આ વાંચીને તમને થોડું અજુગતું ભલે લાગે, પણ આ વાત ૧૦૦ ટકા સાચી છે. આપણે સારા બનવાના ચક્કરમાં ઘણી વાર પોતાની જાત સાથે ખૂબ મોટો અન્યાય કરતા હોઈએ છીએ. સારા બનવાની આ આદત આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ઘણી હદે નુકસાન પહોંચાડતી હોય છે.
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં જ અભિનેતા વિકી કૌશલે કહ્યું હતું, ‘બીઇંગ નાઇસ ઇઝ લિટલ ટૂ ઓવરરેટેડ. દરેક વખતે સારા જ બનવું જરૂરી નથી. મહત્ત્વનું એ છે કે દરેક વ્યક્તિ પોતાની જાત સાથે સાચી રહે. મોટી સમસ્યા એ જ છે કે લોકો જેવા છે એવા રહેવા નથી માગતા. લોકો કંઈક અલગ બનવાનો પ્રયત્ન કરે છે. તેમણે હંમેશાં સાંભળ્યું છે કે સારા બનવું સારી વાત છે. મને લાગે છે કે સારા બનવા કરતાં આ ક્ષણે તમને કેવું લાગે છે એ લાગણી અનુભવવી જરૂરી છે. નાઇસ બનવાનું પ્રેશર કે કોઈ પણ પ્રકારના સામાજિક દબાણ વગર તમે એ ઇમોશનને પ્રોસેસ કરી શકો એ ક્ષમતા તમારી પાસે હોવી જોઈએ.’
એવામાં આજે આપણે ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં સાઇકોલૉજિસ્ટ તેજલ કારિયા પાસેથી તેમના જ શબ્દોમાં એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે લોકો હંમેશાં બધા સામે સારા બનવાનું દબાણ અનુભવે છે, શા માટે તેઓ પોતાની સાચી લાગણીઓને દબાવીને રાખે છે, કઈ રીતે સારા બનવાની આદત આપણા શરીરને અંદરથી કોરી ખાય છે, કઈ રીતે એમાંથી બહાર નીકળવું.
ADVERTISEMENT
કેમ સારા બનવાનું આટલું પ્રેશર?
લોકો હંમેશાં સારા બનવાનું દબાણ અનુભવે એની પાછળ અનેક સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણો રહેલાં છે. આપણાં ઘરો અને શાળાઓમાં આજ્ઞાકારી અને શાંત બાળકોને જ સારા બાળક તરીકે બિરદાવવામાં આવે છે. આનાથી બાળકોને એવો અનુભવ થાય છે કે જો તેઓ ગુસ્સો કરશે કે રડશે તો તેમને પ્રેમ નહીં મળે. એને કારણે તેઓ પોતાની સાચી લાગણીઓને દબાવીને માત્ર બીજાને ગમે તેવું વર્તન કરવાની આદત પાડી દે છે. મોટા થઈને આ આદત પીપલ પ્લીઝિંગમાં ફેરવાય છે. ઘણા લોકો માટે કોઈની સાથે દલીલ કરવી કે અસંમત થવું ખૂબ તનાવભર્યું હોય છે. એટલે એ લોકો એમ વિચારે કે જો હું તેની સાથે સંમત થઈ જઈશ તો ઝઘડો ટળશે અને શાંતિ જળવાશે. આ નાઇસનેસ લાંબા ગાળે મોંઘી પડતી હોય છે કારણ કે આનાથી બહાર તો શાંતિ જળવાઈ રહેશે, પણ તમારી અંદર યુદ્ધ ચાલતું રહેશે. ઘણા લોકો ગુડ પર્સનની છબી જાળવી રાખવા માટે દર વખતે સારા બનવાનો ઢોંગ કરતા રહે છે. આપણે આપણી એક એવી છબી બનાવી લીધી હોય છે કે હું તો કયારેય ગુસ્સો નથી કરતો કે હું તો હંમેશાં બધાની મદદ કરતો હોઉં છું. હવે આ છબીને જાળવી રાખવા માટે આપણે આપણી સાચી લાગણીઓ જેમ કે ઇરિટેશન કે થાકને છુપાવતા હોઈએ છીએ. સારા બનવાના દબાણનું એક કારણ સામાજિક સ્વીકૃતિની ભૂખ પણ છે. માણસ એક સામાજિક પ્રાણી છે. ઉત્ક્રાન્તિના સમયથી જ આપણને એવું શિખવાડવામાં આવ્યું છે કે આપણે ટોળા સાથે સુમેળ સાધીશું તો સુરક્ષિત રહીશું. જો આપણે આપણી સાચી વાત કહીશું અતવા કોઈ સાથે અસંમત થઈશું તો લોકો આપણે નકારી દેશે અથવા આપણો ત્યાગ કરશે એવો ભય હંમેશાં રહેલો હોય છે. એટલે આપણે સ્વીકૃતિ મેળવવા માટે સારા બનવાનું નાટક કરીએ છીએ.
નાઇસ બનવાનું કેટલું ભારે પડે?
લાગણીઓને દબાવવી એ એક પ્રકારે પ્રેશર કુકર જેવું છે જેમાં વરાળ અંદર જમા થતી રહી છે અને છેવટે એ વિસ્ફોટ કરે છે. આ દબાયેલી લાગણીઓ માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. આપણામાં ઇમોશનલ નમ્બનેસ એટલે કે લાગણીઓ પ્રત્યેની શૂન્યતા આવે છે. જ્યારે આપણે આપણી લાગણીઓને લાંબા સમય સુધી દબાવી રાખીએ ત્યારે આપણું મન ધીમે-ધીમે બધી જ લાગણીઓને અનુભવવાનું બંધ કરી દે છે. આના કારણે તમે પછીથી ખુશી કે ઉત્સાહ પણ અનુભવી શકતા નથી. દબાયેલી લાગણીઓ ક્યાંય જતી નથી, એ મનના ઊંડાણમાં જમા થતી રહે છે. એ સતત અજંપો, ચિંતા અને ઉદાસીનું કારણ બને છે. જ્યારે તમે બધું જ અંદર ભરી રાખો છો ત્યારે નાની એવી વાતમાં પણ તમે અચાનક કોઈના પર જોરથી ગુસ્સે થઈ જાઓ છો અથવા રડવા માંડો છો. જે નાઇસનેસ તમે જાળવવા માગતા હતા એ આ એક વિસ્ફોટથી બગડી જાય છે. જ્યારે મન દબાયેલી લાગણીઓ સાથે લડવામાં વ્યસ્ત હોય ત્યારે એ ફોકસ કરી શકતું નથી. આના કારણે તમે નાના નિર્ણયો લેવામાં પણ મૂંઝવણ અનુભવો છો અને માનસિક થાક અનુભવાય છે. તમે બહારથી સારા બનો છો, પણ અંદરથી તમે એ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો કે કડવાશ અનુભવો છો. એ પૅસિવ અગ્રેસિવ વર્તન સંબધોને ખોખલા કરી નાખે છે.
ઘણી વાર મનનો બોજ શરીર પર અસર કરે છે. મનોવિજ્ઞાનમાં આને સોમેટિક એક્સપ્રેશન કહેવાય છે. જ્યારે આપણે ગુસ્સો, ડર કે ચિંતા દબાવીએ છીએ ત્યારે આપણું શરીર અજાણતાં જ ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં આવી જાય છે. આપણે આપણા સ્નાયુઓને સખત કરી લઈએ છીએ. ખાસ કરીને જડબાં, ગરદન, ખભા અને પીઠના નીચેના ભાગમાં સ્નાયુઓ સતત ખેંચાયેલા રહે છે. લાંબા ગાળે ખેંચાણ ક્રૉનિક પેઇન અથવા સ્લિપ્ડ ડિસ્ક જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. નાઇસ બનવાના દબાણમાં આપણે આપણી અકળામણ વ્યક્ત કરી શકતા નથી, જેના કારણે શરીરમાં કૉર્ટિઝોલ નામના સ્ટ્રેસ હૉર્મોનનું સ્તર સતત ઊંચું રહે છે. આનાથી હૃદયના ધબકારા વધે છે અને બ્લડપ્રેશર ઊંચું જાય છે. સતત લાગણીઓ દબાવનારા લોકોમાં હૃદયરોગનો ખતરો વધી જાય છે. આપણા આંતરડાને બીજું મગજ કહેવાય છે. એટલે માનસિક તાણની સૌથી પહેલી અસર આપણા પાચન પર પડે છે. જે લોકો પોતાની લાગણીઓ પ્રોસેસ નથી કરી શકતા તેમને એસિડિટી, ગૅસ, કબજિયાત અથવા ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ જેવી તકલીફો વારંવાર થાય છે. જે લોકો હંમેશાં પોતાની સાચી લાગણીઓ દબાવે છે તેમની રોગ સામે લડવાની શક્તિ પણ ઘટી જાય છે. આવા લોકો વારંવાર બીમાર પડે છે, તેમને ઇન્ફેક્શન જલદી લાગે છે અને ઘા રૂઝાતાં પણ વાર લાગે છે. જ્યારે તમે આખો દિવસ સારા બનવાનો ઢોંગ કરો છો ત્યારે તમારું મગજ ખૂબ થાકી જાય છે. ઊંઘમાં ખલેલ પહોંચે છે. થાક અને અશક્તિનો અનુભવ થાય છે.
આ આદત કઈ રીતે છોડશો?
સૌથી પહેલાં તો સ્માર્ટ્લી ‘ના’ પાડતાં શીખો. જેમ કે તમે કોઈ કામ માટે ઘસીને ના પાડવા કરતાં એમ કહી શકો કે તમે આ કામ માટે મને યાદ કર્યો એટલે આભાર, પણ હું બીજા કામમાં વ્યસ્ત હોવાથી આ કામ માટે સમય નહીં ફાળવી શકું પણ ભવિષ્યમાં સમય મળશે તો ચોક્કસ કામ કરીશ. ઘણી વાર આપણે કોઈને ના પાડીએ ત્યારે ઘણાંબધાં બહાનાંઓ આપવા માંડીએ, જેનાથી સામેવાળી વ્યક્તિને દલીલ કરવાની તક મળી જાય. એટલે ઘણી વાર ફક્ત એટલું કહેવું કે હું આ કામ નહીં કરી શકું, મને આશા કે તમે મને સમજશો. આટલું કહેવું પૂરતું હોય છે. ઘણી વાર લોકો ઉતાવળમાં હા પાડી દેતા હોય છે. એવા સમયે તમે એમ કહીને સમય માગી શકો કે તમારી વાત સાચી છે, પણ હું ઉતાવળે નિર્ણય લેવા નથી માગતો. સાંજ સુધીમાં હું તમને જણાવીશ એમ કહી શકો. આનાથી તમને વિચારવાનો સમય મળશે.
જ્યારે તમે વર્ષો પછી પહેલી વાર કોઈને ના કહેશો તો ત્યારે તમને અંદરથી ખૂબ ખરાબ લાગશે. તમને લાગશે કે તમે ખૂબ સ્વાર્થી છો. અપરાધભાવ ઓછો કરવો એ આખી પ્રક્રિયાનો સૌથી અઘરો ભાગ છે. વર્ષોથી બીજાને ખુશ કરવા ટેવાયેલા હો ત્યારે પોતાની જાતને પ્રાથમિકતા આપવી સ્વાર્થ જેવું લાગે છે. અહીં સ્વાર્થ અને સેલ્ફ-પ્રાયોરિટી વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. સ્વાર્થ એટલે બીજાનું નુકસાન કરીને પોતાનો ફાયદો કરવો, જ્યારે સેલ્ફ-પ્રાયોરિટી એટલે પોતાની જાતને પ્રાથમિકતા આપવી. સારા બનવાનું છોડવાનો અર્થ એ નથી કે તમે કોઈ સાથે તોછડાઈ કરવાનું શરૂ કરી દો. તમારી વાતમાં હૂંફ, નમ્રતા રાખો પણ તમારા નિર્ણયોમાં મક્કમતા રાખો. કોઈની સાથે ખરાબ વર્તન કર્યા વગર પણ તમે તમારી વાત પર અડગ રહી શકો છો.
લોકો તમારી સાથે એવું જ વર્તન કરશે જેવું વર્તન કરવાની તમે તેમને છૂટ આપશો. જો તમે હંમેશાં નાઇસ બનીને દરેક વાતમાં હા પાડશો તો શરૂઆતમાં લોકો તમારી પ્રશંસા કરશે, પણ ધીમે-ધીમે તેઓ તમારા નિર્ણયની કદર કરવાનું બંધ કરી દેશે. તેમને લાગશે કે આને તો ગમે ત્યારે કહીશું તો તે ના નહીં પાડે. આ સ્થિતિ તમને એક એવી વ્યક્તિ બનાવી દે છે જેને લોકો ટેકન ફૉર ગ્રાન્ટેડ (ગણતરીમાં ન લેવી) લેવા માંડે છે. જો તમે ક્યારેય જેન્યુઇન કારણસર ના પાડશો તો પણ લોકો એને ગંભીરતાથી નહીં લે. તેઓ તમને મૅનિપ્યુલેટ કરવાનો પ્રયત્ન કરશે કારણ કે તમે તેમને તમારી મર્યાદાઓ ક્યારેય બતાવી જ નથી. ગ્રુપમાં કે ફૅમિલીમાં તમારી પસંદ-નાપસંદ પૂછવાનું લોકો બંધ કરી દેશે, કારણ કે તેમને ખબર છે કે તમે તો ગમેતેમાં ઍડ્જસ્ટ થઈ જશો. એટલે બાઉન્ડરી સેટ કરવી ખૂબ જરૂરી છે.


