જિમ જતાં પહેલાં અને એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં અમુક મૂળભૂત બાબતો જાણવી જરૂરી છે. પછી જિમ જશો અને આ નિયમોનું પાલન કરશો તો ઇન્જરી નહીં આવે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજકાલ લોકો સમજ્યા વગર જિમમાં એક્સરસાઇઝ શરૂ કરી દે છે અને તેમને ઇન્જરી આવી જાય છે. એક્સરસાઇઝ ચાલુ કરવાનું કારણ જ એ કે સશક્ત બનવાનું હતું પરંતુ એનાથી ઊલટું થાય; હાડકાં મજબૂત બનવાને બદલે ડૅમેજ થાય, સ્નાયુમાં તાકાત આવવાને બદલે એમાં ઇન્જરી થાય એ યોગ્ય નથી. જિમ જતાં પહેલાં અને એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં અમુક મૂળભૂત બાબતો જાણવી જરૂરી છે. પછી જિમ જશો અને આ નિયમોનું પાલન કરશો તો ઇન્જરી નહીં આવે.
કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરતાં પહેલાં જરૂરિયાત પ્રમાણે વૉર્મ-અપ ચોક્કસ કરો. વૉર્મ-અપ કરવાનો મોટા ભાગના લોકોને કંટાળો આવતો હોય, પરંતુ શરીરને એક્સરસાઇઝ પહેલાં ગરમ કરવું જરૂરી છે. આ ઉપરાંત ઇન્જરીથી બચવું હોય તો સ્ટ્રેચિંગ કરવું પણ જરૂરી છે. શરીરના દરેક અંગનું એક જુદું સ્ટ્રેચ હોય છે. દરેક નાનામાં નાના સ્નાયુને સ્ટ્રેચ કરવામાં આવે તો ઇન્જરીથી બચવાનું સરળ છે. ધીરજ રાખો. શરૂઆતમાં ઓછાથી શરૂ કરો. એકદમ જોશમાં આવીને ખૂબ વધારે એક્સરસાઇઝ કરશો તો સ્નાયુઓ ટેવાયેલા નહીં હોય એટલે ઇન્જરી થવાની શક્યતા ઘણી વધારે રહે છે. ધીમે-ધીમે આગળ વધો. સાચી ટેક્નિક પણ અનિવાર્ય છે. તમારી સાઇકલને કેટલી ઊંચાઈએ સેટ કરવી કે રેઝિસ્ટન્ટ ટ્રેઇનિંગ માટે મશીનને કઈ રીતે સેટ કરવું એ વ્યવસ્થિત સમજો અને કરો. આ માટે જરૂરી છે કે તમારી પાસે એક ટ્રેઇનર હોય જે તમને આ બાબતે સમજાવે. ટ્રેઇનરની જરૂરિયાત શરૂઆતમાં વધુ હોય છે કારણ કે કોઈ પણ એક્સરસાઇઝનું સાચું ફૉર્મ ટ્રેઇનર બતાવે છે. એક વખત ખોટું ફૉર્મ બેસી ગયું તો ઇન્જરી થવાનું નિશ્ચિત છે. એનાથી શરીરને ફાયદો નહીં, નુકસાન જ થાય છે.
ADVERTISEMENT
૪૫ મિનિટથી ૧ કલાક જો તમે એક્સરસાઇઝ કરતા હો તો એને ઘણું કહેવાય. એનાથી વધુ સમય એક્સરસાઇઝને ન આપો. એક્સરસાઇઝ કર્યા પછી કૂલિંગ ડાઉન પણ અત્યંત મહત્ત્વનું છે. એ કરો અને પછી સ્ટ્રેચ કરો. એક્સરસાઇઝ કરતી વખતે અને એ પછી પણ પાણી પીતા રહેવું જરૂરી છે. જો તમે એક્સરસાઇઝ પર ધ્યાન આપો છો તો જરૂરી છે કે તમારા ખાનપાન પર પણ આપો. સ્નાયુઓ અને હાડકાં મજબૂત થાય એ પ્રકારનો ખોરાક ખાઓ. ભૂખ્યા ન રહો. પોષણયુક્ત ખોરાક ખાઓ એ જરૂરી છે. સ્નાયુઓની હેલ્થ માટે એક્સરસાઇઝ જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે એ સ્નાયુને આરામ આપવાનું. એ માટે જ મોટા ભાગે લોકો અઠવાડિયામાં ૧ કે ૨ દિવસ
વેઇટ-ટ્રેઇનિંગ કરે છે અને બાકીના દિવસ કાર્ડિયો તથા ફંક્શનલ ટ્રેઇનિંગ કરતા હોય છે. પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. જ્યારે વજન ઉપાડો ત્યારે પ્રોટેક્ટિવ સપોર્ટ્સ મદદરૂપ થાય છે, ખાસ કરીને હેવી લિફ્ટિંગમાં. જેમ કે લમ્બર બેલ્ટ, કોણી કે ઘૂંટણના રૅપ વગેરે. એ ચોક્કસ વાપરો.
- ડૉ. વિભૂતિ કાણકિયા
(ડૉ. વિભૂતિ કાણકિયા અનુભવી ફિઝિયોથેરપિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો.)

