એજબૅસ્ટનમાં ભારત સામે અજેય રહ્યું છે ઇંગ્લૅન્ડ, આઠમાંથી સાત મૅચ જીત્યું અને એક ડ્રૉ રહી છે : પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૧-૦થી લીડ મેળવનાર ઇંગ્લૅન્ડ સામે આજથી બીજી મૅચ રમશે ભારત
ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન શુભમન ગિલે રણનીતિ પર ચર્ચા કરી.
હેડિંગ્લી ટેસ્ટ-મૅચમાં પાંચ વિકેટે હારનાર શુભમન ગિલ ઍન્ડ કંપની આજથી શરૂ થનારી બર્મિંગહૅમની ટેસ્ટ-મૅચમાં જીત મેળવીને બાઉન્સબૅક કરવાનો પ્રયાસ કરશે. જોકે એજબૅસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં એવું કરવું સરળ નહીં હોય, કારણ કે અહીં ભારત એક પણ ટેસ્ટ-મૅચ જીતી નથી શક્યું. ૧૯૬૭થી ૨૦૨૨ સુધી આ સ્થળે બન્ને વચ્ચે આઠ ટેસ્ટ-મૅચોમાં ઇંગ્લૅન્ડે સાત મૅચ જીતી છે અને એક ૧૯૮૬માં ડ્રૉ થઈ હતી.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડના હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ સાથે હળવા મૂડમાં જોવા મળ્યો કૅપ્ટન બેન સ્ટોક્સ.
મૅચનો સમય બપોરે 3.3૦ વાગ્યાથી
છેલ્લે જ્યારે ભારતીય ટીમ ૨૦૨૨માં એજબૅસ્ટન ખાતે ટેસ્ટ-મૅચ રમ્યું ત્યારે ઇંગ્લેન્ડે ૩૭૮ રનનો પીછો કર્યો હતો જે ટેસ્ટ-ક્રિકેટમાં તેમનો સૌથી મોટો સફળ રન-ચેઝ હતો. ૨૦૧૧માં ભારતને અહીં એક ઇનિંગ્સ અને ૨૪૨ રનની કારમી હાર પણ મળી હતી. ઇંગ્લૅન્ડની ટીમ અહીં ૫૬માંથી ૩૦ ટેસ્ટ-મૅચ જીતી છે. ૧૧ મૅચમાં હાર મળી છે, જ્યારે ૧૫ મૅચ ડ્રૉ રહી છે.
બીજી ટેસ્ટ-મૅચ માટે ઇંગ્લૅન્ડે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો, જ્યારે ભારત કેટલાક મહત્ત્વપૂર્ણ સુધારા કરી શકે છે. ગઈ કાલે કૅપ્ટન શુભમન ગિલે ખુલાસો કર્યો કે ‘મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમવા માટે ઉપલબ્ધ છે, પણ અંતિમ સમયે એનો નિર્ણય કરવામાં આવશે. અમે યોગ્ય સંયોજન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે ૨૦ વિકેટ લઈ શકે અને રન પણ બનાવી શકે. આજે છેલ્લી વખત પિચ જોયા પછી અંતિમ નિર્ણય લઈશું.’

