ગુંદરપાક, ગુંદરના લાડવા ઘણા પ્રચલિત છે; પણ ગુંદરની પેંદ એક પરંપરાગત વાનગી છે જે ગુંદરના લાડવા અને ગુંદરની રાબની વચ્ચેનું સ્વરૂપ છે. એને ગુંદરનો હલવો કે પાકનો લચકો સમજી શકાય. આ પેંદ ઘરે બનાવવી પણ સરળ જ છે. એના ફાયદાઓ સમજીને દરેક ઘરમાં આ શિયાળે પેદ બનવ
ગુંદરની પેંદ
ગુંદરપાક, ગુંદરના લાડવા ઘણા પ્રચલિત છે; પણ ગુંદરની પેંદ એક પરંપરાગત વાનગી છે જે ગુંદરના લાડવા અને ગુંદરની રાબની વચ્ચેનું સ્વરૂપ છે. એને ગુંદરનો હલવો કે પાકનો લચકો સમજી શકાય. આ પેંદ ઘરે બનાવવી પણ સરળ જ છે. એના ફાયદાઓ સમજીને દરેક ઘરમાં આ શિયાળે પેદ બનવી પણ જોઈએ અને ખવાવી પણ જોઈએ
શિયાળાની ઋતુમાં પરંપરાગત વાનગીઓ ખાઈને આખા વર્ષ માટેની શક્તિ આપણે ભેગી કરી શકીએ છીએ. શિયાળામાં ખવાતી પરંપરાગત વાનગીઓમાં એક ખાસ વાનગી એટલે ગુંદરની પેંદ. શિયાળાની ઋતુમાં આપણી પાચનશક્તિ ખૂબ સારી હોય છે, જેથી આ સમયમાં પૌષ્ટિક અને ભારે ખોરાક સરળતાથી પચી જાય છે. શિયાળામાં ગુંદરની પેંદ ખાવાથી શરીરને ઠંડી સામે રક્ષણ મળે છે અને ઊર્જા જળવાઈ રહે છે. પરંપરાગત રીતે એને શિયાળુ પોષણ અને શક્તિ આપનારી વાનગી ગણવામાં આવે છે. સવારે નાસ્તામાં બે ચમચી પેંદ ખાવાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ અને ઊર્જા જળવાઈ રહે છે. આજે જાણીએ આ વાનગીમાં એવું શું ખાસ છે કે શિયાળામાં એ દરેક ઘરમાં ખવાવી જોઈએ?
ADVERTISEMENT
શિયાળો અને ગુંદર
ગુંદરની તાસીર ગરમ અને પોષક તત્ત્વોથી ભરપૂર હોવાથી એ શિયાળામાં શરીરને અંદરથી ગરમાવો અને શક્તિ આપવા માટે ઉત્તમ માનવામાં આવે છે. શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. ગુંદર ખાવાથી હાડકાં અને સાંધા મજબૂત થાય છે એ આપણે બધાએ આપણા ઘરમાં દાદી-નાની પાસેથી સાંભળ્યું છે, પણ એમાં એવું શું છે જેને લીધે હાડકાં મજબૂત બને છે એ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ કુંજલ શાહ કહે છે, ‘ગુંદરમાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ જેવાં ખનિજો રહેલાં છે, જે હાડકાંની ઘનતા વધારવામાં મદદરૂપ થાય છે. શિયાળામાં ઠંડીના કારણે સાંધાના દુખાવા, કમરનો દુખાવો કે જકડાઈ જવાની સમસ્યા વધે છે. ઘી સાથે શેકેલો ગુંદર સાંધામાં ચીકાશ વધારે છે અને દુખાવામાં રાહત આપે છે. એટલું જ નહીં, ગુંદરમાં ઍન્ટી-ઑક્સિડન્ટ્સ અને ઍન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.’
બીજા ફાયદા
ડિલિવરી પછી નવી માતાના શરીરમાં આવેલી નબળાઈ દૂર કરવા માટે બનાવવામાં આવતાં કાટલાં કે લાડુમાં ગુંદર ઉમેરવામાં આવે જ છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એ ગર્ભાશયને મજબૂત બનાવવા, કમરના દુખાવા મટાડવા અને માનું દૂધ વધારવામાં અત્યંત મદદરૂપ થાય છે. ગુંદરના બીજા ફાયદા જણાવતાં કુંજલ શાહ કહે છે, ‘ગુંદરમાં સૉલ્યુબલ ફાઇબર અને પૉલિસેકરાઇડ્સ હોય છે, જે પાણી શોષીને જેલ જેવું સ્વરૂપ ધારણ કરે છે. તે પ્રી-બાયોટિક તરીકે પણ કામ કરે છે, જે આંતરડામાં રહેલા સારા બૅક્ટેરિયાને પોષણ આપે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરી પાચન સુધારે છે. એ પેટ ભરેલું રાખે છે, જેથી બિનજરૂરી ભૂખ લાગતી નથી. શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે. ગુંદર અને ઘીનું સેવન શરીરને અંદરથી પોષણ અને ભેજ પૂરો પાડે છે, જેનાથી ત્વચા પર કુદરતી ચમક જળવાઈ રહે છે અને કરચલીઓ પડતી અટકે છે.’
