જોકે ઘણા લોકોને એનો આઇડિયા નથી કે ઇર્રેગ્યુલર રિલૅક્સેશન એટલે કે કયારેક બહુ જ કામ કરવું અને ક્યારેક ફક્ત આરામ જ કરવાની આદતથી પણ માઇગ્રેન ટ્રિગર થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
જનરલી એમ કહેવાય કે વધુપડતું સ્ટ્રેસ લેવાથી માઇગ્રેનનો દુખાવો વધી જાય, પણ અચાનકથી વધુ પડતા રિલૅક્સ થઈ જવા પર પણ માઇગ્રેન ટ્રિગર થઈ શકે છે. મેડિકલ ટર્મમાં આને વીક-એન્ડ માઇગ્રેન કહેવાય છે.
ઘણા લોકોને માઇગ્રેનનો દુખાવો રહેતો હોય છે. સામાન્ય રીતે એ માથાના અડધા ભાગમાં અનુભવાય છે, પણ કેટલીક વાર એ આખા માથામાં ફેલાય છે. માઇગ્રેનનો દુખાવો તીવ્ર અને અસહ્ય હોય છે. એમાં પણ સ્ટ્રેસને માઇગ્રેનનું સૌથી કૉમન ટ્રિગર માનવામાં આવે છે. આ વાત લગભગ બધાને ખબર હશે. જોકે ઘણા લોકોને એનો આઇડિયા નથી કે ઇર્રેગ્યુલર રિલૅક્સેશન એટલે કે કયારેક બહુ જ કામ કરવું અને ક્યારેક ફક્ત આરામ જ કરવાની આદતથી પણ માઇગ્રેન ટ્રિગર થઈ શકે છે.
ADVERTISEMENT
કેવી રીતે રિલૅક્સેશન માઇગ્રેન ટ્રિગર કરે?
જ્યારે ઑફિસમાં તમારો સોમવારથી શુક્રવારનો સમય એકદમ સ્ટ્રેસફુલ રહ્યો હોય અને વીક-એન્ડ આવતાં જ તમે એકદમ રિલૅક્સ ફીલ કરો તો તમારા શરીરમાં સ્ટ્રેસ હૉર્મોનનું પ્રમાણ ઘટે છે. હૉર્મોનમાં આવેલા આ અચાનક બદલાવને કારણે માઇગ્રેન ટ્રિગર થઈ શકે.
ઘણી વાર વીક-એન્ડમાં લોકો રાત્રે મોડેથી સૂવે છે અને સવારે મોડે સુધી સૂતા રહે છે. એને કારણે બૉડીની ઇન્ટરનલ ક્લૉક ડિસ્ટર્બ થઈ જાય છે, જે માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે.
રૂટીન ચેન્જ થવાથી જેમ કે રેગ્યુલર ખાવાનો સમય, એક્સરસાઇઝ કરવાનો સમય, સૂવાનો સમય કે કોઈ એવી રેગ્યુલર ઍક્ટિવિટીનું શેડ્યુલ બગડે ત્યારે પણ એ માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે.
એનાથી બચવાના ઉપાય
વીક-એન્ડમાં પણ સૂવાનું અને ઊઠવાનું રૂટીન બનાવી રાખો. જો દરરોજ તમે સાત વાગ્યે ઊઠતા હો તો રજાના દિવસે આઠ-સાડાઆઠ વાગ્યે ઊઠો તો ચાલે, પણ સાવ અગિયાર-બાર વાગ્યે ઊઠવાનું ટાળો.
રજાના દિવસે પણ સમયસર બ્રેકફાસ્ટ અને લંચ કરો. રિલૅક્સ મોડમાં ઘણી વાર લોકો સવારનો બ્રેકફાસ્ટ સ્કિપ કરી દેતા હોય છે અને બપોરે જ્યારે કકડતી ભૂખ લાગે ત્યારે જરૂરિયાતથી વધારે ખાઈ લેતા હોય છે. તો આવું કરવાનું ટાળવું જોઈએ.
રજાના દિવસે ઍક્ટિવ રેસ્ટ કરો. એટલે કે તમે આરામ કરો, પણ આખો દિવસ બેડ કે સોફા પર આળોટતા રહેવાનું ટાળો. દિવસમાં અડધો કલાક યોગ-મેડિટેશન કે હળવી કસરત કરવાનું રાખો.
વીક-એન્ડ પર લાંબો સમય સુધી મોબાઇલમાં વેબ-સિરીઝ, મૂવી જોવાનું, ગેમિંગ રમવાનું ટાળો. આ એક ફેક રિલૅક્સેશન છે, જે દિમાગને થકવવાનું કામ કરે છે. એની જગ્યાએ તમે સારું મ્યુઝિક સાંભળો, પુસ્તકો વાંચો.

