પિલાટેઝ જેના પર કામ કરે છે એ છે તમારા કોર મસલ્સ. ભારતીય લોકોમાં કોર મસલ્સ નબળા હોય છે.
પ્રતીકાત્મક તસવીર
હમણાં મારી પાસે ૧૨ વર્ષની દીકરીની મમ્મી આવેલી. એ છોકરીનું પૉશ્ચર ખૂબ જ ખરાબ હતું. તેને પૉશ્ચર ઠીક કરવા માટે યોગ કરવા મૂકી પણ એ તેને બોરિંગ લાગતું હતું. આમ શરીર ખડતલ હતું. છોકરી બાસ્કેટબૉલ પણ રમતી હતી. પણ ખૂંધ કાઢીને જ ચાલે. ખભા હંમેશાં નમેલા અને પીઠ ગોળાકાર. તેને કહો કે આ ટટ્ટાર કર તો ૧ મિનિટ જ તે પૉશ્ચર જાળવી રાખે, પાછી નમી જાય. મેં તેને કહ્યું કે આ છોકરીને પિલાટેઝ શીખવો. આજે ૩ મહિનામાં જ છોકરીમાં ઘણું સારી ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળી રહ્યું છે.
પિલાટેઝ જેના પર કામ કરે છે એ છે તમારા કોર મસલ્સ. ભારતીય લોકોમાં કોર મસલ્સ નબળા હોય છે. સમજવા જેવી વાત છે કે પિલાટેઝમાં મૂળભૂત રીતે જેના પર કામ કરવામાં આવે છે એ છે પેટના સ્નાયુઓ, જેને અંદર ખેંચવામાં આવે તો કરોડરજ્જુ આપોઆપ સીધી થઈ જાય છે. હિપ્સ પોતાની જગ્યા પર આવે છે અને ઘૂંટણ પર બિનજરૂરી સ્ટ્રેસ આવતું નથી અને પીઠ, ગરદન બધા જ સ્નાયુઓ વ્યવસ્થિત રહે છે કારણ કે એનાથી પૉશ્ચર સુધરી જાય છે. હું આ એક્સરસાઇઝનો ઉપયોગ પ્રિવેન્ટિવ ફિઝિયોથેરપીમાં કરું છું. આ એવી એક્સરસાઇઝ છે જેને કારણે વ્યક્તિ ઘણીબધી તકલીફોથી બચી શકે છે. સૌથી મોટો એનો ફાયદો એ છે કે એ પૉશ્ચર સુધારે છે અને પૉશ્ચર સુધરવાને લીધે બૅકપેઇન, ઘૂંટણનું પેઇન, સર્વાઇકલ પેઇન વગેરે ટાળી શકાય છે.
ADVERTISEMENT
પિલાટેઝમાં શરીર પરનો કન્ટ્રોલ ખૂબ જ જરૂરી છે અને એમાં બ્રીધિંગનું પણ ઘણું મહત્ત્વ છે. ૮ વર્ષથી લઈને ૮૮ વર્ષ સુધીની વ્યક્તિ પિલાટેઝ કરી શકે છે પણ સાવ કોઈ દિવસ એક પણ એક્સરસાઇઝ ન જ કરી હોય એવા લોકો માટે પિલાટેઝ થોડો હેવી ડોઝ બની શકે છે. એટલે થોડું તો ફિટનેસ લેવલ હોવું જરૂરી છે. આમ જોઈએ તો આ ફૉર્મ યોગ જેવું જ છે. જે વ્યક્તિઓને યોગ કરવામાં મજા આવતી હોય તેમને પિલાટેઝમાં પણ ખૂબ મજા આવશે જ, પરંતુ સામાન્ય યોગ કરતાં આ એક્સરસાઇઝ થોડી કઠિન ગણી શકાય છે. જેમને બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ કે આર્થ્રાઇટિસ જેવા રોગોમાં પણ પિલાટેઝ કરી શકાય છે પરંતુ પહેલાં એ જોવું જરૂરી છે કે એ વ્યક્તિનું ઓવરઑલ ફિટનેસ લેવલ કેવું છે, તેણે ક્યારેય એક્સરસાઈઝ કરી છે કે નહીં એ જોઈને જ નિર્ણય લઈ શકાય છે. આમ જોઈએ તો ૨૦ વર્ષની ઉંમરે આ એક્સરસાઇઝ શરૂ કરી દેવી જોઈએ જેથી ૬૦ વર્ષની ઉંમર થઈ જાય તો પણ કોઈ જાતની તકલીફ ન રહે.

