વર્ષોના સંશોધન પછી કોઈ બીમારીનું નામ જ બદલી દેવાય એ જૂજ ઘટનાઓમાંની એક છે. આવું શું કામ કરવું પડ્યું અને એનાથી આવનારા સમયમાં નિદાનમાં શું લાભ થશે એ વિષય પર ચર્ચા કરીએ
૧૫થી લઈને ૪૯ વર્ષની મહિલાઓમાં સામાન્ય બની રહેલી આ બીમારીનું નામ બદલાવાથી શું બદલાશે હવે?
૧૪ વર્ષમાં ૧૪,૦૦૦થી વધુ દરદીઓ પર કરેલા રિસર્ચ અને ચર્ચાવિચારણા બાદ હવે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ એટલે કે PCOSનું નામ બદલીને PMOS એટલે કે પૉલિએન્ડોક્રાઇન મેટાબૉલિક ઓવરી સિન્ડ્રૉમ કરવામાં આવ્યું છે. વર્ષોના સંશોધન પછી કોઈ બીમારીનું નામ જ બદલી દેવાય એ જૂજ ઘટનાઓમાંની એક છે. આવું શું કામ કરવું પડ્યું અને એનાથી આવનારા સમયમાં નિદાનમાં શું લાભ થશે એ વિષય પર ચર્ચા કરીએ
જરાક કલ્પના કરો કે એક બીમારી પર ૧૪ વર્ષ સુધી રિસર્ચ ચાલે અને ૧૪,૦૦૦ દરદીઓ અને ડૉક્ટરોનું વિશાળ પાયે સર્વેક્ષણ થાય, જેમાં દુનિયાની ૫૬ જેટલી મેડિકલ સંસ્થાઓ સહમતી આપે એટલે એક રોગનું નામ ફેરવવાનો સામૂહિક નિર્ણય લેવાય. આપણે વાત કરી રહ્યા છીએ પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (PCOS)ની જે હવે પૉલિએન્ડોક્રાઇન મેટાબૉલિક ઓવરી સિન્ડ્રૉમ (PMOS) તરીકે ઓળખાશે. ઑસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના નેતૃત્વમાં લેવાયેલા આ વૈશ્વિક નિર્ણયની સત્તાવાર જાહેરાત ગયા અઠવાડિયે વિશ્વપ્રસિદ્ધ મેડિકલ જર્નલ ધ લૅન્સેટમાં પ્રકાશિત કરવામાં આવી અને એને યુરોપિયન કૉન્ગ્રેસ ઑફ એન્ડોક્રીનોલૉજીમાં રજૂ કરવામાં આવી છે. આગામી ૩ વર્ષમાં આખી દુનિયામાં આ નવા રોગ માટેની સત્તાવાર નવી મેડિકલ ગાઇડલાઇન બની જશે. જોકે સવાલ એ થાય કે આ નામ બદલવાની જરૂર કેમ પડી? જૂના નામને લીધે નિદાનમાં કઈ ખામીઓ રહી જતી હતી? આધુનિક ગાયનેકોલૉજી તથા આયુર્વેદની દૃષ્ટિએ આ બદલાવથી સારવારમાં કેવો ક્રાન્તિકારી ફરક પડશે? ચાલો બન્ને સિદ્ધાંતોના નિષ્ણાતો પાસેથી ઊંડાણપૂર્વક સમજીએ.
કેમ જરૂર પડી?
અત્યાર સુધી માત્ર ઓવરીની ગાંઠ સમજીને અડધું-અધૂરું નિદાન અને માત્ર પિરિયડ્સ લાવવાની કામચલાઉ દવાઓ અપાતી હતી, પરંતુ હવે મેટાબૉલિક શબ્દ ઉમેરાવાથી સારવારનો આખો અભિગમ બદલાઈ જશે એવું નિષ્ણાતો માને છે. આ સંદર્ભે અગ્રણી ગાયનેક સર્જ્યન ડૉ. માધવી પંડ્યા સ્પષ્ટતા કરતાં કહે છે, ‘જૂના નામમાં રહેલો Polycystic શબ્દ ભ્રમ પેદા કરતો હતો. સિસ્ટ સાંભળીને જ નાની ઉંમરની છોકરીઓ અને તેમનાં માતા-પિતા ગભરાઈ જતાં કે અંડાશયમાં કોઈ જોખમી કે કૅન્સર જેવી ગાંઠો થઈ ગઈ છે. વાસ્તવમાં એ કોઈ ગાંઠો નથી, પરંતુ અપરિપક્વ ફોલિકલ્સ એટલે કે ઈંડાં છે જે હૉર્મોન્સના અભાવે પૂરેપૂરાં વિકસિત થઈ શક્યાં નથી અને સોનોગ્રાફીમાં માળા જેવા દેખાય છે. જોકે ઍઝ અ પ્રૅક્ટિશનર અમે તો આખી કેસ-હિસ્ટરી લઈને જ દરદીઓનો ઇલાજ કરતા હતા એટલે ભલે એ સમયે માત્ર અંડાશયની વાત થતી હોય, પરંતુ અમે તો વ્યક્તિની ઓવરઑલ લાઇફસ્ટાઇલ સાથે જ આખી વાતને જોતા હતા.’
નામ બદલવાની જરૂર પડી એનું સૌથી મોટું કારણ છે લોકોનું માઇન્ડસેટ. નિષ્ણાતો માને છે કે નામમાં ઓવરી શબ્દ આવવાથી લોકો એવું જ માનતા કે આ માત્ર ગર્ભાશય કે માસિકની તકલીફ છે. વાસ્તવમાં એ આખા શરીરની હૉર્મોનલ અને મેટાબૉલિક એટલે કે પાચન સંબંધિત ખામી છે જેનું કેન્દ્ર માત્ર અંડાશય નથી. ઘણી વાર ઓવરીમાં સોનોગ્રાફી દરમ્યાન કોઈ ગાંઠ ન દેખાય છતાં યુવતીને ભયંકર હૉર્મોનલ ગરબડ, વજન વધવું કે માસિકની અનિયમિતતા હોય એવું વારંવાર બનતું. જૂની વ્યાખ્યા મુજબ આવા દરદીઓનું સમયસર ડાયગ્નૉસિસ થઈ શકતું નહોતું. નવા નામમાં પૉલિએન્ડોક્રીન શબ્દ છે જે સૂચવે છે કે અહીં માત્ર એક સ્ત્રીહૉર્મોનમાં અસંતુલન નથી પરંતુ શરીરની એક કરતાં વધુ હૉર્મોનલ સિસ્ટમ એકસાથે ખોરવાઈ છે. મેટાબૉલિક શબ્દ દર્શાવે છે કે આ બીમારીનું સીધું જોડાણ ધીમા ચયાપચય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ફૅટી લિવર અને વજન વધવા સાથે છે જે અંતે માસિકની અનિયમિતતા અને ગર્ભધારણમાં આવતી મુશ્કેલીઓનું કારણ બને છે.
આ કોઈ એક સ્વતંત્ર રોગ નથી પરંતુ અનેક લક્ષણોનો એક આખો સમૂહ છે.
નિદાન બદલાશે
નામની સાથે બીજી મહત્ત્વની વાત ડાયગ્નૉસિસની રીત પણ બદલાશે. નવી ગાઇડલાઇનમાં ડૉક્ટરો હવે માત્ર ઓવરીની સોનોગ્રાફી કરીને અટકી નહીં જાય, અન્ય માપદંડો પણ ચકાસશે. જેમ કે...
હાઇપરએન્ડ્રોજિનિઝમ એટલે કે લોહીમાં પુરુષ હૉર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ કેટલું છે એ જોવામાં આવશે. એનું પ્રમાણ વધારે હોય ત્યારે ચહેરા, છાતી અને પીઠ પર પુરુષોની જેમ અનિચ્છનીય કાળા વાળ ઊગે, ખીલની સમસ્યા થાય અને માથાના વાળ ખરવા, અચાનક વજન વધવું, ખાસ કરીને પેટની આસપાસ ચરબીના થર જામવા, વધુ પડતી આળસ કે થાક અનુભવવો, ગળાના પાછળના ભાગમાં અથવા બગલમાં કાળી અને જાડી ત્વચાના પૅચિસ થવા જે શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોવાની નિશાની છે. એવી જ રીતે માસિકચક્ર બે-ત્રણ મહિના કે એથી વધુ સમય સુધી મોડું થવું, માસિક દરમ્યાન ખૂબ જ ઓછો રક્તસ્રાવ થવો અથવા દવાઓ લીધા વિના પિરિયડ્સ જ ન આવવા. ભલે સોનોગ્રાફી રિપોર્ટ નૉર્મલ હોય પરંતુ દરદીમાં જો અહીં કહેલાં લક્ષણો હોય તો પણ તેને PMOS હોઈ શકે છે.
