ગુજરાતી યુવાને આત્મહત્યા કરતાં પહેલાં વિડિયો રેકૉર્ડ કરીને પોતાના સુસાઇડ માટે કેટલાક લોકોને જવાબદાર ગણાવ્યા હતા, પરંતુ ૧૫ દિવસ પછીયે પોલીસે કેમ FIR નથી નોંધ્યો એવો સવાલ કર્યો છે બહેને
આત્મહત્યા કરતાં પહેલાં રેલવે-ટ્રૅક પર બનાવેલા વિડિયોમાં જયેશ પરમાર.
સતત માનસિક ત્રાસ, શારીરિક હુમલા અને ધમકીઓથી કંટાળીને ૨૭ વર્ષના જયેશ પરમારે પાંચમી મેએ સાંજે બોરીવલી રેલવે પોલીસ-સ્ટેશન નજીક પાટા પર આત્મહત્યા કરી હતી. કાંદિવલીની નીલકંઠનગર સોસાયટીમાં રહેતા જયેશે આત્મહત્યા કરતાં પહેલાં એક વિડિયો તૈયાર કરીને સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો, જેમાં તેણે અમુક લોકો સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ કાંદિવલી અને બોરીવલીમાં ચકચાર મચી ગઈ હતી. એમ છતાં પોલીસે ઘટનાને ૧૫ દિવસ વીતી જવા છતાં કોઈ નક્કર પગલાં ન લેતાં આખરે જયેશના પરિવારે બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) સમક્ષ આપઘાત માટે મજબૂર કરવા બદલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની ઉગ્ર માગણી કરી છે.
જયેશ પરમારની બહેન હિરલ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયેશે પાંચમી મેએ સાંજે આત્યંતિક પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ આત્મહત્યા સામાન્ય સંજોગોમાં નથી થઈ, તેને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામતાં પહેલાં જયેશે અમુક લોકો સામે બોરીવલી સિટી પોલીસ-સ્ટેશનમાં નૉન-કૉગ્નિઝેબલ (NC) ફરિયાદ નોંધાવી હતી જે દર્શાવે છે કે તે કાયદાકીય રક્ષણ મેળવવાના પ્રયાસો કરી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ ભાડૂતી ગુંડાઓ દ્વારા તેના પર અગાઉ પણ હુમલા કરાવ્યા હતા. જયેશે આત્મહત્યા કરતાં પહેલાં એક વિડિયો રેકૉર્ડ કર્યો હતો. આ વિડિયોમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે શિલ્પા, વિવા અને સૂરજ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અને દબાણને કારણે પોતાનું જીવન ટૂંકાવી રહ્યો છે. આ સિવાય આત્મહત્યાના થોડા કલાકો પહેલાં જ કેટલાક લોકોએ જયેશ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં પણ તેને ગંભીર શારીરિક ઈજાઓ થઈ હોવાની પુષ્ટિ થઈ છે. આ હુમલો તેને માનસિક રીતે તોડી પાડવા અને ડરાવવા માટે આરોપીઓના ઇશારે જ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસ કેમ આટલી ધીમી કામગીરી કરી રહી છે અને તેણે વિડિયોમાં કહ્યું હોવા છતાં પોલીસ કેમ કાર્યવાહી કરવા તૈયાર નથી? મારા મૃત્યુ પામેલા ભાઈને ન્યાય મળે એવી અમારી ડિમાન્ડ છે.’
ADVERTISEMENT
બોરીવલી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાજી ખુપકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે સંબંધિત લોકોનાં સ્ટેટમેન્ટ્સ લઈ રહ્યાં છીએ. જયેશનો મોબાઇલ પણ અમે તાબામાં લઈને તપાસ શરૂ કરી છે. આ કેસમાં યોગ્ય તપાસ પૂરી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’
