Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતીય હૉકી ટીમની કેસરિયા જર્સીનો વિવાદ વકર્યો! આખરે હૉકી ઈન્ડિયાએ કરવી પડી સ્પષ્ટતા

ભારતીય હૉકી ટીમની કેસરિયા જર્સીનો વિવાદ વકર્યો! આખરે હૉકી ઈન્ડિયાએ કરવી પડી સ્પષ્ટતા

Published : 30 July, 2026 03:31 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Hockey India defends its saffron jersey: ૨૦૨૬ વર્લ્ડ કપ માટે હૉકી ઈન્ડિયાએ જર્સીનો રંગ બદલીને કેસરી કર્યો; જેનાથી વિવાદ સર્જાયો પછી એક નિવેદનમાં હૉકી ઈન્ડિયાએ જણાવ્યું કે, તકનીકી કારણોસર જર્સીનો રંગ બદલ્યો હોવાનો નિર્ણય

કેસરી રંગની જર્સીમાં ટીમ ઇન્ડિયા

કેસરી રંગની જર્સીમાં ટીમ ઇન્ડિયા


નેધરલેન્ડ્સ (Netherlands) અને બેલ્જિયમ (Belgium)માં રમાનારા 2026 FIH હૉકી વર્લ્ડ કપ (2026 FIH Hockey World Cup) પહેલાં ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમની જર્સીનો રંગ બદલવા અંગે ચાલી રહેલા વિવાદ પર ગવર્નિંગ બોડી `હૉકી ઈન્ડિયા`એ પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. ૨૭ જુલાઈના રોજ હૉકી ઈન્ડિયા (Hockey India)એ સોશિયલ મીડિયા પર એક વિડિયો જાહેર કરીને પુષ્ટિ કરી હતી કે બંને ટીમો પોતાની પરંપરાગત વાદળી (Blue) જર્સીને બદલે કેસરી (Saffron) રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. વાદળી રંગની આઇકોનિક જર્સી બદલવાના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા (Social Media) પર ચાહકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો.

હૉકીની જર્સીનો રંગ કેમ બદલાયો?



ટીકાઓનો જવાબ આપતાં (Hockey India defends its saffron jersey) હૉકી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ સાથે વિગતવાર ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. જર્સી બદલવા પાછળ કોઈ દેખાવ કે ડિઝાઇન નહીં પરંતુ મુખ્યત્વે તકનીકી (Technical) કારણો જવાબદાર છે.’


ગુરુવારે (૩૦ જુલાઈ) સ્પષ્ટતા બહાર પાડતાં હૉકી ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ‘અમે જણાવવા માંગીએ છીએ કે યુનિફોર્મનો રંગ બદલવાનો નિર્ણય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની ભલામણો અને તેમની સાથેની ચર્ચા બાદ લેવાયો છે. મુખ્ય બાબત તકનીકી હતી. એવું જોવા મળ્યું હતું કે વાદળી રંગનો યુનિફોર્મ વાદળી રંગના એસ્ટ્રોટર્ફ (સિન્થેટિક ગ્રાઉન્ડ) સાથે ભળી જતો હતો, જે હાલમાં આંતરરાષ્ટ્રીય હૉકી પીચનો સ્ટાન્ડર્ડ રંગ છે. આ સમાનતાને કારણે મેદાન પર રમતી વખતે ખેલાડીઓની દ્રશ્યતા (Visibility) અને સ્પષ્ટતા પર અસર પડતી હતી.’

ફેડરેશને વધુમાં ઉમેર્યું કે, ‘આ સમસ્યા ઉકેલવા માટે પીળો અને કેસરી જેવા વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો હતો, જેમાંથી કેસરી રંગ ફાઇનલ કરવામાં આવ્યો. કેસરી રંગ તકનીકી જરૂરિયાત પૂરી કરવાની સાથે આપણા રાષ્ટ્રધ્વજના મુખ્ય રંગોમાંથી એક હોવાથી હિંમત, સમર્પણ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક પણ છે.’


આ પહેલાં પણ બદલાયો છે જર્સીનો રંગ

સાથે જ હૉકી ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું કે, ભારતીય ટીમની જર્સીનો રંગ બદલાયો હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ જરૂરિયાત મુજબ જર્સીમાં ફેરફાર કરાયા છે. વર્ષ ૨૦૧૪ના વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમે પીળા (Yellow) રંગની જર્સી પહેરી હતી, જે બાદમાં વર્ષ ૨૦૧૮માં સ્કાય બ્લુ (Sky Blue) કલરની જર્સી રજૂ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જર્સી અંગેનો આ વિવાદ ૨૦૨૬ના FIH હૉકી વર્લ્ડ કપ માટે ભારતની તૈયારીઓના મહત્વના તબક્કે સામે આવ્યો છે. કેપ્ટન હરમનપ્રીત સિંહ (Harmanpreet Singh)ના નેતૃત્વ હેઠળ અને FIH પ્રો લીગના અંતિમ ચરણમાં પ્રોત્સાહક પ્રદર્શન બાદ, ભારતીય ટીમ પૂર્ણ તાકાત સાથે વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનાર આ ટૂર્નામેન્ટ હવે ખૂબ જ નજીક છે ત્યારે ભારત ૫૧ વર્ષની લાંબી રાહનો અંત લાવીને બીજી વાર પુરુષ હૉકી વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરવાનો લક્ષ્ય ધરાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 03:31 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK