શેફાલીની ઍન્ટિ-એજિંગ દવાઓને કારણે તેનું અકાળ મૃત્યુ થયું હોઈ શકે. અલગ-અલગ ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ હકીકતમાં દુનિયાભરમાં લાખો લોકો લઈ રહ્યા છે
શેફાલી જરીવાલા
આ પ્રશ્ન ઍક્ટ્રેસ શેફાલી જરીવાલાના મૃત્યુ પછી આશંકા બનીને સામે આવ્યો છે, કારણ કે ચર્ચા છે કે શેફાલીની ઍન્ટિ-એજિંગ દવાઓને કારણે તેનું અકાળ મૃત્યુ થયું હોઈ શકે. અલગ-અલગ ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ હકીકતમાં દુનિયાભરમાં લાખો લોકો લઈ રહ્યા છે અને નિષ્ણાતોના મતે એ એકદમ સેફ છે, પણ ત્યારે જ જ્યારે એ તમે કોઈ ડૉક્ટરની દેખરેખ હેઠળ લઈ રહ્યા હો. સેલ્ફ-મેડિકેશન કે હલકી પ્રોડક્ટ્સ હાનિકારક સાબિત થઈ શકે છે
કાંટા લગા ફેમ ૪૨ વર્ષની શેફાલી જરીવાલાનું આટલી યુવાન વયે થનારું મૃત્યુ લોકોને ઘણું આંચકાજનક લાગ્યું છે. પોલીસે કરેલી જાંચ-પડતાલમાં જે વસ્તુઓ સામે આવી છે એના આધારે ઘણી આશંકાઓ લોકો કરી રહ્યા છે. શરૂઆતમાં શેફાલીને કાર્ડિઍક અરેસ્ટ થઈ ગયેલું એવા રિપોર્ટ્સ આવેલા. પછી કહેવામાં આવ્યું કે તેનું બ્લડપ્રેશર એકદમ લો થઈ ગયેલું. પોલીસે જે તપાસ કરી એમાં તેમને લાગ્યું હતું કે તેને કોઈ ફૂડ-પૉઇઝનિંગ પણ થયું હોઈ શકે. પોલીસને તેના ઘરેથી ગ્લુટથાયોનનાં સપ્લિમેન્ટ અને વિટામિન Cનાં ઇન્જેક્શન મળ્યાં હતાં જેના પરથી એ સમજાયું હતું કે શેફાલી કોઈ ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ લઈ રહી હતી. અમુક ન્યુઝ-રિપોર્ટ એ પણ કહી રહ્યા છે કે શેફાલીએ ઘણાં વર્ષો પહેલાં કોઈ ડૉક્ટરની સલાહથી આ સપ્લિમેન્ટ ચાલુ કર્યાં હતાં જે એમનેમ ડૉક્ટરને બતાવ્યા વગર પણ ચાલુ રાખેલાં. ખોટું શું અને સાચું શું એ તો કદાચ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જ જણાવશે પણ ફરી એક વખત ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ માટે લોકોને શંકાનો કીડો સળવળ્યો છે. માણસનું સદા જવાન રહેવાનું ઑબ્સેશન શું તેને મૃત્યુ સુધી લઈ જઈ શકે છે? કેવી હોય છે આ ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ્સ અને એને લેતી વખતે શું ધ્યાન રાખવું જરૂરી છે એ આજે જાણીએ.
ADVERTISEMENT
કેવી ટ્રીટમેન્ટ્સ?
પહેલાં તો એ જાણીએ કે ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટમાં હોય છે શું? આ પ્રશ્નનો જવાબ આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘ઍન્ટિ-એજિંગ એક બ્રૉડ ટર્મ છે જેનો અર્થ બાહ્ય ઍસ્થેટિક ટ્રીટમેન્ટ સાથે સંલગ્ન છે. એમાં લેસર, ફેશ્યલ્સ, બોટોક્સ અથવા ફિલર્સનો સમાવેશ થાય છે. આ સિવાય જેને આપણે વેલનેસ થેરપીઝ તરીકે ઓળખીએ છીએ જેમાં સપ્લિમેન્ટ, હૉર્મોન થેરપી અને ઇન્ટ્રાવીનસ (IV) ઇન્ફ્યુઝન (એટલે સાદી ભાષામાં સમજીએ તો જેમ ગ્લુકોઝ ચડે એ રીતે ઇન્ફ્યુઝન શરીરમાં જાય) એ બધાનો સમાવેશ થાય છે. બીજું એ કે ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટમાં કૉસ્મેટિક પ્રોસીજર પણ આવી જાય છે જેમાં સર્જરીથી લઈને પ્રોસીજર સુધી ઘણુંબધું આવે છે. આમ દવાઓ અને સર્જરી આ બન્નેમાં કન્ફ્યુઝન ન થાય એ સમજવાનું છે. પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ કોઈ પણ હોય, એ બધી ત્યારે સેફ છે જ્યારે એ પ્રૉપર રીતે કરવામાં આવે.’
