સૅનિટરી પૅડ ખરીદવામાં સંકોચ અનુભવતી નાનાં નગરો અને ગામડાંની દીકરીઓને થતી તકલીફ જાણીને પાલનપુરના શિક્ષક નયન ચત્રારિયાએ કોઈને પૂછ્યા વિના ફ્રીમાં જ સૅનિટરી પૅડ લઈ જઈ શકાય એવું કબાટ પોતાના ઘરની બહાર મૂક્યું છે.
નયન ચત્રારિયા સૅનિટરી પૅડની પરબ ખોલી
સૅનિટરી પૅડ ખરીદવામાં સંકોચ અનુભવતી નાનાં નગરો અને ગામડાંની દીકરીઓને થતી તકલીફ જાણીને પાલનપુરના શિક્ષક નયન ચત્રારિયાએ કોઈને પૂછ્યા વિના ફ્રીમાં જ સૅનિટરી પૅડ લઈ જઈ શકાય એવું કબાટ પોતાના ઘરની બહાર મૂક્યું છે.
તમે કદાચ પાણીની પરબ જોઈ હશે, પણ સૅનિટરી પૅડની પરબ જોઈ છે ખરી?
સ્વાભાવિક રીતે આપણે ના જ કહીએ, પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પાલનપુરમાં સૅનિટરી પૅડ પરબ શરૂ થઈ છે. અન્ય લોકોની હાજરીમાં હજી પણ નગરો કે ગામમાં સૅનિટરી પૅડ લેવામાં દીકરીઓ કે મહિલાઓ સંકોચ અનુભવી રહી છે. દીકરીઓ અને મહિલાઓની આ તકલીફને જોઈને ઉત્તર ગુજરાતના પાલનપુરના શિક્ષક નયન ચત્રારિયાએ આવકારદાયક અને ઉદાહરણીય કાર્ય કરીને તેમના ઘરઆંગણે જ સૅનિટરી પૅડની પરબ ખોલી દીધી છે. ગુજરાત અને ભારતમાં સંભવિત રીતે પહેલી એવી આ સૅનિટરી પૅડ પરબનું સુખદ પરિણામ એ આવ્યું કે તેમના ઘર પાસેથી નીકળતી દીકરીઓ કે મહિલાઓ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર નિઃસંકોચ પૅડ પરબનું ડોર ખોલીને સૅનિટરી પૅડ લઈ જઈ રહી છે.
પ્રાઇવેટ સ્કૂલમાં ડ્રૉઇંગ અને મ્યુઝિક-ટીચર તરીકે કામ કરતા પાલનપુરના નયન ચત્રારિયા પૅડ પરબનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે ‘મિડ-ડે’ને વાત કરતાં કહે છે, ‘હું ઉત્તર ગુજરાતનાં અંતરિયાળ ગામોમાં જતો હોઉં છું. આ ઉપરાંત અમારા પાલનપુરના બજારમાં ફરતાં જોયું છે કે દીકરીઓ કે મહિલાઓ સૅનિટરી પૅડ લેવા આવતી હોય છે ત્યારે બીજાની હાજરીમાં સંકોચ અનુભવે છે અને દુકાન પર ઊભી રહે પણ બોલી શકતી નથી. દુકાનદારે બીજા લોકોને ઇશારાથી જતા રહેવા કહેવું પડે છે. આ મેં અનુભવ્યું છે એટલે મને થયું કે આ સંકોચ દૂર કરવો જોઈએ અને કંઈક એવું કરું કે દીકરીઓ અને મહિલાઓ નિઃસંકોચ સૅનિટરી પૅડ લઈ શકે. આ ઉપરાંત ઘણી વાર એવું બને કે આકસ્મિક રીતે સૅનિટરી પૅડની જરૂર પડે તો સંકોચ વગર ફ્રીમાં દીકરીઓ કે મહિલાઓ પૅડ લઈ શકે. મારું ઘર પાલનપુરમાં દિલ્હી ગેટ કોટવાળી શેરીમાં આવેલું છે. મારા ઘર આગળથી અસંખ્ય લોકો પસાર થતા હોય છે એટલે એવો વિચાર આવ્યો કે ઘર પાસે જ કંઈક એવું કરું. આપણે ત્યાં પાણીની પરબ હોય છે અને એને તાળું મારેલું હોતું નથી, ખુલ્લી જ હોય છે. પાણીની તરસ લાગી હોય એવી કોઈ પણ વ્યક્તિ પરબ પરથી પાણી પીતી હોય છે. પરબ શબ્દ સેવાભાવ સાથે જોડાયેલો છે એટલે લોકો સંકોચ નથી અનુભવતા. આમ વિચારતાં-વિચારતાં સૅનિટરી પૅડની પરબ શરૂ કરવા વિચાર આવ્યો. આ વાત મેં મારી પત્ની મધુ સમક્ષ મૂકી અને તેણે પણ આ વાતને વધાવી લીધી. આમ પૅડ પરબનો વિચાર ક્લિક થયો. પૅડ પરબ માટેની ડિઝાઇન વિચારીને નાની તિજોરી જેવી ડિઝાઇન ડ્રૉઇંગ કરીને સૅનિટરી પૅડ પરબ બનાવી. એમાં ચાર ખાનાં અને એક દરવાજો પણ રાખ્યાં જેથી એ ખોલીને પૅડ લઈ શકાય. હમણાં ૧૯ ઑગસ્ટે મારો જન્મદિવસ હતો. એ દિવસથી મારા ઘરઆંગણે સૅનિટરી પૅડ પરબ શરૂ કરી છે.’
પૅડ પરબના રાખરખાવ વિશે વાત કરતાં નયન ચત્રારિયા કહે છે, ‘હું સવારે સ્કૂલમાં જઉં એ પહેલાં આ પરબની સફાઈ કરું છું. સફાઈકામમાં મારી પત્ની પણ મદદ કરે છે. પરબને સાફ કરીને એમાં અમે ૩૦૦ જેટલાં નાની અને મોટી સાઇઝનાં સૅનિટરી પૅડ મૂકીએ છીએ. હજી તો હમણાં જ આ પૅડ પરબ શરૂ કરી છે, પણ અમે માર્ક કર્યું કે અમારા ઘર પાસેથી આવતી-જતી દીકરીઓ અને મહિલાઓ પહેલાં આસપાસ જોઈને સંકોચાતી, પણ હવે નિઃસંકોચ પરબનો દરવાજો ખોલીને પૅડ લઈને નીકળી જાય છે. ૧૯ ઑગસ્ટે આ પરબ શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ સૅનિટરી પૅડ દીકરીઓ અને મહિલાઓ લઈ ગઈ છે. સવારે ૧૧ વાગ્યા સુધી અને સાંજે પાંચથી રાતે મોડા સુધી લોકો પૅડ લેવા આવે છે. આ પૅડ પરબ બનાવવામાં મુંબઈનાં વંદના સોનેજી અને પાલનપુરનાં ભૂમિ ગુપ્તાનો સહયોગ મળ્યો છે. કાણોદરનાં રશ્મિ હાડા પણ હેલ્પફુલ બની રહ્યાં છે.’
નયન ચત્રારિયાએ ૨૦૨૨થી અત્યાર સુધીમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં ૪૭૬ ગામડાંઓમાં જઈને સ્કૂલોની ૭૬,૦૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ અને મહિલાઓને પિરિયડ્સના મુદ્દે વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજણ આપીને ફ્રીમાં ૩ લાખ ૮૦ હજાર જેટલાં સૅનિટરી પૅડનું વિતરણ કર્યું છે. તેઓ બપોરે સ્કૂલથી છૂટ્યા બાદ આંતરે દિવસે આસપાસનાં ગામોમાં નીકળી જાય છે જ્યાં સ્કૂલોમાં જઈને દીકરીઓ તેમ જ મહિલાઓને પિરિયડ્સ અને પૅડ વિશે સમજ આપી રહ્યા છે ત્યારે એની પાછળ થતા ખર્ચ વિશે વાત કરતાં કહે છે કે ‘હું શિક્ષક છું તેમ જ ઍન્કરિંગ, સિન્ગિંગ, બર્થ-ડે ઇવેન્ટ, લગ્નપ્રસંગે મેહંદી, રિંગ સેરેમની, લગ્નગીતો, ગરબા સહિતના કાર્યક્રમો પણ કરું છું. એટલે મને જે કંઈ પૈસા મળે છે એમાંથી અમુક રકમ સૅનિટરી પૅડ પાછળ વાપરું છું. આ ઉપરાંત મારા આ કાર્યની જાણ થતાં ઘણા દાતાઓ સહયોગ આપી રહ્યા છે. આ પૅડ પરબ બનાવવા માટે સાડાપાંચ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે જેમાં મને દાતાઓનો સહયોગ મળ્યો છે.’
