આજકાલ ઇનર ચાઇલ્ડ હીલિંગનો કન્સેપ્ટ ટ્રેન્ડમાં છે ત્યારે આપણા વ્યક્તિત્વને નિખારતી આ ટેક્નિક વિશે વિગતવાર વાત કરીએ
પ્રતીકાત્મક તસવીર
જીવનમાં એકસરખી પૅટર્ન તમે જોઈ રહ્યા છો? ખૂબ ધ્યાન રાખવા છતાં એક જ પ્રકારની ભૂલોને તમે દોહરાવી રહ્યા છો? કોઈક સામાન્ય ઘટના કારણ વિના તમારી અંદર ઝંઝાવાત સર્જી રહી છે? કોઈક સાવ નાનીઅમથી વાત તમારા માટે વજ્રાઘાત બનીને તમારા વર્તનને બદલી રહી છે? તો તમારી અંદરના ફોબિયા, તમારા વ્યવહાર, તમારા વ્યક્તિત્વનાં અઢળક પાસાંઓનું કનેક્શન તમારા બાળપણ સાથે હોઈ શકે છે. આજકાલ ઇનર ચાઇલ્ડ હીલિંગનો કન્સેપ્ટ ટ્રેન્ડમાં છે ત્યારે આપણા વ્યક્તિત્વને નિખારતી આ ટેક્નિક વિશે વિગતવાર વાત કરીએ...
આપણે એ દેશના વતની છીએ જ્યાં જન્મ પહેલાં પણ બાળકને મળતી ટ્રીટમેન્ટ, માતાના વિચારો, માતાની રહેણીકરણીની અસર બાળકના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે એવું મનાય છે. આ માન્યતા હેઠળ જ ગર્ભસંસ્કારનો કન્સેપ્ટ પ્રચલિત છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી તેને અપાતી ટ્રેઇનિંગ પણ જો તેનું ઘડતર કરવાનું કામ કરતી હોય તો બાળકના જન્મ પછી તેને મળતા અનુભવો, તેને મળતો પ્રેમ અને તેને મળતું અટેન્શન બાળકને પ્રભાવિત કરી જ શકે છે. આજકાલ મનોચિકિત્સાના વિશ્વમાં પણ બાળપણના અનુભવો મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યા છે અને માનસિક બીમારી કે બિહેવિયરલ પ્રૉબ્લેમમાં એને પણ નિમિત્ત માનવામાં આવે છે. આ જ પૂર્વભૂમિકા પર ઇનર ચાઇલ્ડ હીલિંગનો કન્સેપ્ટ લોકપ્રિય થઈ રહ્યો છે. ઇનર ચાઇલ્ડ તરીકે ઓળખાતી આ બાબત ક્યાંક સુષુપ્ત મન એટલે કે સબકૉન્શિયસ માઇન્ડની અસર સાથે પણ મૅચ થાય છે. આ વાત આજે નીકળી છે એનું કારણ છે તાજેતરમાં થયેલું એક રિસર્ચ. એક સર્વેક્ષણ કહે છે કે તમારી માતા સાથેના તમારા બાળપણના બૉન્ડની અસર પુખ્ત વયમાં તમારા બીજા સાથેના સંબંધો પર પણ પડે છે. ખાસ કરીને તમારી લવ-લાઇફમાં તમારી અપેક્ષા, કમ્યુનિકેશન, વ્યવહાર, સંબંધોને લઈને તમારી ઘનિષ્ઠતા અને વિશ્વસનીયતા વગેરે બધું જ તમારા અને તમારી મમ્મીના બૉન્ડથી નક્કી થતું હોય છે. આ વાતને સમજીને જે પૅટર્ન ડિસ્ટર્બન્સ ઊભી કરી રહી છે એને જો બદલવામાં આવે તો સંબંધોને બહેતર બનાવી શકાય અને વ્યક્તિની મેન્ટલ હેલ્થને પણ બહેતર બનાવી શકાય. આ વિષય પર નિષ્ણાત સાથે વાત કરીએ.
ADVERTISEMENT
શું છે ઇનર ચાઇલ્ડ?
શાબ્દિક દૃષ્ટિએ ઇનર ચાઇલ્ડ એટલે કે આપણી અંદર રહેલું ચાઇલ્ડ-લાઇક, બાળક જેવું વ્યક્તિત્વ અને વધુ ઊંડાણ સાથે સમજવું હોય તો કહી શકાય આપણું સબકૉન્શ્યસ માઇન્ડ, આપણું અર્ધજાગ્રત મન. છેલ્લાં ૧૫ વર્ષથી ઇનર ચાઇલ્ડ હીલિંગ જેવી વિવિધ થેરપીની પ્રૅક્ટિસ કરતાં થેરપિસ્ટ ફરીદા દરીવાલા કહે છે, ‘ઇનર ચાઇલ્ડ એટલે એ ઇમોશન જેને આપણે ટાળી રહ્યા છીએ, જેના તરફ આપણે ધ્યાન નથી આપી રહ્યા. બાળપણમાં થયેલું બુલિંગ કે મમ્મીએ મારેલી એક ઝાપટ કોઈક સૅડ મેમરી બનીને આપણી અંદર પડી ગઈ છે અને આપણા વ્યક્તિત્વમાં છૂપી રીતે એનો પણ રોલ છે. ઇનર ચાઇલ્ડ એ આપણો પડછાયો છે જે છે પણ દેખાતો નથી. એટલે જ ઇનર ચાઇલ્ડ ડિસ્ટર્બ હોય ત્યારે આપણાં ઘણાંબધાં રીઍક્શન પર એની અસર થતી હોય છે.’
એક વાત હંમેશાં યાદ રાખવી જોઈએ કે દરેક લાગણી એક પ્રકારની એનર્જી છે અને વિજ્ઞાન કહે છે કે ઊર્જાનો નાશ થતો નથી, એ પરિવર્તિત થાય છે. એમ જણાવીને થેરપિસ્ટ ફરીદા ઉમેરે છે, ‘ધારો કે કોઈક નકારાત્મક લાગણી કે ઇમોશન જનરેટ થયાં અને એને પ્રોસેસ કરવાની તક ન મળી તો એ સ્ટોર થશે પરંતુ નષ્ટ નહીં થાય. એ જીવનનો અનહીલ્ડ પાર્ટ છે જે એવા સંજોગો મળતાં ફરી પાછો જાગશે. આપણા જીવનના આરંભમાં પ્રાઇમરી કૅરટેકર આપણી મમ્મી અને સેકન્ડરી કૅરટેકર પિતા આપણને અટેન્શન, નરિશમેન્ટ અને સેફ્ટી પ્રોવાઇડ કરે છે. બાળકના ગ્રોથમાં શરૂઆતના સમયમાં આ ૩ બાબતની સર્વાધિક જરૂર હોય છે. હવે જ્યારે આ ત્રણમાંથી એકમાં ફાચર પડે ત્યારે બાળકના સબકૉન્શ્યસ માઇન્ડ પર એની અસર થાય છે જે પુખ્ત થયા પછી પણ તેનાં ઇમોશન્સને ડિસ્ટર્બ કરી શકે છે.’
તમારો દૃષ્ટિકોણ
કેટલાક લોકો દરેક બાબતમાં નકારાત્મકતા પર પહેલી નજર કરે અને કેટલાક લોકો નેગેટિવમાં નેગેટિવ બાબતોમાંથી પણ પૉઝિટિવ તત્ત્વ શોધી કાઢે. આનો સંબંધ પણ તમારા ઇનર ચાઇલ્ડ સાથે હોઈ શકે. ફરીદા કહે છે, ‘સૌથી પહેલાં તો એ સમજી લો કે ઇનર ચાઇલ્ડ માત્ર તમારા બાળપણના અનુભવો પરથી જ નહીં, તમારા ગઈ કાલના અનુભવો પરથી પણ પ્રભાવિત થાય છે અને જીવનમાં બનતી દરેક ઘટનામાં આપણું રીઍક્શન આપણા દૃષ્ટિકોણ મુજબ આવશે. એક દાખલા સાથે સમજાવું. સ્કૂલમાં જતાં બે બાળકોને તેમના ક્લાસ-ટીચરે પનિશમેન્ટમાં થપ્પડ મારી. બન્નેએ હોમવર્ક નહોતું કર્યું. એક બાળકે એ પનિશમેન્ટ વખતે થયેલો અનુભવ ખૂબ જ નેગેટિવલી લીધો. તેના માટે એ ઘટના ટ્રૉમા બની ગઈ. બધાની વચ્ચે ટીચરે તેને માર્યો કે વઢ્યા એ ઘટનાથી તેનું સેલ્ફ-એસ્ટીમ ડૅમેજ થયું. પબ્લિકમાં પોતાની વાત કહેવાથી તે સપ્રેશન ફીલ કરવા માંડ્યો અને એકલવાયો બની ગયો. આ જ ઘટનામાં બીજા બાળકે વિચાર્યું કે મેં હોમવર્ક નહોતું કર્યું એટલે મને પનિશમેન્ટ થઈ, હવેથી હું હોમવર્ક કરીશ. તે વધુ સિન્સિયર બની ગયો અને તેને હોમવર્ક કરવાના મોટિવેશન સાથે કૉન્ફિડન્સ પણ મળ્યો. આ ફરક આપણે સમજવાની જરૂર છે. દરેક વ્યક્તિ યુનિક છે અને તેની વિચારવાની પૅટર્ન પણ યુનિક છે. કોઈક માટે કંઈક ટ્રૉમા હોય તો કોઈક માટે એ બાબત સામાન્ય હોય. આમાં વ્યક્તિએ નક્કી કરવાનું હોય છે કે કઈ બાબત તેને રિપીટેડલી અમુક પ્રકારના નકારાત્મક ટ્રૅપમાં લઈ જાય છે અને શું કામ?’
કઈ રીતે કામ કરે?
ઇનર ચાઇલ્ડ હીલિંગ વખતે તમારા સબકૉન્શ્યસ માઇન્ડમાં પડેલી નકારાત્મક યાદો તરફ ફરી પાછા લઈ જઈને એને પ્રોસેસ કરવાની મોકળાશ થેરપિસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ફરીદા કહે છે, ‘આમાં થેરપિસ્ટ કોઈ હીલિંગ નથી કરતા. હીલિંગનું કામ તે વ્યક્તિ પોતે જ પોતાની રીતે કરે છે. થેરપિસ્ટ તેને હીલ થવા માટેનું એન્વાયર્નમેન્ટ આપે છે. હું મારો જ દાખલો આપું કે બાળપણમાં સેક્સ્યુઅલિટીને લગતા કેટલાક કડવા અનુભવોથી મારા પર ૩૦ વર્ષ પછી પણ એવી અસર થઈ હતી કે હું ગાયનેક પાસે જતાં થરથરું. કોઈ ગાયનેકોલૉજિસ્ટ મને ટચ પણ કરે તો હું પસીનાથી રેબઝેબ થઈ જાઉં. મને સમજાતું હતું કે આ જે થાય છે એ ખોટું છે, પરંતુ હું એમાંથી બહાર નીકળવા નહોતી માગતી. મારામાં એ ફેસ કરવાની હિંમત નહોતી. થેરપિસ્ટે મને એને ફેસ કરવા માટે સજ્જ કરી. હું એ બાબતને, એ ટ્રૉમાને જોતાં શીખી, હું એને અૅક્નૉલેજ કરતાં શીખી. હું દરેકને કહીશ કે તમે તમારા પેઇનને, પીડાને, તકલીફને, નેગેટિવ રિસ્પૉન્સને અૅક્નૉલેજ કરો, એને સ્વીકૃતિ આપો, એને નોટિસ કરો. જ્યારે-જ્યારે કોઈ બિહેવિયર પૅટર્ન તમે નોટિસ કરો છો, જ્યારે-જ્યારે કોઈક ઘટનામાં એકસરખા રિસ્પૉન્સ તમે આપતા રહો છો, જ્યારે-જ્યારે તમે એક જ પ્રકારની પરિસ્થિતિમાં ખૂબ ધ્યાન રાખવા છતાં ફરી-ફરી ફસાઈ રહ્યા છો એવું અનુભવો ત્યારે સમજજો કે તમારી અંદર એક હિસ્સામાં એ પૅટર્ન સાથે સંકળાયેલા અનુભવો જવાબદાર છે અને એને રિલીઝ કરવાની, એમાંથી મુક્ત થવાની જરૂર છે.’
યાદ રાખજો
જ્યારે પણ મનમાં કારણ વિના કોઈક બાબતનું પૅનિક થાય કે હેરાન થશો એની ખબર હોય છતાં વારંવાર અમુક જ પ્રકારના લોકો સાથે તમારો સંબંધ જોડાતો હોય ત્યારે થેરપિસ્ટ પાસે જવું એ તો મહત્ત્વનો રસ્તો છે જ, પરંતુ પોતાની અંદર રહેલા કોઈક પ્રકારના ટ્રૉમા કે નકારાત્મક અનુભવોને સાચવીને રહેલા ઇનર ચાઇલ્ડને થોડાક અટેન્શનની પણ જરૂર છે. હું લોકોને પોતાની અણગમતી પૅટર્નને બ્રેક કરવા અને અંદરની પીડાને મહેસૂસ કરવા કેટલાંક વાક્યો પોતાની જાતને બોલવા કહેતી હોઉં છું જે આ મુજબ છે...
My dear inner child,
I see you.
I hear you.
I acknowledge you.
Thank you for being you.


