પારસી જિમખાના નજીક થયેલા જીવલેણ અકસ્માત બાદ નરીમાન પૉઇન્ટથી ગિરગામ ચોપાટી સુધી બૅરિકેડ્સ ગોઠવીને એક લેન અલગ કરવાનું કૉર્પોરેટર મકરંદ નાર્વેકરનું સૂચન
ફાઇલ તસવીર
મરીન ડ્રાઇવ પર પારસી જિમખાના નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩ વ્યક્તિનાં મૃત્યુ બાદ સુરક્ષાવ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૉર્પોરેટર મકરંદ નાર્વેકરે મુંબઈ પોલીસ અને BMCને પત્ર લખીને નરીમાન પૉઇન્ટથી ગિરગામ ચોપાટી સુધીની એક લેનને બૅરિકેડ્સ લગાવીને વૉકર્સ, જૉગર્સ અને સાઇક્લિસ્ટ માટે અનામત રાખવાની માગણી કરી છે.
સોમવારે સવારે મરીન ડ્રાઇવ પર પૂરઝડપે આવતા એક ટૂ-વ્હીલરે વૉકિંગ કરવા નીકળેલા એક વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક ચલાવનાર, પાછળ બેઠેલી યુવતી અને ૬૫ વર્ષના વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
પોલીસ-કમિશનર દેવેન ભારતી અને BMCના કમિશનર અશ્વિની ભિડેને લખેલા પત્રમાં મકરંદ નાર્વેકરે જણાવ્યું હતું કે ‘મરીન ડ્રાઇવ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો વૉકિંગ અને સાઇક્લિંગ કરવા આવે છે. અગાઉ આ પટ્ટામાં સુરક્ષા માટે એક લેન બૅરિકેડ્સ દ્વારા અલગ રાખવામાં આવતી હતી, પરંતુ કોરોના બાદ બૅરિકેડ્સ હટાવી લેવાયાં છે. બૅરિકેડિંગ કરવાથી વૉક કરનારા માટે સુરક્ષિત કૉરિડોર બનશે અને ભવિષ્યમાં આવી કમનસીબ ઘટનાઓ રોકી શકાશે.’
હજી સુધી આ બાબતે પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટતા આવી નથી.
