ચોમાસું ગરમીથી તો રાહત આપે છે, પણ સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક પડકારો લઈને આવે છે. આયુર્વેદમાં સ્વસ્થ રહેવા માટે બદલાતી ઋતુ અનુસાર આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવાની સલાહ આપવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદની સાથે જ તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી, ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે આપણા આયુર્વેદમાં ઋતુચર્યા એટલે ઋતુ પ્રમાણે જીવવાની રીત બતાવવામાં આવી છે. આયુર્વેદ અનુસાર દરેક ઋતુ શરીરના ત્રિદોષ વાત, પિત્ત અને કફ પર અલગ અસર કરે છે. ચોમાસામાં વાતાવરણ ઠંડું, ભેજવાળું અને પવનવાળું બની જાય છે. આ ગુણધર્મો શરીરના આંતરિક સંતુલનને સરળતાથી ખલેલ પહોંચાડી શકે છે જેને કારણે પાચનશક્તિ નબળી પડવી, થાક લાગવો અથવા મોસમી તકલીફો વધવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. એવામાં જો આપણે આયુર્વેદની ઋતુચર્યાનું પાલન કરીએ તો વરસાદની મજા પણ માણી શકીએ અને બીમારીઓથી દૂર પણ રહી શકીએ. આજે આપણે આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. શ્વેતાબા જાડેજા પાસેથી ચોમાસા પ્રમાણે કેવી રીતે આહાર અને જીવનશૈલીમાં બદલાવ લાવવા જોઈએ એ વિશે વિગતવાર જાણીએ.
દોષનું અસંતુલન
ADVERTISEMENT
ચોમાસા દરમ્યાન મુખ્યત્વે વાતદોષ વધે છે. વાતદોષના ગુણધર્મોમાં શુષ્કતા, ઠંડક અને ગતિશીલતા સામેલ છે. ચોમાસાનું પવનવાળું અને અનિશ્ચિત હવામાન વાતદોષને અસંતુલિત કરી શકે છે જેને કારણે શરીરમાં સાંધાનો દુખાવો, ગૅસ, પેટ ફૂલવું, ત્વચામાં શુષ્કતા જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. જ્યારે વાતદોષ વધે છે ત્યારે પિત્ત અને કફદોષ પણ અસંતુલિત થવાની શક્યતા રહે છે. વરસાદી ઋતુમાં ભેજ અને ઠંડક કફદોષને વધારી શકે છે જેને કારણે શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બીજી તરફ વાતાવરણમાં થતા ફેરફારો અને પાચનશક્તિ પર પડતી અસર પિત્તદોષને વધારી શકે છે જેને કારણે અપચો, ઍસિડિટી અને પાંચન સંબંધિત તકલીફો થઈ શકે છે.
ડાયટમાં શું બદલાવ કરશો?
ચોમાસામાં જઠરાગ્નિ મંદ પડી જાય છે એટલે ભારે ભોજન પચાવવામાં પેટને ખૂબ મહેનત કરવી પડે છે. આ દિવસોમાં શરીરને પૂરતું પોષણ મળે અને પેટ પણ હલકું રહે એ માટે સાદો અને હળવો ખોરાક ખાવો જોઈએ. ચોમાસામાં તાજું લણેલું એટલે કે નવું અનાજ પચવામાં ભારે હોવાથી એક વર્ષ જૂના ઘઉં, જવ, ચોખા વાપરવાની સલાહ આપવામાં આવે છે. ચણા, અડદ જેવી પચવામાં ભારે હોય એવી દાળને બદલે મગ જેવી હળવી દાળનું સેવન કરવું જોઈએ. ચોખા અને મગની દાળને મિક્સ કરીને હિંગ-જીરાના વઘારવાળી ખીચડી પાચન માટે અમૃતસમાન છે. ચોમાસામાં પાંદડાંવાળી શાકભાજીને બદલે વેલા પર ઊગતી શાકભાજી જેમ કે દૂધી, તૂરિયાં, કારેલાં, ગલકાં, પરવળનું સેવન કરવું જોઈએ. શાક હંમેશાં હિંગ, જીરું, મરી, ધાણા અને હળદર જેવા પાચક મસાલા નાખીને જ બનાવવાં જોઈએ. આ ઋતુમાં વાસી ખોરાકમાં બૅક્ટેરિયા બહુ ઝડપથી ફેલાય છે એટલે હંમેશાં રાંધેલો તાજો અને ગરમ ખોરાક જ ખાવો. ચોમાસામાં વાયુ વધતો હોવાથી શરીર અંદરથી ડ્રાય ન થઈ જાય એ માટે તેલ કરતાં ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો જોઈએ. ઘી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને પાચન સુધારે છે, પણ એ મર્યાદિત માત્રામાં જ લેવું. આયુર્વેદમાં ચોમાસામાં સાદું નળનું પાણી પીવાની મનાઈ છે. પાણીને હંમેશાં ઉકાળીને જ પીવું જોઈએ.
જીવનશૈલી કેવી રાખશો?
ચોમાસાના વાતાવરણમાં બપોરે સૂવાનું બહુ મન થાય છે, પરંતુ બપોરે ન સૂવું જોઈએ. આ ઋતુમાં બપોરે સૂવાથી શરીરમાં આળસ વધે છે અને કફદોષ પ્રકોપિત થાય છે જે પાચનશક્તિને વધુ નબળી પાડે છે અને ફેફસાં તેમ જ પેટના રોગો વધારે છે. સવારે સૂર્યોદય પહેલાં અથવા વહેલા ઊઠવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને આળસ દૂર થાય છે. મોડે સુધી જાગવાનું ચોક્કસપણે ટાળવું જોઈએ. રાત્રે મોડે સુધી જાગવાથી વાતદોષ પ્રકોપિત થાય છે જેને કારણે સાંધાનો દુખાવો, ગૅસ, ઍસિડિટી અને માનસિક બેચેની વધી શકે છે. ચોમાસામાં વરસાદ હોવાને કારણે લોકોનું બહાર જવાનું ઓછું થઈ જાય છે એટલે બેઠાડુ જીવન વધી જાય છે. બેઠાડુ જીવનને લીધે પણ વધારે તકલીફો થતી હોય છે - જેમ કે વજન વધવું, યુરિક ઍસિડ વધવું કે સાંધા જકડાઈ જવા. ઘરમાં જ થોડી હળવી કસરતો કરવી જરૂરી છે. એનાથી શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન સારું થાય છે જેને લીધે ભૂખ સારી લાગે છે અને ડાયજેશન પણ સારું થાય છે. વરસાદી ભેજવાળા વાતાવરણમાં વાઇરસ અને બૅક્ટેરિયા ઝડપથી ફેલાય છે જેનાથી શરદી, ઉધરસ અને અસ્થમા જેવી શ્વાસની તકલીફો વધે છે. આ દિવસોમાં નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામ કરવાથી ફેફસાં મજબૂત બને છે અને આપણી શ્વસનતંત્રની તંદુરસ્તી સારી રહે છે. ચોમાસામાં વાતદોષ વધવાને કારણે મન પણ ચંચળ, અસ્વસ્થ કે નકારાત્મક વિચારો તરફ વળી શકે છે. મનને સ્થિર રાખવા માટે મેડિટેશન ખૂબ જ જરૂરી છે જેથી મનનો વાત શાંત રહે. રોજ ૧૦થી ૧૫ મિનિટનું મૌન અથવા ધ્યાન માનસિક તનાવ ઓછો કરે છે અને આંતરિક ઊર્જા વધારે છે.
પર્સનલ હાઇજીન
ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજ ખૂબ જ વધી જાય છે જેને કારણે પરસેવો વધુ વળે છે અને ત્વચા પર બૅક્ટેરિયા તેમ જ ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. આ દિવસોમાં શરીરને સ્વસ્થ અને ફ્રેશ રાખવા માટે વ્યક્તિગત સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ભેજવાળા વાતાવરણને કારણે શરીર પર ચીકાશ અને પરસેવો સતત વળ્યા કરે છે. તેથી દિવસમાં ઓછામાં ઓછું એક કે બે વાર સારી રીતે નહાવું જોઈએ. નાહ્યા પછી શરીરને સૉફ્ટ ટુવાલથી બરાબર કોરું કરવું પણ એટલું જ જરૂરી છે. ચોમાસામાં પરસેવાના કારણે કપડાં જલદી ગંદાં અને દુર્ગંધ મારતાં થઈ જાય છે એટલે હંમેશાં ધોયેલાં અને એકદમ ચોખ્ખાં અને કોરાં કપડાં જ પહેરવાં. એક વાર પહેરેલાં કપડાં બીજી વાર પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે એમાં બૅક્ટેરિયા ઝડપથી ફેલાય છે. કપડાં ધોતી વખતે છેલ્લે પાણીમાં થોડું ઍન્ટિ-સેપ્ટિક લિક્વિડ ઉમેરવાથી કપડાંમાંથી ભેજની દુર્ગંધ દૂર થાય છે અને જંતુઓનો નાશ થાય છે. ચોમાસામાં ઘણી વાર પૂરતો તડકો નીકળતો નથી જેને કારણે કપડાં સરખાં સુકાતાં નથી અને એમાં થોડો ભેજ રહી જાય છે. આવાં ભેજવાળાં કે સહેજ ભીનાં કપડાં પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન કે ખંજવાળ આવી શકે છે. કપડાં થોડાં ભેજવાળાં હોય તો એને પહેરતાં પહેલાં ગરમ ઇસ્ત્રી ફેરવી લેવી. ઇસ્ત્રીની ગરમીથી કપડાં સરસ સૂકાં થઈ જશે અને એમાં રહેલા હાનિકારક બૅક્ટેરિયા પણ મરી જાય છે. ચોમાસા માટે સુતરાઉ કપડાં સૌથી બેસ્ટ કહેવાય. કૉટન ફૅબ્રિક હવામાંથી ભેજ અને શરીરનો પરસેવો સરળતાથી શોષી લે છે અને ત્વચાને શ્વાસ લેવામાં મદદ કરે છે. આનાથી પરસેવો ભરાઈ રહેતો નથી અને ત્વચાની ઍલર્જીથી બચી શકાય છે.
હોમ રેમેડીઝ
ચોમાસામાં વાઇરલ ઇન્ફેક્શન, શરદી અને ઉધરસ જેવા રોગોને આવતા અટકાવવા માટે હળદરવાળું દૂધ અકસીર ઉપાય છે. આ દૂધ રાત્રે સૂતાં પહેલાં અથવા સવારે ઊઠીને નયણા કોઠે પી શકાય છે. હળદરવાળા દૂધની અંદર ચપટીક મરી પાઉડર અને સૂંઠ પણ ઉમેરી શકો. મરી અને સૂંઠ ઉમેરવાથી હળદરમાં રહેલા ગુણો શરીર બહુ ઝડપથી શોષી લે છે અને ગળાની ખરાશ તેમ જ કફમાં રાહત મળે છે.
જો ભૂખ ઓછી લાગતી હોય કે અજીર્ણ જેવું લાગતું હોય તો ભૂખ ઉઘાડવા અને પાચન સુધારવા માટે નવશેકા ગરમ પાણીની અંદર થોડી સૂંઠ નાખીને પીવું જોઈએ. સૂંઠ પાચનતંત્રને સક્રિય કરે છે, પેટનો વાયુ દૂર કરે છે અને ભૂખ વધારે છે.
ચોમાસામાં સાદી છાશ પીવાને બદલે એને પાચક બનાવીને પીવી જોઈએ જેથી પેટ હલકું રહે. બપોરના ભોજન સાથે છાશમાં અજમો, શેકેલા જીરાનો પાઉડર અને સંચળ નાખીને પીવાથી પાચન બહુ સારું થાય છે. અજમો અને જીરું પેટમાં ગૅસ થવા દેતા નથી અને ખોરાકનું શોષણ સરસ રીતે થાય છે.
ચોમાસામાં વાતાવરણ ઠંડું અને ભેજવાળું થતાં જ વાતદોષ વધે છે જેને કારણે ઘણા લોકોને ઘૂંટણ કે સાંધા પકડાઈ જવાની અને દુખાવાની તકલીફ વધી જાય છે. સાંધાના દુખાવાની સમસ્યામાં તલના તેલની માલિશ કરી શકો. તલનું તેલ પ્રકૃતિમાં ગરમ અને વાતનાશક છે. એને સહેજ નવશેકું ગરમ કરીને સાંધા પર હલકા હાથે માલિશ કરવાથી જકડામણ દૂર થાય છે અને લોહીનું પરિભ્રમણ સુધરે છે.
