આ આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી લાભાર્થી ખેડૂતોના બૅન્ક-ખાતામાં જમા કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના તહેવાર પૂર્વે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ૩૦૪ દુકાળગ્રસ્ત તાલુકાઓના આશરે દોઢ કરોડ ખેડૂતોને પ્રત્યેકને ૫૦૦૦ રૂપિયાની ઍડ્વાન્સ આર્થિક સહાય ચૂકવવાની મંજૂરી મંગળવારે આપી છે.
સાપ્તાહિક કૅબિનેટ બેઠક બાદ મુખ્ય પ્રધાન સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર જે ખેડૂતોના પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે તેમને આ ઍડ્વાન્સ રકમ આપવામાં આવશે. આ આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી લાભાર્થી ખેડૂતોના બૅન્ક-ખાતામાં જમા કરવામાં આવશે.
દુકાળરાહત પેટે ૧.૫ કરોડ ખેડૂતોને માથાદીઠ ૫૦૦૦ રૂપિયાની ઍડ્વાન્સ સહાય આપવાથી સરકારી તિજોરી પર અંદાજે ૭૫૦૦ કરોડ રૂપિયાનો કુલ નાણાકીય બોજ પડશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને આ જ અઠવાડિયામાં આ રકમ ખેડૂતોના બૅન્ક-ખાતામાં જમા થઈ જાય એ સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત ખેડૂતોના ખાતામાં જમા થયેલી આ સહાયની રકમમાંથી બૅન્કો કોઈ પણ પ્રકારની જૂની બાકી રકમ કે અન્ય કોઈ પણ ચાર્જિસપેટે કપાત ન કરે એવો સ્પષ્ટ નિર્દેશ બૅન્કોને જાહેર કરવાનો પણ મુખ્ય પ્રધાને આદેશ આપ્યો છે.
દુકાળગ્રસ્ત ૩૦૪ તાલુકાઓનાં તમામ ગામોમાં ઓછામાં ઓછા ૧૦૦ જળશોષક ખાડા બનાવશે મહારાષ્ટ્ર સરકાર
દુકાળગ્રસ્ત ૩૦૪ તાલુકાઓના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછા ૧૦૦ જળશોષક ખાડા બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. અપૂરતા વરસાદ અને દુકાળ જેવી પરિસ્થિતિ વચ્ચે ભૂગર્ભજળ રીચાર્જ વધારવા તેમ જ જળ સંરક્ષણવ્યવસ્થા મજબૂત કરવાના ઉદ્દેશથી આ પહેલ કરવામાં આવી છે એમ જમીન અને જળસંરક્ષણપ્રધાન સંજય રાઠોડે જણાવ્યું હતું.
ADVERTISEMENT
સોલાપુરમાં દુકાળનો પ્રકોપ : પશુઓને જીવતાં રાખવા માટે ખેડૂતો ઘરેણાં અને મંગળસૂત્ર ગિરવી મૂકી રહ્યા છે
ત્રણ-ચાર રૂપિયે પ્રતિ કિલો મળતો ઘાસચારો ૯ રૂપિયે કિલો થયો, તાત્કાલિક ઘાસચારા છાવણીઓ શરૂ કરવા ખેડૂતોની માગણી
સોલાપુર જિલ્લામાં દુકાળની ગંભીર અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ચોમાસું નિષ્ફળ જતાં ઘાસચારો ખૂટી પડ્યો છે અને પાણીના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે ખેડૂતો પોતાના પશુધનને જીવતું રાખવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં સંજય રાઝગે નામના ખેડૂતે પોતાના પરિવારે વર્ષોથી સાચવી રાખેલી એકમાત્ર મૂડી સમાન પત્નીનું મંગળસૂત્ર ગિરવી મૂકી દીધું હતું. આ દાગીનો ગિરવી મૂકીને મળેલા ૯૦,૦૦૦ રૂપિયા તેણે ગાય-ભેંસોના ઘાસચારા પાછળ ખર્ચી નાખ્યા છે.
જિલ્લાના મંગળવેઢા તાલુકાનાં દુકાળગ્રસ્ત ગામડાંઓમાં પોતાના અબોલ જીવોને બચાવવા માટે ખેડૂતો સોનાનાં ઘરેણાં ગિરવી મૂકી રહ્યા છે. એક ખેડૂતે કહ્યું હતું કે ‘મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. ખરીફ પાક સાવ નિષ્ફળ ગયો છે અને ખેતરો ઉજ્જડ પડ્યાં છે. ૫૦૦ ફુટ ઊંડા બે બોરવેલ અને અમારો પંચાવન ફુટ ઊંડો કૂવો સાવ સુકાઈ ગયા છે. જો હું ઢોરને ખવડાવીશ નહીં તો તેઓ જીવશે કઈ રીતે?’
મંગળસૂત્ર પર મેળવેલી આ લોનથી તે ૧૦ મોટાં ઢોર અને બે વાછરડાં માટે થોડા મહિના ચાલે એટલો ઘાસચારો ખરીદી શક્યો હતો. જોકે આ માટે તેણે સામાન્ય કરતાં લગભગ બમણો ભાવ ચૂકવવો પડ્યો હતો. અગાઉ ત્રણથી ૪ રૂપિયા પ્રતિ કિલો મળતા ઘાસચારાનો ભાવ હવે વધીને ૯ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
ભેંસની કિંમત ઘટીને ચોથા ભાગની થઈ
આ જ ગામના અન્ય એક ડેરી ખેડૂતે ઘાસચારો ખરીદવા માટે સ્થાનિક ડેરી સોસાયટી પાસેથી ૪ લાખ રૂપિયાની લોન લીધી છે. તેમણે પોતાનો ડેરી વ્યવસાય ઊભો કરવા માટે અગાઉ એક ડેરી કંપનીની સારી નોકરી છોડી દીધી હતી, પરંતુ આજે તેનો આ નિર્ણય જોખમમાં મુકાઈ ગયો છે. થોડાં વર્ષો પહેલાં તેણે ૧.૨ લાખ રૂપિયાથી વધુ કિંમતે ખરીદેલી પ્રત્યેક ભેંસની કિંમત ઘટીને આજે માંડ ચોથા ભાગની રહી ગઈ છે. દૂધના ભાવ ગગડી ગયા છે, જ્યારે ઘાસચારો અને પાણીના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. તેણે વ્યાજે પૈસા લઈને ૧૫ ટન ઘાસચારો ખરીદ્યો છે.