ગ્લુટથાયોન શું છે
શેફાલીના ઘરેથી મળેલું ગ્લુટથાયોન આજકાલ માર્કેટમાં બહોળું વેચાતું સપ્લિમેન્ટ છે. સ્કિનને એકદમ ચમકદાર બનાવવા માટે ઘણા લોકો આ પ્રોડક્ટ વાપરતા થઈ ગયા છે. એના વિશે જાણકારી આપતાં અંધેરીના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સંજીવ નેલોગી કહે છે, ‘ગ્લુટથાયોન એક ઍન્ટિ-ઑક્સિડન્ટ છે જે આપણા શરીરમાં કુદરતી રીતે બને છે જે ડીટૉક્સિફિકેશન માટે અત્યંત મદદરૂપ છે. એ ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે અને સ્કિન-હેલ્થને સારી બનાવે છે. એની શરૂઆત કેમ થઈ એ ઘણું રસપ્રદ છે. લિવર-કૅન્સરના દરદીઓને જ્યારે કીમોથેરપી આપવામાં આવતી ત્યારે તેમની સ્કિન એકદમ નિસ્તેજ અને કાળી થઈ જતી. એટલે એ સ્કિનને સારી કરવા માટે તેમને ગ્લુટથાયોન આપવામાં આવતું. આમાંથી આજે હવે દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરતી થઈ ગઈ છે.’
વિટામિન C જાતે ન લો
વિટામિન C જેને એસ્કૉર્બિક ઍસિડ કહે છે એ ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું અને અમુક લોકોમાં તો એનર્જી બૂસ્ટ કરવાનું પણ કામ કરે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ, પણ સ્કિન માટે એ કઈ રીતે ઉપયોગી છે એ જણાવતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘આ વિટામિન આપણા શરીરનાં ત્વચા અને સ્નાયુના ટિશ્યુઝને મજબૂત કરવાનું કામ કરતું કૉલેજન નામનું પ્રોટીન ફૉર્મ કરે છે. સ્કિનને બ્રાઇટ કરવામાં અને એકસરખો ટોન લાવવામાં મદદરૂપ છે. પિગમન્ટેશન દૂર કરે છે. ડીટૉક્સિફિકેશન કરીને એ લિવરના કામને વધુ સારું બનાવે છે. આયર્ન-ઍબ્સૉર્પ્શનમાં અત્યંત ઉપયોગી સાબિત થતું આ વિટામિન વ્યક્તિને ફક્ત બહારથી નહીં, અંદરથી હેલ્ધી અને યુવાન રાખવામાં મદદ કરે છે. મોટા ભાગે એની ચૂસવાની ટૅબ્લેટ્સ લોકો ખાતા હોય છે. જે વિટામિન C તમે ખોરાકમાં લો એ પહેલાં પચે અને પછી આખા શરીરમાં મળે એટલે એ લાંબી પ્રોસેસ છે પરંતુ એને જ્યારે સિરિન્જ કે બૉટલ ચડે એ રીતે નસો દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે એનું રિઝલ્ટ જલદી મળે છે અને થોડું સારું મળે છે. જોકે એ જાતે ન લેવું જોઈએ. જ્યારે ડૉક્ટર તમને એ સજેસ્ટ કરે ત્યારે ક્લિનિકમાં જઈને નિષ્ણાત વ્યક્તિઓની દેખરેખમાં એ લેવાય.’
કેટલું સેફ?
લેસર, બોટોક્સ, ફિલર્સ કે કોઈ પણ પ્રકારની પ્રોસીજર સેફ છે કે નહીં એ કઈ રીતે સમજી શકાય એ બાબતે વાત કરતાં ડૉ. સંજીવ નેલોગી કહે છે, ‘જે ટ્રીટમેન્ટ પ્રૉપર ક્લિનિકલ સેટ-અપમાં થાય છે એ બધી જ ટ્રીટમેન્ટ સેફ છે. જે ટ્રીટમેન્ટ કોઈ ઇન્ફ્લુઅન્સરના કહેવાથી ચાલુ થાય, જે ઍન્ટિ-એજિંગ સપ્લિમેન્ટ કોઈ પૉડકાસ્ટ જોઈને કે સાંભળીને તમે લેવા લાગો કે પછી તમારા મિત્ર આ વસ્તુ કરે છે એટલે તમે પણ કરવા લાગો તો એ સેફ નથી જ. કઈ વ્યક્તિને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે, તેણે શું કરાવવું જોઈએ, કઈ પ્રોડક્ટ સેફ છે, કઈ વસ્તુને કઈ રીતે અને કેટલી વાપરવાની છે, એના ડોઝેજ શું છે એ બધું અમે ડૉક્ટર્સ નક્કી કરીએ તો કોઈ પણ ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ સેફ જ છે. બાકી રિસ્ક કે આડઅસર તો કોઈ પણ દવા કે ઇલાજમાં આવી જ શકે છે. આ આડઅસરની જ્યારે ડૉક્ટર્સ ટ્રીટમેન્ટ કરે છે ત્યારે ખાસ ધ્યાન રાખે છે. આ આડઅસરો સ્કિન પૂરતી સીમિત હોય છે, મરણ સુધી લંબાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આવી વાત અમે મેડિકલ પ્રોફેશનમાં ક્યારેય સાંભળી પણ નથી. દર વર્ષે લાખો લોકો આ ટ્રીટમેન્ટ્સ લઈ રહ્યા છે અને તેઓ એકદમ સેફ છે.’
સુપરવિઝન જરૂરી
શરીર એક ડેલિકેટ સિસ્ટમ છે. અમુક નૅચરલ લાગતી થેરપીઝ પણ વ્યક્તિના જીવનમાં ઉત્પાત લાવી શકે છે, જો એ યોગ્ય રીતે ન કરવામાં આવે કે વધુપડતી કરવામાં આવે તો. આમ સેફ હોવા છતાં જો ટ્રીટમેન્ટમાં કશું ખોટું થાય તો એ શું થઈ શકે? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘એકલદોકલ કેસમાં જોવા મળી શકે કે વ્યક્તિને કોઈ હૉર્મોનલ ઇશ્યુ આવ્યો હોય, IV થેરપી અપાઈ હોય પણ એ આપતી વખતે કોઈ ભણેલી કે જાણકાર વ્યક્તિ દ્વારા આ કામ ન થયું હોય. બ્લૅક માર્કેટમાંથી વ્યક્તિએ સપ્લિમેન્ટ લીધાં હોય તો તકલીફ આવી શકે છે. આ પ્રકારનાં નકલી સપ્લિમેન્ટ હૃદયમાં તાણ ઉત્પન્ન કરી શકે છે. લોહી એને કારણે ગંઠાઈ જાય એવું બને. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બૅલૅન્સ થઈ જાય કે કોઈ બીજી દવા સાથે લીધી હોય અને એનું કંઈ રીઍક્શન આવે એમ બને. જોકે અહીં એ સમજવાનું છે કે આ ભાગ્યે જ બનતી વસ્તુ છે અને આવું થાય તો પણ એને અટકાવી શકાય, જો તમે ડૉક્ટરના સુપરવિઝન હેઠળ હો.’
ઍન્ટિ-એજિંગ ક્યારે બને હાનિકારક?
ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ એકદમ સેફ છે છતાં ભાગ્યે જ કોઈ સંજોગોમાં જો એ નુકસાન કરે તો એ સંજોગો કયા એ વિશે જાણીએ ડૉ. અપ્રતિમ ગોયલ પાસેથી.
અંતે તો સપ્લિમેન્ટ કે દવાઓમાં યુઝ થતાં કેમિકલ્સ નૅચરલ નથી જ એટલે ઘણા લોકો જે અતિ સેન્સિટિવ સ્કિન ધરાવતા હોય તેમને ઍલર્જી થઈ શકે. ઘણા લોકોમાં એનાફીલેક્સિસ એટલે કે એવી ઍલર્જી જે જાનલેવા સાબિત થતી હોય છે એ પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે. ખાસ કરીને જ્યારે ખબર જ ન હોય કે દરદીને કોઈ સેન્સિટિવિટી કે ઍલર્જી જેવું કંઈ છે.
ક્યારેક જો કોઈ વ્યક્તિ જાણ બહાર હાઈ ડોઝ લઈ લે જેમને પહેલેથી જ કોઈ બીજા રોગો હોય તો એ હાઈ ડોઝ કિડની પર અસર કરી શકે છે કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બૅલૅન્સ થઈ શકે છે.
IVથી જે દવાઓ લેવાની હોય એ જો નિષ્ણાતની દેખરેખ હેઠળ ન લેવાય તો નસમાં સોજો આવી જાય, હવા ભરાઈ જાય કે પછી ઇન્ફેક્શન થઈ જવાની પૂરી શક્યતા રહે.
પ્રિસ્ક્રિપ્શન વગર કે ઑનલાઇન મળતી પ્રોડક્ટ્સમાં જ્યારે નકલી કે ભેળસેળવાળી પ્રોડક્ટ્સ મળે છે એને વાપરવાથી વિપરીત અસર થઈ શકે છે.

