Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દરરોજ એક લવિંગ ખાવાથી હાર્ટ-હેલ્થ સારી રહે?

દરરોજ એક લવિંગ ખાવાથી હાર્ટ-હેલ્થ સારી રહે?

Published : 28 October, 2025 04:15 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ભારતીય ગરમ મસાલાઓમાં સ્થાન પામતાં લવિંગ દેખાવમાં ભલે ઝીણાં હોય, પણ એ આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. કાર્ડિયોલૉજિસ્ટનું પણ માનવું છે કે લવિંગ હાર્ટને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

દરરોજ એક લવિંગ ખાવાથી હાર્ટ-હેલ્થ સારી રહે?

દરરોજ એક લવિંગ ખાવાથી હાર્ટ-હેલ્થ સારી રહે?


ભારતીય ગરમ મસાલાઓમાં સ્થાન પામતાં લવિંગ દેખાવમાં ભલે ઝીણાં હોય, પણ એ આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. કાર્ડિયોલૉજિસ્ટનું પણ માનવું છે કે લવિંગ હાર્ટને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. એવામાં આજે આપણે લવિંગના બેનિફિટ્સ અને એનો સાવચેતીપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો એ જાણી લઈએ

દરરોજ એક લવિંગનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી છે. રાજકોટના વરિષ્ઠ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. દિનેશ રાજનું કહેવું છે કે દરરોજ એક લવિંગ ખાવાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. એ ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરીને સારું કૉલેસ્ટરોલ વધારવામાં મદદ કરે છે. લવિંગમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને યુઝેનોલ હોય છે જે ઇન્ફ્લમેશન અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઓછાં કરે છે. એને કારણે હૃદયની કાર્યક્ષમતા સુધરે છે તેમ જ રક્તમાં કૉલેસ્ટરોલ અને અન્ય ફૅટ સુરક્ષિત અને સંતુલિત સ્તર પર રહે છે. 



લવિંગના બીજા ફાયદાઓ ગણાવતાં તેઓ કહે છે, ‘એનાથી પાચન સારું થાય, ઓરલ હેલ્થ સુધરે, ઇમ્યુનિટી બૂસ્ટ થાય, દુખાવો અને સોજો ઓછો કરવામાં મદદ કરે, બ્લડ-શુગર લેવલને રેગ્યુલેટ કરે તેમ જ લિવર ફંક્શનને સપોર્ટ કરવાનું કામ કરે છે. 


જોકે તેમણે લવિંગનું સેવન સાવધાનીપૂર્વક કરવાની સલાહ આપતાં કહ્યું છે, ‘દરરોજ ૧-૨થી વધારે લવિંગનું સેવન ન કરવું જોઈએ. એના વધુપડતા સેવનથી નુકસાન થઈ શકે છે. સાથે જ જેમને લવિંગની ઍલર્જી હોય અથવા તો લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હોય તેમણે પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. 

બીજા પણ અનેક ફાયદા
લવિંગ હાર્ટ માટે તો સારું છે જ પણ એ સાથેના એના બીજા કેટલાક ફાયદાઓ વિશે જણાવતાં ડાયટિશ્યન શર્મિલા મહેતા કહે છે, ‘લવિંગ પાચન સુધારવામાં મદદ કરે છે. એ પેટમાં ડાઇજેસ્ટિવ એન્ઝાઇમ્સના સ્રાવને વધારવામાં મદદ કરે છે, પરિણામે ખોરાક સરળતાથી પચે છે. એવી જ રીતે જો ગૅસ કે બ્લોટિંગની સમસ્યા થતી હોય તો એમાં પણ રાહત આપે છે. એ માટે જમ્યા પછી એક લવિંગ ચાવી જવાનું હોય છે. સારી ઓરલ હેલ્થ જાળવી રાખવામાં પણ લવિંગ ખૂબ મદદરૂપ બને છે. યુઝેનોલ નૅચરલ પેઇન રિલીવર અને ઍન્ટિસેપ્ટિક કમ્પાઉન્ડ તરીકે કામ કરે છે. મોઢામાં એક લવિંગ નાખીને એને દાંતની વચ્ચે દબાવી ધીમે-ધીમે ચાવીને એનો રસ પીવાથી દાંત-પેઢાના દુખાવામાંથી રાહત આપે છે. લવિંગમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો હોય છે જે મોઢાના બૅક્ટેરિયાનો નાશ કરવાનું કામ કરે છે. એટલે જમ્યા પછી લવિંગ ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. પેઢામાં સોજો, દુખાવો થાય કે લોહી નીકળતું હોય તો લવિંગ ખાવાથી એમાં રહેલા ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી ગુણો રાહત આપવાનું કામ કરે છે. લવિંગ ખાવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. એમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો શરીરને ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. શરદી-ખાંસીની સમસ્યામાં પણ ૨-૩ લ​વિંગ પાણીમાં ઉકાળીને પીવાથી રાહત મળે છે. નોશિયા એટલે કે ઊલટી જેવું લાગતું હોય કે મોશન સિકનેસ એટલે કે યાત્રા દરમિયાન માથું ફરી રહ્યું હોય એવું લાગે તો લવિંગ ચાવવાથી ફાયદો થાય છે. એવી જ રીતે રાત્રે સૂતાં પહેલાં લવિંગની ચા પીવાથી ઊંઘ સારી આવે છે. એમાં એવા ગુણો હોય છે જે શરીરને આરામ આપે છે અને માનસિક તનાવ ઓછો કરવામાં મદદ કરે છે. 


આ સાવચેતી રાખજો
લવિંગમાં યુઝેનોલ નામનું કમ્પાઉન્ડ ખૂબ શક્તિશાળી હોય છે. લવિંગનું જો વધુ સેવન થઈ જાય તો ઊલટી થવી, પેટમાં દુખાવો, અપચો, ગૅસ જેવી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. એ સિવાય મોં, ગળામાં બળતરા થઈ શકે છે. કોઈને લવિંગથી ઍલર્જી હોય તો ત્વચા પર રૅશિસ થઈ શકે છે. લાંબા સમય સુધી લવિંગનો વધુપડતો ઉપયોગ કિડની, લિવર પર પણ લોડ નાખી શકે છે. 

આ છે હાર્ટ-હેલ્થ ફ્રેન્ડ્લી ફૂડ
ફક્ત લવિંગ લેવાથી હાર્ટને ફાયદો થઈ જશે એવું નથી. દૈનિક જીવનમાં હૃદયના સ્વાસ્થ્ય માટે સારી હોય એવી વસ્તુઓનો સમાવેશ પણ ડાયટમાં કરવો ખૂબ જરૂરી છે. જેમ કે તમારે ડાયટમાં બ્લુ બેરી, સ્ટ્રૉબેરી જેવી બેરીઝનો સમાવેશ કરવો જોઈએ જે ઍન્ટિઑક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે. સંતરાં, મોસંબી, દ્રાક્ષ જેવાં ખાટાં ફળો ખાવાં જોઈએ. એમાં રહેલું વિટામિન C અને પોટૅશિયમ હાર્ટ-હેલ્થ માટે સારા છે. કેળાં પણ પોટૅશિયમથી ભરપૂર હોય છે. પપૈયું પણ વિટામિન C અને ઍન્ટિઑક્સિડન્ટનો સારો સ્રોત છે. ફાઇબરથી ભરપૂર સફરજન ખાવાથી પણ ફાયદો થાય છે. પાલક, મેથી, સરસવ જેવી લીલાં પાંદડાંવાળી શાકભાજી ખાવી જોઈએ. એ ફાઇબર, ફોલેટ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. બ્રૉકલી, ફ્લાવર, શિમલા મરચામાં ઍન્ટિઑક્સિડન્ટ્સનું સારું પ્રમાણ હોય છે. ગાજર, શક્કરિયાં વગેરેમાં બીટા કેરોટીન અને ફાઇબર હોય છે. કાંદા, લસણમાં લોહી પાતળું કરવાના ગુણો હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અખરોટ, બદામ, પિસ્તાં, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, પમ્પકિન સીડ્સ વગેરે જેવા નટ્સ ઍન્ડ સીડ્સ ખાવાં જોઈએ, કારણ કે એ હેલ્ધી ફૅટ્સ અને ઓમેગા થ્રી ફૅટી ઍસિડથી ભરપૂર હોય છે. 

હાર્ટ માટે આ ખાવાનું ટાળો
હૃદયનું સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે ખાવાપીવામાં કઈ વસ્તુ ટાળવી જોઈએ એ જાણવું પણ જરૂરી છે. સૌથી પહેલાં ટ્રાન્સ ફૅટ્સ અને પ્રોસેસ્ડ ફૂડ જેમ કે પૅકેજ્ડ સ્નૅક્સ, બિસ્કિટ, કેક અને ફાસ્ટ ફૂડ ખાવાથી બચવું જોઈએ કારણ કે એ હૃદય માટે હાનિકારક કૉલેસ્ટરોલ વધારે છે અને ધમનીમાં જમા થઈને હાર્ટ-અટૅકનું જોખમ વધારી શકે છે. વધુપડતું તળેલું ખાવાનું જેમ કે સમોસા, ભજીયા, ફ્રેન્ચ ફ્રાઇસ વગેરે ફૅટ અને કૅલરીમાં હાઈ હોય છે જે હૃદય પર દબાવ નાખે છે. ખાવામાં વધુપડતું મીઠું હોય તો બ્લડપ્રેશર વધે છે, જે હાર્ટ ડિસીઝનું એક મોટું કારણ છે. એવી જ રીતે સોડા, કેક, મીઠાઈ જેવી શુગરવાળી વસ્તુઓથી વજન વધે છે અને ઇન્સ્યુલિન અને કૉલેસ્ટરોલ અસંતુલિત થઇ શકે છે, જેનાથી ડાયાબિટીઝ અને હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધે છે. એ​ સિવાય સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન પણ હૃદયને નુકસાન પહોંચાડે છે.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2025 04:15 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK