દુનિયાની પ્રતિષ્ઠિત ૬ મેજર મૅરથૉન દોડી આવેલા આ ઍથ્લીટ કહે છે...
ભુવન નાગડા
‘મને યાદ છે કે લંડનની મૅરથૉનમાં ફિનિશિંગ લાઇન પર જ્યારે ભારતના ધ્વજ સાથે હું દોડતો હતો ત્યારે છાતી ગજ-ગજ ફૂલી રહી હતી. જે બ્રિટિશરોએ આપણા પર રાજ કર્યું તેમની ધરતી પર સફળતા સાથે મૅરથૉન પૂરી કરવાનો એ આનંદ આજે પણ રૂંવાડાં ઊભાં કરી દે છે.’
૨૦૧૧થી રનિંગ શરૂ કરનારા અને વર્લ્ડની મૅરથૉન મેજર તરીકે ઓળખાતી ૬ મૅરથૉનમાં દોડી ચૂકેલા ઘાટકોપરના આર્કિટેક્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનર ભુવન નાગડાની લાઇફની જર્ની નિરાળી છે. એક એવો સમય હતો જ્યારે ખાવા-પીવાનો કોઈ સમય નહીં, ઊભા થઈને પાણીનો ગ્લાસ લેવાનું ન ગમે એવું બેઠાડુ જીવન અને ધંધામાં જરૂરી હોય એટલું જ કામ કરીને લાઇફને એન્જૉય કરવાની. પછી એક સમય એવો આવ્યો જેમાં સમયસર સૂવાનું અને સવારે વહેલા ઊઠીને દરરોજનું આઠ-દસ કિલોમીટર દોડવાનું, નિયમિત પૌષ્ટિક ભોજન લેવાનું. આ શિસ્તભર્યું જીવન જીવવાની સફર કેવી રીતે શરૂ થઈ એ જાણવા જેવું છે.
દોડવાનું શરૂ કર્યું એ પહેલાં
ભુવનભાઈ પોતાના જીવનને બે તબક્કામાં જુએ છે. બિફોર ૨૦૧૧ અને આફ્ટર ૨૦૧૧. તેઓ કહે છે, ‘આમ તો ૩૮ વર્ષની ઉંમરે હાઈ બ્લડપ્રેશર આવ્યું ત્યારથી ફિટનેસ પ્રત્યે સભાન થવું પડશે એની સમજણ આવી ગઈ હતી. હું વૉક પર જતો અને સાથે બાઇકિંગનો મને શોખ હતો. એટલે મિત્રો સાથે નાઇટ-બાઇકિંગ પર જઈએ. જોકે એમાં બાઇકિંગનું ગ્રુપ આડેધડ ખાનારું, પીનારું અને વ્યસની. હું પોતે થોડોક ધાર્મિક જીવનશૈલીને માનનારો એટલે પોતાને અનફિટ ફીલ કરતો. એવામાં કેટલાક મિત્રોના આગ્રહથી જૉલી જિમખાનાના રનિંગ ગ્રુપમાં જોડાયો. ધીમે-ધીમે ટ્રેઇનિંગ શરૂ કરી. પહેલી વાર હાફ મૅરથૉનમાં ભાગ લીધો અને જે મજા આવી એને શબ્દોમાં વર્ણવી શકતો નહોતો. મેં જોયું કે રનિંગને કારણે ધીમે-ધીમે મારી લાઇફ-સ્ટાઇલ અને એનર્જી-લેવલ સુધરી રહ્યાં છે. ૪૨ વર્ષની ઉંમરે પહેલી ફુલ મૅરથૉન એટલે કે ૪૨ કિલામીટર દોડ્યો. હું અને મારો કઝિન એ સમયે મસ્તી પણ કરતા કે 42 @ 42. રનિંગે લાઇફને ટર્નિંગ પૉઇન્ટ આપી દીધો હતો. કામ વચ્ચે હું સમય ચોરીને પણ રનિંગને પ્રાધાન્ય આપતો. આર્કિટેક્ટ તરીકે મારું કામ કલાકો સુધી સાઇટ પર ઊભા રહેવાનું હોય. ચિક્કાર ગરમી વચ્ચે પાંચ-પાંચ અને છ-છ કલાક ઊભા-ઊભા તમે કામ કરતા હો. જોકે રનિંગને કારણે મારા એ કામમાં પણ ઘણો બદલાવ આવ્યો.’
ઇન્ટરનૅશનલ રન
મોટા ભાગે મુંબઈમાં જ રન કરનારા ભુવનભાઈએ ૨૦૧૭માં પહેલી વાર ન્યુ યૉર્કની ઇન્ટરનૅશનલ મૅરથૉનમાં ભાગ લીધો હતો. એ પછી શિકાગોની મૅરથૉનમાં ભાગ લેવાનું નક્કી કર્યું, પણ એમાં વિઘ્ન આવ્યું. તેઓ કહે છે, ‘૨૦૨૨ની વાત છે. મિત્રો દ્વારા ખબર પડી કે શિકાગોની રન બહુ જ આઇકૉનિક હોય છે એટલે મેં પાર્ટિસિપેટ કરવા માટે રજિસ્ટ્રેશન કરી લીધું. મારી ટ્રેઇનિંગ ચાલતી હતી એ દરમ્યાન રવિવારે વરલી પાસે અચાનક પગમાં ઇન્જરી થઈ. પગની પિંડીઓમાં મસલ્સને ઈજા થઈ હતી. હું માંડ-માંડ ઘરે પહોંચ્યો અને ૩ દિવસ તો બેડ પરથી ઊભો ન થઈ શક્યો. મારે શુક્રવારે શિકાગો માટે નીકળવાનું હતું અને એ પહેલાંના રવિવારે આ થયું. બહુ જ ટેન્શન થઈ ગયેલું. જોકે મનોમન હિંમત કરીને મેં નક્કી કર્યું કે હું ભાગ તો લઈશ જ. એ જ હાલતમાં શિકાગો થયો. લગભગ ૧૫ કિલોમીટર જેવું તો એ ઇન્જરી વચ્ચે પણ દોડ્યો, પણ પછી દોડ પૂરી ન કરી શક્યો. એટલે એ રીતે કહું તો ઇન્ટરનૅશનલ રનની એ પહેલી રનમાં હું ફેલ ગયો હતો. એ પછી મારે રીતસર બે વર્ષનો રનિંગમાંથી બ્રેક લેવો પડ્યો. જોકે ૨૦૨૪માં ફરી દોડવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં મને ખબર પડી ગઈ હતી કે દુનિયાની મૅરથૉન મેજર તરીકે ઓળખાતી ૬ શહેરોની મૅરથૉનમાં દોડવું એક અચીવમેન્ટ છે. ૨૦૧૭માં ન્યુ યૉર્ક, પછી ૨૦૨૪માં બર્લિન અને પછી શિકાગોમાં દોડ્યો. ૨૦૨૫માં લંડન મૅરથૉન કરી. ૨૦૨૬માં હમણાં પહેલી માર્ચે ટોક્યો અને એના દોઢ મહિના પછી એટલે કે ૨૦ એપ્રિલે બૉસ્ટનની મૅરથૉન કરી. મારો બેસ્ટ રનિંગ-ટાઇમ બૉસ્ટનની છેલ્લી ફુલ મૅરથૉનનો છે. એ રન મેં ૪ કલાક બે મિનિટ ૩૭ સેકન્ડમાં પૂરી કરી.’
ઇન્ટરનૅશનલ મૅરથૉનમાં ભાગ લેવાનો સૌથી મોટો ફાયદો બતાવતાં ભુવનભાઈ કહે છે, ‘તમે તમારા પગ પર આખા શહેરના શ્રેષ્ઠતમ રસ્તાઓને, ગલીઓને, VIP રૂટ્સને વગર કોઈ અડચણે જોઈ શકો છો. ઘણા VIP રૂટ્સ પણ વિદેશમાં મૅરથૉનમાં સામેલ કરવામાં આવતા હોય છે. આખા શહેરને અનોખા નજરિયા સાથે તમે જોઈ શકતા હો એ એનો સૌથી મોટો બેનિફિટ છે.’
