નટ્સમાં સૌથી અન્ડરરેટેડ ગણાતા પિસ્તાનું મર્યાદિત અને નિયમિત સેવન હાર્ટ-હેલ્થ અને ગટ-હેલ્થની સાથે મેન્ટલ હેલ્થને સારી રાખવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે
પ્રતીકાત્મક તસવીર
ફાસ્ટ લાઇફસ્ટાઇલને કારણે એનર્જી સતત ડ્રેઇન થવી, ચયાપચયની ક્રિયા નબળી થવી, કામને કારણે સ્ટ્રેસ ફીલ થવું એ બહુ જ કૉમન થઈ ગયું છે. જોકે ડાયટમાં નાનો ફેરફાર મોટો ફરક લાવી શકે છે. કાજુ, બદામ અને અખરોટ જેવા સૂકા મેવા વિશે જાહેરમાં ઘણી ચર્ચા થઈ છે; પણ અન્ડરરેટેડ ગણાતા પિસ્તાના ગુણો બહુ ઓછા લોકો જાણે છે. એક મુઠ્ઠી પિસ્તાનું સેવન નિયમિત કરવામાં આવે તો એકંદર સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.
નૅચરલ પ્રો-બાયોટિક ફૂડ
પાચન સુધારવામાં પણ પિસ્તાનો રોલ છે એમ જણાવીને તાડદેવમાં ક્લિનિકનું સંચાલન કરતાં અનુભવી ડાયટિશ્યન માનસી પડેચિયા કહે છે, ‘પિસ્તા ફક્ત નટ નથી, પ્રો-બાયોટિક ફૂડ પણ છે. એ આપણાં આંતરડાંમાં રહેલા ગુડ બૅક્ટેરિયાને વધારવાનું કામ કરે છે. આથી પાચન સુધરે છે અને શરીર વિટામિન્સને વધુ અસરકારક રીતે શોષી લે છે. આ જ કારણે પહેલાંના સમયમાં બીમારીમાંથી સાજા થતા લોકોને એક મુઠ્ઠી પિસ્તા ખાવાની ભલામણ કરવામાં આવતી હતી. હવે પિસ્તાને રિકવરી ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં
પ્રો-બાયોટિક ગુણ હોવાની સાથે હેલ્ધી ફૅટસ, પ્લાન્ટ પ્રોટીન અને ફાઇબર પણ મળી રહે છે. એની સાથે કૅલરીના મામલે અન્ય નટ્સ કરતાં ઓછી કૅલરી ધરાવતું હોવાથી વેઇટ-મૅનેજમેન્ટ માટે પણ પિસ્તાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. નિયમિત પિસ્તા ખાવાથી ડાયટ-કન્ટ્રોલમાં બહુ મદદરૂપ સાબિત થાય છે.’
ADVERTISEMENT
વિટામિન B કૉમ્પ્લેક્સનો ખજાનો
પિસ્તામાં વિટામિન B કૉમ્પ્લેક્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે એમ જણાવીને માનસી પડેચિયા કહે છે, ‘પિસ્તા વિટામિન B કૉમ્પ્લેક્સનો મુખ્ય સ્રોત છે. B કૉમ્પ્લેક્સ એક નહીં, ૮ અલગ-અલગ વિટામિનોનો સમૂહ છે જે ચયાપચયની ક્રિયા અને ઊર્જાના ઉત્પાદન માટે બહુ મહત્ત્વપૂર્ણ છે. પિસ્તામાંથી મુખ્યત્વે વિટામિન B1, B6, B9 અને B12 મળે છે. B1માં થાયમિન હોય છે જે નર્વસ સિસ્ટમનાં કાર્યોને સરળ બનાવે છે અને ઊર્જાનું ઉત્પાદન કરે છે. B6 બ્રેઇનની હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે એટલે મગજથી શરીરના અન્ય ભાગોમાં સિગ્નલને ઝડપથી પહોંચાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત મેન્ટલ હેલ્થને સારી રાખીને મૂડ સુધારવામાં પણ મદદ કરે છે. આનાથી હૉર્મોન્સ પણ બૅલૅન્સમાં રહેતાં હોવાથી મૂડ-રેગ્યુલેશનમાં મદદરૂપ થાય છે. વિટામિન B9 અને B12 લાલ રક્તકણોના ઉત્પાદન માટે બહુ આવશ્યક છે. આનાથી શરીરના બધા ભાગોમાં ઑક્સિજનનો પ્રવાહ જળવાઈ રહે છે અને એનીમિયાની સમસ્યા થતી અટકે છે.’
હાર્ટ-હેલ્થને રાખે સારી
હાર્ટ-હેલ્થને સારી રાખવામાં પિસ્તાનો મહત્ત્વપૂર્ણ રોલ છે એમ જણાવીને માનસી પડેચિયા કહે છે, ‘પિસ્તામાં રહેલાં ગુડ ફૅટ્સ રક્તમાં રહેલા બૅડ કૉલેસ્ટરોલને ઘટાડે છે જેને લીધે રક્ત-પરિભ્રમણ સારું થાય છે અને કૉલેસ્ટરોલ પણ બૅલૅન્સ થતું હોવાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત ઘણા લોકોને હીમોગ્લોબિન ઓછું થાય ત્યારે તેમને પણ પિસ્તા ખાવાની સલાહ આપવામાં આવે છે. એમાં રહેલું પોટૅશિયમ હૃદયના પમ્પિંગને સરળ અને સંતુલિત બનાવે છે અને શરીરમાં થતું સાઇલન્ટ ઇન્ફ્લમેશન ઘટાડે છે. પિસ્તાના ગુણો ઓવરઈટિંગથી બચાવે છે. સ્થૂળતા હૃદયરોગનું કારણ બનતું હોવાથી પિસ્તા હાર્ટ-હેલ્થ માટે પરોક્ષ રીતે પણ ફાયદાકારક છે.’
કઈ રીતે ખાઈ શકાય?
સવારના પહોરમાં ખાલી પેટે સ્મૂધી કે દૂધમાં નાખીને પિસ્તાનું સેવન તમને ફ્રેશ અને ઍક્ટિવ રાખશે એમ જણાવતાં માનસી પડેચિયા કહે છે, ‘આ ઉપરાંત મગજને ઑક્સિજનની સપ્લાયમાં પણ મદદ કરતું હોવાથી ફોકસ અને મૂડ સુધરે છે. લંચ પછી ખાવામાં આવે તો ફાઇબર અને પ્રોટીનને કારણે ભૂખ નિયંત્રણમાં રહેશે. પિસ્તાને રાત્રે સૂતા પહેલાં પણ ખાઈ શકાય. એમાં રહેલું મૅગ્નેશિયમ શરીરની ઊંઘની ગુણવત્તા સુધારે છે. એની સાથે બ્લડ-શુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીઝ હોય તેમને હું ખાસ પિસ્તા ખાવાની ભલામણ કરું છું. જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય એ લોકો દૂધમાં પિસ્તા મિક્સ કરીને અથવા ૧૧ નંગ જેવા પિસ્તાનું સેવન બેડ-ટાઇમના અડધા કલાક પહેલાં કરી શકે છે. રાત્રે પિસ્તાનું સેવન સ્નાયુને રિલૅક્સ કરવાનું કામ પણ કરે છે. વર્કઆઉટ બાદ અથવા શારીરિક પ્રવૃત્તિ કર્યા બાદ રિકવરી ફૂડ તરીકે પિસ્તા ખાવા જોઈએ.’
મર્યાદા જરૂરી
કોઈ પણ હેલ્ધી ફૂડનું મર્યાદા કરતાં વધુ સેવન નુકસાન કરે છે અને પિસ્તા એનો અપવાદ નથી એમ જણાવતાં માનસી પડેચિયા કહે છે, ‘એક મુઠ્ઠી કરતાં વધુ પિસ્તા ખાવાથી બ્લોટિંગની સમસ્યા થાય છે અને ડાયેરિયા અથવા કબજિયાત જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ભોજન પછી વધુ પિસ્તા ખાવાથી સ્લીપીનેસ અને હેવીનેસ ફીલ થઈ શકે છે. કિડની સંબંધિત સમસ્યાઓ હોય તે લોકોએ આ નટ બહુ સાવધાનીપૂર્વક ખાવું જોઈએ. માર્કેટમાં પિસ્તા સૉલ્ટેડ અને અનસૉલ્ટેડ એમ બન્ને પ્રકારના આવે છે અને બન્નેના ગુણો એકસમાન છે અને એકસરખો જ ફાયદો આપે છે. બસ, મસાલાવાળા પિસ્તાથી દૂર રહેવું.’
તમને ખબર છે?
એક અભ્યાસ અનુસાર પિસ્તા ૭૦૦૦ વર્ષથી ખાવામાં આવે છે. એનું મૂળ મધ્યપૂર્વ એટલે કે ઈરાન અને સિરિયા છે. દંતકથા અનુસાર ત્યાંની એક રાણીએ પિસ્તાને રાજવી ખોરાક જાહેર કર્યો હતો અને સામાન્ય માણસ માટે એની ખેતી પર પ્રતિબંધ મૂક્યો હતો.
ચીનમાં પિસ્તાને હૅપી નટ કહે છે અને ઈરાનમાં સ્માઇલિંગ નટ કહે છે, કારણ કે જ્યારે એ પાકે છે ત્યારે એનું શેલ ખુલ્લું હોય છે જે હસતા મોં જેવું લાગે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં પિસ્તાનું સેવન શિયાળાના ઠંડા મહિનાઓ દરમ્યાન વધે છે. એવી માન્યતા છે કે એ શરીરને અંદરથી ગરમી અને શક્તિ પ્રદાન કરે છે. તેથી જ એને ઘણી વાર ગરમ બદામ પણ કહેવામાં આવે છે.
પિસ્તાનું ઝાડ ૩૦૦ વર્ષ સુધી જીવી શકે છે અને ઉત્પાદન શરૂ કરવામાં સાતથી ૧૦ વર્ષ લાગે છે.
મોગલોના રસોડામાં પિસ્તાને શુદ્ધતા, સંપત્તિ અને કલાત્મકતાનું પ્રતીક માનવામાં આવતા હતા અને શાહી ભોજનનો એ મુખ્ય ભાગ હતો.


