ના... ના... અહીં કોઈ ડિગ્રીની ચર્ચા નથી, પ્રાકૃતિક આહારની વાત છે અને એ ડાયટ સિસ્ટમનું નામ છે પ્લૅનેટરી હેલ્થ ડાયટ એટલે કે PHD.
પ્રતીકાત્મક તસવીર
ના... ના... અહીં કોઈ ડિગ્રીની ચર્ચા નથી, પ્રાકૃતિક આહારની વાત છે અને એ ડાયટ સિસ્ટમનું નામ છે પ્લૅનેટરી હેલ્થ ડાયટ એટલે કે PHD. વ્યક્તિ અને પ્રકૃતિ એમ બન્નેના સંવર્ધનમાં ઉપયોગી આ ડાયટનું અનુસરણ વ્યક્તિની ઉંમરને ૧૦૦ વર્ષની કરવા સમર્થ છે એવું વૈજ્ઞાનિકોના રિસર્ચમાં જાણવા મળ્યું છે ત્યારે એની વિશેષતાઓ જાણી લો.
અન્ન એવું મન અને મન એવું જીવન કહેનારા આપણા પૂર્વજો કેટલા સાચા હતા એની પ્રતીતિ અવાનવાર થતાં સર્વેક્ષણો થકી થતી રહેતી હોય છે. તાજેતરમાં જ એક એવું રિસર્ચ થયું છે જે મુજબ પ્લૅનેટરી હેલ્થ ડાયટ અપનાવો એટલે કે બને ત્યાં સુધી અનપ્રોસેસ્ડ અને નૅચરલી મળતો આહાર લો તો આયુષ્ય વધે છે. આમ તો દર થોડાક સમયે ડાયટના નામે નવાં-નવાં ગતકડાં આવતાં રહે છે અને પહેલાં ડાયટના લાભ ગણાવતા લોકો જ પછીથી ડાયટને કારણે થઈ રહેલા નુકસાનની ચર્ચા પણ કરે છે. જોકે હેલ્ધી ડાયટ એ હેલ્ધી શરીર અને હેલ્ધી માઇન્ડ માટે જરૂરી છે જે નિશ્ચિતપણે તમને હેલ્ધી લાઇફ તરફ આગળ વધારશે એમાં કોઈ બેમત નથી. જોકે હેલ્ધી ડાયટની વ્યાખ્યા કરવી પણ એટલી જ અઘરી છે. દરેક વસ્તુ દરેકને અનુકૂળ આવે એ જરૂરી નથી અને એટલે જ વ્યક્તિગત રીતે ડાયટના માપદંડો બદલાતા રહે છે. જોકે ૧૪ વર્ષમાં અગિયાર હજાર લોકો પર કરેલા અભ્યાસનાં તારણો કહે છે કે પ્લૅનેટરી હેલ્થ ડાયટ અને મેડિટરેનિઅન ડાયટ લાંબું જીવવામાં રામબાણ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી હૃદયરોગ, ડાયાબિટીઝ અને મેદસ્વિતાને દૂર રાખવા માટે આ પ્રકારની ડાયટ-સિસ્ટમનો ઉપયોગ મોટા પાયે ન્યુટ્રિશનિસ્ટ દ્વારા થતો હતો, પરંતુ આવરદાને વધારીને મૃત્યુને પાછું ઠેલવામાં એ અકસીર છે એવો વૈજ્ઞાનિકોનો દાવો ચર્ચાનું કારણ બન્યો છે ત્યારે જાણીએ કે PHD એટલે કે પ્લૅનેટરી હેલ્થ ડાયટ છે શું અને એ કઈ રીતે કામ કરે છે, કોના માટે એ લાભકારી છે અને એના અનુસરણમાં કઈ સાવધાની રાખવી.
શું ખાવાનું?
