Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શરીરને ફૅટ-બર્નિંગ મોડ પર કેવી રીતે લઈ આવવું?

શરીરને ફૅટ-બર્નિંગ મોડ પર કેવી રીતે લઈ આવવું?

Published : 31 March, 2026 12:52 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે મેટાબોલિકલી જડ બની રહ્યા છીએ; પરિણામે ડાયાબિટીઝ, ઓબેસિટી જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝનો ભોગ બની રહ્યા છીએ. શરીરને માત્ર કાર્બોહાઇડ્રેટ નહીં પણ ફૅટ બર્ન કરતાં શીખવવાની ખૂબ જરૂર છે અને એ આપણે ડાયટ અને લાઇફસ્ટાઇલની મદદથી કરી શકીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજના સમયમાં આપણી લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે આપણે અજાણતાં જ એક ગંભીર વિષચક્રમાં ફસાયા છીએ. આપણી ખાવાપીવાની આદતો સાવ બદલાઈ ગઈ છે. વારંવાર કંઈક ને કંઈક ખાતા રહેવું અને એમાં પણ હાઈ શુગર, સૉલ્ટ કે પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ સતત વધતું રહે છે. આની સામે આપણી ફિઝિકલ ઍક્ટિવિટી નહીંવત છે. આઠ-નવ કલાક AC ઑફિસમાં લૅપટૉપ કે કમ્પ્યુટર સામે સતત બેસીને કામ કરવું એ હવે આપણું ન્યુ નૉર્મલ બની ગયું છે, જે આપણને બેઠાડુ લાઇફસ્ટાઇલ તરફ ધકેલે છે. આટલું ઓછું હોય એમ ડિજિટલ એક્સપોઝર એટલું વધી ગયું છે કે લોકો અનિદ્રા અને પુઅર સ્લીપ જેવી સમસ્યાઓથી પીડાય છે. ઊંઘ માત્ર આરામ નથી, પણ એ એકમાત્ર સમય છે જ્યારે આપણી બૉડી સેલ્યુલર લેવલ પર પોતાનું રિપેરિંગ કામ કરે છે. આજના અત્યંત કમ્પેટિટિવ યુગમાં લોકો ક્યારેય સંતુષ્ટ નથી હોતા, જે સતત હાઈ સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી બિલ્ડ કરે છે. આ ફાસ્ટ-પેસ્ડ લાઇફ આપણા શરીરની આંતરિક ક્ષમતા એટલે કે મેટાબોલિક ફ્લેક્સિબિલિટીને સાવ ઘટાડી દે છે, પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ મેટાબોલિક ફ્લેક્સિબિલિટી શું છે અને એ આપણાં વજન, એનર્જી અને ડાયાબિટીઝ જેવા રોગો સાથે કેવી રીતે જોડાયેલી છે? તો ચાલો આપણે ૧૯ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર પાસેથી આ વિશે તેમના જ શબ્દોમાં જાણીએ...

