એક આંકડા મુજબ લાંબા સમય સુધી રોડ-ટ્રાફિકના અવાજમાં રહેતા લોકોમાં હાર્ટ-અટૅકનો જોખમદર ૧૦ ડેસિબલ અવાજનો વધારો થવાથી લગભગ ૮ ટકાથી ૧૨ ટકા વધે છે. આજે વર્લ્ડ હાર્ટ ડે પર સમજવાની કોશિશ કરીએ કે ધ્વનિ અને હવાનું પ્રદૂષણ હૃદયરોગ પર કેવી રીતે સીધી અસર કરે છે
ધ્વનિ પ્રદૂષણ
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના નાગર વિસ્તારમાં આવેલી ડિવાઇન પબ્લિક સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી ૭ વર્ષની વિદ્યાર્થિની વૈષ્ણવી તિવારી સ્કૂલમાં હતી ત્યારે નજીકના રસ્તા પરથી ગણેશવિસર્જનનું સરઘસ પસાર થઈ રહ્યું હતું, જેમાં અત્યંત મોટા અવાજે ડિસ્ક જૉકી (DJ) વાગી રહ્યું હતું.
ક્લાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોઈ શકાય છે કે અચાનક અવાજ અને વાઇબ્રેશનને લીધે બાળકી અસહજ બની ગઈ અને તેને અજુગતું લાગવા લાગ્યું. શિક્ષકોના જણાવ્યા મુજબ DJનું વાઇબ્રેશન એટલું તીવ્ર હતું કે બારીના કાચ ધ્રૂજી રહ્યા હતા. આ દરમ્યાન બાળકી અચાનક પોતાની ડેસ્ક પર ઢળી પડી અને બેભાન થઈ ગઈ. શિક્ષકો બાળકીને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના પરિવારે આરોપ લગાવ્યો છે કે DJના ખૂબ જ ઊંચા ડેસિબલ સાઉન્ડ અને ભારે ધ્રુજારીને કારણે તેને કાર્ડિઍક અરેસ્ટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસતપાસ બાદ DJના માલિક અને ઑપરેટર સામે FIR નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે અને DJ સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરવામાં આવી છે. કાયદો-વ્યવસ્થા અને બેદરકારી બદલ સ્થાનિક પોલીસ-ચોકીના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક નગરપાલિકા અને વહીવટી તંત્રે ધાર્મિક/સામાજિક સરઘસોમાં DJના ઉપયોગ પર અને સાઉન્ડ-લિમિટના ઉલ્લંઘન પર કડક નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે.
આ કેસને કારણે ફરી એ વાતે ચર્ચાનું જોર પકડ્યું છે કે ધ્વનિપ્રદૂષણ વ્યક્તિ માટે કેટલું ઘાતક સાબિત થઈ રહ્યું છે. આ કેસ સાંભળીને ઘણા લોકોને એ પ્રશ્ન થાય છે કે શું ખરેખર તીવ્ર અવાજને કારણે કોઈનું મૃત્યુ થઈ શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. કૌશલ છત્રપતિ કહે છે, ‘દરેક વ્યક્તિ પર તીવ્ર અવાજની અસર થાય જ છે, પણ એ અસર કેટલી વધુ હોય છે એ વ્યક્તિ-વ્યક્તિ પર નિર્ભર હોય છે. ભાગ્યે જ કેસમાં એવું હોય થાય કે વ્યક્તિ તાત્કાલિક મૃત્યુ પામે, પણ એ વાત નક્કી છે કે ધ્વનિપ્રદૂષણનો સીધો સંબંધ કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ સાથે છે. એટલે નુકસાન તો થવાનું જ છે, પણ કેટલું અને કેવું એ વ્યક્તિગત છે.’
હૃદયને નુકસાન
ADVERTISEMENT
હવાનું પ્રદૂષણ હૃદય અને રક્તવાહિનીઓ પર કઈ રીતે ગંભીર અસર કરે છે એની પાછળ એક જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા કામ કરે છે. હવાના પ્રદૂષણમાં રજકણો, વાહનોમાંથી નીકળતો ધુમાડો અને ઔદ્યોગિક ધુમાડામાંથી નીકળતા PM2.5 સૌથી વધુ ખતરનાક છે. આપણે જ્યારે પ્રદૂષિત હવામાં શ્વાસ લઈએ છીએ ત્યારે મોટા કણો સીધા રક્તપ્રવાહમાં ભળી જાય છે. જેવા આ ઝેરી કણો અને રસાયણો લોહીમાં પ્રવેશે છે, એ શરીરની કોશિકાઓ સાથે રાસાયણિક પ્રતિક્રિયા કરે છે. પ્રદૂષણ ઉત્પન્ન કરનારાં ઝેરી તત્ત્વો શરીરમાં ફ્રી રેડિકલ્સ એટલે કે મુક્ત કણોનું પ્રમાણ વધારે છે, જે ઍન્ટિ-ઑક્સિડન્ટ્સના સંતુલનને ખોરવી નાખે છે. આનાથી કોશિકાઓને નુકસાન થાય છે. શરીર આ ઝેરી તત્ત્વોને બહારના હુમલાખોર ગણીને રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે, જેને લીધે રક્તવાહિનીઓ પર સોજો આવી જાય છે અને આ સોજો માત્ર ફેફસાં પૂરતો મર્યાદિત નથી રહેતો પરંતુ આખા શરીરની રક્તવાહિનીઓમાં ફેલાય છે.
પ્રદૂષણને લીધે થતા સોજાથી શરીરમાં નાઇટ્રિક ઑક્સાઇડનું પ્રમાણ ઘટી જાય છે, જેને કારણે નળીઓ આરામથી પહોળી થઈ શકતી નથી અને કડક બની જાય છે. આનાથી હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા ઉત્પન્ન થાય છે એમ સમજાવતાં ડૉ. કૌશલ છત્રપતિ કહે છે, ‘આ બધી સમસ્યાઓને કારણે નળીઓની અંદરનો પટલ ક્ષતિગ્રસ્ત થાય છે જેને લીધે લોહીમાં ફરતું ખરાબ કૉલેસ્ટરોલ ત્યાં સહેલાઈથી ચોંટી જાય છે. સોજાના કારણે રોગપ્રતિકારક કોશિકાઓ આ કૉલેસ્ટરોલને ગળીને સમય જતાં કડક પ્લાકમાં ફેરવાઈ જાય છે. આ પ્રક્રિયાને ઍથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે, જેનાથી હૃદય સુધી ઑક્સિજનયુક્ત લોહી પહોંચાડતી કૉરોનરી આર્ટરીઝ સાંકડી થઈ જાય છે અને હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન મળતો નથી.’
હાર્ટ-અટૅક અને બીજા રોગોનું કારણ
હવાનું પ્રદૂષણ લોહીની બનાવટ અને એની ગંઠાઈ જવાની પ્રક્રિયાને સીધી અસર કરે છે. પ્રદૂષણનાં ઝેરી તત્ત્વો લોહીમાં રહેલા પ્લેટલેટ્સને વધુ ચીકણા અને સક્રિય બનાવી દે છે. સાથે જ શરીરની ક્લૉટ ઓગાળવાની કુદરતી ક્ષમતા ધીમી પડી જાય છે. પરિણામે જો ધમનીમાં રહેલો પ્લાક તૂટે તો ત્યાં તરત જ લોહીનો ગઠ્ઠો બની જાય છે એમ જણાવતાં ડૉ. કૌશલ છત્રપતિ કહે છે, ‘જો આ ગઠ્ઠો હૃદયની નળીને સંપૂર્ણ બ્લૉક કરી દે તો હાર્ટ-અટૅક આવે છે. હવામાં રહેલા ઝેરી વાયુઓ જેમ કે કાર્બન મૉનોક્સાઇડ અને ઝેરી કણો ફેફસાંમાં રહેલાં સેન્સર્સ દ્વારા ઑટોનોમિક નર્વસ સિસ્ટમ પર દબાણ લાવે છે. આનાથી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અતિશય સક્રિય થઈ જાય છે, જેનાથી હૃદયના ધબકારાનો દર અને બ્લડ-પ્રેશર અચાનક વધી જાય છે. હૃદયનાં ઇલેક્ટ્રિકલ સિગ્નલોમાં ખલેલ પહોંચવાથી હૃદયના ધબકારા અચાનક અનિયમિત થઈ શકે છે, જે અમુક કિસ્સાઓમાં અચાનક કાર્ડિઍક અરેસ્ટનું કારણ પણ બની શકે છે.’
તાજેતરનાં જુદાં-જુદાં રિસર્ચ
ક્રૉનિક નૉઇસ એટલે કે સતત થતો અવાજ અથવા તો અવાજનું પ્રદૂષણ હૃદયના સ્વાસ્થ્ય માટે સ્મોકિંગ કે હાઈ કૉલેસ્ટરોલ જેટલું જ જોખમી બની શકે છે. અમેરિકન હાર્ટ અસોસિએશને કરેલા તાજેતરના રિસર્ચ અને અભ્યાસ અનુસાર સતત આવતો અવાજ - જેમ કે વાહનો, ટ્રાફિક કે ફ્લાઇટનો અવાજ - મગજના એમિગ્ડેલા ભાગને સક્રિય કરે છે જેનાથી કૉર્ટિઝોલ અને એડ્રિનલિન જેવાં સ્ટ્રેસ-હૉર્મોન્સ રિલીઝ થાય છે જે દર્શાવે છે કે આ પ્રક્રિયાથી બ્લડ-પ્રેશર વધે છે અને લોહીની નળીઓ સંકોચાય છે. આવા જ એક બીજા રિસર્ચની વાત કરીએ તો ‘જર્નલ નેચર’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર લાંબા ગાળા સુધી નૉઇસ પૉલ્યુશનના સંપર્કમાં રહેવાથી લોહીની ધમનીઓ કડક થઈ જાય છે. એમાં સોજો ઉત્પન્ન થાય છે, જેનાથી ગંભીર કાર્ડિયોવૅસ્ક્યુલર રોગોનું રિસ્ક વધે છે. UK બાયો બૅન્ક અને યુરોપિયન પર્યાવરણ એજન્સીનાં સંશોધનો દર્શાવે છે કે વ્યસ્ત રસ્તાઓ કે ઍરપોર્ટ નજીક રહેતા લોકોમાં કૉરોનરી આર્ટરી ડિસીઝ અને હાર્ટ-અટૅકના કેસ વધારે જોવા મળે છે. રાત્રિ દરમ્યાન થતો અવાજ વ્યક્તિની ગાઢ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. ઊંઘ પૂરી ન થવાને કારણે હૃદય પર સતત વધારાનું દબાણ રહે છે જે હૃદયરોગના જોખમને બેવડે છે. આવાં અઢળક રિસર્ચ હવાનું પ્રદૂષણ અને હૃદયરોગ વચ્ચેનો સંબંધ સાબિત કરી ચૂક્યાં છે. એ વાતમાં કોઈ બેમત નથી કે હવાનું પ્રદૂષણ લાંબા ગાળે હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો કરે છે.
