DNAને ડૅમેજ કરીને લાંબા ગાળાની શારીરિક સમસ્યા આપી શકતા પ્લાસ્ટિકના અતિસૂક્ષ્મ કણો ક્યાંક અનાયાસ જ તમે તમારા પેટમાં તો નથી પધરાવી રહ્યાને?
પ્રતીકાત્મક તસવીર
સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની રહેલું પ્લાસ્ટિકનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે કે માઇક્રોપ્લાસ્ટિક થોડીક સજાગતા સાથે જીવનમાંથી હટાવી શકાય છે. નિષ્ણાતોના મતે પ્લાસ્ટિકના આ કણો DNAને નુકસાન પહોંચાડી શકે છે અને ઑલ્ઝાઇમર્સ, હૃદયરોગ, સ્ટ્રોક અને કૅન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે. તાજેતરનાં સંશોધનોમાં જાણવા મળ્યું છે કે માનવમગજ, લિવર, કિડની અને ગર્ભનાળમાં પણ પ્લાસ્ટિકના કણો પહોંચી ગયા છે ત્યારે આપણા રૂટીનમાં એવી કઈ-કઈ બાબતો છે જે અજાણતાં જ આપણા શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક રેડવાનું કારણ બની રહી છે.
પેપર કૉફી-કપ
ADVERTISEMENT
બહારથી કાગળ જેવા દેખાતા આ નિકાલજોગ કપની અંદર પ્લાસ્ટિકનું પાતળું પડ હોય છે. જ્યારે એમાં ગરમ કોફી કે ચા રેડવામાં આવે છે ત્યારે ગરમીને કારણે પ્લાસ્ટિક ઓગળીને લાખો સૂક્ષ્મ કણો પીણામાં ભેળવે છે, જે સીધા તમારા શરીરમાં જાય છે.
પ્લાસ્ટિકની ટી-બૅગ્સ
આધુનિક પ્રીમિયમ ટી-બૅગ્સ ઘણી વાર નાયલૉન અથવા પ્લાસ્ટિકની જાળીથી બનેલી હોય છે. ઊકળતા પાણીમાં આ ટી-બૅગ રાખવાથી એ અબજો નૅનોપ્લાસ્ટિક કણો મુક્ત કરે છે જે નળના પાણીમાં જોવા મળતા કણો કરતાં ક્યાંય વધારે હોય છે.
પ્લાસ્ટિકનાં કટિંગ-બોર્ડ
રસોડામાં વપરાતાં પ્લાસ્ટિકનાં કટિંગ-બોર્ડ પર જ્યારે ધારદાર છરીથી શાકભાજી સુધારવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકના અદૃશ્ય ટુકડા ખોરાકમાં ભળે છે. એક અંદાજ મુજબ આ રીતે વ્યક્તિ વર્ષે કરોડો પ્લાસ્ટિકના કણો ખાઈ જાય છે.
ટિન કે કૅન
મોટા ભાગના ખાદ્ય પદાર્થો કે પીણાંના કૅનમાં અંદરની તરફ એપોક્સી રેઝિન નામનું પ્લાસ્ટિકનું પડ હોય છે. સમય જતાં ખાસ કરીને ખાટા કે ખારા ખોરાકને કારણે આ પડ ઘસાય છે અને પ્લાસ્ટિકના કણો ખોરાકમાં ભળી જાય છે.
બાળકોની દૂધની બૉટલ
બેબી બૉટલ પ્લાસ્ટિકની બનેલી હોય છે. જ્યારે આ બૉટલને ગરમ પાણીમાં જંતુમુક્ત કરવામાં આવે છે અથવા એમાં ગરમ દૂધ ભરવામાં આવે છે ત્યારે એ લાખો પ્લાસ્ટિકના કણો મુક્ત કરે છે. નાનાં બાળકો એના માટે વધુ સંવેદનશીલ હોય છે કારણ કે તે તેમનાં હૉર્મોન્સ અને વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે.
માઇક્રોપ્લાસ્ટિકના જોખમથી બચવાના સરળ રસ્તા
પ્લાસ્ટિકના બદલે કાચ કે સ્ટીલનાં વાસણો વાપરો.
માઇક્રોવેવમાં પ્લાસ્ટિકનાં વાસણો ગરમ કરવાનું ટાળો.
પેપર-કપ કે પ્લાસ્ટિક ટી-બૅગનો ઉપયોગ ઓછો કરો.
નળના પાણી માટે સારા ફિલ્ટરનો ઉપયોગ કરો.


