આપણે આપણા દિવસની શરૂઆત કઈ રીતે કરીએ છીએ એની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે, પણ શું તમે જાણો છો આપણામાંથી ઘણા લોકો સવારે સામાન્ય રીતે આ પાંચ ભૂલો કરતા હોય છે જે ધીરે-ધીરે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે?
તમે કિડનીને ડૅમેજ કરતી આ ભૂલો તો નથી કરી રહ્યાને?
આપણા રોજિંદા જીવનની કેટલીક સામાન્ય દેખાતી આદતો ચૂપચાપ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તમે સવારે ઊઠીને શું પીઓ છો અથવા તો દિવસની શરૂઆત કઈ રીતે કરો છો એ નાની-નાની વસ્તુઓ પણ આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડતી હોય છે. હજી થોડા દિવસ પહેલાં જ ચેન્નઈના ટ્રાન્સપ્લાન્ટ ઍન્ડ રોબોટિક યુરોલૉજિસ્ટ ડૉ. વેન્કટ સુબ્રમણ્યમે તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એવી પાંચ સામાન્ય મૉર્નિંગ હૅબિટ્સ વિશે જણાવ્યું હતું જે આપણી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
સવારે ઊઠતાં જ પાણી ન પીવું
આખી રાતના ઉપવાસ બાદ શરીર અને કિડની થોડી ડીહાઇડ્રેશનની સ્થિતિમાં હોવાથી તેને પાણીની જરૂર હોય છે. એટલે દિવસની શરૂઆત કૉફી અથવા ચાથી નહીં, પણ ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીને કરવી જોઈએ.
ADVERTISEMENT
સવારે યુરિન માટે ન જવું
આખી રાત યુરિન રોક્યા બાદ મૂત્રાશય અગાઉથી જ ભરાયેલું અને તનાવમાં હોય છે. એટલે સવારે અથવા તો દિવસ દરમિયાન ક્યારેય યુરિનને વધુ સમય સુધી રોકી રાખવું ન જોઈએ.
ખાલી પેટે પેઇનકિલર્સ લેવી
પેઇનકિલર્સ જો સાવધાનીપૂર્વક લેવામાં ન આવે તો એ આપણી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. એને ખાલી પેટ લેવાથી ખતરો હજી વધી જાય છે એટલે હંમેશાં ડૉક્ટરની સલાહનું પાલન કરીને પેઇનકિલર્સને ભોજન કર્યા પછી પાણી સાથે લેવી જોઈએ.
કસરત કર્યા પછી પાણી ન પીવું
સવારે એક્સરસાઇઝ કરવી એ દિવસની શરૂઆત કરવાની સારી રીત છે, પણ એક્સરસાઇઝ કર્યા પછી શરીરને હાઇડ્રેટ કરવું પણ એટલું જ જરૂરી છે. પાણી કિડનીને શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં મદદ કરે છે અને ડીહાઇડ્રેશન સંબંધિત સ્ટ્રેસથી બચાવે છે.
સવારે નાસ્તો ન કરવો
દિવસની શરૂઆત એક હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તાથી કરવી જોઈએ. નાસ્તો ન કરવાથી બાદમાં પછી વધુપડતા મીઠાવાળી ચટપટી વસ્તુઓ ખાવાનું ક્રેવિંગ વધી જાય છે. આ વસ્તુઓ ખાવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે અને કિડની પર વધારાનો દબાવ પડે છે.
ઉપર જણાવેલી પાંચ આદતો કિડનીને કઈ હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે અને એને કારણે બીજી કઈ સમસ્યાઓ ઊભી થાય છે એની ગંભીરતા સમજાવતાં ૩૫થી વધુ વર્ષનો અનુભવ ધરાવતા યુરોલૉજિસ્ટ ડૉ. દિલીપ રાજા કહે છે, ‘ઘણા લોકોને સવાર-સવારમાં બ્લૅક કૉફી પીવાની આદત હોય છે. એમાં રહેલું કૅફિન બ્લડપ્રેશર વધારી શકે છે. લાંબા સમય સુધી હાઈ બ્લડપ્રેશર કિડનીની ફિલ્ટરિંગ ક્ષમતાને કમજોર કરી શકે છે, જેનાથી કિડની ડૅમેજનો ખતરો વધે છે. એવી જ રીતે બ્લૅક ટીમાં ઑક્સેલેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જે કૅલ્શિયમ સાથે મળીને કિડની સ્ટોન બનાવી શકે છે. ઘણા લોકોને ચા-કૉફીમાં ક્રીમર, દૂધ નાખીને પીવાની આદત હોય છે કે જેમાં ફૉસ્ફરસ, પોટૅશિયમનું પ્રમાણ વધુ હોય છે. એટલે વધુપડતી ક્રીમ, દૂધવાળી ચા-કૉફી પીવાથી એ લાંબા ગાળે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. એવી જ રીતે ચા-કૉફી બન્નેમાં ટૅનિન હોય છે જે શરીરમાં આયર્નને ઍબ્સૉર્બ થતાં રોકે છે, પરિણામે શરીરમાં આયર્નની કમી આવી શકે છે. લાંબા સમય સુધી આયર્નની કમી અને એનીમિયાને કારણે કિડનીની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. ઉપરથી ચા-કૉફી ડાયયુરેટિક હોય છે. એટલે એને પીધા પછી વધુ પેશાબ લાગે છે.
એવામાં જો પૂરતું પાણી પીવા પર ધ્યાન આપવામાં ન આવે તો બૉડી ડીહાઈડ્રેટ થઈ જાય છે, જેનાથી કિડની સ્ટોન બનવાનું જોખમ વધી જાય છે. ચા-કૉફી મૉડરેશનમાં જ સારી છે. એમાં પણ જે વયસ્ક છે અથવા તો જેમને બ્લડપ્રેશર, ડાયાબિટીઝની સમસ્યા છે તેમણે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેમને કિડની ડૅમેજ થવાનું જોખમ વધુ હોય છે.’
એવી જ રીતે લાંબો સમય સુધી પેશાબને રોકી રાખવામાં આવે ત્યારે કિડનીને કઈ રીતે નુકસાન થાય છે એ સમજાવતાં તેઓ કહે છે, ‘મોટા ભાગના લોકો એવા હોય છે જેમને ઊઠતાં વેંત પહેલાં મોબાઇલ ચેક કરવા જોઈએ. જોરથી પેશાબ લાગી હોય તો પણ ૫-૧૦ મિનિટ માટે એમ ને એમ રોકીને બેઠા રહે. એને કારણે બ્લૅડર મસલ્સ નબળા પડવા લાગે છે. બ્લૅડર પૂરી રીતે ખાલી થઈ શકતું નથી. એનાથી લેઝી બ્લૅડર જેવી સમસ્યા થઈ જાય છે. બ્લૅડરમાં પેશાબ જમા થવાથી યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. એ સિવાય લાંબા સમય સુધી પેશાબ રોકવાની આદતથી કિડની અને બ્લૅડર સ્ટોન બનવાની સંભાવના પણ વધી જાય છે. આનું ક્લાસિક એક્ઝામ્પલ સ્કૂલમાં જતી વિદ્યાર્થિનીઓ છે. સ્કૂલમાં સ્વચ્છ બાથરૂમ ન હોય, ગંદી વાસ આવતી હોય તો તે આખો દિવસ બાથરૂમ જ ન જાય. સ્કૂલમાંથી છૂટ્યા પછી ઘરે પહોંચીને બૅગ મૂકીને સૌથી પહેલાં તેઓ વૉશરૂમમાં દોડીને જાય. એટલા કલાકો સુધી તેઓ યુરિન એમ ને એમ જ રોકી રાખે. એને કારણે લાંબા ગાળે તેમના બ્લૅડર મસલ્સ નબળા પડી જાય છે, બ્લૅડર પૂરી રીતે ખાલી નથી થઈ શકતું, પરિણામ સ્વરૂપે યરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન, બ્લૅડર અથવા કિડની સ્ટોન જેવી સમસ્યા વિકસિત થાય છે.’
ખાલી પેટે પેઇનકિલર લેવાથી કઈ હદે પેટ અને કિડનીને નુકસાન પહોંચી શકે છે એ સમજાવતાં તેઓ કહે છે, ‘કેટલીક પેઇનકિલર દવાઓ શરીરમાં પ્રોસ્ટાગ્લૅન્ડિન્સ નામના રસાયણનું નિર્માણ ઘટાડે છે. આ રસાયણ સ્ટમક લાઇનિંગને ઍસિડથી સુરક્ષા આપે છે અને કિડનીમાં રક્તપ્રવાહ, ફ્લુઇડ બૅલૅન્સને રેગ્યુલેટ રાખે છે. જ્યારે પેઇનકિલર ખાલી પેટે લેવામાં આવે ત્યારે પેટમાં હાજર ઍસિડ સીધું સ્ટમક લાઇનિંગને નુકસાન પહોંચાડે છે, જેનાથી પેટમાં બળતરા, અલ્સર જેવી સમસ્યા થઈ શકે છે. એવી જ રીતે પ્રોસ્ટાગ્લૅન્ડિન્સની કમીને કારણે કિડનીમાં બ્લડ ફ્લો ઘટી જાય છે, જેનાથી ક્યારેક ઍક્યુટ કિડની ઇન્જરીનું જોખમ પણ વધી ડાય છે. પેઇનકિલર કિડનીના ફ્લુઇડ બૅલૅન્સ પર પણ અસર નાખે છે, જેથી શરીરમાંથી પાણી અને સોડિયમ વધુ પ્રમાણમાં બહાર નીકળવા લાગે છે અને ડીહાઇડ્રેશન થઈ જાય છે. એટલે ભોજન પછી પાણી સાથે દવા લેવામાં આવે તો એની અસર નિયંત્રિત રહે છે.’
વર્કઆઉટ પછી જ નહીં, પણ કોઈ પણ પ્રકારની ઍક્ટિવિટી કે જેમાં પરસેવો વહેતો હોય પછી એ ભલે વૉકિંગ કે સાઇક્લિંગ જ કેમ ન હોય, વચ્ચે-વચ્ચે એક-એક ઘૂંટડો પાણી પીતા રહેવું જોઈએ. આ વિશે તેઓ કહે છે, ‘તમે એક કલાક સુધી પાણી જ ન પીઓ અને પછી એકસાથે આખી બૉટલ ખાલી કરી નાખો તો એનો કોઈ ફાયદો થવાનો નથી. પરસેવા સાથે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ બન્ને શરીરમાંથી નીકળતાં હોય છે. ડીહાઇડ્રેટેડ બૉડીને તમે સતત ચૅલૅન્જ કરતા રહો તો મસલ્સમાં ક્રૅમ્પ આવી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ક્યારેક કોઈને ચક્કર આવી જાય. ઘણા લોકોને જિમમાં એક્સરસાઇઝ કરતી વખતે વચ્ચે-વચ્ચે ભરી-ભરીને પ્રોટીન શેક પીવાની આદત હોય. પ્રોટીન જરૂરતથી વધારે લઈ લીધું હોય અને શરીરમાં પાણીની કમી હોય તો એનાથી કિડની પર વધારે લોડ પડે છે. લાંબા ગાળે આ સ્થિતિ કિડની ફંક્શન પર અસર નાખી શકે છે.’
સવારે બ્રેકફાસ્ટ ન કરવાની આદત ફક્ત કિડની પર દબાવ નાખે છે એવું નથી, પણ શરીરની આખી કાર્યપ્રણાલી પર અસર નાખતી હોવાનું સમજાવતાં તેઓ કહે છે, ‘રાત્રે સૂતા હોઈએ ત્યારે આઠ-દસ કલાક માટે પેટ ખાલી હોય. એવામાં જો સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ ન કરવામાં આવે તો એ શરીરનું મેટાબોલિઝ્મ ધીમું પાડી દે છે અને કિડની, હૃદય, લિવર પર એક્સ્ટ્રા લોડ નાખે છે. આનાથી લાંબા ગાળે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, હૃદય સંબંધિત રોગ, સ્થૂળતા અને મેટાબોલિક ડિસીઝનું જોખમ વધી જાય છે. ખાસ કરીને ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરવાળા લોકો તો બ્રેકફાસ્ટ ન કરતા હોય તો તેમને સિવિયર કિડની ડિસીઝનો ખતરો હજી વધી જાય છે. આજકાલ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની ફૅશન ચાલે છે જે તમારા શરીરના નૉર્મલ ફંક્શનિંગ માટે જરાય સારી નથી. શરીરના બધા જ અવયવો સરખી રીતે કામ કરી શકે, પૂરતું પોષણ મળી રહે એ માટે થોડા-થોડા સમયે હેલ્ધી ડાયટ લેવું જેમાં ભરપૂર લીલી શાકભાજી અને તાજાં ફળોનો સમાવેશ હોય એ ખૂબ જરૂરી છે.’
ક્યારે ડૉક્ટર પાસે જવું?
યુવાન વયમાં બ્લડપ્રેશર હોય ચહેરા, હાથ-પગ પર સોજા આવતા હોય વારંવાર અથવા તો ખૂબ ઓછી વાર યુરિન આવતું હોય બહુ ભૂખ લાગતી હોય અને અચાનક વજન વધતું હોય વારંવાર યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન થતું હોય આ લક્ષણો કિડની સંબંધિત બીમારીના સંકેત હોઈ શકે. જો તમને આંવા લક્ષણો હોય તો એક વાર ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી લેવું જોઈએ.


