પ્રેગ્નન્સીના નવ મહિના દરમ્યાન પોષણયુક્ત આહાર, યોગ્ય હાઇડ્રેશન અને ક્રેવિંગ્સનું ધ્યાન રાખવું જરૂરી છે. જાણો ત્રણેય તબક્કામાં શું ખાવું, શું ટાળવું અને કઈ માન્યતાઓથી બચવું.
કુછ ખટ્ટા ખાને કા મન હૈ
જ્યારે કોઈ સ્ત્રી આવું કહે ત્યારે તેને સારા દિવસો જઈ રહ્યા હશે એવું વડીલો કહેતા. એનું કારણ હતું કે પ્રેગ્નન્સીમાં ચોક્કસ પ્રકારના ફૂડનું ક્રેવિંગ થાય છે. આ માટે હૉર્મોન્સમાં થતા બદલાવ જવાબદાર ગણાય છે. આ સિવાય જે ક્રેવિંગ્સ થાય છે એ કોઈ ને કોઈ રીતે શરીરમાં થતી ઊથલપાથલ સૂચવે છે. દરેક સ્ત્રીને ક્રેવિંગ થાય જ એ જરૂરી નથી, પરંતુ એક નવા જીવનને જન્મ આપવાની પ્રક્રિયા સમાન આ ૯ મહિના દરમ્યાન ખુદનું ધ્યાન કઈ રીતે રાખવું એ સમજવું જરૂરી છે
પ્રેગ્નન્સીમાં આ ખાવું અને આ ન ખાવું એવા નિયમો ઘરની સ્ત્રીઓ જ એકબીજાને જણાવતી અને સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે ખોરાક લેતી, પરંતુ હવે વિભક્ત કુટુંબો થઈ ગયાં. આજે જે બાળક આવ્યું એની પહેલાંનું બાળક ઓછામાં ઓછાં ૨૦-૩૦ વર્ષ પહેલાં આવ્યું હોય છે જેને કારણે સ્ત્રી ભૂલી પણ ગઈ હોય છે કે પોતાના સમયે તેણે શું કરેલું. આજકાલ સાસુને પૂછો કે પ્રેગ્નન્સીમાં શું ખાવું જોઈએ તો તેઓ કહેશે કે તું ડૉક્ટરને જ પૂછી લે. એટલે આજકાલ પ્રેગ્નન્સીમાં શું ખાવું અને શું ન ખાવું એ વૈજ્ઞાનિક રીતે જાણવા માટે લોકો ન્યુટ્રિશન સ્પેશ્યલિસ્ટ પાસે જવા લાગ્યા છે. હાલમાં ઍક્ટ્રેસ કરિશ્મા તન્ના પ્રેગ્નન્ટ હતી ત્યારે તેણે પોતાની ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ સાથે એક પૉડકાસ્ટ બનાવ્યું, જેમાં આ ૯ મહિના દરમ્યાન શું ખાવું અને શું ન ખાવું એ વ્યવસ્થિત જણાવવામાં આવ્યું હતું. તેમની જ સાથે ‘મિડ-ડે’એ પ્રેગ્નન્સીની ડાયટમાં શું ધ્યાન રાખવું અને શું નહીં એ વિશે વિસ્તારથી સમજીએ.
ADVERTISEMENT
૩ તબક્કામાં શું ખાવું?
પ્રેગ્નન્સીમાં મુખ્યત્વે ૩ સ્ટેજ હોય છે. દર ૩ મહિને પરિસ્થિતિ બદલાય છે. આખેઆખા ૯ મહિના પોષણની એકસરખી જરૂરિયાત હોતી નથી, જુદી-જુદી જરૂરિયાત હોય છે. એ સમજાવતાં શ્વેતા શાહ કહે છે, ‘પહેલા ૩ મહિનામાં બાળકનું મૂળભૂત સ્ટ્રક્ચર બને છે. આ સમયે બાળકનું મગજ, સ્પાઇનલ કૉર્ડ બનવાની શરૂઆત થાય છે. તો આ ૩ મહિનામાં કૅલરી પર ફોકસ કરવાની જરૂર નથી. ફૉલેટ જેવા જરૂરી તત્ત્વ પર ધ્યાન આપવું. ઘણી સ્ત્રીઓને આ ૩ મહિના દરમ્યાન ઊલટીઓ થયા કરે છે અને તે કંઈ ખાઈ નથી શકતી. આ સમયે મગની દાળની ખીચડી બેસ્ટ રહેશે. રાઇસ કાંજી પણ આપી શકાય. મગનું પાણી પણ સારું રહેશે. સરગવાની સિંગ બાફીને ખાવાનું શરૂ કરવું. મેથી-મગદાળના ચીલા લઈ શકાય. બીટ અને દાળ મિક્સ કરીને સૂપ લઈ શકાય. આ બધી વસ્તુઓમાં ફૉલેટ સારી માત્રામાં મળી રહેશે. બીજા ૩ મહિનામાં લોકો ફ્રૂટ્સ ખાવાથી ગભરાતા હોય છે. ત્યારે મગજ ડેવલપ થઈ રહ્યું હોય છે જેને ગ્લુકોઝની જરૂર રહે છે. એમાં પ્રોસેસ્ડ શુગર ખાવા કરતાં નૅચરલ શુગર જે ફળોમાં હોય છે એ લેવી જોઈએ. એટલે સગર્ભા સ્ત્રીઓએ ચોક્કસ ફળો ખાવાં જ જોઈએ. મારી સલાહ છે કે ખજૂર કે ખારેક પણ લેવી. આ સમયે પ્રોટીન પણ વધારવું જરૂરી છે. ખજૂર સાથે વૉલનટ ખાઈ શકાય. જુવારના રોટલા સાથે પનીર ભુર્જી લઈ શકાય. દાડમ સાથે મીઠો લીમડો ક્રશ કરીને પીવામાં આવતો જૂસ, પાલક દાલ ખીચડી લઈ શકાય. ત્રીજા ૩ મહિનામાં આયર્ન, કૅલ્શિયમ અને ઑમેગા 3 ખૂબ મહત્ત્વનાં થઈ જાય છે. એટલે કાળા તલ ખાવા જોઈએ. તલ-નારિયેળના લાડુ, રાગી-બદામની ખીર, શક્કરિયાં ખાવાં જોઈએ.’
શું ન જ ખાવું
આ ૯ મહિના દરમ્યાન જે પકવેલો નથી એ ખોરાક ન ખાવો એમ સમજાવતાં શ્વેતા શાહ કહે છે, ‘આ ૯ મહિના તમારે સૅલડ ખાવાનું નથી. પૅકેજ્ડ અને જન્ક-ફૂડ ન ખાવું. વધુ પડતું પ્રોસેસ્ડ ફૂડ પણ ન લેવું. વધુ પડતું કૅફીન ન ખાવું. બે કપ કૉફી આખા દિવસમાં ચાલી શકે, એનાથી વધુ નહીં. આજકાલ ઢોસા-ઇડલીનું ખીરું ત્રણ-ચાર દિવસ સુધી ફ્રિજમાં રાખીને ખાવાની લોકોને આદત હોય છે. એ આદત બદલો. છથી ૮ કલાકમાં આથો આવી જાય એ જ આથો હેલ્ધી ગણાય છે એટલે તાજું ખાઓ. ફ્રિજમાં લાંબો સમય રાખેલું ખાવાનું ન લો તો સારું. બહારનું ખાવાનું ઓછું કરો. ઘરનો શુદ્ધ ખોરાક લો.’
પ્રોટીન સપ્લિમેન્ટ્સની જરૂર ખરી?
ના, દરેક સ્ત્રીને એ સપ્લિમેન્ટ્સની જરૂર નથી હોતી, પણ ઘણી વાર એવું થાય છે કે લોકોની ડાયટમાં વર્ષોથી જ પ્રોટીન ખૂબ ઓછું હોય છે એટલે મમ્મીના સ્નાયુઓ પહેલેથી જ નબળા હોય છે. હવે આવી મમ્મીઓના સ્કૅનમાં ખબર પડતી હોય છે કે બેબીનો ગ્રોથ વ્યવસ્થિત નથી થઈ રહ્યો એટલે ડૉક્ટર પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવાનું કહે છે એમ સમજાવતાં શ્વેતા શાહ કહે છે, ‘પ્રોટીન પાઉડર ખરાબ નથી હોતા. સારી ક્વૉલિટીના પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન પાઉડર લઈ શકાય છે. એનાથી ઘણો ફાયદો થાય છે. પહેલા અને છેલ્લા ૩ મહિનામાં ઓછું ખવાય કે ન ખવાય એવી પરિસ્થિતિ ઊભી થાય અને સ્ત્રીને પૂરતું પોષણ ન મળે એવા સમયે આ પ્રકારનાં સપ્લિમેન્ટ્સ મદદ કરે છે. બાકી નટ્સ, સીડ્સ, કઠોળ, દૂધ અને દૂધની બનાવટો, સોયાબીન વગેરેમાંથી પ્રોટીન લેતા રહેવું. સપ્લિમેન્ટ્સ લો છો એટલે એ ખાવાની જરૂર નથી એમ ન માનવું. જો મમ્મી વર્કિંગ હોય અને દિવસના ૧૦-૧૨ કલાક વ્યસ્ત હોય અથવા હજી એક બાળકના ઉછેરની જવાબદારી તેના પર હોય તો તે ખુદ પર ધ્યાન ઓછું આપી શકે છે એટલે પણ સપ્લિમેન્ટ્સ આપવાં જરૂરી બની જતાં હોય છે.’
ક્રેવિંગ્સ થાય એનું શું કરવું?
મોટા ભાગે સ્ત્રીઓને આ ૯ મહિના દરમ્યાન ક્રેવિંગ્સ થાય જ એવી એક માન્યતા છે, પણ એવું જરાય નથી. ઘણી સ્ત્રીઓને એવું કશું થતું નથી. છતાં જો ક્રેવિંગ્સ થતું હોય તેમણે તો એ સામાન્ય છે એમ સમજવું. એની પાછળનાં કારણોમાં હૉર્મોન્સ મહત્ત્વનાં છે. આ ૯ મહિના દરમ્યાન એની ઊથલપાથલ થાય છે એટલે બધું બદલાઈ જાય છે એમ સમજાવતાં શ્વેતા શાહ કહે છે, ‘આ દરમ્યાન તમારી સૂઘંવાની અને સ્વાદની શક્તિ અસરગ્રસ્ત થાય છે એટલે પણ ક્રેવિંગ્સ આવી શકે. આ ઉપરાંત સ્ત્રી આ ૯ મહિના દરમ્યાન ઘણાં મિક્સ ઇમોશન્સમાંથી પસાર થઈ રહી હોય છે કારણ કે તેનું સમગ્ર જીવન બદલાઈ જવાનું હોય છે, પરંતુ અમુક ક્રેવિંગ્સ એવાં હોય છે જે સૂચવે છે કે તમારા શરીરમાં ગરબડ ચાલી રહી છે. જેમ કે જો તમને સ્વીટ ક્રેવિંગ્સ વધુ થતું હોય તો સમજી શકાય કે તમારી બ્લડ-શુગર ઉપર-નીચે થઈ રહી છે. આ ઉપરાંત તમારા ખોરાકમાં પ્રોટીન ઓછું હોય તો પણ ગળ્યું ખાવાની ઇચ્છા થઈ શકે છે. નિમક ખાવાનું કે સૉલ્ટી ખાવાનું મન થાય તો તમારું ફ્લુઇડ વધારો. હાઇડ્રેશનની કમી હોય તો આ પ્રકારનું ક્રેવિંગ્સ થાય.’
હવે જ્યારે ક્રેવિંગ્સ હોય જ ત્યારે શું કરવું? એ સમજાવતાં શ્વેતા શાહ કહે છે, ‘જેમ કે ખૂબ ગળ્યું ખાવાનું મન છે. તો? પ્લેટ ભરીને મીઠાઈ ખાવાની નથી. એ સમયે ફ્રેશ ફ્રૂટ્સ ખાવાનાં. વરાળમાં બાફેલું સફરજન અને એના પર તજનો પાઉડર છાંટીને લઈ શકાય. હોમ-મેડ ડાર્ક ચૉકલેટ પણ સારી. જો તમને ક્રન્ચી ખાવાનું ક્રેવિંગ્સ થાય તો મમરા, મખાના, જુવાર પફ અને એમાંથી બનતી ભેળ કે ચાટ ખાઈ શકાય. આઇસક્રીમનું ક્રેવિંગ થાય તો ઘરનાં ફ્રૂટ યોગર્ટ્સ લઈ શકાય. ઘણી વખત અમુક છોકરીઓને ધૂળ, ચૉક કે બરફ ખાવાનું ક્રેવિંગ્સ જાગતું હોય છે. એને અવગણો નહીં. એ ૧૦૦ ટકા કોઈ ને કોઈ તકલીફ સૂચવે છે. ઘણા કેસમાં એ આયર્નની ઊણપ સૂચવે છે. જો આવું થતું હોય તો ચૉક ખાઈ લેવો કે માટી ખાઈ લેવી એવું નથી હોતું. તમને શેની ઊણપ છે એ જાણવા માટે ડૉક્ટરને મળો.’
પારંપરિક ખોરાક
સગર્ભા સ્ત્રી માટે કયા પ્રકારનો પારંપરિક ખોરાક ગુણકારી ગણાય છે એ વિશે જણાવતાં શ્વેતા શાહ કહે છે, ‘સગર્ભા સ્ત્રીઓ માટે ખીચડી-ઘી બેસ્ટ ખોરાક છે, જેનાથી પ્રેગ્નન્સી દરમ્યાન તેમનું પાચન બગડતું નથી. આ સિવાય ગુંદર અને ડ્રાયફ્રૂટ્સના લાડુ સાતમા મહિનાથી ખાવાનું શરૂ કરી શકાય. રાગી સત્ત્વ, રાગીની ખીર ખૂબ ગુણકારી છે. પંજરી જે ઘઉંનો લોટ અને ડ્રાયફ્રૂટ્સથી બને છે એ પણ લઈ શકાય. પનીરનું પાણી, મગનું પાણી, સત્તુનું ડ્રિન્ક, તલના લાડુ, ખજૂર કે ખારેકનો મિલ્કશેક, હળદર અને કાળાં મરી નાખેલુ દૂધ આ બધું જ ગુણકારી ગણાશે.
ખોટી માન્યતા
ગર્ભાવસ્થા દરમ્યાન પાકું પપૈયું ખાવું અસુરક્ષિત છે એ માન્યતા ખોટી છે. પાકું પપૈયું ખરેખર સુરક્ષિત અને પૌષ્ટિક છે. કાચું પપૈયું ન ખાવું, પણ પાકું પપૈયું સંપૂર્ણપણે સુરક્ષિત છે.
એક જૂની માન્યતા એ છે કે પ્રેગ્નન્સીમાં ઘી વધુ ખાવું જોઈએ, પણ વધુ ઘી ખાવાથી નૉર્મલ ડિલિવરી થાય એવું નથી હોતું. ઘી ખાવું જોઈએ, પણ પ્રમાણમાં. દિવસની બે ચમચી ઘી ઘણું થઈ ગયું.
ઘણી સ્ત્રીઓને ઘરમાંથી કહેવામાં આવે છે કે હવે તારે બે વ્યક્તિઓનો ખોરાક લેવાનો છે. એવું નથી હોતું. ખોરાક વધારવાનો છે એવું નથી. ઊલટું પોષણથી ભરપૂર ખોરાક ખાવાનો છે એમ સમજો. ભૂખ લાગે એટલું જ ખાવાનું છે. હવે તો ખાવું જ જોઈએ એમ ન સમજવું.
ઘણી સ્ત્રીઓ માને છે કે પ્રેગ્નન્સીમાં જલસા કરી શકાય એટલે જે ખાવું હોય એ ખવાય, કંઈ ફરક નહીં પડે એવું બિલકુલ નથી. ઊલટું એવું છે કે પ્રેગ્નન્સીમાં તો શુદ્ધ અને પોષણથી ભરપૂર જ ખોરાક લેવો. જન્ક કે બહારનું ખાઈ-પીને જલસાવાળી વૃત્તિ યોગ્ય નથી.
આટલું સમજો
પ્રેગ્નન્સી ખોરાક પર પરેજી કે નિયંત્રણ મૂકવાનો તબક્કો નથી, પરંતુ શરીરમાં પોષક તત્ત્વોનો સંચય કરવાનો સમય છે. પ્રેગ્નન્સી દરમ્યાન દરેક કોળિયો મહત્ત્વનો છે. આ ૯ મહિના દરમ્યાન તમે જે પણ ખાઓ છો એ માત્ર તમારું પેટ નથી ભરતું, બાળકનું સંપૂર્ણ નિર્માણ કરે છે. પ્રેગ્નન્સી બિલકુલ ‘પર્ફેક્ટ’ હોવી જરૂરી નથી. તમારા શરીરના સંકેતોને સાંભળો, શાંત રહો અને સંતુલિત પોષણ પર ધ્યાન આપો. પ્રેગ્નન્સીના સમયે શરીરને પૂરતું પોષણ આપવું જરૂરી છે. કૅલરી ઍપમાં માત્ર ૨૪ ગ્રામ પનીર કે ૮ બદામ જેવી ઝીણી ગણતરી કરવાથી માત્ર માનસિક અસ્વસ્થતા અને ઍસિડિટી વધે છે
તકલીફો અને ઉપાય
રિફાઇન્ડ શુગરથી બચવું જોઈએ. બ્લડ-શુગર સ્પાઇકથી બચવા માટે રિફાઇન્ડ શુગર ટાળવી જોઈએ, પરંતુ કૅલરીમાં ભારે ઘટાડો કરવો પણ નુકસાનકારક છે. ઘણી સગર્ભા સ્ત્રીઓ સારું ખાતી હોય છે, પણ પૂરતું પાણી પીતી નથી. પાણીની કમી ગર્ભાવસ્થામાં થતા થાકનું મુખ્ય કારણ બને છે. પ્રેગ્નન્સી દરમ્યાન પાચન અસરગ્રસ્ત થતું હોય છે જો તમારું પાચન ખરાબ હોય અથવા ગૅસ કે બ્લોટિંગ થતું હોય છે. ગૅસ કે અસ્વસ્થતા ઊભી થાય તો એ માટે એક ચપટી અજમો, કાળું મીઠું અને હિંગ મિક્સ કરીને પાણી સાથે ગળી જવાનો નુસખો ઉપયોગમાં લેવો.
