ડ્રાયફ્રૂટ્સની જેમ જ ઘણાં સીડ્સ પણ પલાળીને ખાવાં જોઈએ. સબ્જા, ચિયા સીડ્સ, અળસીનાં બીજ અને સૂર્યમુખીનાં બીજ જેવાં ઘણાં બીજમાં પણ ફાયટિક ઍસિડનું પ્રમાણ હોય છે અને એની તાસીર ગરમ હોય છે. ચિયા સિડ્સને પલાળીને ખાવાથી શરીરને ઠંડક મળે છે.
ડ્રાયફ્રૂટ્સ
આ સૂકા મેવા સદીઓથી ભારતીય આહાર અને આયુર્વેદનો એક મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યા છે. એ માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી, પરંતુ એમાં રહેલાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને હેલ્ધી ફૅટ્સના કારણે એ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. જોકે આ ડ્રાયફ્રૂટ્સને ખાવાની યોગ્ય રીતને લઈને લોકોમાં હંમેશાં એક પ્રશ્ન હોય છે કે શું તેમણે સૂકાં ખાવાં જોઈએ કે પછી રાત્રે પાણીમાં પલાળીને સવારે એનું સેવન કરવું વધારે લાભદાયક છે? આયુર્વેદિક માન્યતાઓ અને મૉડર્ન સાયન્સ બન્ને હવે એ વાત પર સહમત છે કે મોટા ભાગનાં નટ્સ અને ડ્રાયફ્રૂટ્સને પલાળીને ખાવાથી એનાં પોષક તત્ત્વોની ગુણવત્તા અને પાચનક્ષમતા સુધરે છે.
શા માટે છે ઉત્તમ?
ADVERTISEMENT
ડ્રાયફ્રૂટ્સને પલાળવાથી એમાં રહેલું ફાયટિક ઍસિડનું સ્તર ઘટી જાય છે. ફાયટિક ઍસિડ શરીરને ઝિન્ક, કૅલ્શિયમ અને આયર્ન જેવાં મહત્ત્વપૂર્ણ મિનરલ્સને સંપૂર્ણપણે શોષાતાં અટકાવે છે. જ્યારે ડ્રાયફ્રૂટ્સ પલળે છે ત્યારે આ ઍસિડ તૂટી જાય છે અને શરીરને પોષક તત્ત્વોનું શોષણ કરવું સરળ બને છે. આનાથી પાચનક્રિયા પણ હળવી અને ઝડપી બને છે. પલાળવાની પ્રક્રિયા એક રીતે ડ્રાયફ્રૂટ્સમાં અંકુરિત થાય છે. આનાથી એમાં રહેલાં વિટામિન્સ સક્રિય થઈ જાય છે, જેના કારણે એનું પોષક મૂલ્ય વધે છે. બદામ અને અખરોટ જેવાં ઘણાં ડ્રાયફ્રૂટ્સની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં અથવા જે લોકોને ગરમીની પ્રકૃતિ હોય તેમને પલાળ્યા વગર ખાવાથી પિત્ત એટલે કે ગરમી વધી શકે છે. પાણીમાં પલાળવાથી એની ગરમી ઓછી થાય છે અને એ તમામ ઋતુઓમાં ખાવા માટે યોગ્ય બને છે. પલાળેલાં ડ્રાયફ્રૂટ્સ નરમ થઈ જાય છે, જેનાથી એને ચાવવામાં સરળતા રહે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દાંતની સમસ્યા ધરાવતા લોકો માટે આ વધુ ફાયદાકારક છે. બદામની છાલમાં ટૅનિન હોય છે, જે પોષક તત્ત્વોના શોષણને અવરોધે છે. પલાળ્યા પછી છાલ ઉતારવાથી પોષક તત્ત્વોનું શોષણ સરળતાથી થાય છે. એ વિટામિન E અને મૅગ્નેશિયમનો સારો સ્રોત છે. અખરોટમાં ઑમેગા-3 ફૅટી એસિડ્સથી ભરપૂર હોય છે જે મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પલાળવાથી એમાં રહેલું ફાયટિક ઍસિડ ઓછું થાય છે અને એ પચવામાં હળવાં બને છે. અંજીર ફાઇબરથી ભરપૂર હોય છે અને કબજિયાત માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. એને પલાળીને ખાવાથી ફાઇબર વધુ સક્રિય બને છે અને પાચનતંત્ર સાફ રાખે છે. એ આયર્ન અને કૅલ્શિયમનો પણ સારો સ્રોત છે. કાળી દ્રાક્ષ આયર્નથી સમૃદ્ધ છે. એને પલાળવાથી એમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ દૂર થાય છે અને એ લોહીની ઊણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
સીડ્સને પલાળીને ખાવાં જોઈએ?

ડ્રાયફ્રૂટ્સની જેમ જ ઘણાં સીડ્સ પણ પલાળીને ખાવાં જોઈએ. સબ્જા, ચિયા સીડ્સ, અળસીનાં બીજ અને સૂર્યમુખીનાં બીજ જેવાં ઘણાં બીજમાં પણ ફાયટિક ઍસિડનું પ્રમાણ હોય છે અને એની તાસીર ગરમ હોય છે. ચિયા સિડ્સને પલાળીને ખાવાથી શરીરને ઠંડક મળે છે ત્યારે સૂર્યમુખી અને પમ્પકિનનાં બીજ પાચનશક્તિને સુધારે છે. અળસીનાં બીજને પલાળવા કરતાં શેકીને ખાવાની ભલામણ વધુ કરવામાં આવે છે.


