Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મનોવૈજ્ઞાનિક સુખાકારીના છ આધારસ્તંભો જાણી લો બરાબર

મનોવૈજ્ઞાનિક સુખાકારીના છ આધારસ્તંભો જાણી લો બરાબર

Published : 22 May, 2025 02:29 PM | Modified : 23 May, 2025 06:56 AM | IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

આપણો મુખ્ય પ્રશ્ન તનાવનું મૅનેજમેન્ટ નહીં પણ ઊર્જાનું મૅનેજમેન્ટ છે. આ ઊર્જાનો સંચાર આપણા જીવનના દરેક કામમાં અને દરેક વસ્તુમાં થાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજના ઝડપી જીવનમાં મનોવૈજ્ઞાનિક સુખાકારી જાળવવી એટલી જ જરૂરી છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય. નિષ્ણાતોનું માનવું છે કે મન અને શરીર એકબીજાથી અભિન્ન છે. જો માનસિક સ્વાસ્થ્ય નબળું હોય તો શરીર પણ એક ને એક દિવસ નકામું થઈ શકે છે. આવા સમયે દવાઓ અને થેરપીઓ પર નિર્ભર રહેવાને બદલે જીવનશૈલીમાં ફેરફાર કરીને મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યને મજબૂત કરી શકાય છે. ચાલો જાણીએ એવા છ આધારસ્તંભો કયા છે જેને અપનાવીને આપણે માનસિક રોગોના જોખમથી બચી શકીએ


આપણે સૌ એ વાતથી બરાબર વાકેફ છીએ કે પૃથ્વી પરનું વાતાવરણ દિવસે ને દિવસે પ્રદૂષિત થતું જાય છે. વાતાવરણ એટલી હદે પ્રદૂષિત છે કે ખોરાક અને હવા વાટે ન કેવળ એ શારીરિક સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે પણ ઝડપી જીવનશૈલી અને ટુકડાઓમાં જીવવાને લીધે આપણા માનસિક સ્વાસ્થ્યને પણ એ ધીરે-ધીરે હણી રહ્યું છે. આવા સમયે મનોવૈજ્ઞાનિકો માટે એક એવી જીવનશૈલી ચર્ચામાં આવે છે જેના લીધે આપણે મહત્તમ સ્વસ્થ જીવનનો લાભ લઈ શકીએ. આ વિશે વાત કરતાં દસેક વર્ષના અનુભવી મનોચિકિત્સક ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘મનોવૈજ્ઞાનિક આરોગ્ય ક્ષેત્રે સુધારો લાવવાના હેતુ સાથે આજકાલ અનેક પગલાં લેવામાં આવે છે એવામાં એક ચર્ચા આજકાલ ખૂબ જ જામી છે. એ છે દવાઓ અને થેરપીઓથી બચવું હોય તો આજના જીવનમાં અમુક બાબતો ચોક્કસપણે અપનાવી લેવી પડશે. જો આવી મનોવૈજ્ઞાનિક સુખાકારીને કેન્દ્રમાં રાખવી હોય તો જીવનશૈલીમાં પરિવર્તન આવશ્યક છે. એના માટે છ આધારસ્તંભોનું અનુસરણ કરવું જોઈએ : શારીરિક (Physical), ભાવનાત્મક (Emotional), આધ્યાત્મિક (Spiritual), બૌદ્ધિક (Intellectual), પર્યાવરણીય (Environmental) અને સામાજિક (Social).’



લાઇફસ્ટાઇલ મેડિસિન શું છે?


આરોગ્ય સંબંધે થયેલા અભ્યાસો દર્શાવે છે કે ભારતમાં મોટા ભાગના આરોગ્ય-ખર્ચ એવા રોગો માટે થાય છે જે ખોટી જીવનશૈલીએ ઊભા કર્યા છે. આવું જણાવતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘ડાયાબિટીઝ, તાણ અને ડિપ્રેશન જેવા રોગો દિવસે ને દિવસે વધી રહ્યા છે જે મુખ્યત્વે આપણી ખરાબ જીવનશૈલીને લીધે થાય છે. આની સામે તમારી રહેણીકરણી દ્વારા રોગોનું નિવારણ કરી શકાય. એક રીતે આને લાઇફસ્ટાઇલ મેડિસિન કહી શકાય. આમાં આહાર, વ્યાયામ, ઊંઘ, સ્ટ્રેસ મૅનેજમેન્ટ અને સામાજિક જોડાણો જેવી બાબતોનો સમાવેશ થાય છે.’

આરોગ્યના આધારસ્તંભ 


આ બાબતો આપણે બધા જાણીએ છીએ, પરંતુ આજની વ્યાવસાયિક જીવનશૈલીએ આપણને આ મૂળભૂત સિદ્ધાંતોથી દૂર કરી દીધા છે. મૂળે તો આજની પ્રોફેશનલ જીવનશૈલીને બાદ કરી આમાંની દરેક વાત આપણા વડવા કહી જ ગયા છે. આજની વ્યાવસાયિક જીવનશૈલી સાવ જ નોખી છે એટલે એનો તોડ આપણે જાતે જ લાવવો રહ્યો ડૉ. મિથિયા આ છ આધારસ્તંભોની વિગત આપે છે...

શારીરિક : નિયમિત વ્યાયામ કરો, સાદો શાકાહારી આહાર લો, પૂરતી ઊંઘ લો અને હાનિકારક ટેવોથી દૂર રહો. ખાસ કરીને ઊંઘ અગત્યની છે. રાત્રે ૭-૮ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લઈ, સવારે તાજગીથી ઊઠો.

ભાવનાત્મક : ભાવનાઓ જીવનને ઘડે છે, પરંતુ ખરાબ ભાવનાઓ નુકસાન પણ કરી શકે છે. દિવસની શરૂઆત સકારાત્મક રીતે કરો. વહેલા ઊઠીને પોતાના માટે, પરિવાર અને મિત્રો માટે સમય કાઢો. આત્મમંથન અને સંબંધોને સમય આપીને ભાવનાત્મક રીતે મજબૂત બનો.

આધ્યાત્મિક : જીવનમાં અર્થ અને હેતુ શોધો. આધ્યાત્મિકતા એટલે ધર્મ નહીં, પરંતુ પોતાનાથી મોટી શક્તિ સાથે જોડાવું. આનાથી ઈગો ઓછો થાય છે અને જીવન સરળ લાગે છે.

બૌદ્ધિક : નવું શીખો, શોખ વિકસાવો અને સર્જનાત્મક બનો. પુસ્તકો વાંચવાથી જ્ઞાન અને અનુભવોની નવી દુનિયા ખૂલે છે, જે મગજને સક્રિય રાખે છે.

પર્યાવરણીય : પ્રકૃતિ સાથે જોડાઓ. સવારે બગીચામાં ફરવું કે તાજી હવામાં સમય વિતાવવાનું શાંતિ આપે છે. આજે લોકો વેકેશનમાં હરિયાળી તરફ આકર્ષાય છે, કારણ કે કૉન્ક્રીટના જંગલથી મુક્તિ મળે છે.

સામાજિક : સારા સંબંધો બનાવો અને એને પોષો. એકલતા આરોગ્ય માટે હાનિકારક છે. એક એવો મિત્ર હોવો જોઈએ જેની સાથે ખૂલીને હસી-રડી શકાય.

ઊર્જા સૌથી મહત્ત્વનું તત્ત્વ

જીવનનાં જેટલાં પાયાનાં તત્ત્વો છે એ બધાંમાં તમે સારા હો તો એક સંતોષકારક જીવન મળે. આ છએ આધારસ્તંભોમાં એક સામાન્ય વસ્તુ છે – ઊર્જા, શક્તિ. મનસા મેન્ટલ હેલ્થ ક્લિનિકના મનોવિજ્ઞાની ચિંતન નાયક આ સંદર્ભમાં કહે છે, ‘આજે લોકો પાસે જો કોઈ વસ્તુની સૌથી વધુ અછત હોય તો એ છે ઊર્જા. રવિવાર આવતાં-આવતાં તો થાક લાગી જાય છે. એમાં પણ ઊંઘવામાં જ સમય જાય. એ પછી ન હળવામળવાની શક્તિ બચે છે, ન ગમતું પુસ્તક વાંચવાની કે ન કોઈ શારીરિક કસરત કરવાની. તો જીવનનું મુખ્ય તત્ત્વ ઊર્જા છે. એ નથી ઉત્પન્ન થતી કે નથી નાશ પામતી. એટલે જે એને મેળવવા જે-તે સ્રોતો હોય છે એમાંથી જ આપણું આરોગ્ય અને સુખાકારી ઊભાં થાય છે. જ્યારે પણ આપણે માનસિક કે શારીરિક કોઈ પણ સ્વાસ્થ્યની વાત કરીએ તો આપણો મુખ્ય પ્રશ્ન તનાવનું મૅનેજમેન્ટ નહીં પણ ઊર્જાનું મૅનેજમેન્ટ છે. આ ઊર્જાનો સંચાર આપણા જીવનના દરેક કામમાં અને દરેક વસ્તુમાં થાય છે...

શારીરિક : મન અને શરીર એકબીજાથી જુદાં નથી. ખરેખર એક જ શરીરમાં છે. સમજવા માટે એને અલગ જોવામાં આવે છે. ધારો કે તમારામાં ઊર્જા જ ન હોય તો તમને ગમતો મિત્ર મળે કે ગમતી ફિલ્મ મળે એ પણ તમને થકવી દે. શરીરને ઊર્જામયી રાખવા વ્યવસ્થિત ઊંઘ અને થોડીઘણી કસરત જરૂરી છે. ઊંઘ પણ એવા સમયની જે બાયોલૉજિકલ ક્લૉક સાથે મૅચ થાય. રાતને બદલે દિવસે આઠ કલાક સૂઓ એમ નહીં, રાતના સમયે જોઈતી પૂરતી ઊંઘ. આ ઉપરાંત એવી પ્રવૃત્તિ કરો જે માનસિક રીતે ઊર્જામયી કરે જેમ કે તમે સંતોષ થાય એવું કામ કરો, પોતાને સમય આપો, એવી વસ્તુ જેમાં જીવનનો હેતુ સર થતો દેખાય.

આધ્યાત્મિક : આધ્યાત્મિકતા તમને અંતરમનમાં ઝાંખવાની તક આપે છે અને એનાથી જે શાંતિ ઊભી થાય છે એ તમારી આત્માનો ખોરાક છે. આવી ઊર્જા તમને શાંત અને સ્થિર કરવા જરૂરી છે. ધર્મ અને અધ્યાત્મ બન્ને જુદાં-જુદાં પાસાં છે. પૃથ્વીનો સંચાર કયા તત્ત્વ સાથે જોડાયેલો છે એ સમજાય તો આપણે ઘણું જતું કરી શકીએ.

ભાવનાત્મક : ભાવનાત્મક રીતે ઊર્જામયી થવા આપણે એક સકારાત્મક-ભાવનાત્મક સ્તરે પહોંચવું પડે છે. ઘણા લોકો ભાવનાત્મક રીતે આનંદનો અનુભવ કરવા ફિલ્મો જુએ કે ક્રિકેટ રમે કે ગમતી પ્રવૃત્તિમાં જોડાય કે ગમતા લોકો વચ્ચે રહે અને હળેમળે.

સામાજિક : માણસ સામાજિક પ્રાણી છે. આપણે પોતાની જાતને સમાજની દૃષ્ટિએ જોતા હોઈએ છીએ. આપણું મગજ એ રીતે વાયર થયેલું છે કે આપણે એની સાથે વાત કરી પોતાને શોધતા હોઈએ છીએ. એક સારો વાર્તાલાપ કે નાનું એવું સામાજિક કનેક્શન ચાહે એ અંગત હોય કે કોઈ ગ્રુપથી મળે, ઊર્જાનો અનુભવ કરાવે છે.

બૌદ્ધિક : આપણા બૌદ્ધિક લેવલને સતત વધારતા રહેવું જોઈએ. બીજાના અનુભવોમાંથી શીખવા માટે પુસ્તકો કામમાં લઈ શકીએ. ઘણી વાર આપણા અનુભવો પૂરતા નથી હોતા ત્યારે અને જે-તે વસ્તુનું જ્ઞાન મેળવવા આ જરૂરી છે. એનાથી તમે એવા સ્તરે પહોંચી શકો છો કે નકામી વસ્તુઓ તમને બહુ હેરાન નથી કરતી.

પર્યાવરણીય : પર્યાવરણથી ઊર્જા મેળવવા માટે શુદ્ધ હવા, પાણી અને ખોરાક મુખ્ય તત્ત્વો છે. શુદ્ધતાનો આગ્રહ રાખવા માટે એને વાપરવાનું શીખવું પડે. પાણીનો બગાડ ન કરવો, જળ પ્રદૂષણને ઓછું કરવાનું અને કુદરતી સ્રોતો વાપરવા માટે સભ્ય રીત કેળવવી જોઈએ જેનાથી શુદ્ધ ઊર્જા મળે.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2025 06:56 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK