Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઉકડી ચે મોદક સ્વાદિષ્ટની સાથે સ્વાસ્થ્યવર્ધક

ઉકડી ચે મોદક સ્વાદિષ્ટની સાથે સ્વાસ્થ્યવર્ધક

Published : 27 August, 2025 10:32 AM | Modified : 28 August, 2025 06:58 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આજથી ગણેશચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અનેક ઘરોમાં બાપ્પાને ૨૧ મોદકનો પ્રસાદ ધરવામાં આવશે. એવામાં આજે વાત કરવી છે ઉકડી ચે મોદકની જે બાપ્પાને તો પ્રિય છે જ તથા આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકરક છે

ઉકડી ચે મોદક

વેલકમ બાપા

ઉકડી ચે મોદક


મોદકને ગણપતિબાપ્પાનો સૌથી પ્રિય ભોગ માનવામાં આવે છે. ગણેશચતુર્થીના દિવસે મોદકનો ભોગ ધરાવ્યા વગર ગણપતિની પૂજા અધૂરી માનવામાં આવે છે. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના મોદક જેમ કે ડાર્ક ચૉકલેટના મોદક, માવાના મોદક, ડ્રાયફ્રૂટના મોદક ઉપલબ્ધ છે. એમ છતાં પારંપરિક રીતે બનતા ઉકડીના મોદકની વાત અલગ છે. ખાસ કરીને મહારાષ્ટ્રિયન પરિવારોમાં એ ગણેશચતુર્થીના દિવસે અચૂક જોવા મળે. સામાન્ય રીતે કોકણ જેવા તટીય વિસ્તારોમાં ચોખા, નારિયેળ જેવી સામગ્રી સરળતાથી ઉપલબ્ધ હોવાથી એને ઉપયોગમાં લઈને ઉકડીના મોદક બનાવવામાં આવે છે. ગુજરાતી પરિવારોમાં ઘઉંના તળેલા મોદક બનાવવાનું ચલણ વધુ હોય છે. જોકે ઉકડીના મોદક વધુ સ્વાસ્થ્યવર્ધક છે. ઉકડીના મોદક બનાવવા એ ખૂબ મહેનત અને સમય માગી લે એવું કામ છે. એટલે ઘરોમાં હવે ઉકડીના મોદક બનાવવાનું ચલણ ઘટ્યું છે અને લોકો રેડીમેડ મોદક તરફ વળ્યા છે. એવામાં આજે વર્ષો જૂના પારંપરિક ઉકડીના મોદકનું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું મહત્ત્વ છે એ જાણીએ. ઉકડીના મોદક એક પારંપરિક અને સ્વાદિષ્ટ મીઠાઈ છે અને એને જો પ્રમાણસર ખાવામાં આવે તો એનાથી સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે. એને જે રીતે બાફીને બનાવવામાં આવે છે, એમાં જે સામગ્રીઓનો ઉપયોગ થાય છે એ ઉકડીના મોદકને હેલ્ધી બનાવે છે. એટલે આ મીઠાઈને તમે મનમાં કોઈ પણ જાતનો ખચકાટ રાખ્યા વગર આરામથી એન્જૉય કરીને ખાઈ શકો છો. આ વિશે ન્યુટ્રિશનિસ્ટ રીમા ધોરાજીવાલા પાસેથી વિસ્તૃત માહિતી મેળવીએ તેમના જ શબ્દોમાં...