પેંદના ફાયદા
પેંદમાં ફક્ત ગુંદર નથી, એની સાથે જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે એ વસ્તુઓનું કૉમ્બિનેશન પણ એને ખાસ બનાવે છે. આ વિશે વાત કરતાં કુંજલ શાહ કહે છે, ‘પેંદમાં નખાતાં વસાણાંઓ શરીરમાં ગરમાવો અને ઊર્જા આપે છે. સૂંઠ, ગંઠોડા અને ઘી શરીરની આંતરિક ગરમી જાળવવામાં મદદ કરે છે: જ્યારે ઘી, ગોળ અને સૂકો મેવો સવારની શરૂઆત માટે સારી કૅલરી અને ઊર્જા આપે છે. સૂકો મેવો અને ઘી વિટામિન E જેવાં પોષક તત્ત્વો, સારું પ્રોટીન અને હેલ્ધી ફૅટ્સ પૂરાં પાડે છે. શિયાળામાં સાંધાની જકડન અને થાક ઘટાડવામાં એ સહાયક બને છે. સૂંઠ અને ગંઠોડા પરંપરાગત રીતે પાચન સુધારવા અને ઠંડી હવા કે કફ/શરદી સામે આરામ આપવા માટે વપરાય છે. શિયાળામાં થતી સામાન્ય શરદી, ઉધરસ, કફ અને વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે એ ખૂબ જ ઉપયોગી છે.’
પેંદ ખાઓ ત્યારે આટલું ધ્યાન રાખો
પ્રમાણભાન હોવું જરૂરી છે. ગુંદરની પેંદ ખૂબ જ પૌષ્ટિક છે, પણ ભારે હોવાથી એનું સેવન મર્યાદિત માત્રામાં દિવસમાં ૧-૨ ચમચી જેટલું જ કરી શકાય. એનાથી વધુ ખાવી નહીં.
ગુંદર ફાઇબરથી ભરપૂર હોવાથી એને પચાવવા માટે દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.
જેમને ડાયાબિટીઝ, હાઈ કૉલેસ્ટરોલ કે હૃદય સંબંધિત સમસ્યા હોય તેમણે એમાં વપરાતાં ઘી અને ગોળ/ખાંડના પ્રમાણનું ધ્યાન રાખવું અથવા ડૉક્ટરની સલાહ મુજબ સેવન કરવું.
ગુંદર અને ઘી ભારે પડી શકે છે. જો પાચન નબળું હોય અથવા ગૅસ/અપચાની તકલીફ રહેતી હોય તો થોડા પ્રમાણમાં લઈને શરીર કેવો પ્રતિસાદ આપે છે એ જોવું હિતાવહ છે.
કઈ રીતે બનાવશો ગુંદરની પેંદ?
સામગ્રી : ખાવાનો ગુંદર ૧૦૦ ગ્રામ, શુદ્ધ દેશી ઘી ૨૦૦થી ૨૫૦ ગ્રામ, ગોળ અથવા ખાંડ ૧૫૦ ગ્રામ, ઘઉંનો કરકરો લોટ બેથી ૩ મોટા ચમચા, સૂંઠ પાઉડર ૨ મોટા ચમચા, ગંઠોડા પાઉડર ૧ મોટો ચમચો, સૂકો મેવો (બદામ, કાજુ, પિસ્તાંની કતરણ) ૧ કપ, ખસખસ ૨ ચમચા, સૂકા નાળિયેરનું છીણ ૨ મોટા ચમચા, એલચી અને જાયફળ પાઉડર ૧, નાની ચમચી
દૂધ અથવા પાણી ૧.૫થી ૨ કપ
બનાવવાની રીત : પહેલું કામ એ ગુંદર તળવો. એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરો. ઘી બરાબર ગરમ થાય એટલે ગૅસની આંચ ધીમી રાખીને એમાં થોડો-થોડો ગુંદર નાખો. ગુંદર સરસ ફૂલીને પૉપકૉર્ન જેવો સફેદ થઈ જશે. બધો ગુંદર તળીને એક પ્લેટમાં કાઢી લો. ઠંડો થાય એટલે વાટકીના તળિયેથી અથવા હાથથી હળવેથી દબાવીને અધકચરો ભૂકો કરી લો. એકદમ પાઉડર ન કરવો. એ પછી વધેલા ઘીમાં ઘઉંનો કરકરો લોટ નાખીને ધીમા તાપે ગુલાબી રંગનો થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકો. ત્યાર બાદ એમાં બદામ-કાજુની કતરણ, ખસખસ અને નાળિયેરનું છીણ નાખીને ૨ મિનિટ સાંતળો. આ શેકેલા મિશ્રણમાં ગરમ દૂધ અથવા પાણી ઉમેરો. ઊભરો આવે એટલે એમાં સમારેલો ગોળ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર અને તળેલો ગુંદર નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. ગોળ બરાબર ભળી જાય એટલે એમાં તળીને ક્રશ કરેલો ગુંદર, સૂંઠ, ગંઠોડા, એલચી અને જાયફળ પાઉડર નાખીને બધું જ એકરસ થાય ત્યાં સુધી બરાબર હલાવો. એક ઢીલા લચકા જેવું તૈયાર થશે એ છે ગુંદરની પેંદ. આ જ મિશ્રણમાં ગોળ નાખીને થાળીમાં પાથરીને ચોસલાં કરીએ તો ગુંદરપાક બનશે.
નોંધ : બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે ઘી જો ઠંડું હશે તો ગુંદર કાચો રહેશે અને દાંતમાં ચોંટશે, અને જો વધુ પડતું ગરમ હશે તો ગુંદર બહારથી બળી જશે અને અંદરથી કાચો રહેશે. એથી મધ્યમ તાપ જાળવવો. ગોળને ક્યારેય વધારે પડતો ઉકાળવો નહીં, નહીંતર પેંદ કડક થઈ જશે.
