Maratha Reservation Mob Attacked Sumona Chakravarti`s Car: અભિનેત્રી સુમોના ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે 31 ઓગસ્ટના રોજ દક્ષિણ મુંબઈમાં મરાઠા અનામત માટે વિરોધ કરી રહેલા લોકોએ તેની કાર પર હુમલો કર્યો.
સુમોના ચક્રવર્તી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અભિનેત્રી સુમોના ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે 31 ઓગસ્ટના રોજ દક્ષિણ મુંબઈમાં મરાઠા અનામત માટે વિરોધ કરી રહેલા લોકોએ તેની કાર પર હુમલો કર્યો હતો. જેના કારણે તે અસુરક્ષિત અનુભવી રહી હતી. તેણે જણાવ્યું કે આ ઘટના બપોરે બની હતી, જ્યારે તે કોલાબાથી ફોર્ટ જઈ રહી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો ભયાનક અનુભવ શૅર કર્યો છે.
સુમોના ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, `આજે બપોરે ૧૨:૩૦ વાગ્યે. હું કોલાબાથી ફોર્ટ જઈ રહી હતી. અને અચાનક - મારી કારને એક ટોળાએ રોકી દીધી. નારંગી રંગનો સ્ટોલ પહેરેલો એક માણસ મારા બોનેટ પર જોરથી મારી રહ્યો હતો, હસતો હતો. તે મારી કાર પર પોતાનું પેટ દબાવી રહ્યો હતો. તે મારી સામે નાચવા લાગ્યો. તેના સાથીઓ મારી કારની બારી પાસે આવ્યા અને જય મહારાષ્ટ્રના નારા લગાવી રહ્યા હતા અને હસતા હતા. અમે થોડા આગળ વધ્યા અને પાછી આવી ઘટના બની. ૫ મિનિટના ગાળામાં બે વાર આવી ઘટના બની.`
ADVERTISEMENT
સુમોનાએ મુંબઈના ભયાનક દ્રશ્ય વિશે જણાવ્યું
સુમોનાએ વધુમાં જણાવ્યું કે પોલીસકર્મીઓ ત્યાં હતા પણ તેઓ બેઠા હતા અને કંઈ કરી રહ્યા નહોતા. તેણે કહ્યું કે સાઉથ બૉમ્બેમાં દિવસે પણ તે અસુરક્ષિત હતી. અને કેળાની છાલ, પ્લાસ્ટિકની બોટલો અને ગંદકી શેરીઓમાં ફેલાયેલી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે ફૂટપાથ પર લોકોનો કબજો હતો. વિરોધ કરનારાઓ ખાઈ રહ્યા છે, સૂઈ રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે, રસોઈ બનાવી રહ્યા છે, પેશાબ કરી રહ્યા છે, શૌચ કરી રહ્યા છે, વીડિયો કૉલ કરી રહ્યા છે, વિરોધના નામે રીલ બનાવી રહ્યા છે.
સુમોનાએ વીડિયો રેકોર્ડ કર્યો ન હતો
અભિનેત્રીએ આગળ કહ્યું, `મને વીડિયો રેકોર્ડ કરવાનું મન થયું, પરંતુ ટૂંક સમયમાં જ ખ્યાલ આવ્યો કે આનાથી તેમને વધુ ગુસ્સો આવી શકે છે. તેથી મેં તે ન કર્યું. એ જાણીને ડર લાગે છે કે ભલે તમે કોઈ પણ હોવ, અથવા ક્યાંય પણ હોવ, કાયદો અને વ્યવસ્થા એક ક્ષણમાં પડી ભાંગી શકે છે.` અભિનેત્રીએ કહ્યું કે આ બધું જોઈને તે નારાજ છે. નાગરિકોને આ શહેરમાં સુરક્ષા અનુભવવાનો અધિકાર છે.
મરાઠા અનામતના મુદ્દે મનોજ જરાંગેએ અનશનનું શસ્ત્ર ઉપાડીને અને હજારો સમર્થકોને લઈને મુંબઈના આઝાદ મેદાનમાં અડ્ડો જમાવ્યો છે ત્યારે રાજ્ય સરકારની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. એ ગળું ખોંખારીને મરાઠાને કુણબી તરીકે અનામત નહીં આપી શકીએ એમ કહી પણ શકતી નથી અને મરાઠાઓને નારાજ કરવા પણ પાલવે એમ નથી એટલે હાલ કાયદાકીય રીતે ઉકેલ કાઢવાના પ્રયાસ ચાલુ છે. આજથી તો મુંબઈ ફરી એક વખત રાબેતા મુજબ દોડવા માંડશે ત્યારે આંદોલન અંતરાય બનીને ઊભું રહેશે ત્યારે જે પરિસ્થિતિ સર્જાશે એ હૅન્ડલ કરવી વધુ કપરી હશે એવું હાલ રાજકીય નિરીક્ષકોને લાગી રહ્યું છે. સરકારની આ મજબૂરીને લઈને વિરોધ પક્ષ તાનમાં આવી ગયો છે અને એને હવે જોઈતો મુદ્દો મળી જતાં સરકારને ભીડવવાનું પણ ચાલુ કરી દીધું છે.

