ટ માટે નહીં, પાચન માટે પણ સારું છે. ફ્રાઇડ ફૂડ કે પામ ઑઇલ કે વનસ્પતિ ઘીથી બનેલી વસ્તુ પૂર્ણપણે અવૉઇડ કરવું હિતાવહ છે. નૉર્મલી નાનખટાઈમાં વનસ્પતિ ઘીનો વપરાશ વધુ થતો હોય છે અને ફરસાણ પામ તેલમાં જ તળેલાં હોય છે. તેથી બહારથી મળતી આવી ચીજો ખાવાનું ટાળવું જોઈએ. જ્યાં શક્ય હોય ત્યાં બેકિંગ ટ્રાય કરો. આ રીતે આપણે આપણી હેલ્થને દિવાળીમાં સારી રાખી શકીએ.’
લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપો
લાઇફસ્ટાઇલમાં કેવા ચેન્જિસની જરૂર છે એ વિશે વાત કરતાં અશ્વિની જણાવે છે, ‘ઘણા લોકો તહેવારમાં આડેધડ ખાધા પછી બીમાર પડે એટલે દોષનો ટોપલો તહેવાર પર નાખી દે છે અને એમ કહે છે અમે તો દિવાળી આવે એટલે એક વાર તો માંદા પડીએ જ. આવું વિચારવાને બદલે માઇન્ડફુલ ઈટિંગની હૅબિટ બનાવો. જો જરૂરિયાત કરતાં વધુ મીઠાઈ ખવાઈ જાય તો ડીટૉક્સ વોટર્સને અપનાવવા કરતાં પૂરતું હાઇડ્રેશન જાળવશો તો પણ બહુ છે. પાણી જેવી તાકાત બીજા કોઈ પીણામાં નથી. આ સાથે થોડી શારીરિક પ્રવૃત્તિ, યોગ કે એક્સરસાઇઝ કરવી જરૂરી છે.’

