Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > અચાનક આવે જ્યારે પીડાઓનું પૂર

અચાનક આવે જ્યારે પીડાઓનું પૂર

Published : 11 February, 2026 02:05 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યસ, પૅનિક અટૅકની જેમ ગ્રીફ અટૅક વિશે પણ નિષ્ણાતો આજકાલ ખૂલીને વાત કરી રહ્યા છે. વધી રહેલા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝમાં ગ્રીફ અટૅક એટલે કે પીડાની લાગણી થવી એ માનસિક રોગોની શરૂઆત ગણાય છે. એને જો સમયસર સાચવી ન લેવાય તો તમે ડિપ્રેશન સુધી પહોંચી શકો છો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જેને ખૂબ પ્રેમ કર્યો, જેની સાથે જીવવા-મરવાનાં સપનાંઓ જોયાં હોય એ વ્યક્તિ કોઈ પણ કારણથી દૂર નીકળી જાય...

હૃદયની નજીક હોય એવી વ્યક્તિનું નિધન થાય...



અચાનક તમે જે કામ માટે જિંદગી આપી હોય એ કામ સાથે સંકળાયેલા લોકો તમને કિનારે કરી નાખે...


જે કંપનીમાં જાત ઘસી નાખી હોય અને તમારી પ્રામાણિકતાના દાખલા આપવા પડે એ રીતે તમે જાત જોતરી હોય ત્યાં એકાએક તમારું ડિમોશન થાય...

જે વેપાર ઊભો કરવા માટે તમે દિવસરાત જોયા વિના જાત ઘસી હોય અને ખૂબ પૈસા, ખૂબ નામ કમાયા હોય અને એ વેપારમાં નુકસાની શરૂ થાય અને એવી અવસ્થા આવે કે તમારે ઘર અને વેપાર સાથે સંકળાયેલી સંપત્તિ વેચવાનો અને સમાજમાં નાલેશી ભોગવવાનો વારો આવે...


આ દરેક સંજોગ હૃદયને છિન્નભિન્ન કરવા સમર્થ છે. આ સંજોગો હૃદયને વેતરીને પીડાનું પૂર લાવી શકે અને જો એને સમયસર દિશા ન અપાય તો એ વ્યક્તિને ડિપ્રેશન અને આપઘાત તરફ લઈ જઈ શકે. આ જ કારણ છે કે હવે મનોચિકિત્સકો ડિપ્રેશન પ્રત્યે જેટલા સભાન થયા છે એટલી જ સભાનતા હવે ડિપ્રેશનના અર્લી સ્ટેજ એટલે કે ગ્રીફ અટૅક પ્રત્યે પણ આવતી જાય છે. અંગ્રેજીમાં પીડાને ગ્રીફ કહેવાય છે અને આ પીડા જ્યારે હુમલો કરે ત્યારે જાતને સંભાળવી જરૂરી છે અને એ ન સંભાળો તો કયાં અંતિમ પરિણામો આવી શકે અને એને સંભાળવા શું કરવું વગેરે વિષય પર આજે ચર્ચા કરીએ.

ગ્રીફને સમજો

પીડાના પ્રકારો પણ છે અને પીડાની અવસ્થામાં સામાજિક સપોર્ટ સિસ્ટમનો વ્યવહાર પણ મહત્ત્વનો છે. એની વાત કરતાં ત્રીસ વર્ષનાં અનુભવી સાઇકોલૉજિસ્ટ શીતલ મહેતા કહે છે, ‘દુખને સમજાવવાની જરૂર નથી. સુખ અને દુઃખનો સરવાળો એ જ આપણું જીવન છે. જોકે કેટલાંક દુખ આપણી સહનશક્તિની બહારનાં હોય. આપણે એને હૅન્ડલ કરવામાં અસમર્થ બની જઈએ અને કાં તો એને દબાવી દઈએ અથવા એને સરન્ડર થઈને જાતને ધીમે-ધીમે ખોતા જઈએ. આ બન્ને પરિસ્થિતિ જોખમી છે. પીડાને પ્રોસેસ કરીને એને સબસ્ટિટ્યુટ આપીને યોગ્ય દિશામાં વાળવી મહત્ત્વની છે. આજની ઝડપથી દોડતી દુનિયામાં આ સભાનતા મહત્ત્વની છે અને જરૂરી પણ છે. ગ્રીફ અટૅક એટલે એવી અવસ્થા જ્યારે વ્યક્તિ અચાનક શોકમાં સરી પડે જે થવા પાછળ કોઈક નિમિત્ત હોય. કોઈક ગીત સાંભળે, કોઈક ફિલ્મ જુએ, કોઈ જગ્યાએથી પસાર થાય અને તે શોકની ગર્તામાં ડૂબતો જાય.’

પીડાના સ્ટેજ

સામાન્ય રીતે પૅનિક અટૅક જેવાં જ લક્ષણો ગ્રીફ અટૅકનાં હોય છે જેમાં વ્યક્તિને ધ્રુજારી છૂટે, પસીનો થાય, ચક્કર આવવા જેવુ લાગે. આપણા જીવનમાં આવતી પીડાના વિવિધ તબક્કાઓને એલિઝાબેથ કુબલર નામના અમેરિકન સાઇકિયાટ્રિસ્ટે પાંચ સ્ટેજમાં વિભાજિત કર્યા છે. ડિનાયલ એટલે કે પીડાનો અસ્વીકાર કરવો, ઍન્ગર એટલે કે પીડાને ગુસ્સા પાછળ છુપાવવી, બાર્ગેનિંગ એટલે કે પીડાને અન્ય કોઈ સંભાવનાઓ સાથે રિપ્લેસ કરવી, ડિપ્રેશન એટલે કે પીડાને કારણે જાત પરનો કન્ટ્રોલ ખોઈ બેસવો અને છેલ્લે ઍક્સેપ્ટન્સ એટલે કે એનો સ્વીકાર કરવો. સામાન્ય રીતે દરેક વ્યક્તિની પીડા આ પાંચેય સ્ટેજમાંથી અથવા પાંચમાંથી જુદા-જુદા સ્ટેજમાંથી પસાર થતી હોય છે. કોઈ પીડામાંથી સીધું ડિપ્રેશનમાં જાય તો કોઈકની પીડા ઍન્ગરમાં જ કન્વર્ટ થઈને રહે. કોઈક પીડાને કારણે ક્યારેક બાર્ગેનિંગ સ્ટેજમાં પહોંચે જ નહીં અને ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી સીધો સુસાઇડલ સ્ટેજ પર જ પહોંચે. અહીં શીતલ મહેતા કહે છે, ‘દરેક વ્યક્તિની ઇમોશનલ સ્ટેટ જુદી હોય છે. કોઈક વ્યક્તિ અમુક મોટો ઝટકો સ્વીકારી જ ન શકે. કોઈ પ્રિયજનનું ડેથ ઘણા લોકો માટે ડિનાયલમાં જ રહે. હવે એ વ્યક્તિ નથી એ વાત તેમનું માઇન્ડ સ્વીકારવા જ તૈયાર ન થાય. એક મારી પેશન્ટ હતી જેનાં સેકન્ડ મૅરેજ થયાં અને બન્ને હૅપીલી મૅરિડ હતાં. લગ્નનાં બે જ વર્ષ થયા હતાં અને કપલ ફરવા ગયું. તેઓ ત્યાંથી રિટર્ન થઈ રહ્યાં હતાં અને ઍરપોર્ટ પહોંચતાં પહેલાં જ હસબન્ડને અટૅક આવ્યો અને કૉલેપ્સ થઈ ગયો. એ પત્ની આજ સુધી તેની ગેરહાજરીને સ્વીકારી નથી શકી. જરાક વાત થાય અને રડી પડે છે. તેને હવે તે નથી એ માનવું જ નથી. કોઈક વળી પીડા સાથે એ ઍન્ગરમાં હોય કે શું કામ? મારી જ સાથે શું કામ આવું થયું? એક મહિલાની સાત વર્ષની દીકરી ગુજરી ગઈ. ભયંકર પેઇનમાં પણ તેને ભગવાન માટે ગુસ્સો હતો કે શું કામ તેમણે મારી સાથે આવું કર્યું. ઍન્ગર સાથેની એ પીડા એ સ્તર પર પહોંચી કે તેણે જાતને જ ખતમ કરી નાખી. કોઈક માટે ઇમોશનને પ્રોસેસ કરવાની સાથે આખી વાતને ઊંચા ધ્યેય સાથે જોડી દેવાની માનસિક અવસ્થા કેળવાય જેને બાર્ગેનિંગ કહેવાય. જેમ કે મારી પાસે એક પેશન્ટ હતી જેનો દીકરો મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાતો હતો અને ૧૭ વર્ષની ઉંમરે ગુજરી ગયો. ૪૪ વર્ષની એ માતા ખૂબ દુખી થઈ પણ પછી તેણે આ કામને પર્પઝ બનાવી લીધું અને આ બીમારી ધરાવતાં બાળકોના પેરન્ટ્સનું કાઉન્સેલિંગ શરૂ કર્યું. એને લગતા કોર્સ કર્યા. આજે તેઓ ઑસ્ટ્રેલિયામાં એક સેન્ટરમાં જોડાઈ ગયાં છે. ક્યારેક વ્યક્તિ આ બધાં જ સ્ટેજમાં ઝોલાં ખાતી હોય. થોડીક વાર માટે ઍક્સેપ્ટ કરે, ફરી ગુસ્સો કરે, ફરી ડિપ્રેશનમાં હોય.’

આ સંજોગો વધુ ટફ હોય

અચાનક કોઈક પ્રિયજનનું મૃત્યુ થવું એ પીડામાં વ્યક્તિ પાસે ફૅમિલી અને સમાજના લોકોની એક સપોર્ટ સિસ્ટમ હોય છે એટલે તેનું એમાંથી બહાર આવવું કદાચ સંભવ થાય પરંતુ આર્થિક અથવા પ્રોફેશનલ ડાઉનફૉલ સાથે આવતી પીડાને પચાવવી ખૂબ અઘરી પડી જાય છે. શીતલ મહેતા કહે છે, ‘ધારો કે તમને જૉબમાં ડિમોશન મળ્યું અથવા તમને કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તમારો સપોર્ટ કરનારા લોકો બહાર ખૂબ જ ઓછા હોય છે. તમારું સેલ્ફ-એસ્ટીમ ભાંગી પડે, સોસાયટીમાં તમે લોકોની ટીકાનો શિકાર બનો, તમે ફાઇનૅન્શિયલ સ્ટ્રેઇનમાં હો. આ પરિસ્થિતિમાં વ્યક્તિ જે પીડામાંથી પસાર થતી હોય છે એને ટૅકલ કરવાનું તેના માટે ખૂબ અઘરું બનતું હોય છે. ખૂબ નામ ધરાવતી વ્યક્તિને ધંધામાં નુકસાન થાય અને રાતોરાત કરોડપતિમાંથી રોડપતિ બની જાય ત્યારે મળતી પીડા ઘણા લોકો નથી સહી શકતા અને સુસાઇડ તરફ ખેંચાયા હોય એવા કિસ્સા આપણે જોયા અને સાંભળ્યા છે. સંજોગો બદલાતા રહેતા હોય અને આજે નુકસાન થયું છે તો કાલે નફો પણ થશે આ પ્રકારનું રૅશનલ થિન્કિંગ તેમની પીડા તેમની પાસેથી છીનવી લે છે અને એટલે જ આવા સમયે એક્સપર્ટ દ્વારા તેમને ગાઇડન્સ મળે અને વિવિધ થેરપી સાથે તેમનું કાઉન્સેલિંગ થાય એ ખૂબ જરૂરી છે. ધારો કે એ વ્યક્તિ એ સ્ટેટમાં ન હોય તો તેની સાથે તેના પરિવારજનો પણ કાઉન્સેલર પાસેથી અમુક સારી થેરપી સમજીને પ્રિયજનને એનાથી થોડીક રાહત આપીને પછી કાઉન્સેલર પાસે લઈને આવે તો એ પણ એક મોટી હેલ્પ થઈ શકે. પીડાને પચાવવી અઘરી છે અને એમાં પણ અત્યારના ફાસ્ટ ફૉર્વર્ડ વિશ્વમાં જ્યાં સહનશક્તિ ઘટી રહી છે ત્યારે પીડામાંથી જ અનેક નવી અને મોટી માનસિક બીમારીઓ આવી શકે છે ત્યારે એને સભાનતા સાથે ટૅકલ કરતાં શીખવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 02:05 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK