સોશ્યલ મીડિયા પર આજકાલ ઝીરો ગ્રૅવિટી સ્લીપિંગ ટ્રેન્ડમાં છે. એમાં ખાસ પ્રકારની સ્લીપિંગ પોઝિશન અપનાવવાથી નસકોરાં, કમરનો દુખાવો અને ઍસિડિટી ગાયબ કરવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે આ વાઇરલ ટ્રેન્ડ વિશે એક્સપર્ટનું શું કહેવું છે એ જાણીએ
પ્રતીકાત્મક તસવીર
વિચારો કે તમે રાત્રે પલંગ પર સૂઓ અને સીધા અંતરીક્ષમાં પહોંચી જાઓ. આ કોઈ સપનાની દુનિયાની વાત નથી, પણ આજકાલ સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડની વાત છે. જો તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર સ્ક્રોલ કરતા હોવ, તો તમને એક નવો શબ્દ વારંવાર ભટકાયો હશે - ઝીરો ગ્રૅવિટી સ્લીપિંગ પોઝિશન. વેલનેસ ઇન્ફ્લુએન્સર્સ અને રીલ્સ બનાવનારાઓ તો આનાં એવાં વખાણ કરી રહ્યા છે, પણ પ્રશ્ન એ થાય કે પલંગ પર સૂઈને આવી અંતરિક્ષ જેવી ફીલિંગ કેવી રીતે આવે? અને શું આ ખરેખર કોઈ સાયન્ટિફિક વાત છે કે પછી માત્ર માર્કેટિંગ સ્ટન્ટ? જાણીતાં ડેન્ટલ સ્લીપ મેડિસિન સ્પેશ્યલિસ્ટ ડૉ. માનસી સોઢા મેવાડા પાસેથી આ ટ્રેન્ડ, એની પાછળનું સાયન્સ અને ખરેખર એ અપનાવવા યોગ્ય છે કે નહીં એ વિગતવાર સમજીએ.
NASA સાથે કનેક્શન
ADVERTISEMENT
ઝીરો ગ્રૅવિટી શબ્દ કોઈ પલંગ કે ગાદલાં બનાવતી કંપનીઓએ રાતોરાત માર્કેટિંગ માટે નથી શોધ્યો. આ કન્સેપ્ટ ૭૦ના દાયકામાં નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)ના સ્કાયલૅબ પ્રોગ્રામ દરમિયાન સામે આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જોયું કે જ્યારે પણ અવકાશયાત્રીઓ સ્પેસમાં એકદમ રિલૅક્સ મૂડમાં હોય છે, ત્યારે તેમનું શરીર આપોઆપ એક ખાસ પોઝિશન પકડી લે છે, જેને વિજ્ઞાનની ભાષામાં ન્યુટ્રલ બૉડી પૉશ્ચર કહેવાય છે.
પૃથ્વી પર આપણે ટટ્ટાર બેસવું કે સીધા સૂવું પડે છે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને સતત નીચે તરફ ખેંચે છે. જ્યારે આપણે સામાન્ય સપાટ પલંગ પર સૂઈએ છીએ, ત્યારે આપણા શરીરના અમુક ભાગો, જેમ કે લોઅર બૅક અને ગરદન પર આ ગુરુત્વાકર્ષણને કારણે સતત દબાણ રહે છે, પરંતુ જ્યારે પૃથ્વી પર આપણે સ્પેસની આ સ્થિતિનું અનુકરણ કરીને માથું અને પગ સહેજ ઊંચા રાખીએ છીએ, ત્યારે શરીરનું વજન પલંગ પર એકસરખું વહેંચાઈ જાય છે. પરિણામે, શરીર પર પોતાના જ વજનનો જે ભાર વર્તાય છે તે નહીંવત્ થઈ જાય છે તેથી જ આને ઝીરો ગ્રૅવિટી કહે છે. ફિઝિયોલૉજીની દૃષ્ટિએ આને શરીર પર ઓછું દબાણ લાવતી સ્થિતિઓમાંની એક માનવામાં આવે છે. ગર્ભાશયમાં પણ બાળકની આ પ્રકારની સ્થિતિ હોય છે, જે તેના શરીર પરનું દબાણ ઓછું કરવામાં મદદરૂપ બને છે.
આ પોઝિશનના ફાયદા
જ્યારે આપણે પલંગ પર ચત્તા એટલે કે સીધા સૂઈએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણને લીધે ગળાના સ્નાયુઓ અને જીભ પાછળ તરફ નમે છે. આનાથી શ્વાસની નળી સાંકડી થાય છે અને આને કારણે નસકોરાંની સમસ્યા રહેતી હોય છે. ઝીરો ગ્રૅવિટી પોઝિશનમાં માથું સહેજ ઊંચું રહેતું હોવાથી ગળાની શ્વાસનળી ખુલ્લી રહે છે, ઑક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે અને વારંવાર ઊંઘ ઊડી જવાની સમસ્યા બંધ થઈ શકે છે.
આ ઉપરાંત હેક્ટિક અને ખરાબ લાઇફસ્ટાઇલને લીધે મોડી રાત્રે તીખું-તળેલું ખાવાને કારણે રાતે પેટનો ઍસિડ અન્નનળીમાં ઉપર આવે છે, જેથી છાતીમાં બળતરા થાય છે. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ આ પોઝિશનમાં માથું અને ધડ ઊંચું હોવાથી પેટનો એસિડ ઉપર આવવાની શક્યતા ઘટે છે અને રાહત મળી શકે છે. જેમને આવી સમસ્યા છાશવારે થતી હોય છે એમને એવી ખોટી ધારણા બિલકુલ નહીં રાખવી કે હું આ રીતે સૂઈશ તો બધું સારું થશે. આ સહાયક ટ્રીટમેન્ટ તરીકે કામ કરશે, મેઇન ટ્રીટમેન્ટ તરીકે નહીં. તેથી જે દવાઓ ચાલુ હોય એ ચાલુ રાખવી હિતાવહ છે.
સપાટ પલંગ પર સૂતી વખતે લોઅર બૅકના સ્નાયુઓ પર સ્ટ્રેસ આવતો હોય છે. ઝીરો ગ્રૅવિટીમાં ઘૂંટણ સહેજ વળેલા હોવાથી કમરના મણકા પરનું દબાણ ઘટે છે, જે પીઠ કે કમરના લાંબા સમયના દુખાવાથી પીડાતા લોકોને રાહત આપી શકે છે.
ઝીરો ગ્રૅવિટી પોઝિશનમાં પગ હૃદયના સ્તર કરતાં સહેજ ઊંચા હોવાથી પગની નસો પરનું દબાણ ઘટે છે અને લોહી પાછું હૃદય તરફ સરળતાથી ફ્લો થાય છે. જે લોકોને આખો દિવસ ઊભા રહેવાને કારણે પગમાં સોજા આવી જતા હોય તેમને આનાથી બહુ જલદી આરામ મળી શકે છે.
સાવચેતી રાખવી પણ જરૂરી
ઝીરો ગ્રૅવિટી દરેક વ્યક્તિ માટે ઇલાજ નથી. ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓમાં, ખાસ કરીને 30 અઠવાડિયાં પછી પીઠના બળે સીધા સૂવાથી ગર્ભાશય અને બાળકના વજનને કારણે મુખ્ય રક્તવાહિનીઓ અને નસો પર દબાણ આવે છે, જેનાથી બાળક સુધી ઑક્સિજન ઓછો પહોંચી શકે છે. તેથી ગર્ભવતી મહિલાઓએ ડાબા પડખે સૂવું જ હિતાવહ છે. જે લોકોને પડખું ફરીને કે ઊંધા સૂવાની ટેવ છે, તેઓ આ પોઝિશનમાં ક્યારેય આરામથી સૂઈ શકશે નહીં અને તેમની ઊંઘ બગડી શકે છે અને લાંબા ગાળે કમરના દુખાવાની તકલીફ થશે. ઍસિડિટી કે સ્લીપ ઍપ્નિયા માટે આ એક સપોર્ટિવ સિસ્ટમ છે, તેનાથી બીમારી જડમૂળથી મટી જતી નથી. જો સમસ્યા વધારે હોય તો મેડિકલ ટ્રીટમેન્ટ જરૂરી છે.
તકિયાનો દેશી જુગાડ
આજકાલ માર્કેટમાં આ પોઝિશનનો લાભ લેવા માટે ખૂબ જ મોંઘા રિમોટ કન્ટ્રોલવાળા ઍડજસ્ટેબલ સ્માર્ટ બેડ વેચાઈ રહ્યા છે. બટન દબાવો એટલે ગાદલું આપોઆપ માથા અને પગના ભાગેથી ઊંચું થઈ જાય છે, પરંતુ મિડલ ક્લાસ ફૅમિલીને આના માટે ખિસ્સું ખાલી કરવાની કે આંધળો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. આ માટે તમે દેશી જુગાડ અપનાવી શકો છો. તમારા માથા નીચે વેજ પિલ્લો મૂકો, જે માત્ર ગરદનને જ નહીં, પરંતુ તમારી પીઠના ઉપરના ભાગને પણ સહેજ સપોર્ટ આપીને ઊંચો રાખે. આવા પ્રકારના ઓશીકાને પિરામિડ પિલ્લો પણ કહેવાય. તમારા બંને ઘૂંટણની નીચે બે મધ્યમ સાઇઝનાં ઓશીકાં અથવા એક સરસ ગોળ તકિયો મૂકી દો. આનાથી તમારા પગ સહેજ ઉપર ઊઠશે અને ઘૂંટણ કુદરતી રીતે જ વળેલા રહેશે. આ રીતે તમે સામાન્ય પલંગ પર પણ ઝીરો ગ્રૅવિટી જેવી સ્થિતિનો અમુક અંશે અનુભવ મેળવી શકો છો.
આ ટ્રેન્ડ ફૉલો કરવો કે નહીં?
ઇન્ટરનેટના કોઈ પણ વેલનેસ ટ્રેન્ડ પાછળ આંખો બંધ કરીને દોડવાની કોઈ જરૂર નથી. જો તમને ઊંઘને લગતી કોઈ ગંભીર શારીરિક સમસ્યા નથી, તો તમે જે પોઝિશનમાં પડખું ફરીને કે સીધા સૂઈને ૭થી ૮ કલાકની ગાઢ ઊંઘ લઈ શકો, એ જ તમારા માટે ઉત્તમ સ્લીપિંગ પોઝિશન છે. જો તમને કમરના અસહ્ય દુખાવા, ઍસિડિટી કે નસકોરાંની સમસ્યા હોય તો ઓશીકાના જુગાડવાળો આ પ્રયોગ એકાદ અઠવાડિયા માટે અજમાવી જુઓ. જો શરીર આ નવી સ્થિતિને અનુકૂળ ગણે તો જ આ સ્પેસ એજ પૉશ્ચરને તમારી લાઇફસ્ટાઇલનો હિસ્સો બનાવો.
