Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કાનમાં કલાકો સુધી વાગતો અવાજ શું બંધ થઈ શકે?

કાનમાં કલાકો સુધી વાગતો અવાજ શું બંધ થઈ શકે?

Published : 11 December, 2025 01:55 PM | IST | Mumbai
Laxmi Vanita

હવે Gen Z માં ઊંચા અવાજ સંબંધી સમસ્યાઓ વધી રહી છે  - સાંભળવાની ક્ષતિ અને ટિનિટસ બન્ને વિશે ચિંતા વધી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાનમાં સતત અવાજ આવવાની ટિનિટસ તરીકે ઓળખાતી આ સમસ્યાને સામાન્ય રીતે વધતી ઉંમર સાથે સાંકળવામાં આવતી. મહિલાઓમાં મેનોપૉઝ સાથે આ સમસ્યાનો ઉમેરો થતો. હવે Gen Z માં ઊંચા અવાજ સંબંધી સમસ્યાઓ વધી રહી છે  - સાંભળવાની ક્ષતિ અને ટિનિટસ બન્ને વિશે ચિંતા વધી રહી છે. ટિનિટસને એક એવી સમસ્યા માનવામાં આવતી જે છેલ્લા શ્વાસ સુધી સાથે રહે અને વ્યક્તિમાં આ અવાજથી ચીડિયાપણું આવી જાય. હાલ આ સમસ્યાને જડથી કાઢી શકાય છે એવા અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે આ સમસ્યાને વિસ્તારથી જાણીએ

ટિનિટસ એટલે કાનમાં આવતો સતત મધ્યમ અવાજ, જે મોટા ભાગે ઘોંઘાટ કે સીટી કે ગુંજન જેવો અનુભવ કરાવે અને આજે એ વૈશ્વિક સ્તરે ખૂબ સામાન્ય બનતું જાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના અહેવાલ મુજબ વિશ્વના લગભગ ૧૪ ટકા પુખ્ત વયના લોકો, અંદાજે ૭૦થી ૭૫ કરોડ લોકો કોઈ ને કોઈ રૂપમાં ટિનિટસનો અનુભવ કરે છે. એમાંથી લગભગ બે ટકા લોકો માટે આ સમસ્યા ગંભીર બની જાય છે જેનાથી ઊંઘ, ધ્યાન, કામ કરવાની ક્ષમતા અને જીવનની ગુણવત્તા પર સીધી અસર પડે છે. કેટલાક માટે ટિનિટસ ટેમ્પરરી હોય છે, જ્યારે અનેક લોકોને એ ક્રૉનિક રૂપમાં વર્ષો સુધી સતાવતું રહે છે. ભવિષ્યમાં ટિનિટસના કેસો યુવાનોમાં વધવાની શક્યતા છે એના કારણે આ ચર્ચાનો વિષય બની રહ્યો છે. એ પણ એટલા માટે કે આ સમસ્યાનો કોઈ સંપૂર્ણ ઇલાજ નથી. તાજેતરમાં જ નેધરલૅન્ડ્સની માસ્ટ્રિચ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ ગંભીર ટિનિટસમાં ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે પણ આ ઇલાજ દરેક પ્રકારના ટિનિટસ માટે ઉપયોગમાં ન આવે. ૨૦૨૪-’૨૫ દરમિયાન એટલાંબધાં સંશોધનો થયાં છે જે દર્શાવે છે કે ટિનિટસની તીવ્રતા અને એના લીધે થતા માનસિક ત્રાસમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. તો આ સમસ્યા છે શું જે દેખાતી નથી પરંતુ એની ચિંતા સતાવે છે? નિષ્ણાત પાસેથી વિસ્તારમાં આ સમસ્યાના મૂળ અને નિરાકરણને જાણીએ.



ટિનિટસ શું છે?


ENT સ્પેશ્યલિસ્ટ અને કૅન્સર સર્જ્યન ડૉક્ટર શીતલ રાડિયા ઠક્કર કહે છે, ‘ટિનિટસ એટલે કાનમાં એક બઝિંગ કે રિન્ગિંગ કે સીટીનો અવાજ સંભળાયા કરે. આ અવાજ તમારી આસપાસ નથી હોતો તો પણ તમને સંભળાયા કરે છે. મારી પાસે ટિનિટસના મહિનાના ૩૦થી ૪૦ પેશન્ટ આવે છે અને એમાં દરેક એજ-ગ્રુપ સામેલ છે. યસ, મોટા ભાગે ૬૦ પ્લસ હોય છે પરંતુ યુવાનો અને યંગ પ્રોફેશનલ્સ પણ એમાં પાછળ નથી. એનાં ઘણાંબધાં કારણો છે. ફિઝિયોલૉજિકલ કારણોની વાત કરું તો કાનમાં વૅક્સ એટલે કે મેલ હોય, ઇન્ફેક્શન કે શરદી થઈ હોય, સાયનસ હોય, કાનમાં પડદા પાછળ નાકની શરદી જમા થતી હોય તો ટિનિટસનો અનુભવ થઈ શકે છે. એ સિવાય લાંબા સમય સુધી જ્યારે કાનને લાઉડ સાઉન્ડનું એક્સપોઝર મળ્યું હોય ત્યારે કાનની નસો નબળી પડી જતી હોય છે. ઘણી વખત આ સમસ્યા વધતી ઉંમર સંબંધિત હોય છે. કાનમાં સાંભળવા માટેના હાડકામાં કંઈક સમસ્યા આવે તો એ ટિનિટસ ટ્રિગર કરે છે. ઘણી વખત કાનના આંતરિક ડિસઑર્ડરમાં ચક્કર આવે, વૉમિટિંગ જેવું થાય અને ટિનિટસનો અનુભવ થાય છે. ભાગ્યે જ એવું બને કે કાનમાં કોઈ ટ્યુમર થયું હોય તો આ સમસ્યાનું કારણ બને છે. અમુક વખત દવાઓને કારણે જેમ કે કોઈને કીમોથેરપીની દવા ચાલતી હોય, પેઇનકિલરના એકદમ હાઈ ડોઝ લીધા હોય, ટીબી માટેની ઍન્ટિબાયોટિક સ્ટ્રૅપ્ટોમાઇસિન લીધી હોય, ઍન્ટિડિપ્રેસન્ટથી પણ આ સમસ્યા થાય છે. એ સિવાય ઊંઘની કમી, ઍન્ગ્ઝાયટી, સ્ટ્રેસ કે સતત કામની ચિંતા અને થાક રહેતાં હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે.’

ક્યારે ટિનિટસનો ઇલાજ શક્ય છે?


તો શું આ સમસ્યાથી ડરવાની જરૂર છે? એનો જવાબ આપતાં ડૉક્ટર શીતલ કહે છે, ‘પેશન્ટનું કાઉન્સેલિંગ કરવાની, તેને સમજાવવાની જરૂર રહે છે કે આ ગંભીર બીમારી નથી, કારણ કે કેટલીક વખત પેશન્ટ આ સમસ્યાની ચિંતા કરીને એને વધારે ખરાબ બનાવી દે છે. જો કોઈને કાનમાં ગાંઠ નીકળે તો વાત અલગ છે. એ કાનને લગતી ગંભીર બીમારી કહેવાય. ફિઝિયોલૉજિકલ પરિસ્થિતને કારણે સર્જાતું ટિનિટસ દૂર કરી શકાય છે. જેમ કે કાનમાંથી વૅક્સ દૂર કરો, ઇન્ફેક્શન છે તો દવાથી સારું કરો, કાનના હાડકામાં પ્રૉબ્લેમ હોય તો સર્જરીથી દૂર કરી લઈએ. સંભળાતું ઓછું થઈ ગયું છે તો એનાં કારણો જાણીને એનો ઇલાજ કરી લઈએ. મોટા ભાગે કાનની નસ નબળી થવાને કારણે સમસ્યા સર્જાય તો એનું સમાધાન ટૂંક સમયમાં થઈ જાય છે. હિયરિંગ લૉસમાં PRP એટલે કે પ્લેટલેટ-રિચ-પ્લાઝ્મા થેરપી આપવામાં આવે છે જે કાનની નસને તાકાત આપે છે અને સાંભળવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. નસની કમજોરીના કારણે જેમને ટિનિટસ છે તેમને આ થેરપીથી ઘણો ફાયદો થાય છે. એ સિવાય જે પેશન્ટ હિયરિંગ એઇડનો ઉપયોગ કરતા હોય અને તેમને કાનમાં સીટી વાગતી હોય તો હિયરિંગ એઇડમાં ફ્રીક્વન્સીના ઍડ્જસ્ટમેન્ટથી પણ રાહત આપી શકાય છે. મોટા ભાગે આ પ્રકારે ઉદ્ભવેલી સમસ્યાનું નિદાન થઈ જાય છે.’

