માર્કેટમાં આજની તારીખે ઓબેસિટી ડ્રગ્સ આવી ગઈ છે, એટલે કે વજન ઓછું કરવા માટેની દવાઓ. એમાં એક હૉર્મોન રહેલું હોય છે.
પ્રતીકાત્મક તસવીર
માર્કેટમાં આજની તારીખે ઓબેસિટી ડ્રગ્સ આવી ગઈ છે, એટલે કે વજન ઓછું કરવા માટેની દવાઓ. એમાં એક હૉર્મોન રહેલું હોય છે. આ હૉર્મોનની પૂર્તિ જ્યારે શરીરમાં થાય ત્યારે એ મગજમાં તમે જે ખાધું એ માટે સંતોષ ઊભો કરે છે. એટલે તમે થોડું ખાઓ એ પછી તમને તરત લાગે કે બસ, હવે મારે નથી ખાવું. એ પણ મન મારીને નહીં, તમે સંતોષપૂર્વક જ કહેશો કે ખાવાની જરૂર જ નથી. એમ છતાં જો તમે ખાઓ તો તમને ઊલટી થઈ જશે અને તમારી હાલત ખરાબ થઈ જશે એટલે ઓવર-ઈટ થશે જ નહીં. જો તમે વધુ નહીં ખાઓ તો આપોઆપ વજન ઘટાડવાનું સહેલું થઈ જશે. જોકે પ્રશ્ન એ થાય કે ઘણા લોકો છે જે ઓછું જ ખાતા હોય છે પણ તેઓ ઘણા જાડા હોય છે. જો ઓછું જ ખાવાથી પ્રશ્ન ઉકેલાતો હોય તો વ્યક્તિ પોતાના પર કન્ટ્રોલ રાખીને પણ વજન ઓછું કરી જ શકેને? તો દવાની જરૂર શું?
એવા ઘણા લોકો છે જેઓ પોતાની જીભ પર કાબૂ રાખી શકતા નથી. વળી જે લોકો ઓબીસ છે તેમના શરીરમાં ખાવાના સંતોષ માટેનું જે હૉર્મોન છે એની કમી જોવા મળે છે એટલે તેઓ ખાય તો તેમને સમજાતું જ નથી કે તેમણે ક્યાં અટકવાનું છે. વેઇટલૉસમાં ખોરાકને એકદમ પ્રમાણસર લેવો જરૂરી છે જે બેઝિક જરૂરિયાત જ લોકો પૂરી કરી શકતા નથી. મન મારીને ખુદને તમે એક-બે દિવસ કે એકાદ અઠવાડિયું રોકી શકો. બહુ-બહુ તો એક મહિનો. પણ ક્યારેક તો તમારો મન પરનો કન્ટ્રોલ છૂટશે. જે લોકો દિવસે કન્ટ્રોલ રાખે છે એ લોકો રાત્રે અકરાંતિયાની જેમ ખાય છે કારણ કે ક્રેવિન્ગ્સ જ એટલી હોય કે વ્યક્તિ શું કરે? આ બધા પ્રૉબ્લેમ્સ ઘણા જ પ્રૅક્ટિકલ છે. વજન ઉતારવું સહેલું નથી એ દરેક વ્યક્તિ જાણે છે. આ એક પ્રોસેસ છે. આ દવાઓ એ પ્રોસેસને સહેલી બનાવવાનું કામ કરે છે.
તમને કશે દુખતું હોય અને તમે દવા લો તો ઠીક થઈ જાઓ એમ ઓબેસિટીની દવા લઈએ તો વજન ઊતરી જાય અને એ માટે ડાયટ, એક્સરસાઇઝ અને લાઇફ-સ્ટાઇલ ચેન્જ કરવાની જરૂર નથી એમ જો તમે માનતા હો તો ભૂલ કરો છો. ઓબેસિટીને જડથી દૂર કરવા માટે લાઇફ-સ્ટાઇલ ચેન્જ અનિવાર્ય છે. તમે આ દવા લો એટલે ખાવાનું પ્રમાણ ઘટશે; પણ ખોરાક તો હેલ્ધી જ લેવાનો છે, સ્ટ્રેસ ઘટાડવાનું છે, ઊંઘ પૂરતી લેવાની છે. એક્સરસાઇઝ તમે જેટલી કરી શકો એમ છો એટલી તો કરવાની જ છે. આ બધું કરતાં-કરતાં જ્યારે તમે દવા પણ લો તો રિઝલ્ટ સારું મળે અને લાંબું ટકે, કારણ કે જ્યારે ફક્ત દવાઓથી જ રિઝલ્ટ તમે લાવો છો ત્યારે જેવી દવા બંધ કરો એટલે ઘટેલું વજન ફરી વધી જાય છે.
- ડૉ. તન્વી પટેલ
