લક્ઝરી બ્રૅન્ડ પ્રાડાએ મહારાષ્ટ્ર અને કર્ણાટકની લેધર ઇન્ડસ્ટ્રી સાથે ૨૦૦૦ જોડી બનાવવાના કરાર કર્યા
કોલ્હાપુરી ચંપલ બનાવતા સ્થાનિક કારીગરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બનતાં પ્રસિદ્ધ કોલ્હાપુરી ચંપલ હવે વૈશ્વિક શોરૂમ્સમાં વેચાતાં જોવા મળશે. ઇટાલિયન લક્ઝરી બ્રૅન્ડ પ્રાડાએ ગુરુવારે આ માટે મહારાષ્ટ્રના અને કર્ણાટકના લેધર ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કૉર્પોરેશન સાથે મુંબઈમાં મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) સાઇન કર્યું હતું, જે પ્રમાણે પ્રાડા કોલ્હાપુરી ડિઝાઇનનાં ૨૦૦૦ જેટલાં ફુટવેઅર લિમિટેડ એડિશન કલેક્શન તરીકે લૉન્ચ કરશે.
આ ચંપલની કિંમત લગભગ ૮૦૦ યુરો એટલે કે ૮૪,૦૦૦ રૂપિયા જેટલી હશે અને આગામી ફેબ્રુઆરીથી વિશ્વભરના પ્રાડાના ૪૦ સિલેક્ટેડ સ્ટોર્સ પર એ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત પ્રાડાની વેબસાઇટ પર પણ આ ચંપલ જોવા મળશે. જોકે ફુટવેઅર માટે ભારતમાં પ્રાડાનો કોઈ રીટેલ સ્ટોર નથી એટલે ભારતમાં આ ચંપલ જોવા નહીં મળે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ૬ મહિના પહેલાં જ ‘મેન્સ સ્પ્રિંગ-સમર-શો’માં કોલ્હાપુરી ચંપલની ડિઝાઇનનો કોઈ ક્રેડિટ આપ્યા વગર ઉપયોગ કરવા બદલ પ્રાડાએ ચોમેર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાછળથી કંપનીએ સ્વીકાર્યું હતું કે એ ડિઝાઇન કોલ્હાપુરી સ્ટાઇલથી પ્રેરિત હતી.
સ્થાનિક કારીગરોમાં ઉત્સાહ
પ્રાડાના આ પગલાને કારણે કોલ્હાપુરી ચંપલ બનાવતા સ્થાનિક કારીગરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને તેમણે આશા વ્યક્ત કરી છે કે તેમની પ્રતિભાને ગ્લોબલ પ્લૅટફૉર્મ મળશે. ભારતના કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આવનારા સમયમાં એક બિલ્યન ડૉલર જેટલી કિંમતનાં કોલ્હાપુરી ચંપલની એક્સપોર્ટ થઈ શકે છે.