પતિના અનોખા સેવાકાર્યથી પત્નીને પણ ખુશી છે કે તેમના મિસ્ટર સમાજમાં દીકરીઓ અને મહિલાઓ માટે સારું કામ કરી રહ્યા છે. એ વિશે વાત કરતાં મધુ ચત્રારિયા ‘મિડ-ડે’ને કહે છે કે ‘છોકરીઓ પાછળ આવું કામ કોણ કરે? મારા પતિ જે કામ કરી રહ્યા છે એ મને ગમે છે, કેમ કે દીકરીઓને કે મહિલાઓને સૅનિટરી પૅડ ફ્રી મળી શકે અને એના વિશે સમજ કેળવાશે. હું માનું છું કે આપણે સમાજમાં મદદરૂપ થવું જોઈએ.’
છેલ્લાં ત્રણ વર્ષથી નયન ચત્રારિયાએ ઉત્તર ગુજરાતનાં ૪૭૬ ગામડાંઓમાં જઈને સ્કૂલની ૭૬,૦૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ અને અસંખ્ય મહિલાઓને પિરિયડ્સના મુદ્દે વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજણ આપવાનું કામ ઉપાડ્યું છે
ઘરઆંગણે શરૂ કરેલી સૅનિટરી પૅડ પરબ પાસે ઊભેલાં નયન ચત્રારિયા અને તેમનાં પત્ની મધુ ચત્રારિયા.
આ પહેલ જોઈને પાલનપુર, કાણોદર અને મુંબઈની મહિલાઓ પણ આવી પૅડ પરબ ખોલવાની છે
વંદના સોનેજી
નયન ચત્રારિયાની પૅડ પરબની પહેલ જોઈને પાલનપુર, કાણોદર અને મુંબઈની મહિલાઓ આગળ આવી છે અને વધુ પૅડ પરબ ખોલવાનું આયોજન કરી રહી છે. મૂળ પાલનપુરનાં અને હાલ નવી મુંબઈના ખારઘરમાં રહેતાં પેઇન્ટિંગ આર્ટિસ્ટ વંદના સોનેજી ‘મિડ-ડે’ને કહે છે કે ‘નયન ચત્રારિયાને પેઇન્ટિંગના કામ માટે મળવાનું થયું ત્યારે તેમની સામાજિક ઍક્ટિવિટી મારા ધ્યાનમાં આવી હતી. એક પુરુષ તરીકે આ દિશામાં વિચારવું એ યુનિક બાબત છે. તેઓ આ દિશામાં કામ કરતા હોવાનું જાણ્યા પછી મને લાગ્યું કે સમાજમાં આ કામ માટે ડેરિંગ જોઈએ. એક પુરુષ તરીકે સ્ત્રીઓના પ્રૉબ્લેમને સમજવા એ મોટી વાત છે, કેમ કે કામ તો બધા કરે છે પણ આ રીતે કામ કરવું સરાહનીય છે. તેમના કામને જોઈને મને થયું કે મારાથી બનતી મદદ કરું અને એમ વિચારીને દર મહિને તેમને ચોક્કસ રકમ મોકલું છું.’
રશ્મિ હાડા
કાણોદરનાં રશ્મિ હાડાએ પૅડ પરબની શરૂઆત જોઈને તેમના ટ્રસ્ટમાંથી બીજી બે પૅડ પરબ બનાવવા માટે ચેક પણ આપી દીધો હતો. શિિક્ષકા તરીકે કામ કરતાં તેમ જ જરૂરિયાતમંદ દીકરીઓને મદદરૂપ થઈ રહેલાં રશ્મિ હાડા ‘મિડ-ડે’ને કહે છે, ‘પૅડ પરબનો વિચાર સરાહનીય અને આવકારદાયક છે. આ કામ જોઈને પાલનપુરમાં બીજી બે પૅડ પરબ શરૂ કરવા માટે મારા મહિલા કલાનિધિ ટ્રસ્ટમાંથી તેમને ઍડ્વાન્સમાં ચેક આપ્યો છે. એમાંથી એક પૅડ પરબ પાલનપુરમાં ફીમેલ હૉસ્પિટલ છે ત્યાં અને બીજી એક એવી જગ્યા પસંદ કરીએ છીએ કે જ્યાં પૅડની વધુ જરૂરિયાત હોય એવા વિસ્તારમાં શરૂ કરવામાં આવશે.’

