ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી રક્ષણ આપતું સનસ્ક્રીન લગાવતી વખતે થતી સામાન્ય ભૂલો આગળ જતાં ગંભીર પરિણામ લાવી શકે છે ત્યારે રોજિંદા જીવનમાં કેવી ભૂલો થાય છે અને એને કેવી રીતે સુધારી શકાય એ વિશે વાત કરીએ
પ્રતિકાત્મક તસવીર
ડેઇલી સ્કિનકૅર રૂટીનમાં સનસ્ક્રીન મહત્ત્વનો ભાગ ભજવે છે. સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણોથી ત્વચાને બચાવવા માટે SPF એટલે કે સનસ્ક્રીન લગાવતી વખતે અજાણતાં ઘણા કેટલીક ભૂલો કરે છે જેને કારણે એનો પાવર ઘટી જાય છે અને જોઈએ એવું રક્ષણ ત્વચાને મળતું નથી. એને લીધે સનબર્ન, પિગ્મેન્ટેશન, પ્રી-મૅચ્યોર એજિંગ જેવી સમસ્યાઓ થાય છે. ત્વચાને લાંબા ગાળે સ્વસ્થ રાખવા માટે આ ભૂલોને સમજવી અને સુધારવી મહત્ત્વપૂર્ણ છે.
આડેધડ વપરાશ
ADVERTISEMENT
સનસ્ક્રીન યોગ્ય માપ સાથે લગાવશો તો એનો ફાયદો મળશે. બે આંગળીની ફૉર્મ્યુલા અપનાવીને સનસ્ક્રીન લગાવવાની ટેવ પાડવી જોઈએ. ચહેરા અને ગરદનમાં ઓછામાં ઓછું બીજી અને ત્રીજી એમ બે આંગળી જેટલું સનસ્ક્રીન લગાવવું. જો તમે આનાથી ઓછું લગાવો છો તો એનું પ્રોટેક્શન ઘટી જાય છે. પછી તમારી SPF 50 SPF 15 જેવું કામ કરશે. ઘરની બહાર નીકળતી વખતે ન ઢંકાયેલી ત્વચા પર પણ પૂરતા પ્રમાણમાં સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. આડેધડ વપરાશને બદલે થોડી માઇન્ડફુલનેસ વાપરશો તો સનસ્ક્રીનનો ફાયદો તમને થશે.
ફરી અપ્લાય ન કરવું
ઘણા લોકો ઘરની બહાર નીકળતાં પહેલાં સનસ્ક્રીન લગાવે છે. જોકે વાસ્તવિકતા એ છે કે સનસ્ક્રીનને ત્વચામાં શોષાઈને અસરકારક થવા માટે અડધો કલાક લાગે છે અને એક વાર સનસ્ક્રીન લગાવ્યા પછી આખો દિવસ રક્ષણ મળશે એમ વિચારીને બીજી વાર લગાવતા નથી. આ માન્યતા ખોટી છે. પરસેવો, પાણી કે કપડાના ઘર્ષણથી સનસ્ક્રીનની અસરકારકતા ઓછી થતી જાય છે. તેથી ઘરની બહાર નીકળવાની ૨૦ મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવો. સૂર્યના સીધા સંપર્કમાં હો ત્યારે દર બે કલાકે સનસ્ક્રીન અપ્લાય કરવું. સ્વિમિંગ કર્યું હોય કે ખૂબ પસીનો થયો હોય તો બે કલાકના સમયની રાહ જોયા વિના તરત જ ફરીથી સનસ્ક્રીન લગાવો. મેકઅપ પર ફરીથી લગાવવા સનસ્ક્રીન પાઉડર અથવા સ્પ્રેનો ઉપયોગ કરી શકાય.
ધ્યાન રાખો
- ફાઉન્ડેશન કે કૉમ્પૅક્ટ પાઉડરમાં રહેલું SPF ત્વચાને પૂરતું પોષણ આપી શકતું ન હોવાથી SPF 30 હોય એવું સનસ્ક્રીન લગાવવું. સનસ્ક્રીનને ડાયરેક્ટ સનલાઇટમાં રાખવાને બદલે કૂલ અને ડ્રાય સ્પેસમાં રાખો.
- કાન, ગરદનનો પાછળનો ભાગ, હોઠ, હાથ અને પગના ઉપરના ભાગ પર સનસ્ક્રીન લગાવવાનું ભૂલી જતા હોય છે; પણ આ ભૂલ સુધારીને શરીરના દરેક ખુલ્લા ભાગ પર વ્યવસ્થિત સનસ્ક્રીન લગાવો. હોઠ માટે SPF 15 અથવા એનાથી વધુ હોય એવા લિપબામનો ઉપયોગ કરો.
લેયરિંગનો ખોટો ક્રમ
ત્વચાની સંભાળના રૂટીનમાં સનસ્ક્રીન ક્યારે લગાવવું એ મોટો પ્રશ્ન છે. એને અન્ય પ્રોડક્ટ્સ સાથે મિક્સ કરીને અથવા ખોટા ક્રમમાં લગાવવાથી પણ એની ઇફેક્ટ ઓછી થાય છે. સનસ્ક્રીન તમારા સ્કિનકૅર રૂટીનનું છેલ્લું સ્ટેપ હોવું જોઈએ એટલે કે મૉઇશ્ચરાઇઝર પછી અને મેકઅપ પહેલાં. એટલે પહેલાં ક્લેન્ઝર, પછી ટોનર અથવા સિરમ, પછી મૉઇશ્ચરાઇઝર પછી સનસ્ક્રીન લગાવવું અને એના પછીનું સ્ટેપ મેકઅપ હોવું જોઈએ. દરેક સ્ટેપ વચ્ચે બેથી ત્રણ મિનિટનો વિરામ લો. મૉઇશ્ચરાઇઝર સંપૂર્ણપણે શોષાઈ જાય પછી જ સનસ્ક્રીન લગાવો, જેથી એ સરખી રીતે ફેલાય અને પિલિંગ ન થાય. સનસ્ક્રીનને ફાઉન્ડેશન અથવા અન્ય ક્રીમ સાથે મિક્સ કરવાની ભૂલ પણ ન કરવી જોઈએ.
તડકામાં જ લગાવવાની ખોટી માન્યતા
ઘણા લોકો માને છે કે માત્ર આકરા તડકામાં જ સનસ્ક્રીનની જરૂર હોય છે, પરંતુ વાદળછાયા દિવસોમાં પણ ૮૦ ટકા જેટલાં UV કિરણો વાદળોમાંથી પસાર થઈને ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. વળી જો તમે ઘરની અંદર હો અને બારીમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય તો પણ ત્વચાને નુકસાન થાય છે. સૂર્યપ્રકાશ હોય કે ન હોય, શિયાળો હોય કે ઉનાળો, દરરોજ સવારે સનસ્ક્રીન લગાવવાની આદત બનાવો. જો તમે લાંબા સમય સુધી બારી પાસે બેસીને કામ કરી રહ્યા હો તો પણ SPF લગાવવાનું ન ભૂલો.