સારવારમાં સુધાર
જૂની પદ્ધતિમાં ડૉક્ટરો માત્ર પિરિયડ્સ નિયમિત લાવવા માટે ગર્ભનિરોધક ગોળીઓ આપી દેતા હતા જે હકીકતમાં માત્ર કામચલાઉ અને ઉપરછલ્લી સારવાર હતી. નવું નામ આવ્યા બાદ હવે સમગ્ર ટ્રીટમેન્ટ લાઇફસ્ટાઇલ અને મેટાબોલિઝમ સુધારવા પર કેન્દ્રિત થઈ જશે એવું નિષ્ણાતો માને છે. હવે જો ૧૬ વર્ષની કોઈ દીકરી ડૉક્ટર પાસે જશે તો તેની સારવાર માત્ર માસિક લાવવાની ગોળીઓ આપીને અધૂરી છોડી દેવામાં નહીં આવે. તેની લાઇફસ્ટાઇલ, મેટાબૉલિક હેલ્થ, લિવર ફંક્શન, માનસિક તનાવ અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી આ તમામ પાસાંઓની વ્યાપક તપાસ થશે. જેમ કે આહારની શૈલીમાં બદલાવ એ ટ્રીટમેન્ટનો હિસ્સો હશે. રોજિંદા આહારમાં મેંદો, રિફાઇન્ડ શુગર, પ્રોસેસ્ડ અને પૅકેજ્ડ ફૂડનો વપરાશ બંધ કરવો. એની જગ્યાએ જુવાર, બાજરી, રાગી, ઓટ જેવાં આખાં અનાજ અને ફાઇબરયુક્ત લીલાં શાકભાજી લેવાં જેથી લોહીમાં શુગર ધીમે-ધીમે રિલીઝ થાય. દરેક ભોજનમાં યોગ્ય માત્રામાં પનીર, મગ, દેશી કઠોળ, અંકુરિત કઠોળ વગેરે દ્વારા પ્રોટીન અને બદામ, અખરોટ, પમ્પકિન સીડ્સ જેવી હેલ્ધી ફૅટ્સનો સમાવેશ કરવાનું કહેવામાં આવશે જે ભૂખને નિયંત્રિત
કરે છે અને હૉર્મોન્સને સ્થિર રાખે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ બૉડીવેઇટ કસરત અથવા હળવું વજન ઉપાડવાની કસરત કરવી. શરીરમાં સ્નાયુઓ જેટલા મજબૂત અને સક્રિય થશે એટલું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઝડપથી ઘટશે અને ચયાપચય સુધરશે. અઠવાડિયામાં બે દિવસ સાઇક્લિંગ, સ્વિમિંગ કે બ્રિસ્ક વૉકિંગ કરવું. મેટાબૉલિક સ્ટ્રેસ દૂર કરવા માટે કપાલભાતી, અનુલોમ-વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ સારવારનો હિસ્સો બનશે.
ટૂંકમાં PCOSમાંથી PMOS તરફની આ સફર માત્ર એક ટેક્નિકલ નામની અદલાબદલી નથી પરંતુ તબીબી જગતની માનસિકતાનો બદલાવ પણ છે.
ADVERTISEMENT
જો તમે રાત્રે મોડા સૂતા હો તો તમે ગમે એટલી મોંઘી દવાઓ ખાશો તો પણ PMOSમાં રાહત નહીં થાય. રાત્રે દસથી ૧૧ વાગ્યાની વચ્ચે સૂઈ જવું અને સાતથી ૮ કલાકની ગાઢ, અવિરત ઊંઘ લેવી અત્યંત અનિવાર્ય છે. ઊંઘ દરમ્યાન જ શરીર મેટાબોલિઝમ અને હૉર્મોન્સનું સમારકામ કરે છે.

ડૉ. માધવી પંડ્યા, અગ્રણી ગાયનેક સર્જ્યન
તમને ખબર છે?
WHOના મતે વિશ્વભરમાં આશરે ૧૧.૬ કરોડથી વધુ મહિલાઓ અત્યારે PMOS સાથે જીવી રહી છે. ભારતમાં દર પાંચમાંથી એક મહિલા આ સમસ્યા ધરાવે છે.
આયુર્વેદના ગ્રંથોમાં તો હજારો વર્ષ પહેલાં કહેવાયું છે આ

ગર્ભસંસ્કાર અને સ્ત્રીરોગના આયુર્વેદ અને યોગિક સમાધાનના વિષય સાથે ૩ પુસ્તકો લખનારાં આયુર્વેદ ચિકિત્સક ડૉ. નૂતન પાખરે કહે છે, ‘આયુર્વેદિક દૃષ્ટિકોણ અનુસાર PCOS અથવા PMOS એ માત્ર અંડાશયની ખામી નથી, પરંતુ ધીમા ચયાપચય અને ખોરવાયેલી જીવનશૈલીથી ઉત્પન્ન થતી કફજન્ય બીમારી છે જે વાત અને પિત્તને પણ દૂષિત કરે છે. કફના ગુણો ભારે અને ધીમા છે. જ્યારે કફ વધે છે ત્યારે મેટાબોલિઝમ ધીમું પડે છે અને વજન વધે છે. શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હાઇપોથાઇરૉઇડની સ્થિતિ સર્જાય છે. અંડાશયમાં અપરિપક્વ પાણીની નાની ગાંઠોનું નિર્માણ થાય છે. આયુર્વેદના મૂળભૂત પ્રાચીન ગ્રંથો જેવા કે ચરકસંહિતા, સુશ્રુતસંહિતા, અને અષ્ટાંગ હૃદયમાં PCOS શબ્દનો સીધો ઉલ્લેખ નથી પરંતુ એનાં લક્ષણો અને પ્રકૃતિને શાસ્ત્રીય સ્થિતિઓ સાથે સરખાવવામાં આવી છે. જેમ કે આર્તવ દૃષ્ટિ એટલે કે માસિક સ્રાવ અને પ્રજનન સંબંધી હૉર્મોન્સનું દૂષિત થવું. આર્તવ ક્ષય એટલે કે માસિક સ્રાવ ઓછો થવો અથવા સમયસર ન આવવો. પુષ્પઘ્ની જાતહારિણી એટલે કે એક એવી સ્થિતિ જેમાં સ્ત્રીમાં પિરિયડ્સ તો દેખાય છે પણ અનિયમિત હોય છે અને તંદુરસ્ત અંડકોષ ઉત્પન્ન ન થવાને કારણે ગર્ભધારણમાં મુશ્કેલી પડે છે. બેઠાડુ જીવન અને ખોટા આહારને કારણે જ્યારે પાચન અગ્નિ નબળો પડે છે ત્યારે શરીરમાં ‘આમ’ એટલે કે ટૉક્સિન્સનું નિર્માણ થાય છે જે શરીરના સૌથી નબળા ભાગને બ્લૉક કરી દે છે. આ પ્રક્રિયામાં મુખ્યત્વે ભારે અને મંદ ગુણ ધરાવતો કફદોષ પ્રકુપિત થઈને વજન વધારે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેદા કરે છે જે આગળ જતાં વાતદોષને અવરોધીને ઓવ્યુલેશન અટકાવે છે તથા પિત્તદોષને દૂષિત કરીને ખીલ અને પુરુષ હૉર્મોન્સનો ભરાવો કરે છે. આ રોગ ક્રમશઃ શરીરની રસ, રક્ત, મેદ અને આર્તવ જેવી મહત્ત્વપૂર્ણ ધાતુઓને બગાડવાની સાથે માનસિક તનાવને પણ વધારે છે. તેથી આયુર્વેદિક ચિકિત્સાપદ્ધતિ માત્ર માસિક લાવવા પૂરતી સીમિત ન રહેતાં જઠરાગ્નિ વધારતો આહાર, શતાવરી, ગળો, અશ્વગંધા અને ત્રિફળા જેવી હૉર્મોનલ-મેટાબૉલિક ઔષધિઓ તેમ જ પેલ્વિક સર્ક્યુલેશન વધારતા યોગ અને શિસ્તબદ્ધ દિનચર્યા દ્વારા દોષોને સામ્ય અવસ્થામાં લાવી ચયાપચય સુધારીને આ રોગને જડમૂળથી રિવર્સ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.’