ઓછામાં ઓછી પ્રોસેસ થયેલી વસ્તુઓ આહારમાં લેવી એ આ ડાયટ-સિસ્ટમની પહેલી વિશેષતા. ફળ, શાકભાજી, આખું ધાન, કઠોળ, મિલેટ્સ વગેરેને મિનિમમ પ્રોસેસ કરીને ખાવાં એ આ ડાયટની પહેલી વિશેષતા. બીજું, આ ડાયટમાં અનસૅચ્યુરેટેડ ફૅટ હોય એવો આહાર લેવાનું પ્રિફર કરવામાં આવે છે. ચરબીનો આ પ્રકાર રૂમ-ટેમ્પરેચરમાં પ્રવાહી રહે છે, જ્યારે સૅચ્યુરેટેડ ફૅટ સમયાંતરે ખરાબ કૉલેસ્ટરોલ માટે જવાબદાર બને છે. દૂધ, દહીં જેવી ડેરી-પ્રોડક્ટ્સ, નૉનવેજ આદિનું પ્રમાણ આ ડાયટમાં ખૂબ ઓછા પ્રમાણમાં કરવાની સલાહ અપાય છે અને ઉપરથી ઉમેરવામાં આવતી સાકરનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. આ ડાયટ વિશે માહિતી આપતાં ૧૪ વર્ષથી મુલુંડમાં પ્રૅક્ટિસ કરતાં ન્યુટ્રિશનિસ્ટ શિલ્પા શાહ કહે છે, ‘આ કંઈ આજની ડાયટ-સિસ્ટમ નથી. છેલ્લાં ૧૪ વર્ષથી નૉર્મલી હેલ્ધી હોય એવી વ્યક્તિને હું આ જ ડાયટ-પ્લાનને ફૉલો કરવાની સલાહ આપું છું. પહેલાંના જમાનામાં લોકોની જીવનશૈલીમાં રૂટીન આહાર આવો જ હતો. ત્યારે કોઈ પ્રોસેસ્ડ ફૂડ ખાવાની ફૅશન નહોતી. બ્રેડ, બટર, ચિપ્સ, પાસ્તા, ચીઝ જેવી જ બાબતોને પ્રોસેસ્ડ ફૂડ નથી કહેવાતી; કોઈ પણ વસ્તુ જે એના નૅચરલ ફૉર્મમાંથી બહાર નીકળીને જેટલી મેથડમાંથી પસાર થાય એમ-એમ એની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઘટતી જાય. જેમ કે તમે ઘઉં જ લઈ લો. ઘઉં આખા બાફીને ખાઓ એમાંથી જે કાર્બ્સ અને ફાઇબર મળે એની તુલનાએ ઘઉંને પીસીને એમાંથી લોટ બનાવો એ પહેલી વાર પ્રોસેસ થયું, દળેલા લોટમાં પાણી નાખીને લોટને બાંધો એ બીજી પ્રોસેસ, એ બાંધેલા લોટમાંથી રોટલી બનાવો એ ત્રીજી પ્રોસેસ, બનાવેલી રોટલીમાંથી જ્યારે ખાખરા શેકો એ ચોથી પ્રોસેસ. ઘઉંના દાણામાંથી ખાખરા સુધીની યાત્રામાં ખાખરામાં સૌથી ઓછાં પોષક તત્ત્વો છે એમ કહી શકાય. અફકોર્સ, એટલું નક્કી કે બહાર કેમિકલના ઉપયોગ સાથે, રિફાઇન્ડ તેલમાં બનતા નાસ્તા અને અન્ય પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓ કરતાં ખાખરા ઘણા સારા, પરંતુ એને તમે હોલગ્રેન કૅટેગરીમાં તો ન જ મૂકી શકો.’
વૈજ્ઞાનિકોએ શું શોધ્યું?
શિક્ષણમાં જેમ ડૉક્ટર ઑફ ફિલોસૉફી
(PhD)ને હાઇએસ્ટ ડિગ્રી મનાય છે એમ ડાયટમાં પ્લૅનેટરી ડાયટ પણ હાઇએસ્ટ સ્થાને છે એવું કહેવાનાં પૂરતાં કારણો છે. ઈટ-લાન્સેટ (EAT-Lancet) કમિશન નામની સંસ્થા જે દુનિયાના હેલ્ધી ફૂડ અને સસ્ટેનેબિલિટીની દિશામાં કામ કરતા વૈજ્ઞાનિકોને એક છત્ર હેઠળ લાવીને રિસર્ચ કરવા માટે અગ્રણી સંસ્થા ગણાય છે એણે દુનિયાના ૧૬ દેશના ૩૭ ફૂડ-સાયન્ટિસ્ટોએ મળીને કરેલા અભ્યાસમાં આ ડાયટને ખાસ ગણાવી છે. પ્રકૃતિને અનુકૂળ હોય અને સાથે પોષણની દૃષ્ટિએ પણ માનવજાતને હિતકારી હોય એવી ડાયટ-પદ્ધતિ પર આ કમિશન દ્વારા નિરંતર ધોરણે રિસર્ચ ચાલતું રહે છે. ૨૦૧૫માં પહેલી વાર માનવજાતના સ્વાસ્થ્ય માટે મહત્ત્વની હોય એવી ડાયટ તરીકે પ્લૅનેટરી હેલ્થ ડાયટ શબ્દપ્રયોગ શોધાયો હતો. હેલ્ધી ડાયટ તરીકે પ્રમોટ થયેલી આ ડાયટની લાંબા આયુષ્ય અને પ્રકૃતિના સંરક્ષક તરીકેની લિન્ક તાજેતરમાં પહેલી વાર શોધવામાં આવી છે. ‘ગ્રીન ડાયટ’, ‘ફ્લેક્સિટેરિયન ડાયટ’, ‘પ્લાન્ટ બેઝ્ડ ડાયટ’ જેવાં જુદાં-જુદાં નામ પણ લગભગ એકસરખો કન્સેપ્ટ ધરાવતી PHD હકીકતમાં સંપૂર્ણપણે માંસાહાર કરનારાઓ માટે વેકઅપ કૉલ સમાન છે. સામાન્ય રીતે નૉનવેજ ખાનારા લોકોનો એ આહાર પર કન્ટ્રોલ મૂકીને તેમને વધુમાં વધુ શાકાહાર અને અનપ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ઇન્ડિકેશન તમને આ ડાયટમાં દેખાશે. જે લોકો માંસાહાર નથી કરતા તેમને કદાચ આ ડાયટ સાવ સામાન્ય લાગે, પરંતુ જે લોકો દિવસમાં ત્રણેય ટાઇમ નૉનવેજનો આહાર કરે છે તેમના માટે આ ડાયટમાં પાબંદીઓ મૂકવામાં આવી છે. જેમ કે અઠવાડિયામાં એક જ વાર અથવા તો મૉડરેટ પ્રમાણમાં માછલી, માંસ અને ડેરી-પ્રોડક્ટનું સેવન કરવું. શાકાહારીઓ દૂધજન્ય પ્રોડક્ટ લેતા હોય તો તેમને પણ એના સેવનમાં કન્ટ્રોલ કરીને ખરાબ ચરબી ન વધે એનું ધ્યાન રાખવાનું આ ડાયટમાં કહેવામાં આવે છે. બીજું, બટેટા જેવા શાક જેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય એનું સેવન ઘટાડવું. પૉલિશ્ડ કરેલું અનાજ ન ખાવું, ઉપરથી સાકર ઉમેરી હોય એવું અતિશય પ્રોસેસ્ડ ફૂડ ન ખાવું. ઍવરેજ એક વ્યક્તિ દ્વારા ૨૫૦૦થી વધુ કૅલરીનો ઇન્ટેક ન થાય એની કાળજી રાખવી. આ રીતે જો ડાયટનું પાલન થાય તો વૈજ્ઞાનિકો કહે છે કે દર વર્ષે ખરાબ ખાણીપીણીને કારણે થતા રોગોથી થતા લગભગ એક કરોડ દસ લાખ લોકોનાં મૃત્યુને ટાળી શકાય.
શરીરની જરૂરિયાતને સમજીએ
આમ તો દરેક વ્યક્તિની ઉંમર, વજન અને ઓવરઑલ હેલ્થની દૃષ્ટિએ જરૂરિયાત જુદી-જુદી હોય છે. શિલ્પા શાહ કહે છે, ‘દરરોજ આપણા શરીરને સંપૂર્ણ આહારમાંથી ૬૫ ટકા કાર્બ્સ, ૧૫ ટકા પ્રોટીન અને ૨૦ ટકા ફૅટની જરૂરિયાત હોય છે. નૉર્મલી આપણે ત્યાં પરંપરાગત રીતે સીઝનલ ફ્રૂટ્સ, વેજિટેબલ્સ સાથે શાક-રોટલી, દાળ-ભાતનું કૉમ્બિનેશન ખવાતું આવ્યું છે એ આપણા શરીરની જરૂરિયાતને સમજીને જ તૈયાર થયેલો મીલ-પ્લાન છે એમ કહી શકાય. ધારો કે દિવસમાં તમે ચાર પ્રૉપર મીલ લો છો તો એમાં બ્રેકફાસ્ટમાં આખા ધાનની આઇટમ ખાઈ શકાય. નવ વાગ્યે પેટ ભરીને રાજા જેવો બ્રેકફાસ્ટ કર્યા પછી અગિયાર વાગ્યાની આસપાસ એક પોર્શન ફ્રૂટ્સ ખાઓ. એક વાગ્યે ફુલ ભાણું બરાબર જમો. ચાર વાગ્યે ફરી ફળ ખાઈ શકો અને રાતે સાદો ખીચડી જેવો આહાર લો. આટલું નૉર્મલ વ્યક્તિ માટે ઇનફ છે. હા, જે ખાઓ છો એમાં અનાજ અનપૉલિશ્ડ વાપરવું. એકદમ ઝીણા દળેલા ઘઉંના લોટને બદલે જવ, જુવાર, બાજરી જેવા સીઝન મુજબ ફરતા-ફરતા લોટની રોટલી-રોટલા ખાવાં. દાળને પૂરતી પલાળીને પછી બાફવી. આ જરૂરી છે. બહુ વધુ પ્રમાણમાં કાચી શાકભાજી ખાવાની સલાહ હું નથી આપતી અને પ્લૅનેટરી હેલ્થ ડાયટમાં પણ એવું ક્યાંય નથી. એકલું કાચું ખાવાથી ઘણા લોકોને પાચનની સમસ્યા થઈ શકે. એટલે સેમી-કુક્ડ જ ખાવું જોઈએ જેથી પાચનમાં અઘરી વસ્તુઓ બૉઇલ થતાં જ ઇનઇફેક્ટિવ થઈ જાય. બીજી એક ભ્રમણા એવી છે કે પ્રોટીન માત્ર દાળ, કઠોળ અને પનીરમાં જ હોય. એવું નથી, વેજિટેબલ્સમાં પણ પ્રોટીન હોય જ છે. તમારા આહારમાં શાકભાજીની માત્રા એ રીતે વધારે જવી જોઈએ. ખીચડી, દલિયા, ઉપમા, પૌંઆ વગેરેમાં વેજિસનો ઉમેરો સરખા પ્રમાણમાં હોવો જ જોઈએ. જેમની પાચનશક્તિ નબળી હોય તેમના માટે પ્લૅનેટરી ડાયટ સાથે થોડાંક મૉડિફિકેશન મહત્ત્વનાં છે.’