મેટાબોલિક ફ્લેક્સિબિલિટી સમજો



આપણે સામાન્ય રીતે ફ્લેક્સિબિલિટીને માત્ર બૉડી સ્ટ્રેચ કરવા કે યોગ કરવા સાથે જ જોડીએ છીએ, જેને ફિઝિકલ ફ્લેક્સિબિલિટી કહેવાય અને એ રેગ્યુલર કસરતથી આવી શકે છે. એવી જ રીતે જ્યારે આપણે કોઈ સારો આર્ટિકલ વાંચીએ કે કંઈક નવું શીખીએ ત્યારે આપણી મેન્ટલ ફ્લેક્સિબિલિટી વધે છે. આ બન્નેની જેમ જ શરીરની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ ચાલે છે જેને મેટાબોલિક ફ્લેક્સિબિલિટી કહેવાય છે. આ એક એવી સ્માર્ટ સિસ્ટમ છે જેમાં તમારા શરીરને ખબર હોય છે કે કયા સમયે કયા ન્યુટ્રિશનને એનર્જી તરીકે વાપરવું. ફિઝિકલ અને મેન્ટલ ફ્લેક્સિબિલિટી વધારવાની રીત એકદમ સ્ટ્રેટફૉર્વર્ડ છે જે પ્રૅક્ટિસથી આવી જાય છે, પણ મેટાબોલિક ફ્લેક્સિબિલિટી ટોટલી તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે કેવો ખોરાક લો છો અને તમારી લાઇફસ્ટાઇલ કેવી છે. આપણી બૉડી માટે ન્યુટ્રિશન ફ્યુઅલ જેવું છે જેમાં કાર્બોહાઇડ્રેટ પ્રાઇમરી એનર્જી સોર્સ છે જે સૌથી પહેલાં વપરાય છે. આપણે જ્યારે કંઈ પણ ખાઈએ છીએ ત્યારે બૉડી એને કાર્બોહાઇડ્રેટ, ફૅટ અને પ્રોટીનમાં ડિવાઇડ કરે છે જેમાં કાર્બોહાઇડ્રેટ સૌથી પહેલાં એનર્જીમાં કન્વર્ટ થાય છે. બીજો નંબર આવે છે ફૅટ્સનો, જે ઍક્ચ્યુઅલી એક એનર્જી રિઝર્વ છે. જ્યારે બૉડીમાં કાર્બોહાઇડ્રેટ પૂરતું ન હોય ત્યારે આપણી સિસ્ટમ આ સ્ટોર થયેલી ફૅટને વાપરવાનું શરૂ કરે છે. છેલ્લે આવે છે પ્રોટીન, જે બૉડી માટે લાસ્ટ રિસૉર્ટ જેવું છે એટલે કે જ્યારે કાર્બોહાઇડ્રેટ કે ફૅટ બન્નેમાંથી એનર્જી નથી મળતી ત્યારે જ બૉડી પ્રોટીનનો ઉપયોગ કરે છે. આ આખી પ્રોસેસ સમજવી એટલે જરૂરી છે કારણ કે મેટાબોલિક ફ્લેક્સિબિલિટીનો અર્થ જ એ છે કે આપણું શરીર આ સોર્સિસ વચ્ચે સ્માર્ટ્લી સ્વિચ કરી શકે અને આપણે જાણી શકીએ કે કઈ વસ્તુ ખાવાથી કયો સોર્સ કેવી રીતે કામ કરશે.


મેટાબોલિક ફ્લેક્સિબિલિટી ઘટવાનાં નુકસાન

જ્યારે શરીરની મેટાબોલિક ફ્લેક્સિબિલિટી ઘટી જાય છે ત્યારે બૉડીની સૌથી પહેલી ડિપેન્ડન્સી કાર્બોહાઇડ્રેટ પર વધી જાય છે. આ જ કારણ છે કે તમે સતત લો-એનર્જી અનુભવો છો. કાર્બોહાઇડ્રેટનું સૌથી સિમ્પલ અને જલદી ઍબ્સૉર્બ થતું ફૉર્મ ગ્લુકોઝ છે. ગ્લુકોઝ લીધા પછી એકાદ કલાક સુધી તમને ખૂબ સારું લાગે છે, જાણે શરીરમાં અચાનક એનર્જીનું બૂસ્ટ આવ્યું હોય, પણ એ પછી તરત જ એનર્જી-લેવલ ડાઉન થઈ જાય છે. એનર્જી-લેવલ ઘટતાં જ ચીડિયાપણું વધે છે અને શુગર-ક્રેવિંગ (ગળ્યું ખાવાની ઇચ્છા) વધુ તેજ બની જાય છે. તમે થાક અને આળસ અનુભવો છો અને તમને સતત કંઈક ખાતા રહેવાની ઇચ્છા થાય છે. આ પ્રક્રિયાનું સૌથી મોટું નુકસાન એ છે કે તમારી બૉડી ક્યારેય એ રીતે ટ્રેઇન થતી નથી કે એ સ્ટોર થયેલી ફૅટને એનર્જી તરીકે અસરકારક રીતે વાપરી શકે. આજની લાઇફસ્ટાઇલમાં આપણે શરીરને માત્ર કાર્બોહાઇડ્રેટ બર્ન કરવા માટે જ ટ્રેઇન કરી રહ્યા છીએ. હકીકતમાં જ્યારે બૉડીને ફૅટ બાળવાની જરૂર હોય છે ત્યારે પણ આપણે એને તરત કાર્બોહાઇડ્રેટ આપી દઈએ છીએ જેના કારણે ફૅટ-બર્નિંગ પ્રોસેસ ઍક્ટિવ જ થતી નથી. હેલ્ધી જીવવા માટે શરીરને એ શીખવવાની જરૂર છે કે એ માત્ર કાર્બોહાઇડ્રેટ પર નિર્ભર ન રહે, પરંતુ ફૅટને પણ ફ્યુઅલ તરીકે અસરકારક રીતે વાપરે. આ બન્ને ફ્યુઅલ સોર્સ વચ્ચેનું સંતુલન જ મેટાબોલિક હેલ્થ માટે અત્યંત અનિવાર્ય છે.


મેટાબોલિક ફ્લેક્સિબિલિટીના ફાયદા

ગ્લુકોઝ આપણને માત્ર થોડા સમય માટે એનર્જેટિક ફીલ કરાવે છે, પરંતુ જો તમે તમારા શરીરને કાર્બોહાઇડ્રેટ અને ફૅટ બન્નેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે ટ્રેઇન કરો તો તમારું 
એનર્જી-લેવલ આખો દિવસ વધુ સ્થિર રહી શકે છે. આ ઊર્જામાં વારંવાર ફ્લક્ચ્યુએશન નહીં આવે, જેના કારણે તમને દિવસ દરમિયાન થાક કે ચીડિયાપણું ઓછું અનુભવાશે. આ ફ્લેક્સિબિલિટી આવવાથી વજનને લગતા ઇશ્યુઝ પણ ધીમે-ધીમે કન્ટ્રોલમાં આવવા લાગે છે, કારણ કે ઘણા લોકોના વેઇટ-મૅનેજમેન્ટમાં આવતા મોટા ઉતારચડાવ પાછળનું મુખ્ય કારણ 
એનર્જી-ઇમ્બૅલૅન્સ જ હોય છે. જ્યારે તમે કાર્બોહાઇડ્રેટ અને ફૅટ બન્ને પર કામ કરો છો ત્યારે તમારું શુગર-ક્રેવિંગ કુદરતી રીતે ઓછી થઈ જાય છે અને ઇન્સ્યુલિન-સેન્સિટિવિટીમાં નોંધપાત્ર સુધારો થાય છે. સામાન્ય રીતે ડાયાબિટીઝ જેવી સ્થિતિમાં ઇન્સ્યુલિન-લેવલ હાઈ હોય છે, કારણ કે બૉડી સતત કાર્બોહાઇડ્રેટ પર નિર્ભર રહે છે જે લાંબા ગાળે ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ તરફ દોરી જાય છે. જો સમયસર કાળજી ન લેવામાં આવે તો એ ડાયાબિટીઝમાં પરિણમે છે. જો તમારી મેટાબોલિક ફ્લેક્સિબિલિટી સારી હોય તો તમારું એનર્જી-લેવલ સ્થિર રહેવાથી ફિઝિકલ પર્ફોર્મન્સ અને સ્ટૅમિનામાં સુધારો જોવા મળે છે એટલું જ નહીં, થાઇરૉઇડ અને કૉલેસ્ટરોલ જેવી ગંભીર સમસ્યાઓનું રિસ્ક પણ ઘટાડી શકાય છે. આ ઉપરાંત તમારા બ્રેઇન-ફંક્શન અને એકાગ્રતા સંબંધિત પ્રશ્નોમાં પણ સુધારો જોવા મળે છે, કારણ કે જ્યારે બૉડીમાં મેટાબોલિક બૅલૅન્સ આવે છે ત્યારે મગજને સતત અને સ્થિર એનર્જી-સપ્લાય મળે છે. ટૂંકમાં મેટાબોલિક ફ્લેક્સિબિલિટી તમને માત્ર એનર્જી જ નહીં પણ વજન-નિયંત્રણ, હૉર્મોનલ બૅલૅન્સ અને સમગ્ર આરોગ્યમાં લાંબા ગાળાનો ફાયદો આપે છે.

લાઇફસ્ટાઇલમાં બદલાવ જરૂરી

મેટાબોલિક ફ્લેક્સિબિલિટી મેળવવા માટે સૌથી પહેલો નિયમ છે કૉન્સ્ટન્ટ ઈટિંગ બંધ કરવું. જ્યારે તમે વારંવાર થોડું-થોડું ખાતા રહો છો ત્યારે બૉડીમાં ઇન્સ્યુલિન-લેવલ જરૂરિયાત કરતાં વધી જાય છે, જે ધીમે-ધીમે ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ તરફ દોરી જાય છે અને ફૅટ-બર્નિંગ પ્રોસેસને અટકાવી દે છે. જો તમે શરીરને કાર્બોહાઇડ્રેટ અને ફૅટ બન્ને વાપરતાં શીખવવા માગતા હો તો સતત ખાવાનું બંધ કરવું પડશે. જ્યારે તમે બૉડીને સતત ખોરાકથી ઓવરલોડ નથી કરતા ત્યારે જ એ જરૂર મુજબ કાર્બોહાઇડ્રેટ અને ફૅટને એનર્જી તરીકે અસરકારક રીતે વાપરી શકે છે. તેથી મીલ-ટાઇમ ફિક્સ રાખવો અને મર્યાદિત ખાવાની ટેવ વિકસાવવી ખૂબ જરૂરી છે. એ સિવાય દરેક મીલમાં પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે એ કાર્બોહાઇડ્રેટની સરખામણીમાં ધીમેથી ઍબ્સૉર્બ થાય છે જેનાથી શુગર-લેવલ સ્ટેબલ રહે છે અને અચાનક લાગતી ભૂખ કન્ટ્રોલમાં રહે છે. દાળ, પનીર, છાસ, સ્પ્રાઉટ્સ, નટ્સ અને કઠોળ પ્રોટીનના ઉત્તમ સ્રોત છે. ઉપરાંત ડાયટમાં હેલ્ધી ફૅટ્સનો સમાવેશ કરો. મેયોનીઝ કે પામ ઑઇલ જેવી અનહેલ્ધી ફૅટ્સ શરીરમાં ફક્ત કૅલરી તરીકે સ્ટોર થાય છે અને ઇન્સ્યુલિનમાં ફ્લક્ચ્યુએશન વધારી શકે છે. એની જગ્યાએ નટ્સ અને સીડ્સ જેવી હેલ્ધી ફૅટ્સ લેવાથી બૉડી કાર્બોહાઇડ્રેટ પરની ડિપેન્ડન્સી ઘટાડીને ફૅટને ફ્યુઅલ તરીકે વાપરવાનું શરૂ કરે છે. કસરત મેટાબોલિક ફ્લેક્સિબિલિટી વધારવાનું એક પાવરફુલ સાધન છે. જો તમે લાંબું વૉકિંગ કરો છો તો બૉડીને સમજ પડે છે કે ક્યારે કયું ફ્યુઅલ વાપરવું. શરૂઆતની ૧૫ મિનિટમાં બૉડી મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ વાપરે છે. ત્યાર બાદ ધીમે-ધીમે ફૅટ-બર્નિંગ તરફ શિફ્ટ થાય છે એટલે ઓછામાં ઓછું ૪૦-૪૫ મિનિટ વૉક કરવું લાભદાયક છે. છેલ્લે સ્ટ્રેસ-મૅનેજમેન્ટ અને ઊંઘ પર ધ્યાન આપવું અનિવાર્ય છે. પૂરતી ઊંઘનો અભાવ અને વધુ સ્ટ્રેસ શરીરમાં કૉર્ટિઝોલ હૉર્મોન વધારતાં હોય છે, જે બોડીને વધુ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવાનો સંકેત આપે છે. આનાથી ગ્લુકોઝ મેટાબોલિઝમ પ્રભાવિત થાય છે અને મેદસ્વિતા તથા ડાયાબિટીઝનું રિસ્ક વધી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 12:52 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK