ટેમ્પો જપ્ત કરીને બે લોકોની ધરપકડ કરવામાં આવી
પોલીસે જપ્ત કરેલો ટેમ્પો અને બચાવેલી ભેંસ.
થાણેના ઘોડબંદર રોડ પર પ્રાણીસંરક્ષણ સંસ્થા અને કાશીગાંવ પોલીસના સંયુક્ત ઑપરેશનમાં ગેરકાયદે કતલખાને લઈ જવાતી બે ભેંસને સોમવારે વહેલી સવારે બચાવી લેવામાં આવી હતી. આ મામલે કાશીગાંવ પોલીસે ટેમ્પોચાલક શાદાબ આલમ અને તેના સાથીદાર રમઝાન કુરેશીની ધરપકડ કરી કુલ ૫,૬૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરેલા આરોપીઓએ પૂછપરછ દરમ્યાન આ ભેંસો વસઈના કામણ ગામના તબેલામાંથી લાવવામાં આવી હતી અને તેને થાણેના રાબોડી વિસ્તારમાં કતલ માટે લઈ જવામાં આવતી હોવાની કબૂલાત આપી હતી. આ ગુનામાં સંડોવાયેલા પ્રકાશ જાયસવાલ (ઉર્ફે પક્યા) અને સરફરાજની પોલીસ શોધ ચલાવી રહી છે.
પ્રાણીસંરક્ષણ અધિકારી ભાવિન ગાઠાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્તસૂત્રોથી મને માહિતી મળી હતી કે ઘોડબંદર રોડ પરથી એક સફેદ રંગના મહિન્દ્ર બોલેરો પિક-અપ ટેમ્પોમાં ભેંસોને કતલ કરવાના હેતુથી ગેરકાયદે લઈ જવામાં આવી રહી છે. આ માહિતીના આધારે મેં કાશીગાંવ પોલીસને જાણ કરી હતી. એના આધારે પોલીસની ટીમે ઘોડબંદર રોડ પર એક્સપ્રેસ ઇન હોટેલ સામે છટકું ગોઠવ્યું હતું. રવિવારે મધ્યરાત્રિએ શંકાસ્પદ ટેમ્પોને રોકી તપાસ કરતાં પાછળના ભાગે વાદળી રંગના પ્લાસ્ટિક નીચે બે ભેંસ અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી. પ્રાણીઓ માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી તેમ જ ટેમ્પોની બોડી ચારેબાજુથી પતરાથી પૅક હોવાથી હવાબારીની પણ સગવડ નહોતી. ટેમ્પોમાંથી મળી આવેલી વ્યક્તિઓની તપાસ કરતાં તેઓ બન્ને ભેંસને રાબોડીમાં કતલ માટે લઈ જતા હતા. અંતે પોલીસે ટેમ્પો સહિત ભેંસને તાબામાં લઈને આરોપીની ધરપકડ કરી હતી.’
ADVERTISEMENT
પોલીસનું શું કહેવું છે?
કાશીગાંવ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં બન્ને આરોપીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલમાં ભેંસને એક તબેલામાલિકને સોંપી દેવામાં આવી છે. બન્ને ભેંસો દૂધ આપતી ન હોવાથી તેને કતલ કરવા માટે રાબોડી લઈ જવામાં આવતી હોવાની માહિતી આરોપીએ અમને આપી હતી. આ કેસમાં અન્ય આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે.’


