Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું બૅડ્‌મિન્ટન રમવાથી ખરેખર આયુષ્ય વધી શકે?

શું બૅડ્‌મિન્ટન રમવાથી ખરેખર આયુષ્ય વધી શકે?

Published : 06 August, 2026 04:53 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા સંશોધનમાં એવો દાવો થયો છે કે નિયમિત રમવાથી વ્યક્તિની ઉંમરમાં સરેરાશ ૬ વર્ષનો વધારો થઈ શકે છે. આ દાવો કેટલો સાચો છે? જો તમે બૅડ્‌મિન્ટનને માત્ર ફિટનેસ-રૂટીન તરીકે અપનાવો તો શરીર અને મગજ માટે એ કેટલું ફાયદાકારક છે એ જાણીએ

શું બૅડ્‌મિન્ટન રમવાથી ખરેખર આયુષ્ય વધી શકે?

શું બૅડ્‌મિન્ટન રમવાથી ખરેખર આયુષ્ય વધી શકે?


ફિટનેસ-ફ્રીક લોકો મોટા ભાગે જિમ, યોગ, મૅરથૉન, સાઇક્લિંગ અને સ્વિમિંગ તરફ વળે છે; પણ બૅડ્‌મિન્ટન એવી રમત છે જે એકસાથે કાર્ડિયો, બૅલૅન્સ અને એન્ટરટેઇનમેન્ટ બધું જ આપે છે. છેલ્લા થોડા સમયથી બૅડ્‌મિન્ટન ફરી ચર્ચામાં છે, કારણ કે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નિયમિત બૅડ્‌મિન્ટન રમવાથી વ્યક્તિનું સરેરાશ ૬ વર્ષ જેટલું આયુષ્ય વધી શકે છે. આવો દાવો સાંભળતાં જ સવાલ થાય કે શું ખરેખર માત્ર બૅડ્‌મિન્ટન રમવાથી જીવન લાંબું થઈ શકે? જોકે બૅડ્‌મિન્ટન જેવી રૅકેટ-સ્પોર્ટ્‌સ અને લાંબા આયુષ્ય વચ્ચે સંબંધ દર્શાવતા કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસો જરૂર ઉપલબ્ધ છે. એટલે ચર્ચા સંપૂર્ણપણે ખોટી નથી, પરંતુ એને જે રીતે રજૂ કરવામાં આવી રહી છે એમાં ઘણી વખત અતિશયોક્તિ હોય છે. આ વિશે અનુભવી ફિટનેસ એક્સપર્ટ કોમલ દવે પાસેથી વિસ્તારથી જાણીએ.

વાઇરલ દાવો ક્યાંથી આવ્યો?



લાંબા આયુષ્ય વિશે થયેલા કેટલાક મોટા આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં ટેનિસ અને અન્ય રૅકેટ-સ્પોર્ટ્‌સ રમનારા લોકોમાં સરેરાશ વધુ આયુષ્ય જોવા મળ્યું હતું. ખાસ કરીને ૨૦૧૮માં કોપનહેગન સિટી હાર્ટ સ્ટડી જેવા અભ્યાસોમાં રૅકેટ સ્પોર્ટ્‌સ રમનારા લોકોમાં સમય પહેલાં મૃત્યુનું જોખમ ઓછું હોવાનું નોંધાયું હતું. અહીં એક મહત્ત્વનો તફાવત સમજવો જરૂરી છે. આવા અભ્યાસો ફક્ત અસોસિએશન એટલે કે સંબંધ દર્શાવે છે, કારણ નહીં. એટલે કે બૅડ્‌મિન્ટન રમતા લોકો અન્ય રીતે પણ વધુ સ્વસ્થ જીવનશૈલી અપનાવતા હોઈ શકે. જેમ કે સંતુલિત આહાર, ઓછું ધૂમ્રપાન, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને વધુ સામાજિક સક્રિયતા. તેથી રોજ બૅડ્‌મિન્ટન રમવાથી સરેરાશ ઉંમરમાં સીધો વધારો થાય છે એવો દાવો વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ સાબિત થતો નથી.


તો પછી બૅડ્‌મિન્ટન ખાસ કેમ?

બૅડ્‌મિન્ટનની રમત હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરમિટન્ટ ઍક્ટિવિટી છે. આ દરમ્યાન થોડી સેકન્ડ માટે ખૂબ ઝડપથી દોડવું, જમ્પ કરવું, દિશા બદલવી અને તરત નિર્ણય લેવો પડે છે. એને લીધે હૃદય, ફેફસાં, સ્નાયુઓ અને મગજ એકસાથે સક્રિય રહે છે. આ સંયોજનને કારણે બૅડ્‌મિન્ટન ફિટનેસ માટે ખૂબ અસરકારક રમત માનવામાં આવે છે. એના અઢળક ફાયદાઓ નીચે મુજબ છે:


હૃદય માટે બેસ્ટ કાર્ડિયો વર્કઆઉટ

બૅડ્‌મિન્ટન રમતી વખતે હૃદયના ધબકારા વધે છે અને રક્તસંચાર તેજ બને છે. નિયમિત રીતે રમવાથી કાર્ડિયોવૅસ્ક્યુલર ફિટનેસમાં સુધારો થાય છે જે લાંબા ગાળે હૃદય સંબંધિત જોખમો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. ખાસ કરીને મધ્યમથી ઊંચી તીવ્રતાથી રમવામાં આવે તો ઍરોબિક ક્ષમતા પણ વધે છે.

