Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ગરમીની અસર શરીર પર જ નહીં, મન પર પણ થાય છે

ગરમીની અસર શરીર પર જ નહીં, મન પર પણ થાય છે

Published : 26 March, 2026 01:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાહ્ય અને આંતરિક બન્ને પરિબળોની અસર મન પર થાય જ છે એ હકીકત છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉનાળાની બપોરે દુકાનથી ઘરે જમવા આવતા પપ્પાને ન વતાવવાની સલાહ મમ્મી બાળકોને આપતી હોય છે. ગરમીમાં ઘરે આવશે અને કંઈ પણ ગરબડ હશે તો તેમનો પિત્તો જશે એની તેને ખબર હોય છે. લોકલ ટ્રેનમાં બપોરે પણ આજકાલ એટલી જ ભીડ જોવા મળે છે અને એમાં જો ખાસ ઑબ્ઝર્વ કર્યું હોય તો માર્ચથી મે મહિનામાં ઝઘડાઓ ઘણા જોવા મળશે. વગર કારણે બે જણ બાખડી પડે, રાડારાડી કરે એવા કેસ રોડ પર કે વાહન ચલાવતી વખતે અધવચ્ચે ટ્રાફિકમાં ફસાયા હો ત્યારે જોવા મળે જ છે. ગરમીમાં બીજો એક ભાવ છે જે ખૂબ સમાન્ય છે. એ છે ઇરિટેશન, ચીડિયાપણું. બળબળતી બપોરે કોઈને ફક્ત ઍડ્રેસ પૂછજો કે ભાઈ, આ એસ. વી. રોડ કઈ બાજુથી આવશે તો તેના રીઍક્શનથી તમને સમજાઈ જશે કે તમે કંઈક તો ભૂલ કરી છે.

બાહ્ય અને આંતરિક બન્ને પરિબળોની અસર મન પર થાય જ છે એ હકીકત છે. વધતું તાપમાન બાહ્ય પરિબળ છે. કયાં પરિબળો આપણા પર ક્યારે હાવી થાય એ સમજવા જેવું છે. જો આપણને મુંબઈની ચીકણી ગરમીમાં ઑફિસનું કામ કરવા બહાર રખડવું પડે તો મનમાં ગુસ્સો આવે છે; પરંતુ રાજસ્થાનની કડકડતી ગરમીમાં પણ આપણે વેકેશનમાં ફરવા ગયા હોઈએ તો ગરમીનો ભલે ત્રાસ થાય પણ ગુસ્સો આવતો નથી. જોકે એવું પણ છે કે લગ્નમાં તૈયાર થઈને જાઓ, અંદરથી ખુશી હોય પરંતુ જે જગ્યાએ ગયા હો ત્યાં ACની વ્યવસ્થા ન હોય તો લગ્નમાં મહાલવાની ખુશી જલદી ઓગળી જાય છે. આમ સ્ટ્રેસમાં ન હો ત્યારે પણ ગરમી એક ફિઝિકલ સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે જેની અસર મન પર થાય જ છે. વળી જ્યારે આપણે અંદરથી સ્ટ્રેસમાં હોઈએ, ૫૦ કામ એકસાથે પતાવવાનાં હોય અને એમાં બાહ્ય પરિબળ તરીકે ગરમી મોટો ભાગ ભજવે છે અને સ્ટ્રેસમાં ઉમેરો કરે છે જેને લીધે મૂડ-સ્વિન્ગ્સ થાય, ગુસ્સો આવે, ઝઘડા થાય.



ગરમી અને તાપની અસર શરીર પર થાય. જેમ કે પરસેવો ખૂબ થાય જેથી શરીરમાંથી પાણી ઓછું થઈ જાય, ઘણી વખત એને કારણે પેશાબમાં પણ બળતરા થાય, તાપ લાગે તો સ્કિન પર બળતરા થાય, ટૅનિંગ થઈ જાય એ બધી શારીરિક તકલીફો આવે એ સહજ છે; પરંતુ ગરમીની અસર ફક્ત શરીર પર જ નહીં, મન પર પણ થાય છે. ગરમીમાં ચીડ ચડે છે, વધુ થાક લાગે છે, ગુસ્સો ખૂબ જલદી આવે છે. આમ તમને ચડતી ચીડનો દોષ તમે ગરમીને આપી શકો છો. જો એનાથી પણ તમને થોડી ઠંડક મળતી હોય તો એમાં કંઈ ખોટું નથી. 


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK