જો તમને શુગર-ક્રેવિંગ્સ થતું હોય તો એની પાછળ તમારી કબજિયાત જવાબદાર હોઈ શકે છે. એટલે જરૂરી છે કે ક્રેવિંગ્સને કાબૂમાં રાખવા મન મારતા રહેવાને બદલે પહેલાં તમે તમારું પાચન ઠીક કરો. જો કબજિયાત જશે તો ક્રેવિંગ્સ આપોઆપ જતું રહેશે
વારંવાર બહુ ગળ્યું ખાવાનું ક્રેવિંગ થાય છે?
ચોક્કસ ખોરાક તમને ભાવે એ પસંદગીની વાત છે. જેમ કે કોઈને ગુલાબજાંબુ ભાવતાં હોય તો તે ગુલાબજાંબુ જુએ અને તેનાથી રહેવાય નહીં એટલે એક-બે તરત ખાઈ લે એને પસંદ કહેવાય. જોકે દરરોજ રાતે ફ્રિજ ખોલીને જે વ્યક્તિ મીઠાઈ શોધ્યા કરે કે આઇસક્રીમનું ટબ લઈને બેસી જાય અને ક્યારે ટબ પતી જાય એની તેને ખબર જ ન પડે તો એને ક્રેવિંગ કહેવાય છે. ભરેલા પેટે પણ મીઠાઈ પર આક્રમણ શક્ય હોય કે પછી થાળી ભરીને ડિઝર્ટ ખાવું જેમને ગમતું હોય એવા લોકોને કહેવામાં આવે છે કે તમારે તમારા ક્રેવિંગ્સ પર કામ કરવું જોઈએ. મોટા ભાગના લોકોને જ્યારે કહેવામાં આવે કે શુગર પર રોક લગાવો ત્યારે તેઓ મન મારીને શુગર છોડે છે. એ તો ઠીક, તેમને એવું છે કે દૃઢ નિશ્ચય કરીને તેઓ ક્રેવિંગ્સ જેવી તેમની સમસ્યા પર કાબૂ લાવી શકશે. આ પરિસ્થિતિમાં નિશ્ચય કરવો જરૂરી છે પણ પૂરતો નથી. તમને શુગર-ક્રેવિંગ્સ થતું હોય તો પહેલાં એ ચકાસવું જરૂરી છે કે તમને કબજિયાત તો નથી? એનું કારણ એ કે શુગર-ક્રેવિંગ્સ અને કબજિયાત વચ્ચે ખૂબ જ નજીકનો અને મહત્ત્વપૂર્ણ સંબંધ છે. બન્ને મુખ્યત્વે આપણા પાચનતંત્ર અને ખોરાકની આદતો સાથે જોડાયેલાં છે. જેમને શુગર-ક્રેવિંગ્સ હોય છે તેને આપણે કહીએ છીએ કે તારી આદતો ખરાબ છે, પણ હકીકતમાં તેનું પાચન ખરાબ હોય છે એ આપણે વિચાર્યું નથી. આજે સમજીએ એ બન્ને વચ્ચેનો સંબંધ.
ખરાબ બૅક્ટેરિયા છે જવાબદાર
ADVERTISEMENT
સાયન્સ કહે છે કે તમારા શુગર-ક્રેવિંગ્સ પાછળ ઘણાં છૂપાં કારણો જવાબદાર હોય છે જેમાંનું એક મહત્ત્વનું કારણ જે લોકો જાણતા નથી એ છે કબજિયાત. જે લોકોને કબજિયાત હોય છે તેમને ગળ્યું વધુ ખાવાની ઇચ્છા થવી ખૂબ જ સામાન્ય છે. આ બન્ને સમસ્યાઓ વચ્ચે સીધો વૈજ્ઞાનિક સંબંધ છે. જેમને કબજિયાત છે તેમને શુગર-ક્રેવિંગ્સ વધુ થવાનાં કારણો જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આપણા પાચનતંત્રમાં કરોડો સારા અને ખરાબ બૅક્ટેરિયા હોય છે. કબજિયાત ત્યારે થાય છે જ્યારે આંતરડાંમાં બૅક્ટેરિયાનું અસંતુલન વધે છે અને ખરાબ બૅક્ટેરિયાનું પ્રમાણ સારા બૅક્ટેરિયા કરતાં વધી જાય છે. આ ખરાબ બૅક્ટેરિયાનો ખોરાક મુખ્યત્વે પ્રોસેસ્ડ ખાંડ અને ગ્લુકોઝ છે. જ્યારે આંતરડાંમાં ખોરાક લાંબો સમય અટવાઈ રહે છે ત્યારે આ બૅક્ટેરિયા મગજ સુધી સંકેતો મોકલે છે જેનાથી આપણને ગળ્યું ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે. આમ કબજિયાતને કારણે શુગર-ક્રેવિંગ્સ થઈ રહ્યું છે, પણ એનાથી ઊંધું જ્યારે આપણે વધુ પડતી ખાંડ કે ગળી વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે આંતરડાંમાં રહેલા ખરાબ બૅક્ટેરિયા વધવા લાગે છે. આ બૅક્ટેરિયાને વધુ ગ્લુકોઝ જોઈતો હોવાથી એ મગજને
શુગર-ક્રેવિંગ્સના સંકેતો મોકલે છે. આંતરડાંમાં બૅક્ટેરિયાના આ પ્રકારના અસંતુલનને કારણે પાચન ધીમું પડી જાય છે જેને કારણે કબજિયાત થાય છે. આમ આ એક ચક્ર જેવી પરિસ્થિતિ છે.’
નબળાઈ
શુગર બીજું કઈ નહીં પણ એક પ્રકારની એનર્જી છે. શરીરમાં એની કમી થાય ત્યારે શરીર એની ડિમાન્ડ કરે છે, પરંતુ જેઓ વ્યવસ્થિત જમે છે તેમને પણ લો-એનર્જીની તકલીફ થાય છે. તેમને પણ શુગર ખવાની અતિ તીવ્ર ઇચ્છા થાય છે. એની પાછળનું કારણ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘કબજિયાતને કારણે પાચનક્રિયા મંદ પડી જાય છે. પરિણામે તમે જે ખોરાક ખાઓ છો એમાંથી જરૂરી પોષક તત્ત્વો અને ગ્લુકોઝ યોગ્ય રીતે શોષાતાં નથી. જ્યારે શરીરને પૂરતી ઊર્જા નથી મળતી ત્યારે મગજને લાગે છે કે ઊર્જાની કમી છે અને એ ત્વરિત ઊર્જા માટે ગળ્યું કે કાર્બોહાઇડ્રેટ્સ ખાવાની ડિમાન્ડ કરે છે. આમ આ રીતે કબજિયાતને કારણે શુગર-ક્રેવિંગ્સ થાય છે. સામે પક્ષે પ્રોસેસ્ડ અને શુગરી ફૂડ્સનું સેવન
પાચન-પ્રક્રિયાને ખોરવે છે. વધુ પડતી ખાંડવાળી વસ્તુઓ જેમ કે આઇસક્રીમ, ચૉકલેટ, પેસ્ટ્રી, સોડા પાચનને મંદ કરી દે છે. ખોરાક આંતરડાંમાં લાંબો સમય પડી રહેવાથી એ સુકાઈ જાય છે અને કબજિયાતમાં પરિણમે છે. આમ વધુ પડતી શુગર તમને કબજિયાત તરફ લઈ જાય છે. આ રીતે પણ એ ચક્ર જેવી પરિસ્થિતિ યથાવત્ રહે છે.
હૉર્મોન્સ અને ફાઇબર
આપણું લગભગ ૯૦ ટકા સેરોટોનિન જેને ‘હૅપી હૉર્મોન’ કહેવાય છે એ આંતરડાંમાં બને છે. કબજિયાત અને નબળા પાચનને કારણે સેરોટોનિનનું ઉત્પાદન ઘટે છે જેનાથી વ્યક્તિ આળસ, થાક કે ચિંતા અનુભવે છે. ગળ્યું ખાવાથી મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન ક્ષણિક રીતે વધે છે. તેથી મૂડ સુધારવા કે આળસ દૂર કરવા મગજ અજાણતાં જ શુગરની ડિમાન્ડ કરવા લાગે છે. આમ શુગર-ક્રેવિંગ્સ વધે છે. બીજી બાજુ ગળી વસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ કે પ્રોસેસ્ડ મેંદામાં ફાઇબર બિલકુલ હોતું નથી. એ વિશે સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘જ્યારે તમે ફાઇબર વગરનો ખોરાક ખાઓ છો ત્યારે ખોરાક સરળતાથી પચતો નથી અને મળ કઠણ થઈ જાય છે એટલે કબજિયાત થાય છે. સાથે જ ફાઇબર ન હોવાને કારણે બ્લડ-શુગર ઝડપથી વધે-ઘટે છે એટલે ફરી ગળ્યું ખાવાની ઇચ્છા થવા લાગે છે. આમ આ ચક્ર ચાલ્યા જ કરે છે. વધુ ખાંડ ખાવાથી ઇન્સ્યુલિન અને
બ્લડ-શુગર ઝડપથી વધે છે અને પછી અચાનક ઘટી જાય છે. બ્લડ-શુગર ઘટે છે ત્યારે શરીર ત્વરિત ઊર્જા માટે ફરી ગળ્યું ખાવાની ડિમાન્ડ કરે છે. આ ચક્ર સતત ચાલ્યા કરવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે.’
ડીહાઇડ્રેશન કે પાણીની કમી પણ હોઈ શકે છે જવાબદાર
પાણી ઓછું પીવાથી પણ શુગર-ક્રેવિંગ્સ થાય છે. ઘણી વખત તમે નોટિસ કર્યું હોય તો સમજાશે કે તમને લાગે કે ખૂબ ભૂખ લાગી છે એટલે તમે અકરાંતિયાની જેમ ખાઈ લો. જોકે હકીકતમાં તમને ભૂખ નહોતી લાગી, તરસ લાગી હતી. આ બાબતે યોગિતા ગોરડિયા કહે છે, ‘જ્યારે કસમયે તમને ભૂખ લાગે ત્યારે પાણી પીને જોઈ જુઓ. એક ગ્લાસ ભરીને ધીમે-ધીમે પાણી પીશો તો અંદાજ આવશે કે તમને ભૂખ નહોતી લાગી, એ તો તમારી તરસ હતી. આવું એટલા માટે થાય છે કેમ કે મગજ તરસ અને ભૂખ વચ્ચેનો તફાવત સમજી શકતું નથી. વળી પાણીની કમીને કારણે આંતરડાંમાં મળ સુકાઈ જવાથી કબજિયાત થાય છે. આમ અહીં પણ પાણી ઓછું પીવાથી ક્રેવિંગ્સ અને કબજિયાત બન્ને થાય છે અને એ જ નિયમ ફરી લાગુ પડે છે કે કબજિયાત હોય તો શુગર-ક્રેવિંગ્સ થાય અને ક્રેવિંગ્સ હોય અને તમે વધુ પડતું ગળ્યું ખાઓ તો કબજિયાત થાય.’
શુગર-ક્રેવિંગ્સથી બચવું કઈ રીતે?
ખોરાકમાં ફાઇબર વધારો એટલે કે રેસાયુક્ત ખોરાક ખાઓ. એમાં લીલાં શાકભાજી, ફળો, આખાં ધાન્ય અને ફણગાવેલાં કઠોળ આવે છે જેનું સેવન દરરોજ કરો અને વધુ માત્રામાં કરો.
જે વ્યક્તિ પાણી પૂરતી માત્રામાં પીએ છે તેને જીવનમાં કોઈ પણ પ્રકારનું ક્રેવિંગ્સ થતું નથી. પાણી સંતોષ આપનારું પરિબળ છે. આમ જો તમે ઓછું પીતા હો તો પાણી વધુ પીઓ. ખાસ કરીને દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં પાણી પીઓ.
ગળપણ વગર જીવીને ખુદને સજા ન આપો, પણ ગળપણ લેવા માટે સાચી વસ્તુઓ પર પસંદગી ઉતારો. કુદરતી ગળપણ વધુ સારું જેમાં ખાંડની જગ્યાએ ખજૂર, ફળો અથવા થોડો ગોળ વાપરો.
તમારા દૈનિક આહારમાં પ્રો-બાયોટિક્સ લેવાનું શરૂ કરો. દહીં કે છાશ જેવી વસ્તુઓ આંતરડાંના સારા બૅક્ટેરિયા વધારે છે. જો સારા બૅક્ટેરિયા વધુ હશે તો કબજિયાત થશે નહીં અને પાચન પ્રબળ બનશે એટલે ક્રેવિંગ્સ થશે નહીં.
થોડા સમય માટે તમારા પાચનને સુધારવા માટે જીરાપાણીનું, વરિયાળીના પાણીનું કે અજમાના પાણીનું સેવન કરવું. જમીને ૧૫ મિનિટ ચાલવું. ગૅસ અને ઍસિડિટીનો ઇલાજ કરવો. પાચન ઠીક કરશો તો આપોઆપ ક્રેવિંગ્સ છૂટી જશે એ સમજવું.
શુગર ક્રેવિંગ્સ અને કબજિયાત બન્નેને મન સાથે સીધો સંબંધ છે. માનસિક રીતે વિચલિત થવાથી આ બન્ને ટ્રિગર થઈ શકે છે. જેમ કે સ્ટ્રેસ, વધુ પડતું વિચારવું, મૂડ-સ્વિન્ગ્સ વગેરે શુગર-ક્રેવિંગ્સ અને કબજિયાત બન્ને પર અસર કરે છે. આ તકલીફને ઠીક કરવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી જરૂરી છે. એમાં નિયત સમયે જમવું, ચોક્કસ કલાકોની ઊંઘ લેવી, સમય પર ઊઠવું, સમય પર સૂવું, દરરોજ કસરત કરવી જરૂરી છે.