ઇમોશનલ ટિનિટસથી ગંભીર અસર

ક્યારે ચેતવાની કે ધ્યાન આપવાની જરૂર છે? ડૉક્ટર શીતલ કહે છે, ‘ઇમોશનને કારણે જ્યારે ટિનિટસ થાય ત્યારે એ બહુ જ ખતરનાક સાબિત થાય છે. એમાં લોકો સેન્સિટિવ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય અને ટિનિટસને ગંભીર પરિસ્થિતિ માની લે ત્યારે એને દૂર કરવું લગભગ અશક્ય જેવું બની જાય છે. ગભરામણમાં ઊંઘે જ નહીં. કાનમાં સતત સીટીનો અવાજ આવ્યા કરે તો પેશન્ટ ઊંઘી પણ ન શકે. આ ચિંતા એક વિષચક્ર શરૂ કરે. ચિંતાને કારણે ટિનિટસ શરૂ થયું, ટિનિટસે ચિંતા વધારી એટલે ટિનિટસ વકર્યું એટલે આમ ગોળ-ગોળ ચાલ્યા જ કરે. એક વાત તેમના મનમાં નાખવી જરૂરી છે કે કાનનો અવાજ તમારી સાથે આજીવન રહેશે, પરંતુ તમારા શરીરને કોઈ જ નુકસાન નથી થવાનું. તેમના માઇન્ડને કન્વિન્સ કરવું પડે કે આ કોઈ ભયજનક બીમારી નથી. ઉદાહરણ આપું કે ઘણા લોકોનાં ઘર સ્ટેશનની બાજુમાં હોય તો એ લોકો ટ્રેનના અવાજથી ટેવાઈ જાય છે. એવી જ રીતે ટિનિટસના પેશન્ટને CBT (કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપી) આપવામાં આવે ત્યારે તેઓ તેમના રોજિંદા જીવનમાં ટિનિટસને સ્વીકારી લે છે. પરંતુ જો પેશન્ટની ચિંતા દૂર જ ન થતી હોય તો તેમને ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી દવા આપવામાં આવે છે જેથી પેશન્ટ પૂરતી ઊંઘ લે તો ટિનિટસ ઓછું થઈ શકે છે.’

કાયમી ટિનિટસને મૅનેજ કરવાના ઉપાયો

કાયમી ટિનિટસને દૂર ભલે ન કરી શકાય પરંતુ એને માસ્ક કરી શકાય છે એટલે કે ઓછું કરી શકાય છે. જે પંખો અવાજ કરતો હોય એની નીચે સૂઈ જાઓ તો પણ ટિનિટસના અવાજ પર ધ્યાન નહીં જાય. ઘડિયાળની ટિક-ટિકમાં પણ તમે ટિનિટસના અવાજને ભૂલી જશો. એ સિવાય લાઇફસ્ટાઇલમાં થોડો બદલાવ કરીને પણ આ સમસ્યા સાથે જીવી શકાય છે. જેમ કે કૅફીનનું સેવન ઓછું કરવું અને મેડિટેશન પર આધાર રાખવો. લાંબા સમયના આવા સ્વ-પ્રયત્ન પછી આ સમસ્યા માનસિક તાણ નથી બનતી. એ સિવાય વાઇટ નૉઇસનું કાન માટેનું એક ડિવાઇસ આપવામાં આવે છે. એની ફ્રીક્વન્સી એવી રીતે ઍડ્જસ્ટ કરવામાં આવે કે ટિનિટસનો અવાજ કાન સુધી પહોંચે જ નહીં.

આટલું ધ્યાનમાં રાખો

યુવાનો એજ્યુકેશન, ગેમિંગ અને મનોરંજનના હેતુસર સતત હેડફોનનો ઉપયોગ કરે છે જે ભવિષ્યમાં ચિંતાનો વિષય બની શકે છે. તેમના હેડફોનમાં સાઉન્ડની ફ્રીક્વન્સી એટલી લાઉડ હોય છે કે બાજુમાં બેસેલી વ્યક્તિને પણ શબ્દેશબ્દ સંભળાતો હોય છે. યુવાવયે શરીર સ્વસ્થ હોય છે એટલે કાન કેટલો ઘસાઈ ગયો છે એની જાણ પણ નથી હોતી. આ પરિસ્થિતિને સમજાવતાં ડૉ. શીતલ કહે છે, ‘હેડફોનના સતત ઉપયોગ અને લાઉડ સાઉન્ડને કારણે કાનની નસમાં કમજોરી આવે છે જે ટિનિટસ પેદા કરે છે. જેમનું પ્રોફેશન એવું છે જેમાં હેડફોનના ઉપયોગ વગર કામ થાય એમ જ નથી તેમને પણ હું સલાહ આપું છું કે તમે હેડફોનમાં જે અવાજ રાખો છો એની ઇન્ટેન્સિટી ૫૦ ટકાથી ઓછી જ રાખવી. એટલે કે ઇઅર-ફ્રેન્ડ્લી સાઉન્ડ રાખવો. દર કલાકે ૧૦ મિનિટનો બ્રેક લો જેથી આપણે ઑડિટરી ફટીગને ટાળી શકીએ. એટલે કે કાન થાકે નહીં અને ફરી હેડફોનમાં સાંભળવા માટેની એનર્જી રીસ્ટોર થાય. આવા ક્ષેત્રમાં કામ કરતા લોકોએ નિયમિત કાનની ચકાસણી પણ કરાવવી જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

11 December, 2025 01:55 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK