જો પોટૅશિયમ કે કૅલ્શિયમ વધી જાય તો કિડની એના પ્રમાણને બૅલૅન્સ કરીને યુરિન વાટે એના વધારાના પ્રમાણને બહાર કાઢશે, જેથી તમને પથરી ન થાય.’
પ્રતીકાત્મક તસવીર
આજની અનહેલ્ધી લાઇફસ્ટાઇલને જોતાં આયુર્વેદ અને ઍલોપથી સ્વમૂત્ર પીવાની સ્ટ્રિક્ટ્લી ના પાડે છે, પણ નૅચરોપથીનો મત થોડો જુદો છે. એ યુરિન થેરપીમાં માને છે, કારણ કે સવારનું પહેલું સ્વમૂત્ર હેલ્થના ઘણા ફાયદાઓ આપે છે, પણ એ ત્યારે જ આપે છે જ્યારે ડાયટ અને લાઇફસ્ટાઇલ એના નિયમોને આધીન હોય
હાલમાં જ પીઢ અભિનેતા પરેશ રાવલે એવો ખુલાસો કર્યો હતો કે ‘જ્યારે હું રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ઘાતક’નું શૂટિંગ કરી રહ્યો હતો એ દરમિયાન મને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન અજય દેવગનના પિતા વીરુ દેવગને મને કહ્યું કે તું સવારનું પહેલું સ્વમૂત્ર પી જોજે, રિકવરી જલદી થશે કારણ કે એ ગુણકારી છે. મને થયું કે યુરિન કઈ રીતે ગુણકારી હોઈ શકે? તેમ છતાં મેં તેમની વાત માની અને ૧૫ દિવસ સુધી મેં મારા યુરિનને બિઅરની જેમ પીધું. તમે માનશો નહીં, અઢી મહિના સુધી હૉસ્પિટલમાં રાખવાના હતા પણ મારા બોન્સની રિકવરી ફાસ્ટ થતાં દોઢ મહિનામાં જ મને ડિસ્ચાર્જ મળી ગયો. મારા માટે આ ચમત્કારિક અનુભવ હતો.’
ADVERTISEMENT
પરેશ રાવલે યુરિન વિશે કરેલા આ અજીબ દાવા બાદ ‘આશિકી’ ફિલ્મથી લોકપ્રિય થયેલી અભિનેત્રી અનુ અગરવાલે પણ યુરિન પીવાના ફાયદા જણાવતાં કહ્યું હતું, ‘ઘણા લોકોને ખબર નથી પણ યુરિન પીવાથી સ્કિન યંગ રહે છે. એ ઍન્ટિ-એજિંગ પ્રોસેસને ધીમી કરે છે અને ફેસ પર કરચલીઓને પણ આવતાં રોકે છે. સ્વમૂત્ર પીવાની આ પ્રક્રિયાને હઠયોગમાં આમરોલી મુદ્રા કહેવાય અને મેં આ ટ્રાય કર્યું છે અને રિઝલ્ટ પણ સારું મળ્યું છે.’
શિવામ્બુ એટલે કે સ્વમૂત્ર ચિકિત્સાનો કન્સેપ્ટ આમ તો જૂની વાત છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ આ ચિકિત્સા-પદ્ધતિના સૌથી જાણીતા પ્રચારક હતા. જોકે પરેશ રાવલનો તાજેતરનો કિસ્સો વાઇરલ થયો એને પગલે કેટલાક અૅલોપથિક ડૉક્ટરોએ આ વૈકલ્પિક ચિકિત્સા-પદ્ધતિને જોખમી ગણાવીને એની સામે લાલ બત્તી ધરી. આવા સંજોગોમાં સ્વમૂત્ર ચિકિત્સાની બહુ આયામી છણાવટ જરૂરી બની જાય છે.
વેસ્ટ પ્રોડક્ટને શરીરમાં પાછી શા માટે નાખવી?
હીરાનંદાની હૉસ્પિટલમાં કાર્યરત અને પચાસથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂકેલાં કિડની સ્પેશ્યલિસ્ટ ડૉ. ઋજુ ગાલા કહે છે, ‘સૌથી પહેલી વાત તો એ છે કે પોતાનું યુરિન પીવાથી કરવાથી શરીરને ફાયદાઓ મળે છે એવું મેડિકલી પ્રૂવ થયું નથી અને એના વૈજ્ઞાનિક પુરાવા પણ નથી. યુરિન એટલે શરીરમાંથી નીકળતાં ઝેરી બૅક્ટેરિયા અને હાનિકારક તત્ત્વો. એને શરીરની વેસ્ટ પ્રોડક્ટ પણ કહેવાય. અત્યારે ખાણીપીણી પણ પહેલાં જેવી પ્યૉર રહી નથી. ફૂડ-પ્રોડક્ટ્સની શેલ્ફ-લાઇફ વધારવા માટે કેમિકલ અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થતો હોય છે. આ કેમિકલ બૉડીમાં જાય છે અને કિડની એને ફિલ્ટર કરે છે અને યુરિનમાં એ કેમિકલ્સ ટૉક્સિન્સ સાથે નીકળી જાય છે. જો કિડનીના દરદીઓ યુરિન પીએ તો એને ઇન્ફેક્શન તો થાય જ છે અને સાથે કિડની સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. યુરિન પીવાથી તૂટેલાં હાડકાં સાજાં થઈ જાય અને ત્વચામાં ગ્લો વધે એવા દાવાઓ ઍબ્સલ્યુટ્લી પોકળ છે. અત્યારે મેડિકલ ક્ષેત્રે ઘણો વિકાસ થઈ રહ્યો છે. દરેક બીમારી માટે શ્રેષ્ઠ ઉપચાર-પદ્ધતિ અને દવાઓ ઉપલબ્ધ છે તો શરીરે કાઢેલો કચરો પાછો શરીરમાં નાખીને એના સરળ ફંક્શનિંગમાં ખલેલ શું કામ પાડવી છે? પહેલાંના જમાનાના લોકોની રહેણીકરણી અને ખાણીપીણી બહુ જ શુદ્ધ હતી ત્યારે દવા તરીકે તેઓ સ્વમૂત્ર પીતા હતા. એ ટેક્નિકને શિવામ્બુ ટેક્નિક કહેવાય છે પણ અત્યારના સમયમાં આવું કરવું એટલે શરીરને નુકસાન પહોંચાડવું ગણાશે.’
યુરિનની ક્વૉલિટી અને એને શા માટે ન પીવું જોઈએ એ વિશે સમજાવતાં ડૉ. ઋજુ કહે છે, ‘અત્યારના લોકોનું યુરિન બિલકુલ શુદ્ધ નથી. પ્રદૂષણ, બીમારીઓમાં સાજા થવા માટે લેવાતી દવાઓ, જન્ક ફૂડનું સેવન અને ધૂમ્રપાન-આલ્કોહોલનું વ્યસન જેવાં ઘણાં પરિબળો છે જે તમારા યુરિનને વધુ ટૉક્સિક બનાવે છે. ત્વચા અને શ્વાસથી શરીરમાં જતાં કેમિકલ્સ અને ખોરાક, આ ત્રણ રૂટથી કેમિકલ્સ અને પેસ્ટિસાઇડ્સ શરીરમાં જાય છે અને કિડની અને લિવર એને ફિલ્ટર કરીને યુરિન વાટે બહાર કાઢે છે. ઘણી વાર પથરી હોય અથવા ઇન્ટરનલ ઇન્ફેક્શન કે ઇન્ફ્લમેશન એટલે કે સોજા હોય તો એમાંથી પણ કેમિકલ રિલીઝ થતાં હોય છે. જો પોટૅશિયમ કે કૅલ્શિયમ વધી જાય તો કિડની એના પ્રમાણને બૅલૅન્સ કરીને યુરિન વાટે એના વધારાના પ્રમાણને બહાર કાઢશે, જેથી તમને પથરી ન થાય.’
સાઇડ-ઇફેક્ટ્સ તો છે જ
યુરિન પીવાથી શરીરમાં થતી સાઇડ-ઇફેક્ટ્સ વિશે વાત કરતાં ડૉ. ઋજુ કહે છે, ‘શરીર યુરિનને ફ્લશ-આઉટ કરે અને જો તમે એ જ યુરિનને પીઓ એ શરીરની ઇન્ટરનલ સિસ્ટમના સંતુલનને બગાડવાનું કામ કરશે. કિડનીનું કામ ઍસિડને બૅલૅન્સ કરવાનું પણ છે. યુરિનમાં ઍસિડનું પ્રમાણ વધુ હોય છે તેથી એની પ્રકૃતિ ઍસિડિક હોય છે. એને ગ્રહણ કરવાથી આ ઍસિડ ફરીથી શરીરમાં ઠલવાશે અને કિડનીએ એક વાર કરેલું કામ પહેલાં કરતાં બમણી મહેનત સાથે વધુ કરવું પડશે. યુરિન પીવાના ફાયદાઓ તો ખબર નથી, પણ નુકસાન છે એ ખબર છે. એ પાચન તંત્રને નબળું પાડશે અને રોગપ્રતિકારક શક્તિને પણ ધીરે-ધીરે ઘટાડશે. આ ઉપરાંત યુરિનમાં બૅક્ટેરિયા હોવાથી ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધે જ છે. જે લોકો કહે છે કે યુરિન પીવાથી શરીર ડીટૉક્સ થઈ જાય છે તો આ પણ એક ભ્રમ જ છે. આ પ્રક્રિયા શરીરના નૅચરલ ડીટૉક્સિફિકેશન વિરુદ્ધ છે. યુરિન ઝેરી છે એવું તો ન કહી શકાય, કારણ કે અત્યાર સુધી એવા કોઈ કેસ નથી આવ્યા કે યુરિન પીવાથી કોઈનો જીવ જોખમમાં મુકાયો, પણ એ નુકસાનકર્તા છે એ તો ચોક્કસ કહી શકાય.’
શું કહે છે આયુર્વેદ?
આયુર્વેદ ક્ષેત્રે એક દાયકા કરતાં વધુનો અનુભવ ધરાવતાં બોરીવલીનાં ડૉ. હેતા શાહ પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે, ‘સામાન્યપણે આયુર્વેદમાં મૂત્રનું વર્ણન છે એમાં ફક્ત ગાયના મૂત્રને ગુણકારી ગણાવાયું છે અને એમાં પણ અત્યારે ગાય કઈ છે અને કેટલું પ્યૉર ખાય છે એ જાણ્યા બાદ મૂત્રની પ્યૉરિટી ચકાસી શકાય છે, પણ સ્વમૂત્ર પીવાની સલાહ આયુર્વેદ આપતું નથી. પરેશ રાવલે જે દાવો કર્યો છે એમાં તેમના સાજા થવામાં ફક્ત મૂત્રનું જ યોગદાન નહોતું, તેમની દવાઓ અને એ પ્રમાણેની ડાયટ પણ ચાલતાં હતાં. તેથી ૧૫ દિવસમાં તેમની ઈજામાં રૂઝ આવી ગઈ એવું નથી. પહેલાંના જમાનામાં ખાનપાન, પવિત્રતા અને જીવનશૈલી શુદ્ધ અને સાત્ત્વિક હતાં. તેથી એ સમયે સ્વમૂત્ર દવાની જેમ કામ કરતું હતું, પણ એ સમયની અને અત્યારની જીવનશૈલીમાં આકાશ-પાતાળનો તફાવત છે. અત્યારે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ડાયટમાં પણ વધારે જન્ક ફૂડ ખવાય છે. એમાંથી કિડની અને લિવર ટૉક્નિક્સ અલગ કરે અને એ ટૉક્સિન્સ યુરિન વાટે નીકળે છે. યુરિનમાંથી અૅમોનિયમ, નાઇટ્રાઇટ, વધારાનું પોટૅશિયમ, કૅલ્શિયમ, યુરિક ઍસિડ અને યુરિયા જેવાં ટૉક્સિન્સ નીકળે છે. આ ટૉક્નિક્સ ઉપયોગી ન થતા હોવાથી બૉડી એને શરીરમાંથી ફ્લશ કરે છે અને એને આપણે પાછાં પીએ તો એનો કોઈ અર્થ જ નથી, ઊલટાનું આપણે કિડનીના કામનો લોડ વધારવાનું કામ કરી રહ્યા છીએ. એ અગ્નિતત્ત્વને ખરાબ કરશે એટલે પાચન સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવશે, યુરિન પીવાથી એમાં રહેલા બૅક્ટેરિયા અને બીજાં હાનિકારક તત્ત્વો રક્તધાતુ એટલે કે લોહીને અશુદ્ધ કરશે અને લાંબા ગાળા સુધી યુરિન પીવાથી કિડની ડૅમેજ થવાની પણ શક્યતાઓ રહેલી છે.’
શિવામ્બુ ચિકિત્સામાં માને છે નૅચરોપથી
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં છેલ્લાં આઠ વર્ષથી નૅચરોપથી ક્લિનિકનું સંચાલન કરતાં ડૉ. ફાલ્ગુની શાહ યુરિન થેરપીને ફાયદાકારક ગણાવે છે. નૅચરોપથી એટલે કે નિસર્ગોપચાર અનુસાર કેટલાક નિયમોને આધીન ડાયટ અને લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવામાં આવે તો સ્વમૂત્ર શરીરને ફાયદાઓ આપે છે એમ જણાવતાં ડૉ. ફાલ્ગુની કહે છે, ‘આ યુરિન થેરપીને પહેલાં શિવામ્બુ ચિકિત્સા કહેવાતી. શિવામ્બુ એટલે માનવ શરીરમાંથી નીકળતું શિવ સમાન અમૃત જળ. શિવ એટલે પવિત્ર અને અમ્બુ એટલે જળ. ઋષિમુનિઓ દીર્ઘાયુ પ્રાપ્ત કરતા હતા એમાં શિવામ્બુ ચિકિત્સા પણ સામેલ હતી. તેમણે લખેલા ગ્રંથોમાં આ પ્રકારની ચિકિત્સા પદ્ધતિનો ઉલ્લેખ છે. ડામર તંત્ર નામનો ગ્રંથ છે એમાં શિવામ્બુ વિશે વિસ્તારમાં વર્ણન કર્યું છે. પાર્વતી માતાએ શંકર ભગવાનને દીર્ઘાયુ અને સૌંદર્યને જાળવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ એવો પ્રશ્ન કર્યો ત્યારે શંકર ભગવાને સ્વમૂત્ર ચિકિત્સા કઈ રીતે કરવી અને એ ચિકિત્સા કરવા પહેલાં શું ખાવું અને કેટલા દિવસ સુધી કરવી એ જણાવ્યું એનું વર્ણન ડામર તંત્રમાં થયેલું છે. તેથી લાંબા આયુષ્ય માટે યુરિન થેરપી થતી એટલે કે સ્વમૂત્ર પિવાતું હતું. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ પણ શિવામ્બુ ચિકિત્સા કરતા હતા. પરેશ રાવલ અને અનુ અગરવાલ જેવા ઘણા લોકો યુરિન થેરપીમાં માને છે, પણ હવે સમય તદ્દન જુદો છે. અત્યારે કોઈ પણ ડૉક્ટર યુરિન ચિકિત્સા રેકમન્ડ નહીં કરે. ત્વચા સંબંધિત સમસ્યાઓ, કૅન્સર, કિડની અને લિવર સંબંધિત સમસ્યાઓ કે યુરિન સંબંધિત બીમારી કે ઇન્ફેક્શન હોય તો આ ચિકિત્સા ન કરવી જોઈએ. આ કરવા પહેલાં બૉડીને એ પ્રમાણે તૈયાર કરવી પડે છે. એમાં ત્રણ દિવસનું કમ્પ્લીટ ફાસ્ટિંગ એટલે ફક્ત પાણી પર જ રહેવાનું અને બૉડીના ઇન્ટરનલ ક્લેન્ઝિંગ માટે અમે ડિઝાઇન કરેલો ડાયટ ચાર્ટ આપીએ. ડાયટમાં મોટા ભાગે ગ્રીન વેજિટેબલ જૂસનો સમાવેશ થાય, પણ વ્યક્તિની
હેલ્થ-કન્ડિશનને આધારે અમે તેમની ડાયટમાં ફેરફાર કરીએ. તમારું યુરિન ટૉક્સિન-ફ્રી હશે તો એ શરીરને ફાયદાઓ ચોક્કસ આપશે, પણ અત્યારે લાઇફસ્ટાઇલ જ એટલી અનહેલ્ધી છે કે યુરિનમાં ટૉક્સિન હોય છે. આપણા વિચારો પણ શરીરમાં ટૉક્સિન્સ પેદા કરે છે અને આ જ કારણ છે કે ડૉક્ટર્સ હવે શિવામ્બુ ચિકિત્સાની સલાહ આપતા નથી. બધા જ લોકો આ થેરપી કરી શકે નહીં અને જેને કરવી હોય તેણે ઓછામાં ઓછો પખવાડિયાનો સમય ફાળવવો પડે.’
યુરિન થેરપીના ફાયદા
યુરિન થેરપીના ફાયદા જણાવતાં ડૉ. ફાલ્ગુની કહે છે, ‘ઇન્ટરનલ ક્લેન્ઝિંગ થયા બાદ સવારનું જે પહેલું મૂત્ર આવે એ શિવામ્બુ એટલે કે પવિત્ર હશે. એ આર્થ્રાઇટિસ અને સંધિવાત જેવી હાડકાને લગતી સમસ્યામાં મદદરૂપ છે. આ ઉપરાંત સોરાયસિસ, ઑલ્ઝાઇમર્સ અને ત્વચા સંબંધિત બધી જ સમસ્યાઓમાં એ કારગર સાબિત થાય છે. ડાયાબેટિક લોકોને પણ આ યુરિન ફાયદો આપે છે કારણ કે એ પૅન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડના સેલ્સને ઍક્ટિવ કરે છે. ઘણા લોકો યુરિન ફેસ પર પણ અપ્લાય કરતા હોય છે. એ પિમ્પલ્સ, ડાર્ક સ્પૉટ્સ અને પિગમેન્ટેશન્સને દૂર કરવાનું કામ કરે છે. ઘણા લોકોને ચશ્માં હોય તો આંખોમાં યુરિનનાં ડ્રૉપ્સ નાખવામાં આવે તો ચશ્માંના નંબર ઓછા થાય છે અને આંખો સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.’
યુરિનમાં હોય છે આ હાનિકારક તત્ત્વો
યુરિયા: આ એક નાઇટ્રોજન કમ્પાઉન્ડ છે. એ પ્રમાણ કરતાં વધુ જમા થાય તો શરીર એને પેશાબ વાટે બહાર કાઢે છે.
ક્રીઆટનીન : મસલ્સ અને મેટાબોલિઝમનો જમા થયેલો કચરો એટલે ક્રીઆટનીન. એનું પ્રમાણ વધવાથી કિડનીના કાર્યમાં વિક્ષેપ પડે છે અને એની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે. એ પણ શરીરમાં અતિ થાય તો બૉડી એને ફ્લશ-આઉટ કરે છે.
યુરિક ઍસિડ : યુરિક ઍસિડનું પ્રમાણ વધવાથી શરીરમાં પથરી અને આર્થ્રાઇટિસની સમસ્યા થાય છે. તેથી એનું પ્રમાણ શરીરમાં ન વધે એ જ સારું.
સોડિયમ: શરીરમાં સોડિયમ એટલે કે મીઠાનું પ્રમાણ વધી જાય તો એ પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આ સાથે ઘણા લોકો નાની-મોટી બીમારીઓની દવા લેતા હોય છે. એમાંથી પણ વધારાના કૅલ્શિયમ અને દવામાંથી રિલીઝ થતાં કેમિકલ્સ વધતાં કિડનીની સાથે લિવરનાં ફંક્શન્સ પર પણ લોડ વધી જાય છે.
માથામાં યુરિન લગાવવાથી વાળ વાઇટ નથી થયા : હર્ષદ ઝાલા
મીરા રોડમાં રહેતા ૬૦ વર્ષના હર્ષદ ઝાલા રિયલ એસ્ટેટ એજેન્ટ છે. તેઓ છેલ્લાં ૩૫ વર્ષથી યુરિન થેરપીનો પ્રયોગ તેમના રૂટીનમાં કરે છે. આ મામલે વાત કરતાં તેઓ જણાવે છે, ‘હું ૧૯૯૦થી યુરિનનો ઉપયોગ મારી સ્કિન અને હેર પર કરું છું. મેં ‘માનવ મૂત્ર’ નામનું એક પુસ્તક જોયું હતું એમાં સ્વમૂત્રને પીવા અને સ્કિન પર લગાવવાથી થતા ફાયદાઓ અને ઉપયોગની પદ્ધતિઓનું વર્ણન થયેલું હતું. હું એ પુસ્તક વાંચીને પ્રભાવિત થઈ ગયો અને ૧૯૯૦થી મેં સવારનું પહેલું સ્વમૂત્ર પીવાનું શરૂ કર્યું. થોડા સમય સુધી આ પ્રયોગ કર્યો ત્યારે મને થોડું ફ્રેશ ફીલ થવા લાગ્યું અને તકલીફો ઓછી થવા લાગી હતી. જોકે એની સાથે હું હેરવૉશ પહેલાં માથામાં યુરિન લગાવતો અને આ જ કારણ છે કે ૬૦ વર્ષની ઉંમરે પણ મારા વાળ સફેદ થયા નથી. એને આંખોમાં આંજવાથી મોતિયો પણ આવતો નથી. મને પર્સનલી યુરિન થેરપીના ઘણા ફાયદાઓ મળ્યા છે. લોકો મને મારા કાળા વાળનું સીક્રેટ પૂછે તો હું યુરિન થેરપી જ સજેસ્ટ કરું છું. મારા ઘરમાં હું દરરોજ માથામાં લગાવું અને મારા ઘરના સભ્યો ઓકેઝનલી કરે.’
મારી સ્કિનની સમસ્યા દૂર થઈ ગઈ : હર્ષા ગણાત્રા
ઘાટકોપરમાં રહેતાં ૫૦ વર્ષનાં ગૃહિણી હર્ષા ગણાત્રા પણ યુરિન થેરપીમાં છેલ્લાં પચીસ વર્ષથી માને છે. તેમના અનુભવો શૅર કરતાં જણાવે છે, ‘મારી સ્કિન બહુ સૉફ્ટ અને બેદાગ હતી, પણ એક વાર બહુ જ પીડાદાયક પિમ્પલ થયું અને એ જાય જ નહીં. એ પિમ્પલની આસપાસ નાનાં-મોટાં પિમ્પલ્સ થઈ રહ્યાં હતાં અને સ્કિન પર એ સ્પ્રેડ થઈ રહ્યાં હતાં. મેં ઘણા ડૉક્ટર્સને દેખાડ્યું. તેમની દવાઓ પણ મારી સ્કિન પર અસર કરે નહીં, પણ એક વખત સ્વમૂત્ર પીવાના ફાયદાઓ વિશે છપાયેલા પુસ્તક પર મારી નજર પડી. મેં વાંચ્યું પણ પોતાના પર પ્રયોગ કરવામાં મન માનતું નહોતું. જોકે મારી મમ્મીએ કહ્યું કે એક વાર તું ટ્રાય કરી જો. તો મેં પોતાની જાતને કન્વિન્સ કરીને એ પીવાની હિંમત કરી. પહેલા બે-ત્રણ દિવસ તો થોડું ઑડ લાગ્યું પણ પછી એ રૂટીનનો હિસ્સો બની ગયું. મેં મારી સ્કિનના ઉપચાર માટે ૧૬ દિવસ સુધી યુરિનને ચહેરા પર લગાવ્યું અને મને સારું પરિણામ મળ્યું. એ પિમ્પલ જતું રહ્યું ત્યારથી મેં એને જરૂર પડ્યે ચહેરા પર લગાવવાનું અને પીવાનું ચાલુ રાખ્યું. મારા હસબન્ડ પણ બીમાર પડ્યા હતા ત્યારે યુરિન પીધું હતું. તેમને પણ ફાયદો થયો હતો. હું અને મારાં મમ્મી રેગ્યુલરલી યુરિન થેરપી લઈએ છીએ. બહુ જ ઓછા લોકોને ખબર હશે કે સ્વમૂત્ર પિત્તશામક પણ છે. પિત્ત હોય અને યુરિન પીવામાં આવે તો ઊલટી થઈને બધું જ પિત્ત નીકળી જશે અને પેટમાં શાંતિ થશે. સવારનું પહેલું જ મૂત્ર દવાનું કામ કરે. એને ૧૨ કલાક સુધી સ્ટોર કરી શકાય અને જરૂર પડે ત્યારે હું પણ આ રીતે સ્ટોર કરીને રાખું છું.’
અત્યારે ખાણીપીણી પહેલાં જેવી પ્યૉર નથી. ફૂડ-પ્રોડક્ટ્સની શેલ્ફ-લાઇફ વધારવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે. આ કેમિકલ બૉડી જાય પછી કિડની એને ફિલ્ટર કરે છે અને યુરિન સાથે નીકળી જાય છે. જો કિડનીના દરદીઓ યુરિન પીએ તો એને ઇન્ફેક્શન સાથે કિડની સંબંધિત સમસ્યાઓ વધે છે. - ડૉ. ઋજુ ગાલા, કિડની સ્પેશ્યલિસ્ટ