વેઇટ-મૅનેજમેન્ટ

ઘણા લોકો માટે બૅડ્‌મિન્ટનનો સૌથી દેખાતો ફાયદો કૅલરી બર્ન કરવાનો છે. ૩૦થી ૬૦ મિનિટના સેશન દરમ્યાન વ્યક્તિના વજન અને રમતની તીવ્રતા પ્રમાણે નોંધપાત્ર કૅલરી બર્ન થઈ શકે છે. જો એની સાથે યોગ્ય આહાર અને નિયમિતતા જળવાય તો બૅડ્‌મિન્ટન વજન ઘટાડવા અને ફૅટ લૉસ માટે અસરકારક સાધન બની શકે છે.

બૉડી-બૅલૅન્સિંગ

બૅડ્‌મિન્ટનમાં દરેક શૉટ પછી શરીરે તરત નવી સ્થિતિમાં જવું પડે છે. સતત દિશા બદલવી પડે છે, આગળ-પાછળ અને બાજુઓમાં ઝડપથી હલનચલન કરવું પડે છે. એને કારણે શરીરના બૅલૅન્સ અને કો-ઑર્ડિનેશનમાં નોંધપાત્ર સુધારો થાય છે. ઉંમર વધતાં સંતુલન જાળવવાની ક્ષમતા ખૂબ મહત્ત્વની બની જાય છે એટલે આ પ્રકારની રમત લાંબા ગાળે પણ ઉપયોગી છે.

મગજની સક્રિયતા

શટલકૉક ખૂબ ઝડપથી ચાલે છે અને દરેક પળે નિર્ણય લેવો પડે છે કે કયો શૉટ રમવો. આ પ્રક્રિયા હાથ અને આંખો વચ્ચેના કો-ઑર્ડિનેશન તથા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને સુધારવામાં અને ઝડપી નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. આવી રમતો મગજને વધુ સક્રિય રાખવામાં મદદ કરે છે.

બૅડ્‌મિન્ટન જિમનો વિકલ્પ બની શકે?

આ સવાલ ઘણા લોકો પૂછે છે, પણ હકીકતમાં બૅડ્‌મિન્ટન જિમને સંપૂર્ણપણે રિપ્લેસ કરી શકે નહીં. બૅડ્‌મિન્ટન બેસ્ટ કાર્ડિયો અને રિફ્લેક્સ વર્કઆઉટ છે; પણ સંપૂર્ણ ફિટનેસ માટે સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ, મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી પણ એટલી જ જરૂરી છે. જો તમારું લક્ષ્ય માત્ર સક્રિય રહેવાનું, વજન નિયંત્રણમાં રાખવાનું અને હૃદયની તંદુરસ્તી સુધારવાનું હોય તો બૅડ્‌મિન્ટન ખૂબ સારામાં સારો વિકલ્પ છે. જો તમારે મસલ્સ સ્ટ્રૉન્ગ કરવા હોય, હાડકાંના સ્વાસ્થ્યને વધુ સારું કરવું હોય અને આખા શરીરની ઓવરઑલ સ્ટ્રેન્થ વધારવી હોય તો બૅડ્‌મિન્ટન ઉપરાંત અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ જિમ કે બૉડીવેઇટ સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ ઉમેરવી વધુ યોગ્ય રહેશે. સામાન્ય સ્વસ્થ વ્યક્તિ અઠવાડિયામાં બેથી ૪ દિવસ, અડધાથી એક કલાક સુધી બૅડ્‌મિન્ટન રમી શકે છે

શું ધ્યાન રાખવું?

રમતાં પહેલાં પાંચથી ૧૦ મિનિટનું પ્રૉપર વૉર્મ-અપ કરી લેવું અને રમ્યા પછી પણ હળવું સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. બૅડ્‌મિન્ટન રમતી વખતે ખભા, ઘૂંટણ, કાંડા અને પગના મસલ્સ પર ભાર પડે છે. તેથી યોગ્ય શૂઝ, વૉર્મ-અપ અને કોર્ટ પર સાચું ફુટવર્ક રાખવું જરૂરી છે જેથી મસલ્સ સ્પાઝમ કે શોલ્ડર ઇન્જરીથી બચી શકાય. જો તમે લાંબા બ્રેક બાદ સ્પોર્ટ્‌સ શરૂ કરી રહ્યા હો અથવા પહેલી વાર રમી રહ્યા હો તો શરૂઆતમાં ઓછી તીવ્રતાથી રમવું અને ધીમે-ધીમે સમય તથા ગતિ વધારવાં. ખાસ કરીને ખભા અથવા ઘૂંટણની જૂની ઈજા હોય તો રમત શરૂ કરતાં પહેલાં ફિઝિયોથેરપિસ્ટ અથવા ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 04:53 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK