ચોમાસામાં ઉંદરના યુરિનથી ફેલાતો લેપ્ટોસ્પાઇરોસિસ જીવલેણ બની શકે છે. તેના લક્ષણો સામાન્ય ફ્લુ જેવા હોય છે, પરંતુ સમયસર તપાસ અને સારવાર ન મળે તો લિવર-કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
વરસાદ શરૂ થયો નથી કે મુંબઈ પર રોગનું રિસ્ક વધ્યું નથી. મુંબઈમાં અસંખ્ય લોકોની સાથે અસંખ્ય ઉંદરો પણ વસે છે અને આ ઉંદરો બીજી કોઈ રીતે આપણને નડે કે ન નડે, વરસાદમાં ખૂબ નડે છે કારણ કે એમને કારણે મુંબઈમાં લેપ્ટોસ્પાઇરોસિસનું પ્રમાણ રહે છે. આ એક જીવલેણ રોગ છે જે ઉંદરોને કારણે ફેલાય છે. લેપ્ટોસ્પાઇરા નામના બૅક્ટેરિયાથી ફેલાતો આ રોગ પ્રાણીઓ દ્વારા મનુષ્યના શરીરમાં ફેલાય છે. જે પ્રાણીને લેપ્ટોસ્પાઇરા બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગી ગયું હોય એને ખુદ પર કોઈ અસર થતી નથી, પરંતુ એના યુરિનમાં આ બૅક્ટેરિયા પાસ થતો હોય છે. હવે આ યુરિન કોઈ પણ રીતે જો વ્યક્તિના ખુલ્લા ઘા પર લાગી જાય અને લોહીના સંપર્કમાં સીધું આવે ત્યારે તો માણસને લેપ્ટોસ્પાઇરોસિસ થવાની પૂરી શક્યતા છે.
આ રોગનાં લક્ષણો મોટા ભાગે નૉર્મલ ફ્લુ જેવાં લક્ષણો હોય છે. આ રોગમાં શરૂઆતના ત્રણ-ચાર દિવસ સામાન્ય રીતે માથું દુઃખે, થોડીક ઠંડી લાગે, તાવ આવે, શરીરમાં કળતર થાય, ઊલટી થાય, પેટમાં દુઃખે, આંખો લાલ થઈ જાય, ઝાડા થઈ જાય. વળી ત્રણ-ચાર દિવસમાં એવું લાગે છે કે દરદીને સારું થઈ ગયું, પરંતુ હકીકત એ છે કે બે-ત્રણ દિવસ બાદ આ રોગ ફરી ઊથલો મારે છે જેમાં દરદીનું લિવર કે કિડની ફેઇલ થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. દરદીને લેપ્ટોસ્પાઇરોસિસ છે કે નહીં એ ફક્ત તેની બ્લડ-ટેસ્ટ પરથી જ જાણી શકાય. બધા જ ફ્લુના દરદીઓને ડૉક્ટર લેપ્ટોસ્પાઇરોસિસની બ્લડ-ટેસ્ટ કરાવડાવે એ શક્ય નથી. સિવાય કે આ રોગનો વાયરો હોય તો એવું કરી શકાય. આમ જો નૉર્મલ ફ્લુની દવાઓ બે દિવસ લેવાથી પણ લાગે કે લક્ષણો કાબૂમાં નથી તો ડૉક્ટર આ ટેસ્ટ કરાવડાવતા હોય છે. આ એક સામાન્ય બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે ઍન્ટિ-બાયોટિક દવાઓથી ઠીક થઈ શકે છે. જોકે એ રોગ જો ડિટેક્ટ ન થઈ શકે અથવા તો ન પકડી શકાય અને ચાર-પાંચ દિવસ નીકળી જાય તો પછી એના પર કાબૂ મેળવવો મુશ્કેલ બની જાય છે.
એવું જરૂરી નહીં કે આ રોગ થયો એટલે તમારું મૃત્યુ નિશ્ચિત છે. દર વર્ષે ઘણા લોકોને આ રોગ થાય છે, પરંતુ સમયસર ઇલાજ થઈ જવાથી તેમના રોગ પર કાબૂ લેવાનું સરળ બન્યું હોય છે જેને લીધે તે બચી જાય છે. જોકે એક વખત આ રોગ થોડો વધુ ફેલાયો તો એને કાબૂમાં કરવો મુશ્કેલ બને છે અને એ ઘાતક પુરવાર થાય છે. આમ જો તમને થોડી પણ શંકા હોય તો ડૉક્ટર પાસે જઈને પોતાની શંકા વિશે વાત કરવી અને તેમની સલાહ મુજબ તરત દવા લઈ જ લેવી.
