GRPની STFએ તેની ધરપકડ કરીને ૨૧.૦૧ લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું
GRPની STFએ ધરપકડ કરેલો આરોપી.
ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની સ્પેશ્યલ ઍક્શન ફોર્સ (STF)એ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોની બૅગ અને પર્સની ચોરી કરવાના આરોપસર ૩૮ વર્ષના વિનય સોનીની રવિવારે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી કલ્યાણ GRPમાં નોંધાયેલા ૬ અલગ-અલગ ગુનાઓનો કુલ ૨૧,૦૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં રહેતો આ આરોપી લાંબા અંતરની ટ્રેનોમાં રાતે મુસાફરો સૂતા હોય ત્યારે તેમની બૅગ અને પર્સ ઉઠાવીને ફરાર થઈ જતો હતો. દરમ્યાન ટૂંક સમયમાં મોટી સંખ્યામાં ચોરીના ગુના સામે આવતાં STFએ ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના આધારે આરોપીની ઓળખ કરીને ટેક્નિકલ તપાસ અને બાતમીદારોની મદદથી CSMT રેલવે-સ્ટેશન પર છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
GRPની STFના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય ખેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે જૂનમાં એક મુસાફર તેના પરિવાર સાથે પટના એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમ્યાન કોઈ ચોરે તેની સીટ નીચે રાખેલી ટ્રૉલી-બૅગ ચોરી લીધી હતી જેમાં આશરે ૬૩,૦૦૦ રૂપિયાના
ADVERTISEMENT
સોના-ચાંદીના દાગીના હતા. આનો કલ્યાણ રેલવે પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત એ જ કાર્યપદ્ધતિથી ગયા વર્ષે જૂન, જુલાઈ અને ઑગસ્ટમાં મોટા પ્રમાણમાં ચોરી થઈ હતી. ટ્રેનોમાં વધતી જતી ચોરીની ઘટનાઓ પર તપાસ ફાસ્ટ કરીને ટેક્નિકલ તપાસ અને બાતમીદારોની મદદથી આરોપી CSMT સ્ટેશનમાં આવવાનો હોવાની બાતમી મળતાં આ માહિતીના આધારે અમે છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કર્યા બાદ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતેથી ચોરીનો તમામ ૨૧,૦૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે. આરોપીએ વધુમાં કબૂલાત કરી હતી કે તે માત્ર ચોરીના ઇરાદે મુંબઈ આવતો હતો અને એકથી બે ચોરીને અંજામ આપ્યા બાદ પાછો ઉત્તર પ્રદેશ જતો રહેતો હતો. આ કાર્યવાહી દ્વારા કલ્યાણ GRPમાં નોંધાયેલા ચોરીના કુલ ૬ ગુના ઉકેલાયા છે.’