ધર્મ ભૂલવાનો નહીં
દરેક રન પહેલાં અને દરેક રન પછી ભુવનભાઈ આણંદ પાસે શ્રીમદ રાજચંદ્રના મંદિરે દર્શન કરવા જાય છે. તેઓ કહે છે, ‘ઇન્ટરનૅશનલ રનમાં મેં હંમેશાં ત્યાં પ્રાર્થના કરી છે. હું પ્યૉર જૈન ભોજન ખાઉં છું એટલે જ્યારે પણ વિદેશ જાઉં ત્યારે ડીહાઇડ્રેટ કરેલાં ફૂડ-પૅકેટ્સ મારી સાથે હોય. ગરમ પાણી ઉમેરો એટલે મારું ભોજન રેડી થઈ જાય. પ્લસ હું પૂરી ટ્રાય કરું કે મારાથી ગમે ત્યાં હોઉં તો પણ ચોવિહાર તો થાય જ. એટલે કે મારું ડિનર પણ સૂર્યાસ્ત પહેલાં પતી જાય. લોકો રનિંગ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સની વાત હોય ત્યારે પ્રોટીનના નામે પારાવાર સલાહ-સૂચનો આપતા હોય છે. મારા કેસમાં એવું કોઈ એક્સેસિવ પ્રોટીનનું ઇન્ટેક નથી. હા, ચણા, મગ અને દહીં મારી ડાયટનો મહત્ત્વનો હિસ્સો છે. બસ ધૅટ્સ ઇટ. છતાં મારી એનર્જી અને સ્પીડ બન્ને મજાની છે. મને યાદ છે કે હું જ્યારે બૉસ્ટનમાં દોડ્યો ત્યારે મારી સાથે એક નૉનવેજ ખાનારા મહારાષ્ટ્રિયન ભાઈ પણ હતા. તેમણે રન મારા કરતાં થોડીક મોડી પૂરી કરી. તેઓ મને કહે
કે અરે ભાઈ, આપ તો કુછ ભી નહીં ખાતે ફિર ભી ઇતની એનર્જી કહાં સે આતી હૈ. ત્યારે મને સમજાયું કે હેલ્ધી રહેવા માટે બૅલૅન્સ્ડ ડાયટ જરૂરી છે અને એનર્જી માટે મેન્ટલ સ્ટ્રેન્થની જરૂર હોય છે.’
આ આખી જર્નીમાં સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે સક્રિય ભુવનભાઈનાં વાઇફ અને તેમનાં મમ્મીનો જેટલો સપોર્ટ મળ્યો છે એટલો જ સપોર્ટ તેમને જૉલી જિમખાનાના અગ્રણીઓ, મિત્રો અને ટ્રેઇનરો તરફથી પણ મળ્યો છે. તેઓ કહે છે, ‘આપણને ઊર્જા આપણી આસપાસના લોકો પાસેથી મળતી હોય છે. એ બાબતમાં હું ખૂબ લકી છું કે મને સતત પૉઝિટિવ એનર્જી આપનારા અને સપોર્ટ કરનારા જ પરિવારજનો અને મિત્રો મળ્યા છે.’
મોંઘો પણ કરવા જેવો નશો
મૅરથૉનમાં દોડવા માટે સારાં શૂઝ અને સ્પોર્ટ્સવેઅર મોંઘાં હોય છે, પણ એ વર્થ છે એમ જણાવીને ભુવનભાઈ કહે છે, ‘યસ, મૅરથૉનની રજિસ્ટ્રેશન-ફીથી લઈને જ્યારે તમે વર્લ્ડમાં મૅરથૉન દોડવા જતા હો ત્યારે એનો ખર્ચ તો થતો હોય. હું અબજોપતિ નથી, પણ એ પછીયે એ બધું જ કરવા જેવું લાગે. એક વાર દોડવાનો નશો લાગી ગયો પછી તમે એને છોડી નહીં શકો. રવિવારે બ્રેક હોય અને આરામ કરવાનો હોય ત્યારે મને કંઈક ખૂટતું લાગે. રનિંગનો રંગ લાગ્યા પછી એ છૂટતો નથી - પછી ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ - તમે રનિંગ માટે ગયા વિના રહી નહીં શકો. જોકે જીવનમાં ઘણા હેલ્ધી પૉઝિટિવ ચેન્જિસ આવ્યા છે મારામાં એ પણ એટલું જ સાચું છે. એટલે આ નશો કરવા જેવો છે.’
વૉટ નેક્સ્ટ?
૬ ઇન્ટરનૅશનેલ મૅરથૉન ઉપરાંત સાતારા, દિલ્હી, ગોવા જેવી જગ્યાએ પણ દોડી આવેલા ભુવન નાગડાનો નેક્સ્ટ ટાર્ગેટ છે સાઉથ આફ્રિકા. તેઓ કહે છે, ‘હજી નક્કી નથી કર્યું, પણ મનમાં તો એવી જ ઇચ્છા છે કે આવતા વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં કરી રહેલી સાઉથ આફ્રિકાની ૮૯ કિલોમીટરની કૉમરેડ્સ મૅરથૉનમાં ભાગ લઈ શકું. મારા ફ્રેન્ડ્સ પણ આ દિશામાં વિચારી રહ્યા છે. જો ઉપરવાળાની કૃપા થાય અને ત્યાં રન કરવા જવા મળે તો એનાથી બેસ્ટ કંઈ જ નથી.’
