જો વ્યક્તિનો ઍક્સિડન્ટ થાય, વ્યક્તિની આંખ ડૅમેજ થાય તો પણ એ ટ્રૉમાને લીધે વ્યક્તિની આંખ ફાંગી થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બાળકમાં ફાંગી આંખ આવે અને વયસ્કને આ પ્રૉબ્લેમ આવે એ બન્ને ઘણા જુદા છે. એક વયસ્ક વ્યક્તિની આંખ અચાનક ફાંગી કેમ થઈ ગઈ એ બાબતે તપાસ કરવી અત્યંત જરૂરી છે. કારણ કે એની પાછળ ઘણાં કારણો હોઈ શકે. વયસ્કને ફાંગી આંખની તકલીફ આવે પછી થોડી ધીરજ રાખવી પડે. ટેસ્ટ કરાવીને યોગ્ય નિદાન કરાવવું પડે. બને તો ફાંગી આંખના સ્પેશ્યલિસ્ટ જેને સ્ક્વિન્ટ સ્પેશ્યલિસ્ટ કહેવાય છે એને જ દેખાડવું જેથી નિદાન યોગ્ય થઈ શકે અને ઇલાજ પણ.
ઘણી વાર એવું બને છે કે એક આંખ વ્યક્તિની નબળી જ હોય છે. મગજ અને આંખ બન્નેનો જ્યારે તાલમેલ ગોઠવાય ત્યારે જ વ્યક્તિ બરાબર જોઈ શકે છે. જ્યારે આ તાલમેલ પહેલેથી યોગ્ય ન હોય ત્યારે ઉંમર વધતાં ધીમે-ધીમે એની અસર દેખાય છે અને મોટી વયે આંખ ફાંગી બને છે. આ સિવાય કોઈ પણ પ્રકારનો મગજને સંબંધિત પ્રૉબ્લેમ હોય તો પણ આંખ ફાંગી થઈ શકે છે. જેમ કે સ્ટ્રોક, બ્રેઇન ટ્યુમર, હૅમરેજ જેવી કોઈ મોટી આફત કે પછી સામાન્ય ટ્રૉમા પણ આંખને અસર કરી શકે છે કારણ કે મગજ સાથે જોડાયેલી આંખની નસોમાં પ્રૉબ્લેમ આવ્યો એનો અર્થ એ કે તકલીફ આવી શકે છે.
ADVERTISEMENT
જો વ્યક્તિનો ઍક્સિડન્ટ થાય, વ્યક્તિની આંખ ડૅમેજ થાય તો પણ એ ટ્રૉમાને લીધે વ્યક્તિની આંખ ફાંગી થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન છે એ લોકોની આંખ ઉપર અસર થઈ શકે એમ છે અને એને કારણે ફાંગી આંખની તકલીફ આવી શકે છે. આ બન્ને રોગની નસો પર એક ખાસ અસર હોય છે. જો એની અસર આંખની નસો પર પડે તો આંખ ફાંગી થઈ શકે છે. મોટા ભાગના કેસમાં આ ફાંગી આંખ ૨-૪ અઠવાડિયાંની અંદર ખુદ જ ઠીક થઈ જાય છે. પરંતુ જો એ ન થાય તો ચોક્કસ તપાસ જરૂરી છે.
આ સિવાય જે વ્યક્તિને હાઇપર થાઇરૉઇડની તકલીફ હોય એને પણ થાઇરૉઇડની અસર આંખ પર દેખાઈ શકે છે જેને કારણે આંખ ફાંગી થઈ શકે છે. આપણે શરૂઆતમાં જે કેસ જોયો એ રીતે જો આંખમાં કોઈ ટ્યુમર થયું હોય તો એનાં લક્ષણો રૂપે પણ ફાંગી આંખ બહાર આવે છે. આવા કેસમાં ફાંગી આંખ કરતાં મોટો પ્રૉબ્લેમ એ ટ્યુમર હોય છે જે આંખની અંદર હોય છે.
ઘણી વાર એક આંખમાં અત્યંત ખરાબ વિઝન હોય અને એ આંખનું વિઝન ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું હોય ત્યારે પણ એ આંખ ફાંગી થઈ જતી હોય છે. પરંતુ આવા કેસમાં દરદી ધીમે-ધીમે એ આંખે આંધળો થઈ જાય છે. એનું વિઝન પાછું લાવી શકાતું નથી.