ફાયદા જાણી લો



ઉકડીના મોદક બનાવવામાં મુખ્ય રૂપે નારિયેળ, ગોળ, ઘી અને ચોખાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુ આપણા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. મોદક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા નારિયેળમાં ડાયેટરી ફાઇબરનું પ્રમાણ સારું હોય છે, જે પાચનને સારું કરીને કબજિયાતની સમસ્યામાંથી રાહત આપે છે. નારિયેળમાં મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસરાઇડ્સ (MCTs) હોય છે જે ઝડપથી શરીર દ્વારા શોષાય છે અને તાત્કાલિક ઊર્જામાં પરિવર્તિત થાય છે. પરિણામે થાક, કમજોરી લાગતી હોય કે ફાસ્ટ એનર્જીની જરૂર હોય ત્યારે મદદ કરે છે. એમાં મૅન્ગેનીઝનું પ્રમાણ પણ સારું હોય છે જે હાડકાંઓની મજબૂતી અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. નારિયેળમાં ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિફંગલ અને ઍન્ટિવાઇરલ ગુણો હોય છે જે ઇન્ફેક્શન સામે લડવામાં અને ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મોદક બનાવવા માટે વપરાતા ગોળમાં આયર્ન સારા પ્રમાણમાં હોય છે જે શરીરમાં હીમોગ્લોબિન વધારીને થાક-નબળાઈ દૂર કરવાનું કામ કરે છે. ગોળમાં રહેલા ડાઇજેસ્ટિવ એન્ઝાઇમ્સ ગૅસ, અપચો, કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરે છે. ગોળમાં આયર્ન, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, ઝિન્ક જેવાં મિનરલ્સ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ગોળ શરીર માટે નૅચરલ ક્લેન્ઝર જેવું કામ કરીને શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવાનું કામ કરે છે અને લિવરના ફંક્શનને સુધારે છે. એવી જ રીતે ઘીની વાત કરીએ તો એમાં ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ જેવી હેલ્ધી ફૅટ્સ હોય છે જે મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઘીમાં વિટામિન A, વિટામિન D અને વિટામિન E હોય છે. વિટામિન A આંખોની રોશની માટે, ઇમ્યુનિટી મજબૂત કરવા માટે, ત્વચા માટે સારું છે જ્યારે વિટામિન D હાડકાંઓને મજબૂત બનાવવા માટે અને ઇમ્યુનિટી માટે સારું છે તેમ જ વિટામિન E ઇમ્યુનિટી, ત્વચા માટે સારું છે. ઘી પાચનતંત્ર માટે એક નૅચરલ લુબ્રિકન્ટ તરીકે કામ કરીને પાચનપ્રક્રિયાને સરળ બનાવે છે જેથી કબજિયાત, પેટ ફૂલવું, અપચાની સમસ્યા થતી નથી. એવી જ રીતે ઉકડીના મોદકનું જે બહારનું પડ હોય છે એ ચોખાના લોટનું હોય છે. ઘઉંના લોટની સરખામણીમાં ચોખાનો લોટ પચવામાં હળવો અને ગ્લુટન-ફ્રી હોય છે.


એક્સ્ટ્રા બેનિફિટ્સ

ઉકડીના મોદકને કેળાના પાન પર રાખીને સ્ટીમ કરવામાં આવે છે. એનાથી મોદકની મીઠાશ વધવાની સાથે મોદકનું પોષણ પણ વધી જાય છે. કેળાના પાનમાં કુદરતી રીતે ઍન્ટિ-ફંગલ અને ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો હોય છે. જ્યારે મોદક સ્ટીમ થાય ત્યારે આ ગુણો થોડા પ્રમાણમાં મોદકમાં પણ ઊતરે છે. એનાથી મોદક વધુ સેફ બને છે અને ફૂડ-પૉઇઝનિંગનો ખતરો ઓછો થાય છે. કેળાના પાનમાં રહેલા કેટલાક ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ બાફથી મોદકમાં ટ્રાન્સફર થાય છે જે શરીરના કોષોને નુકસાન થતું બચાવવાનું, ડાઇજેશનમાં મદદ કરવાનું, ઇમ્યુનિટી સુધારવાનું, ઇન્ફ્લમેશન એટલે કે શરીરની અંદર આવેલા સોજાને ઘટાડવાનું કામ કરે છે. મોદકનો સ્વાદ વધારવા માટે એમાં કાજુ, બદામ, કિસમિસ જેવાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ડ્રાયફ્રૂટ્સ શરીરને ઊર્જા આપવાનું, હૃદયના સ્વાસ્થ્યને સારું રાખવાનું, યાદશક્તિ વધારવાનું, હાડકાં મજબૂત રાખવાનું, સ્કિન સારી રાખવાનું અને ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. ઉકડીના મોદકમાં કેસરનો પણ ઉપયોગ થતો હોય છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં, મનોદશા સુધારવામાં મદદરૂપ બને છે. એવી જ રીતે એમાં ચપટીક એલચી અને જાયફળનો પણ ઉપયોગ થતો હોય છે. એલચી ભોજનને પચાવવામાં, મોઢાની દુર્ગંધને દૂર કરવામાં, જ્યારે જાયફળ સારી ઊંઘ લાવવામાં, ત્વચાની સુંદરતા વધારવામાં મદદરૂપ બને છે.


મહિલાઓ માટે સારા

ઉકડીના મોદક મહિલાઓને ઘણા સ્વાસ્થ્ય-સંબંધિત લાભો આપે છે. સૌથી પહેલાં તો એ એક નૅચરલ એનર્જી-બૂસ્ટર તરીકે કામ કરે છે. એમાં નારિયેળ અને ગોળ હોય છે. એ બન્ને ત્વરિત અને સ્થાયી ઊર્જા આપવાનું કામ કરે છે જે મહિલાઓને માસિકધર્મને લગતી કમજોરી, થાકમાંથી રાહત આપવાનું કામ કરે છે. આયર્નથી ભરપૂર ગોળ મહિલાઓમાં લોહીની ઊણપને દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળ અને ગોળ પાચનતંત્ર માટે પણ સારાં છે. એ કબજિયાત અને અપચાની સમસ્યામાંથી રાહત આપે છે જે માસિક ધર્મ અને ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે જોવા મળતાં હોય છે. નારિયેળ અને ગોળમાં રહેલાં મિનરલ્સ હાડકાંઓને મજબૂત બનાવે છે. મહિલાઓમાં વધતી ઉંમરમાં હાડકાંઓ નબળાં પડવાની સમસ્યા (ઑસ્ટિયોપોરોસિસ)નું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને કેસર બન્નેમાં મૂડને સારા કરતા નૅચરલ કમ્પાઉન્ડ્સ હોય છે જે પિરિયડ્સ દરમિયાન થતું ચીડિયાપણાને ઓછું કરવામાં મદદ કરે છે. ઉકડીના મોદક હળવા, સ્ટીમ્ડ અને સુપાચ્ય હોય છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ ડ્રાયફ્રૂટ્સ, ઘી, નારિયેળનું પૂરણ ભરેલું હોય એવા ઉકડીના મોદક ખાય તો માતા અને બાળક બન્નેને સારા પ્રમાણમાં પોષણ મળી રહે છે.

સીઝન પ્રમાણે બેસ્ટ

ચોમાસામાં શરીર એકદમ સુસ્ત થઈ જતું હોય છે. એવામાં ઉકડીના મોદક ખાવાથી શરીરને તરત ઊર્જા મળે છે. ચોમાસામાં પેટ ખરાબ થવાની સમસ્યા પણ સામાન્ય હોય છે ત્યારે ડાઇજેશનને સુધારવામાં પણ એ મદદ કરે છે. વરસાદમાં ઇન્ફેક્શન થવાનું પણ જોખમ વધુ હોય ત્યારે મોદક ખાવાથી ઇમ્યુનિટી સુધરી શકે છે. ઘણાને ચોમાસામાં હાડકાંમાં દુખાવો અને સ્ટિફનેસ વધી જતાં હોય છે તો એ લોકોને પણ ઘી-ગોળવાળા મોદક ખાવાથી ફાયદો થઈ શકે. એવી જ રીતે તળેલી મીઠાઈ ખાવા કરતાં સ્ટીમ કરેલા મોદક ખાવાથી એ પચવામાં સારા પડે છે.

ઉકડી ચે મોદક

સામગ્રી : પડ - ૧ વાટકી ચોખાનો લોટ, ચપટી મીઠું, ૧ ચમચી ઘી અને દોઢ કપ પાણી 

પૂરણ : ૧ વાટકી ખમણેલું નારિયેળ, ૧ વાટકી ગોળ, ૧ ચમચી ઘી, ૧ ચમચી ખસખસ, ૨-૩ એલચીનો પાઉડર.

રીત : પૂરણ - એક કડાઈમાં ઘી ગરમ કરવું. પછી એમાં ખસખસ નાખીને પછી એમાં નારિયેળનું ખમણ નાખી એને ૧થી ૨ મિનિટ માટે સાંતળવું. પછી એમાં ગોળ ઉમેરી ગોળ ઓગળે અને એનું પાણી બળી જાય ત્યાં સુધી એને પકવવું. પછી ગૅસ બંધ કરી એલચી પાઉડર નાખી મિક્સ કરી એને ઠંડું થવા રાખવું.

પડ : એક તપેલીમાં પાણી, ઘી અને મીઠું નાખી એને ગૅસ પર ઉકાળવા મૂકો. પાણી ઊકળી જાય એટલે એમાં ચોખાનો લોટ થોડો થોડો કરી સતત હલાવતા ઉમેરવો પછી ગૅસ બંધ કરી એને ઢાંકી ને ૫ મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ લોટ ગરમ હોઈ ત્યારે જ એક થાળીમાં લઈ ગ્લાસ અથવા વાટકીની મદદથી સુંવાળો થાય ત્યાં સુધી મસળી લો. પછી એના લૂઆ કરી પાટલી પર ઘી લગાવી એની મીડિયમ થિક પૂરી વણી લો. ત્યાર બાદ એની કિનારી પર ચપટી વડે કાંગરી બનાવી એમાં વચ્ચે તૈયાર કરેલું પૂરણ ભરી બધી બાજુથી કાંગરી ભેગી કરી મોદકનો આકાર આપવો. મોલ્ડનો ઉપયોગ કરીને મોદક બનાવવા હોય તો ચોખાના લોટની પૂરી વણી એને મોલ્ડમાં મૂકી વચ્ચે પૂરણ ભરી મોલ્ડ બંધ કરી મોદકને મોલ્ડમાંથી કાઢી મોદક તૈયાર કરવા. હવે એક સ્ટીમરમાં પાણી ભરી ગરમ કરવું અને સ્ટીમરની પ્લેટ પર ઘીવાળો હાથ ફેરવી બધા મોદક મૂકી ૧૦ મિનિટ માટે સ્ટીમ કરી લેવા. સ્ટીમ થઈ જાય એટલે દરેક મોદક પર જરા-જરા ઘી મૂકવું એટલે એ ડ્રાય ન થઈ જાય. સ્વાદિષ્ટ ઉકડી ચે મોદક પ્રસાદ માટે તૈયાર છે.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2025 06:58 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK